Home તાજા સમાચાર gujrati ઇઝરાયલ ગાઝા યુદ્ધ : હમાસના કયા નિર્ણયે વધારી ઇઝરાયલી વડા પ્રધાનની મુશ્કેલીઓ

ઇઝરાયલ ગાઝા યુદ્ધ : હમાસના કયા નિર્ણયે વધારી ઇઝરાયલી વડા પ્રધાનની મુશ્કેલીઓ

1
0

Source : BBC NEWS

બેન્જામીન નેતન્યાહૂ

ઇમેજ સ્રોત, REUTERS/AMIR COHEN/POOL

હમાસના યુદ્ધવિરામના એલાને મોટા ભાગના નિષ્ણાતોને અચંબામાં મૂકી દીધા છે. આની સાથે જ આવાનારા દિવસોમાં જે પણ કંઈ થઈ શકતું હતું, તેને લઈને ઇઝરાયલની આશાઓ પણ ખતમ થઈ ગઈ છે.

ઇઝરાયલનું અત્યારસુધીનું માનવું હતું કે અમેરિકાએ ‘અસાધારણ રીતે ઉદાર’ ગણાવ્યો હતો તે યુદ્ધવિરામનો પ્રસ્તાવ હમાસ નહી સ્વીકારે.

સવાર પડતાંની સાથે જ ઇઝરાયલે જલદી શરૂ થનારી મિલિટરી કાર્યવાહીને જોતાં પેલેસ્ટાઇનવાસીઓને રફાહના પૂર્વ વિસ્તારને છોડવા માટેની ચેતવણી આપી દીધી હતી.

જોકે, અમેરિકાએ રફાહમાં લોકોની જિંદગી પર ખતરો પેદા થાય એવા કોઈ પણ પ્રકારના ગ્રાઉન્ડ ઑપરેશનનો વિરોધ કર્યો છે.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રી યોએવ ગેલન્ટે પોતાના અમેરિકન સમકક્ષને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમના પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી કારણ કે હમાસે અસ્થાઈ યુદ્ધવિરામ અને બંધકોને છોડવા માટેના દરેક પ્રસ્તાવને ફગાવી દીધા છે.

પરંતુ અમેરિકા, ઇજિપ્ત અને કતાર તરફથી મધ્યસ્થા કરી રહેલા મધ્યસ્થીઓએ યુદ્ધવિરામ પર ભાર આપવાનું ચાલુ રાખ્યું.

નેતન્યાહુની મુશ્કેલી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, EPA

અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએના પ્રમુખ વિલિયમ બર્ન્સે દોહામાં કતારના વડા પ્રધાન સાથે દિવસનો મોટા ભાગનો સમય વિતાવ્યો.

દોહામાં જ હમાસના રાજકીય નેતૃત્વની પોતાની ઓફિસ કાર્યરત્ છે.

સાંજ પડતાં જ હમાસે એ જાહેરાત કરી કે તે યુદ્ધવિરામનો પ્રસ્તાવ સ્વીકારી લેશે. પેલેસ્ટાઇનનાં સૂત્રોએ એ પણ સંકેત આપ્યો છે કે હમાસ લાંબા યુદ્ધવિરામ માટે પણ તૈયાર થઈ શકે છે.

વડા પ્રધાન નેતન્યાહુએ આ એલાન પર પોતાની પ્રથમ જાહેર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે હમાસ ‘ઇઝરાયલની માગોને પૂર્ણ કરવામાં હજુ ઘણું પાછળ છે.’

એમ છતાં ઇઝરાયલે હમાસની જાહેરાત પર ચર્ચા કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે.

વડા પ્રધાન નેતન્યાહુ એક રાજકીય મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. તેમની ગઠબંધન સરકાર યહૂદી રાષ્ટ્રવાદીઓના સમર્થન પર ટકેલી છે.

યહૂદી રાષ્ટ્રવાદીઓની માગ છે કે ઇઝરાયલ રફાહ પર પૂર્ણ રીતે નિયંત્રણ હાસલ કરી લે અને જો આવું નહીં થાય તો નેતન્યાહુની સરકાર તોડી પાડવામાં પણ આવી શકે છે.

હવે યુદ્ધવિરામનો અર્થ એવો છે કે રફાહ પર કોઈ હુમલો નહીં થાય.

જ્યારથી આ બધુ શરૂ થયું છે, લગભગ ત્યારથી જ ઇઝરાયલી બંધકોના પરિવારજનો અને સમર્થકો વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે. મહત્ત્વના માર્ગોને જામ કરી રહ્યા છે. તેમની માગ છે કે ઇઝરાયલ બંધકોની ઘરવાપસી માટે સંબંધિત સમજૂતિ સ્વીકારી લે.

અમેરિકા શું ઇચ્છે છે?

જૉ બાઇડન

ઇમેજ સ્રોત, SAMUEL CORUM/POOL/EPA-EFE/REX/SHUTTERSTOCK

અમેરિકા પણ ઇઝરાયલ અને હમાસ વચ્ચે સમજૂતિ થાય તેમ ઇચ્છે છે. ઇઝરાયલની સેનાએ કરેલા ઑપરેશનમાં મોટી સંખ્યામાં પેલેસ્ટાઇનવાસીઓનાં મોત થયાં છે.

જેના કારણે ઇઝરાયલ પ્રત્યે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું સમર્થન ચૂંટણીના વર્ષમાં તેમને સ્થાનિક સ્તરે રાજકીય રીતે મોંઘું પડી રહ્યું છે.

હમાસના આ નિર્ણયના કારણે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર રાજકીય દબાણ વધી ગયું છે.

રાષ્ટ્રપતિ બાઇડન તેમના પર જો યુદ્ધવિરામના પ્રસ્તાવને સ્વીકારવા માટે દબાણ કરે તો નેતન્યાહુ માટે પોતાની સરકાર અને અમેરિકાના રાષ્ટ્રપતિના સમર્થનમાંથી કોઈ એક બાબતને પસંદ કરવી પડશે.

સાત ઑક્ટોબરે હમાસે કરેલા હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિએ ઇઝરાયલને મહત્ત્વપૂર્ણ સમર્થન આપ્યું હતું.

આ સ્થિતિમાં યુદ્ધવિરામનો એ અર્થ કાઢવામાં આવશે કે ઇઝરાયલ સંપૂર્ણ જીત હાંસલ કરી શક્યું નથી.

જ્યારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઇઝરાયલને ‘સંપૂર્ણ જીત’ અપાવવાનો વાયદો કરતા આવ્યા છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે હજી વાતચીતના હજી ઘણા દોર બાકી છે અને બંને પક્ષોએ આવનારા સમયમાં મુશ્કેલ નિર્ણયો કરવા પડશે.

બીબીસી
બીબીસી

SOURCE : BBC NEWS