Home તાજા સમાચાર gujrati રોહિત વેમુલાનાં માતાએ બીબીસીને કહ્યું, ‘પોલીસ મારા દીકરીની જ્ઞાતિ કેવી રીતે નક્કી...

રોહિત વેમુલાનાં માતાએ બીબીસીને કહ્યું, ‘પોલીસ મારા દીકરીની જ્ઞાતિ કેવી રીતે નક્કી કરી શકે?’

1
0

Source : BBC NEWS

રોહિત વેમુલા, રોહિત વેમુલાની કહાણી

  • લેેખક, વી. શંકર
  • પદ, બીબીસી તેલુગુ માટે
  • 7 મે 2024, 16:57 IST

    અપડેટેડ 4 મિનિટ પહેલા

હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીના રિસર્ચ સ્ટુડન્ટ રોહિત વેમુલાએ આઠ વર્ષ પહેલાં આત્મહત્યા કરી હતી. તેમણે દલિત હોવાને કારણે કરવામાં આવતી સતામણીનો આક્ષેપ કર્યો હતો.

આત્મહત્યાના આઠ વર્ષ પછી ફરી એકવાર રોહિત વેમુલા ચર્ચામાં છે, કારણ કે તેલંગણા પોલીસે અદાલતને સોંપેલા ક્લોઝર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રોહિત વેમુલા દલિત ન હતા અને તેમની આત્મહત્યા માટે કોઈ દોષી નથી.

આ મામલે હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શનને લીધે તેલંગણા સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો છે.

તેલંગાણા ડીજીપી ઓફિસે જાહેરાત કરી છે કે આ મામલે ફરીથી સુનાવણી કરવામાં આવશે.

જોકે, રોહિત વેમુલાનાં માતા રાધિકાએ પોલીસ તપાસની રીત સામે સવાલ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ એક કાવતરું છે.

બીબીસીને આપેલી મુલાકાતમાં રાધિકા વેમુલાએ જણાવ્યું હતું કે તેમના પુત્રની આત્મહત્યા માટે જવાબદાર તમામ લોકોને સજા નહીં મળે ત્યાં સુધી તેમની લડાઈ ચાલુ રહેશે.

તેમની સાથેની મુલાકાત વાંચો.

‘પોલીસ રોહિતની જ્ઞાતિ કેવી રીતે નક્કી કરી શકે?’

રોહિત વેમુલા જાતિ

બીબીસીઃ રોહિતના મૃત્યુને આઠ વર્ષ થઈ ગયાં. તમે આ સમય કેવી રીતે પસાર કર્યો?

રાધિકા વેમુલાઃ આ બધા દિવસો ખરાબ રહ્યા છે. પોલીસ તરફથી રજૂ કરવામાં આવેલો તાજો રિપોર્ટ વધારે ચિંતાજનક છે. વિદ્યાર્થી કેસને બંધ કરીને કોર્ટને રિપોર્ટ સોંપવાથી અમે ચિંતિત છે. તેનાથી મને વધારે તકલીફ થઈ. અમે તરત જ તેલંગણાના મુખ્ય મંત્રીને મળ્યા હતા. તેઓ ન્યાય કરશે. તેમણે હકારાત્મક રીતે કહ્યું હતું કે કેસ રિ-ઓપન કરવામાં આવશે. એ કેસની સાથે મેં એ સમયે વિદ્યાર્થીઓ સામેના કેસ પણ રદ કરવાની વિનંતિ કરી હતી. મુખ્ય મંત્રીએ બાબતે વિચાર કરવાનું અને ન્યાય કરવાનું વચન આપ્યું છે.

બીબીસીઃ કોર્ટને સોંપવામાં આવેલા એ રિપોર્ટ વિશે તમારું શું કહેવું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રોહિત અનુસૂચિત જાતિના નથી?

રાધિકા વેમુલાઃ આ બધા આરોપ ખોટા છે. વાસ્તવમાં પોલીસ જ્ઞાતિ કેવી રીતે નક્કી કરી શકે? કાસ્ટ સર્ટિફિકેટની તપાસમાં પોલીસની શું ભૂમિકા છે? અમે 2017-18માં જ કલેક્ટરને જણાવી દીધું હતું. 2019, 2020 અને 2021માં કોરોનાના નામે તપાસ થઈ ન હતી. વાસ્તવિક તપાસ પૂર્ણ થયા વિના તેનો નિર્ણય કેવી રીતે થાય? આ બધું ભારતીય જનતા પાર્ટીના કાવતરાથી થઈ રહ્યું છે.

એમએસસી એન્ટ્રન્સ ટેસ્ટમાં રોહિત સમગ્ર ભારતમાં પાંચમા ક્રમે રહ્યો હતો. જેઆરએફમાં બે વખત ક્વૉલિફાય કર્યું હતું. તેનું સર્ટિફિકેટ બનાવટી નથી.

હું બધી વાતો લોકો સમક્ષ રજૂ કરીશ. લોકો નોંધ લેશે. તેને દલિત ન ગણવો તે એક રાજકીય ષડ્યંત્ર છે. અમે સાચા દલિત છીએ. અમે ખોટા નથી.

‘આ બધા લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ છે’

રોહિત વેમુલાનો કેસ

બીબીસીઃ પોલીસ કહે છે કે રોહિત અનુસૂચિત જાતિના નથી. રહસ્ય બહાર આવી જશે એવી ચિંતાને લીધે તેણે આત્મહત્યા કરી હતી.

રાધિકા વેમુલાઃ રોહિત અનુસૂચિત જાતિનો ન હોય તો તેને યુનિવર્સિટીમાં ઍડમિશન કઈ રીતે મળ્યું? તેના સર્ટિફિક્ટેસની ચકાસણી બાદ જ તેને પ્રવેશ આપવામાં આવ્યો હતો? આ બધા લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ છે. રોહિતનું મૃત્યુ એક દલિત તરીકે થયું છે. એ દલિત હોવાને કારણે તેને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મૃત્યુ પછી જ્ઞાતિને દોષ આપવો એ બહુ ખોટું છે.

બીબીસીઃ રોહિતની જ્ઞાતિ બાબતે ગુંટૂરના કલેક્ટર, ગુરજલાના તહસીલદાર દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને આધારે પોલીસનું કહેવું છે કે તેઓ વડ્ડેરા જ્ઞાતિના છે.

રાધિકા વેમુલાઃ એ કેવી રીતે નક્કી થાય? તેમણે મને પૂછવું ન જોઈએ? તેમણે મારી દલીલ ન સાંભળવી જોઈએ? ગાચીબોવલી પોલીસે મને ક્યારેય પૂછપરછ કરી નથી. રોહિતના મૃત્યુ બાદ કાંતિલાલ દાંડેને ગુંટૂરના કલેક્ટર બનાવવામાં આવ્યા હતા, જ્યારે રોહિતને દલિત ગણવામાં આવ્યો હતો. હવે આઠ વર્ષ પછી તેઓ ખોટો પ્રચાર કરી રહ્યા છે કે રોહિત અનુસૂચિત જાતિનો નથી.

બીબીસીઃ તમે રોહિતના મામલામાં ન્યાયની માગણી સાથે સમગ્ર દેશનો પ્રવાસ કર્યો, પરંતુ તમને જે ન્યાયની આશા હતી તે નથી મળ્યો?

રાધિકા વેમુલાઃ ચૂંટણી દરમિયાન કાવતરું ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ સત્તા પર આવશે તો ન્યાય કરશે. હવે એ પ્રયાસ તેમને બાજુ પર હડસેલી દેવાના પ્રયાસનો હિસ્સો છે.

બીબીસીઃ આ કેસ રિ-ઓપન થયા બાદ રોહિતને ન્યાય આપવા માટે કોઈ તપાસ થશે એવું તમે માનો છો?

રાધિકા વેમુલાઃ મને ખાતરી છે કે આ વખતે ન્યાય થશે. તપાસ ભાજપ અને બીઆરએસના લોકો વિના થશે તો સંપૂર્ણ ન્યાય થશે.

બીબીસીઃ તમને કેવા ન્યાયની આશા છે?

રાધિકા વેમુલાઃ રોહિતના મૃત્યુ માટે જવાબદાર તમામ લોકોને સજા થવી જોઈએ. તેનાથી દલિત વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર લોકોમાં ભય સર્જાવો જોઈએ.

‘એક દિવસ રોહિત વેમુલા કાયદો આવશે’

રોહિત વેમુલા મામલાની તપાસ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીઃ રોહિતની ઘટના પછી આઈઆઈટી જેવી જગ્યાઓ પર અનેક લોકો પર હુમલા થયા હતા. એ બાબતે તમે શું માનો છો?

રાધિકા વેમુલાઃ રોહિત સાથે થયું તેવું બીજા કોઈની સાથે ન થાય એટલા માટે હું લડી રહી છું. ભારતના તમામ વિદ્યાર્થીઓ મારા માટે રોહિત જેવા છે. મેં એક સંતાન ગુમાવ્યું છે. મને આશા છે કે બીજા કોઈએ ગુમાવવું નહીં પડે.

બીબીસીઃ તમારી પારિવારિક હાલત કેવી છે?

રાધિકા વેમુલાઃ આવી જ રીતે દિવસો પસાર થઈ રહ્યા છે. હું સિલાઈકામ કરું છું. મારા નાના દીકરા રાજાએ થોડો સમય હાઈકોર્ટમાં વકીલાત કરી હતી, પરંતુ તેનાથી પરિવારને ખાસ મદદ મળી ન હતી. હાલ તે નાની નોકરી કરી રહ્યો છે.

બીબીસીઃ તમે રોહિત વેમુલા ઍક્ટની માગણી કરી રહ્યા છો. એ શું છે?

રાધિકા વેમુલાઃ મને આશા છે કે એક દિવસ આ કાયદો બનશે. દલિત બાળકો સાથે થતા અન્યાયને તે કાયદા મારફત રોકવામાં આવશે. તેથી હું ઇચ્છું છું કે આ કાયદો બને.

શું છે રોહિત વેમુલાની આત્મહત્યાનો મામલો?

રોહિત વેમુલાનું કેવી રીતે મૃત્યુ થયું

ઇમેજ સ્રોત, Getty Images

હૈદરાબાદ યુનિવર્સિટીના પીએચડી વિદ્યાર્થી રોહિત વેમુલાએ 2016ની 17 જાન્યુઆરીએ આત્મહત્યા કરી હતી. તેઓ ‘આંબેડકર વિદ્યાર્થી સંઘ’ના સભ્ય હતા.

આત્મહત્યા કર્યા પહેલાં રોહિત વેમુલા અને તેના ચાર દોસ્તોને યુનિવર્સિટી હૉસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એક સભ્યએ આ વિદ્યાર્થીઓ પર હુમલાનો આરોપ મૂક્યો હતો. યુનિવર્સિટીને પહેલી તપાસમાં તે આરોપ નિરાધાર જણાયો હતો. એ પછી રોહિત અને તેમના અન્ય સાથીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

એ પછી યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિમણૂક થઈ હતી અને તેમના કાર્યકાળમાં કોઈ નક્કર કારણ દર્શાવ્યા વિના જૂના નિર્ણય પાછા ખેંચવામાં આવ્યા હતા. પછી રોહિત અને તેના દોસ્તો પર યુનિવર્સિટીની હૉસ્ટેલ તથા અન્ય જાહેર સ્થળોએ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

એ પછી સિકંદરાબાદના ભાજપના સંસદસભ્ય (હાલ હરિયાણાના રાજ્યપાલ) બંડારુ દત્તાત્રેયે તત્કાલીન માનવસંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખ્યો હતો. તેમણે યુનિવર્સિટીને “દેશદ્રોહી” ગણાવીને આ મામલામાં હસ્તક્ષેપની માગણી કરી હતી.

દત્તાત્રેયના પત્ર બાદ માનવસંસાધન વિકાસ મંત્રાલયે યુનિવર્સિટીને એક સમિતિ રચવાનો આદેશ આપ્યો હતો. આ સમિતિએ રોહિત વેમુલા અને અન્ય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.

એ પત્રનો હવાલો આપીને આંબેડકર વિદ્યાર્થી સંઘે આક્ષેપ કર્યો હતો કે દત્તાત્રેયના પત્ર બાદ યુનિવર્સિટીમાં સમસ્યાઓ સર્જાઈ હતી. ત્યાર બાદ વધુ કેટલાક દલિત વિદ્યાર્થીઓએ સામાજિક ભેદભાવને કારણે આત્મહત્યા કરી હતી.

આ સંદર્ભે બંડારુ દત્તાત્રેય સામે આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. એ ઉપરાંત તેમની સામે એસસી-એસટી ઍક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

જોકે, મીડિયા સાથેની વાતચીતમાં દત્તાત્રેયે તે આરોપોનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે લખેલા પત્રને રોહિત વેમુલાની આત્મહત્યા સાથે કોઈ લેવાદેવા નથી.

(તમને આત્મહત્યાના વિચાર આવતા હોય કે બીજા કોઈને આવું થતું હોવાનું તમારી જાણમાં હોય તો તમે ભારતમાં આસરા વેબસાઇટ કે વૈશ્વિક સ્તરે બ્રીફ્રેંડર્સ વર્લ્ડવાઈડ મારફત સહકાર મેળવી શકો છો)

SOURCE : BBC NEWS