Home તાજા સમાચાર gujrati સપ્તપદી, કન્યાદાન કે મંગળસૂત્ર નહીં? હિંદુ કાયદા મુજબ માન્ય લગ્ન શું છે?

સપ્તપદી, કન્યાદાન કે મંગળસૂત્ર નહીં? હિંદુ કાયદા મુજબ માન્ય લગ્ન શું છે?

1
0

Source : BBC NEWS

મંગળસૂત્ર

ઇમેજ સ્રોત, Getty Images

“આનો અર્થ એ છે કે મારાં લગ્ન અમાન્ય છે?” મારી સખી ગાયત્રીએ મને આ સવાલ કર્યો હતો.

લગ્ન વિશેના સુપ્રીમ કોર્ટના તાજેતરના અવલોકન બાદ ગાયત્રીના મનમાં આ સવાલ પેદા થયો છે.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે હિંદુ લગ્ન એ “સંસ્કાર” છે અને હિંદુ મૅરેજ ઍક્ટ 1955 (એચએમએ) હેઠળ સ્વીકૃતિ માટે તે “યોગ્ય સ્વરૂપમાં વિધિ અનુસાર કરવામાં આવે” તે જરૂરી છે.

ગાયત્રી 35 વર્ષનાં આધુનિક સમયનાં મહિલા છે. તેમણે તેમનાં લગ્નમાં કન્યાદાનની વિધિ કરવાની ના પાડી હતી, કારણ કે તેઓ માને છે કે કન્યા એ કોઈ દાનમાં આપવાની ‘વસ્તુ’ નથી.

અમારી ચર્ચાથી મને યાદ આવ્યું કે મારી બંને બહેનોનાં લગ્નમાં અમે વરપક્ષના મહેમાનોના પગ ધોવાની વિધિ કરી ન હતી.

શું તેનો અર્થ એ છે કે આ બધાં લગ્ન અમાન્ય છે?

લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images

ટૂંકો જવાબ છેઃ ના. વિગતવાર જવાબ આ લેખના અંત સુધીમાં મેળવીશું, પરંતુ પહેલાં આ કિસ્સો જોઈએ, જેનાથી આ ચર્ચા શરૂ થઈ છે.

પોતાના છૂટાછેડાનો કેસ બિહારની મુઝફ્ફરપુર કોર્ટમાંથી ઝારખંડના રાંચીની કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગણી કરતી એક મહિલાની અરજીની સુનાવણી કોર્ટ કરી રહી હતી. અરજી અદાલતમાં વિચારાધીન હતી ત્યારે એ મહિલા તથા તેના ભૂતપૂર્વ જીવનસાથીએ ભારતીય બંધારણની કલમ 142 હેઠળ સંયુક્ત અરજી દાખલ કરીને પોતાના મતભેદનું સમાધાન કરવાનું નક્કી કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે તેમના લગ્નમાં જરૂરી ધાર્મિક વિધિ કરવામાં આવી ન હતી અને તેથી તેમના લગ્નને અમાન્ય જાહેર કરવા તેમણે અદાલતને સંયુક્ત રીતે જણાવ્યું હતું.

કોર્ટે તેમની અરજી સ્વીકારીને તેમનાં લગ્ન માન્ય ન હોવાનું જાહેર કર્યું હતું. ચુકાદો આપતી વખતે અદાલતે કેટલાંક અવલોકન કર્યાં હતાં. એ પૈકીનું એક અવલોકન એ હતું કે સપ્તપદી જેવા હિંદુ સંસ્કાર કે વિધિ અનુસાર ન થયાં હોય તેવાં લગ્નને હિંદુ લગ્ન તરીકે માન્ય ગણવામાં આવશે નહીં.

સપ્તપદી વિનાનાં લગ્ન અમાન્ય?

સપ્તપદી

ઇમેજ સ્રોત, Getty Images

હું મારા એક સાથી કર્મચારી સાથે આ બાબતે ચર્ચા કરી રહી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘણી વાર લગ્ન માત્ર ચાર ફેરા સાથે થાય છે. કેટલાક લોકો તેમને જુનવાણી લાગતી ધાર્મિક વિધિઓ અને પ્રસંગો ટાળતા હોય છે. તેનો અર્થ એવો છે કે એવા બધાં લગ્ન કાયદાની દૃષ્ટિએ અમાન્ય છે?

સૌથી પહેલાં એ જાણી લો કે ઇન્ડિયન એવિડન્સ ઍક્ટની કલમ ક્રમાંક 114 મુજબ, લગ્ન હંમેશાં એક ‘ધારણા’ (પ્રિઝમ્પ્શન) હોય છે.

મુંબઈસ્થિત નારીવાદી વકીલ વીણા ગાવડા કહે છે, “અદાલતનો ઝુકાવ હંમેશાં (એચએમએ હેઠળ) લગ્નની ધારણા તરફ હોય છે. દાખલા તરીકે, તમે કોઈની સાથે લાંબા સમયથી રહેતા હો અને તમે પતિ-પત્ની છો એવી છાપ સમાજમાં ઊભી કરી હોય તો કાયદો માની લે છે કે તમે પરિણીત છો, સિવાય કે બેમાંથી કોઈ એક પક્ષ તેને પડકારે.”

તેમના જણાવ્યા મુજબ, એચએમએ હેઠળ લગ્ન કરવામાં આવે તો અમુક ધાર્મિક વિધિઓ કરવી પડે છે અને એવી વિધિઓના પુરાવા માન્ય લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે દેખાડવા પડે છે.

વીણા કહે છે, “સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ રજિસ્ટ્રેશન પોતે જ લગ્ન છે. મુસ્લિમ પર્સનલ લો હેઠળ નિકાહનામા લગ્ન ગણાય છે. ખ્રિસ્તી કાયદા હેઠળ ચર્ચ પ્રમાણપત્ર આપે છે. ઉપરોક્ત તમામ કેસમાં લગ્નનું પ્રમાણપત્ર અથવા નોંધણી લગ્નનો જ એક ભાગ છે. જોકે, હિંદુ કાયદામાં લગ્નના રજિસ્ટ્રેશનનો કોઈ ખ્યાલ જ નથી. એ પછીથી કાયદામાં લાવવામાં આવ્યો હતો.”

વીણા ઉમેરે છે, “લગ્નની માત્ર વિધિઓ હોય છે. તેથી તે વિધિઓ બંનેમાંથી કોઈ એક પક્ષનાં રીત-રિવાજો તથા પરંપરા અનુસાર કરવી જોઈએ. માત્ર રજિસ્ટ્રેશન લગ્નનો પુરાવો હોઈ શકે નહીં. તેથી કાયદાની સ્થિતિ અનુસાર, અદાલત કહે છે તે કેટલીક હદે સાચું છે.”

સપ્તપદી, કન્યાદાન અથવા મંગળસૂત્ર પહેરાવવા જેવી ધાર્મિક વિધિઓને ઘણી વાર જુનવાણી અને બ્રાહ્મણવાદી પિતૃસત્તાક માન્યતાઓને સમર્થન આપતી ગણીને તેની ટીકા કરવામાં આવે છે, કારણ કે તેમાં સ્ત્રીને સોંપણી કરી શકાય તેવી મિલકત માનવામાં આવે છે.

કાયદો શું કહે છે?

કાયદો

ઇમેજ સ્રોત, Getty Images

આ બાબતે કાયદો સ્પષ્ટ છે. તેમાં કોઈ ધાર્મિક કર્મકાંડ કે વિધિનો ઉલ્લેખ નથી. હિંદુ મૅરેજ ઍક્ટ, 1955ની કલમ ક્રમાંક સાત જણાવે છે કે હિંદુ લગ્ન વર કે કન્યાના રૂઢિગત સંસ્કારો કે વિધિ મુજબ થઈ શકે છે.

વીણા એક ઉદાહરણ આપતાં કહે છે, “કર્ણાટકમાં અમુક સમુદાય કાવેરી નદીને સાક્ષી માનીને લગ્ન કરે છે. કેટલાક સૂર્યની સાક્ષીએ લગ્ન કરે છે. અનેક વિધિઓ છે અને કાયદામાં કોઈ ચોક્કસ વિધિ નક્કી કરવામાં આવી નથી. કાયદો ફક્ત એટલું જ કહે છે કે લગ્ન વર કે વધૂની પરંપરાગત વિધિઓ અનુસાર થવાં જોઈએ.”

એચએમએની કલમ ત્રણમાં રિવાજ (કસ્ટમ)ની વ્યાખ્યા પણ આપવામાં આવી છે, જે જણાવે છે કે ‘કસ્ટમ’ અને રીત-રિવાજ (યુસેજ) તેને કહેવામાં આવે છે, જેનું લાંબા સમયથી સતત તથા એકધારું પાલન કરવામાં આવતું હોય, કોઈ પણ વિસ્તારના હિંદુઓમાં, આદિજાતિ, સમુદાય, જૂથ કે પરિવાર કાયદા મુજબનો હોય.

આવું જ હોય તો સુપ્રીમ કોર્ટ સહિતની ભારતીય અદાલતો સપ્તપદી જેવી ધાર્મિક વિધિઓનો આગ્રહ કેમ રાખે છે?

ડૉ. સરસુ થોમસ બૅંગ્લુરૂની નૅશનલ લો સ્કૂલમાં પ્રોફેસર છે. તેઓ ફેમિલી અને જેન્ડર કાયદાઓના નિષ્ણાત છે. તેઓ માને છે કે બધાં લગ્ન બ્રાહ્મણવાદી વિધિઓ અનુસાર કરવામાં આવતાં નથી, “પરંતુ અદાલતો આ બ્રાહ્મણવાદી વિધિઓ તપાસતી હોય છે તે સાચું છે.”

તેઓ ઉમેરે છે, “સપ્તપદી કે હોમ થવો જોઈએ એ વાતનો આગ્રહ અદાલત રાખે છે ત્યારે મારા મતે એ યોગ્ય નથી. કેટલાક લોકોને મંગળસૂત્ર પહેરાવવા જેવી વિધિ રીત-રિવાજ સમાન ન લાગે તે શક્ય છે.”

અલબત્ત, તેઓ સ્પષ્ટતા કરે છે કે “આવી વિધિ વર અને વધૂ બન્નેનાં રીત-રિવાજ હોય તો તે અનુસાર એચએમએ હેઠળ વિવાહ સંપન્ન કરાવવા જોઈએ.”

અદાલતે કેટલાક કિસ્સામાં અલગ દૃષ્ટિકોણ અપનાવ્યો હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.

દાખલા તરીકે, તાજેતરના એક કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે એચએમએ હેઠળ કન્યાદાન  જરૂરી વિધિ નથી.

રમા સરોદે પુણેસ્થિત વકીલ છે અને તેઓ મહિલા અધિકારનાં નિષ્ણાત છે. તેઓ ભારતીય અદાલતોમાં પ્રગતીશીલ દૃષ્ટિકોણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

તેઓ કહે છે, “સુપ્રીમ કોર્ટે જરૂરી વિધિ અને રીત-રિવાજ કોને કહેવા તેની વ્યાખ્યા વિસ્તારવી જરૂરી છે. કાયદો 1955માં બનાવવામાં આવ્યો હતો અને આ વિધિઓ ત્યારે મહત્ત્વપૂર્ણ હતી, પરંતુ હવે આપણે કાયદાનું અર્થઘટન આધુનિક સમય અનુસાર કરવું પડશે.”

તેઓ ભારપૂર્વક કહે છે, “વિચારધારાઓને, રીત-રિવાજોને બદલવાની મોકળાશ હોવી જોઈએ. લોકો જેમને મહત્ત્વપૂર્ણ માનતા હોય તેવી વિધિ અનુસાર લગ્ન અને તે મુજબ લગ્નની નોંધણી કરી શકવા જોઈએ.”

લગ્ન જુનવાણી વિધિ-વિધાન અનુસાર કરવાનું જરૂરી ગણાતાં હોવા છતાં એ રીતે લગ્ન ન કરવા ઇચ્છતા પ્રગતિશીલ હિંદુઓનું શું, એ સવાલ હજુ પણ અનુત્તર છે.

વીણા અને ડૉ. સરસુ બંને સ્પેશિયલ મૅરેજ ઍક્ટ તરફ ઇશારો કરે છે. ડૉ. સરસુ કહે છે, “નવા કાયદાની જરૂર જ નથી.”

“આખરે નુકસાન તો સ્ત્રીને જ થશે, કારણ કે મોટા ભાગના લોકો પોતાની પરંપરાગત રીતે જ લગ્ન કરતા રહેશે. ત્યાં સુધી તેનો અર્થ એ થશે કે આ મહિલાઓ કાયદેસર પરણેલી નથી.”

તેઓ ઉમેરે છે, “કાયદો પોતાની રીતે સારો છે. પ્રગતિશીલ યુગલો સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન કરી શકે છે, પરંતુ નવી વિધિ માટે નવો કાયદો બનાવવો યોગ્ય નથી. અલબત્ત, લગ્નની નોંધણી લગ્નની કાયદેસરતાનો પુરાવો છે એવું કાયદો કહી શકે.”

વીણાના જણાવ્યા અનુસાર, અદાલતોએ લિંગ આધારિત રૂઢિઓને નકારવામાં જ નહીં, પરંતુ લગ્નની સંસ્થા કેટલી પ્રાસંગિક છે એ બાબતમાં પ્રગતિશીલ વલણ અપનાવવું જોઈએ તેમજ વિવાહમાં મહિલાઓના અધિકાર વિશે પણ ચર્ચા થવી જોઈએ.

વીણા કહે છે, “વૈવાહિક બળાત્કાર(મેરિટલ રેપ)ને ભારતીય કાયદા હેઠળ સ્વીકૃતિ આપવામાં આવી નથી. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે તાજેતરના એક ચુકાદામાં જણાવ્યું હતું કે લગ્નમાં અકુદરતી સેક્સ કોઈ અપરાધ નથી. વિવાહમાં સંમતિનો કોઈ ખ્યાલ નથી. આ તો તમે પરિણીત હો તો પણ સંમતિ વિના સેક્સ માટે સંમતિ આપો એવી વાત છે. મને લાગે છે કે આવી બાબતોમાં ક્રમશઃ આગળ વધવાની જરૂર છે.”

“લગ્નમાં સમાન ભાગીદારી હોય છે એવું કહેવું આસાન છે, પરંતુ કાયદો સ્ત્રીને સમાન ભાગીદાર બનાવે છે?” વીણાના આ સવાલે મને વિચારતી કરી મૂકી.

મને યાદ છે ત્યાં સુધી સ્ત્રીઓને ક્યારે લગ્ન કરવા, કોની સાથે કરવા અને કેવી રીતે કરવા એ જણાવવામાં આવે છે.

હું વિચારું છું, સમાનતાની લડાઈમાં આ બધું સ્ત્રીને ક્યાં છોડે છે.

SOURCE : BBC NEWS