Home તાજા સમાચાર gujrati રૂપાલા વિવાદ : મતદાન તો થઈ ગયું, હવે ક્ષત્રિય સમાજ શું કરશે?

રૂપાલા વિવાદ : મતદાન તો થઈ ગયું, હવે ક્ષત્રિય સમાજ શું કરશે?

1
0

Source : BBC NEWS

ગુજરાત ક્ષત્રિય આંદોલન

ઇમેજ સ્રોત, PARSHOTTAM RUPALA / FACEBOOK/bbc

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચાર જૂને પરિણામ જાહેર થશે. આ ચૂંટણીમાં સૌથી વધુ મુદ્દો ‘પરશોત્તમ રૂપાલાના વિવાદ’નો રહ્યો અને હવે ગુજરાતનો ક્ષત્રિય સમાજ હવે શું કરશે એની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

તો લોકસભા ચૂંટણીના મતદાનના બીજા દિવસે ભાજપના રાજકોટના ઉમેદવાર અને દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલાએ ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માગી છે.

તેમણે પત્રકારપરિષદમાં કહ્યું કે “આ સમય મારા સમગ્ર જીવનમાં સૌથી વધુ પીડાદાયક રહ્યો. આખી ઘટનાનું કેન્દ્રબિન્દુ હું હતો. મારા લીધે આખી પાર્ટીને સહન કરવું પડ્યું એનો હું જાહેરમાં સ્વીકાર કરું છું.”

તેમણે કહ્યું કે “મારા લીધે ક્ષત્રિય સમાજના લોકોની લાગણી દુભાઈ છે, આજે હું સમગ્ર ક્ષત્રિય સમાજની નમ્રતાપૂર્વક માફી માગું છું.”

  • લેેખક, ભાર્ગવ પરીખ
  • પદ, બીબીસી ગુજરાતી માટે
  • 8 મે 2024, 15:05 IST

    અપડેટેડ 51 મિનિટ પહેલા

ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી, જે પૂરી ન થતાં સમાજે આખા ગુજરાતમાં ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો અને ચૂંટણીમાં ‘ભાજપ વિરુદ્ધ મતદાન’નું એલાન કર્યું હતું.

જોકે પરશોત્તમ રૂપાલાના આ નિવેદન દરમિયાન ગુજરાતના ક્ષત્રિય સમાજે હવે નવી રણનીતિ અપનાવી છે.

લોકસભા ચૂંટણી પછીની વ્યૂહરચના શું હશે?

ગુજરાત ક્ષત્રિય આંદોલન

ઇમેજ સ્રોત, bipin tankaria

ક્ષત્રિય સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાનો દાવો છે કે “ભાજપ ગુજરાતમાં 6 બેઠકો પર હારશે.”

ક્ષત્રિય સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં મતદાનની વ્યૂહરચના પર કહ્યું કે “અમે એક વૉર રૂમ બનાવ્યો હતો, જેમાં માઇક્રો મૅનેજમૅન્ટ કરીને ક્ષત્રિયોનું પ્રભુત્વ ધરાવતી બેઠકોમાં ક્ષત્રિય અસ્મિતા સૈનિક સમિતિ અન્ય સમાજનો પણ સંપર્ક કર્યો હતો જેમાં અમને ડેટા મળ્યો છે. એ પ્રમાણે હવે ચૂંટણી પછી ક્ષત્રિય આંદોલન પાર્ટ-3 ચાલુ કરવામાં આવશે.”

“જેમાં અન્ય સમાજના લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. સમાજના અન્ય વર્ગ સાથે મળીને અમે એક ફેડરેશન બનાવીશું. સામાન્ય લોકોની સમસ્યાઓને લઈ એમના હક્કની વાત કરીશું.”

તો ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “ચૂંટણી પહેલાં ક્ષત્રિય સમાજની સરકાર સાથે બેઠકો થઈ હતી, એમાં સરકારે સમાધાનની કેટલીક ફૉર્મ્યુલા આપી હતી. જેમ કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે રાજાઓનું સ્મારક, ક્ષત્રિયોને સરકાર અને સંગઠનમાં હોદ્દા જેવી અનેક વાતો કરી હતી, પણ અમારી અસ્મિતાનો સવાલ હતો એટલે અમે સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ તમામ મુદ્દાઓ પર ચટણી પછી ચર્ચા કરીશું.”

“અમે પરશોત્તમ રૂપાલાને ટિકિટ નહીં આપવાની વાત કરી હતી, છતાં એમણે અમારી વાત ન માની એટલે ચૂંટણીનાં પરિણામો બાદ ક્ષત્રિય આંદોલન પાર્ટ-3માં આગળની રણનીતિ તૈયાર કરીશું.”

ક્ષત્રિય સમાજ આગામી દિવસોમાં શું કરવા માગે છે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કરણસિંહ ચાવડા કહે છે કે “ક્ષત્રિય આંદોલન પાર્ટ-3માં ગુજરાતમાં જે અન્ય સમાજોએ અમને ટેકો આપ્યો છે એવા સમાજના ઉત્થાનની વાત લઈને લડીશું, જેમ કે વિધવા સહાય યોજનામાં મહિને માત્ર 1250 વધારી 5000 રૂપિયા કરવા, સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે રજવાડાંઓનું મ્યુઝિયમ બનાવવું, શિક્ષણમાં સહાય ઉપરાંત ચૂંટણી પહેલાં ક્ષત્રિયોને સરકાર અને સંગઠનમાં સ્થાન આપવાની વાત હતી એ મજબૂત કરવી. ઉપરાંત અમારી ક્ષત્રિય અસ્મિતા સૈનિક સેનાએ એકઠા કરેલા ડેટા પરથી સમાજના અન્ય વર્ગોને કેમ મદદ થાય એ દિશામાં લડતનું આયોજન કરશે.”

કરણસિંહ ચાવડા કહે છે, “અમને માત્ર ક્ષત્રિય સમાજે મદદ નથી કરી, અમને બીજા બે મોટા સમાજે પણ મદદ કરી છે ત્યારે ક્ષત્રિય તરીકે અમારી ફરજ બને છે કે અમે એમની સમસ્યાઓનો ઉકેલ લાવીએ, એટલે ટૂંક સમયમાં એક ફેડરેશન બનાવીને અન્ય સમાજની સમસ્યો માટે પણ લડત લડીશું.”

તો ક્ષત્રિય સમાજના અગ્રણી નવઘણજી વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “ક્ષત્રિયનો ધર્મ છે કે બીજા માટે લડવું, એટલે અમે ફેડરેશનમાં અન્ય સમાજને સાથે રાખીને જે લોકોને ‘સરકારી જડ નિયમો’ને કારણે યોજનાઓનો લાભ નથી મળતો એ તમામ લોકોને ફેડરેશન થકી મદદ કરીશું અને અમારી લડત ચાલુ રહેશે.”

તેમણે કહ્યું કે તેમને સરકારી હોદ્દામાં કોઈ રસ નથી.

ક્ષત્રિય આંદોલનની ગુજરાતના રાજકારણ પર શું અસર પડશે?

ગુજરાત ક્ષત્રિય આંદોલન

ઇમેજ સ્રોત, Getty Images

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડ્યા છે એટલે ચૂંટણીમાં વોટ વહેંચાઈ ગયા. શરૂઆતમાં લાગતું હતું કે ઘણી બેઠકો પર ભાજપને મુશ્કેલી પડશે, પણ એવું નહીં થાય, કારણ કે ક્ષત્રિય સમાજ પટેલ જેવો સંગઠિત નથી અને એની વોટ બૅન્ક પણ મોટી નથી, પણ આવનારા દિવસોની સ્થાનિક ચૂંટણીમાં એની મોટી અસર થશે એમાં કોઈ બે મત નથી.”

શાહે વધુમાં કહ્યું કે 2015ની ચૂંટણીમાં પટેલ, દલિત અને ઓબીસી આંદોલન પછી સ્થાનિક ચૂંટણી મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વગેરેમાં અસર થઈ હતી અને 2017માં એ અસર જોવા મળી હતી પણ ક્ષત્રિય આંદોલન લીડ ઘટાડી શકશે, લોકસભાની ચૂંટણીમાં મોટો ફરક નહીં પાડી શકે.

તો વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાનો મત અલગ છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે “ક્ષત્રિય આંદોલનની સૌરાષ્ટ્રમાં વધુ અસર જોવા મળશે. સુરેન્દ્રનગર, જામનગર ઉપરાંત આણંદની બેઠકમાં ક્ષત્રિયનું સારું વોટિંગ થયું છે, જેમાં અસર થશે. સુરેન્દ્રનગર અને આણંદમાં કૉંગ્રેસને ફાયદો મળશે, ઉત્તર ગુજરાતમાં ફાંટા પડ્યા છે એટલે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કેટલો ફાયદો થાય છે એ કહેવાય નહીં.”

ક્ષત્રિયોને મનાવવા ભાજપ શું કરશે?

ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું છે કે નહીં એ મતપેટી ખૂલે એટલે ખબર પડશે. ક્ષત્રિય સમાજને કોઈ એક વ્યક્તિ સામે નારાજગી હોય તો એ દૂર કરવા ભાજપે પ્રયાસ કર્યો છે, પણ આ સમાજ એવો છે કે જેને બલિદાનો આપ્યાં છે એટલે દેશહિતમાં જ રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.”

“આમ છતાં ક્ષત્રિયોની નારાજગી હશે તો ભાજપ એમની નારાજગી દૂર કરવા પૂરતા પ્રયાસ કરશે, કારણ કે ભાજપ તમામ સમાજને સાથે લઈને ચાલવાવાળો છે. એમની નારાજગી અમે દૂર કરીશું.”

બીબીસી

SOURCE : BBC NEWS