Home તાજા સમાચાર gujrati પરશોત્તમ રૂપાલાએ લોકસભાની ચૂંટણીના મતદાન બાદ ફરીથી ક્ષત્રિયોની માફી માગી

પરશોત્તમ રૂપાલાએ લોકસભાની ચૂંટણીના મતદાન બાદ ફરીથી ક્ષત્રિયોની માફી માગી

1
0

Source : BBC NEWS

લોકસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, Parshottam Rupala fb

8 મે 2024, 11:12 IST

અપડેટેડ 11 મિનિટ પહેલા

રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ મુદ્દે કરાયેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિયોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને રૂપાલાનો મોટા પાયે વિરોધ કરાયો હતો.

ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમ દરમિયાન તેમના ભાષણનો એક વીડિયો વાઇરલ થયો હતો જેને લઈને ભારે વિવાદ થયો. એવામાં રાજકોટ બેઠક પર મતદાન યોજાઈ ગયા બાદ પરશોત્તમ રૂપાલાએ પત્રકારપરિષદ યોજીને ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માગી છે.

રૂપાલાએ કહ્યું હતું, “આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું.”

તેમણે એવું પણ ઉમેર્યું હતું કે તેમનું આ રાજકીય નિવેદન નથી અને કહ્યું હતું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઘટના અંગે સાંભળવું પડ્યું હશે. હું ક્ષત્રિય સમાજને વિનંતી કરવાના મતનો છું. મારા લીધે મારા સાથીઓને પણ સહન કરવવું પડ્યું એ બદલ પણ હું દિલગીર છું.”

લોકસભા ચૂંટણી દરમિયાન પરશોત્તમ રૂપાલાનો વિવાદ

લોકસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, Parshottam Rupala fb

નોંધનીય છે કે એમના કથિત વિવાદાસ્પદ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, “ભારતમાં અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. એ સમયે મહારાજાય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા પણ મારા રુખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો.”

ત્યાર બાદ પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય-રાજપૂત સમાજે વિરોધ શરૂ કર્યો હતો. તેમનું કહેવું હતું કે ‘રોટી-બેટી જેવા શબ્દો વાપરીને મહારાજાઓ અને ક્ષત્રિય સમાજની દીકરીઓનું તેમણે અપમાન કર્યું હતું.’

ક્ષત્રિય સમાજે એક તરફ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ચાલુ રાખીને ઉપવાસ, સંમેલનોનું આયોજન કર્યું હતું. તો બીજી તરફ ભાજપે પણ નમતું જોખ્યું નહોતું. જોકે, પરશોત્તમ રૂપાલાએ ઘણી વાર જાહેરમાં માફી માગી હતી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ માફી માગી હતી.

આ વિવાદમાં તક જોઈ કૉંગ્રેસે પણ રાજકોટ બેઠક પર દાવ રમ્યો અને દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને રાજકોટથી ટિકિટ આપી હતી. બીજી તરફ રૂપાલાની ટિકિટ રદ ના થતાં ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું મન બનાવી લીધું લીધું હતું.

રાજકોટમાં મતદાન કરવા પહોંયેલા ક્ષત્રિય સમાજના લોકોએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, “આ મતદાનમાં ક્ષત્રિયોની અસ્મિતાનો મુદ્દો અમારા માટે મહત્ત્વનો છે. અમારી બહેનદીકરીઓ માટે આદર રાખે એવા ઉમેદવારને અમે પસંદ કરવા માગીએ છીએ.”

વ્યૂહરચનાના ભાગરૂપે પ્રારંભિક કલાકોમાં ક્ષત્રિયોનું મતદાન થઈ જાય તે માટે ‘ક્ષત્રિય સંકલન સમિતિ’ દ્વારા દરેક વૉર્ડમાં દરેક બૂથ ઉપર ‘અસ્મિતા સૈનિક’ તરીકે ક્ષત્રિય યુવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. જેઓ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી જ કામે લાગી ગયા હતા.

ક્ષત્રિય આગેવાન રમજુભાએ કહ્યું હતું કે, “દરેક બૂથ પર અમારા અસ્મિતા સૈનિકો તહેનાત છે અને શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે.”

મંગળવારનાં અખબારોમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરાત આપવામાં આવી હતી.

નોંધનીય છે કે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજની બહેનો રસ્તા પર ઊતરી હતી અને તેમણે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી. બીજી તરફ પરશોત્તમ રૂપાલાએ ઘણી વાર જાહેરમાં માફી માગી હતી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ માફી માગી હતી.

મોદી બોલ્યા, ‘શાહજાદાએ અંબાણી-અદાણીને ગાળો કાઢવાનું બંધ કરી દીધું, દાળમાં કંઈક કાળું છે’

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેલંગણાના કરીમનગરમાં અદાણી, અંબાણીનું નામ લઈને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે.

તેમણે કહ્યું, “કૉંગ્રેસના શાહજાદા ગત પાંચ વર્ષથી સવારે ઊઠતાં જ માળા જપવાનું શરૂ કરતા હતા. જ્યારથી તેમનો રફાલ મામલો ગ્રાઉન્ડેડ થઈ ગયો, ત્યારથી તેમણે એક નવી માળા જપવાનું શરૂ કર્યું. પાંચ વર્ષથી એક જ માળા જપતા હતા. પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ. ધીરેધીરે કહેવા લાગ્યા, અંબાણી-અદાણી, અંબાદી-અદાણી, અંબાણી-અદાણી.”

“પણ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે, તેમણે અંબાણી, અદાણીને ગાળો કાઢવાનું બંધ કરી દીધું છે. હું આજે તેલંગણાની ધરતીને પૂછવા માગું છું કે શાહજાદા જાહેર કરે કે ચૂંટણીમાં અંબાણી, અદાણી પાસેથી કેટલો માલ ઉપાડ્યો છે. કાળા ધનની કેટલી બોરીઓ ભરી રાખી છે. આજે ટેમ્પો ભરાઈને નોટ કૉંગ્રેસ માટે પહોંચી છે શું?

તેમણે ઉમેર્યું, “શું સોદો થયો છે? તમે રાતોરાત અંબાણી, અદાણીને ગાળો દેવાનું બંધ કરી દીધું છે. ચોક્કસથી દાળમાં કંઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી, અદાણીને ગાળો કાઢી અને રાતોરાત ગાળો બંધ થઈ ગઈ. મતલબ કે કોઈને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરીને તમે મેળવ્યો છે. દેશને જવાબ આપવો પડશે.”

નોંધનીય છે કે અંબાણી-અદાણીને લઈને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી લાંબા સમયથી પીએમ મોદીને નિશાન બનાવતા રહ્યા છે. તેમનો સરકાર પર આરોપ છે કે અદાણી સમૂહને આગળ વધારવા માટે ખોટી રીતે નિર્ણય લઈ રહ્યા છે.

એક વર્ષ પહેલાં રાહુલ ગાંધી સંસદમાં પોતાની સાથે તસવીર લઈ આવ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદી, ગૌતમ અદાણી એક સાથે વિમાનમાં બેઠેલા દેખાતા હતા. તસવીર બતાવતાં રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી સાથે પીએમ મોદીના સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા.

સાતમી મેના રોજ લોકસભાનું મતદાન થયું

લોકસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, ani

લોકસભા ચૂંટણીના આ ત્રીજા તબક્કામાં ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 93 બેઠકો પર મતદાન યોજાયું. આ માટે કુલ 1.85 લાખ મતદાનમથકો તૈયાર કરાયાં હતાં અને 17.24 કરોડ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. આ મતદારોમાં 8.85 કરોડ પુરુષ 8.39 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કા માટે મંગળવારે 11 રાજ્યોમાં 93 લોકસભા સીટો પર મતદાન થયું હતું.

ચૂંટણીપંચ અનુસાર, ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું 59.51 ટકા મતદાન થયું છે.

ગુજરાતમાં મતદાનની વાત કરીએ તો વલસાડમાં સૌથી વધુ 72.24 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અમરેલી બેઠક પર સૌથી ઓછું 49.44 ટકા મતદાન થયું છે.

તો દેશમાં આસામમાં સૌથી વધુ 81.71 ટકા મતદાન થયું છે અને ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 57.34 મતદાન થયું છે.

ગુજરાતની કુલ 25 બેઠકો પર અને વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું હતું.

ગુજરાતની કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક પર મતદાન યોજાયું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ચૂક્યા છે.

બીબીસી

SOURCE : BBC NEWS