Home તાજા સમાચાર gujrati માયાવતીએ ચૂંટણી સમયે જ પોતાના ભત્રીજાને ઉત્તરાધિકારી તરીકે કેમ હઠાવ્યા?

માયાવતીએ ચૂંટણી સમયે જ પોતાના ભત્રીજાને ઉત્તરાધિકારી તરીકે કેમ હઠાવ્યા?

1
0

Source : BBC NEWS

આકાશ આનંદ

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, દીપક મંડલ
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 8 મે 2024, 11:45 IST

    અપડેટેડ એક કલાક પહેલા

બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ મંગળવારે મોડી રાતે પોતાના ભત્રીજા અને પાર્ટીના નેશનલ કો-ઑર્ડિનેટર આકાશ આનંદને તેમના પદ પરથી હઠાવવાનું એલાન કર્યું.

માયાવતીએ આકાશ આનંદ ‘પૂર્ણ પરિપક્વતા’ ન મેળવે ત્યાં સુધી તેમને ઉત્તરાધિકારીની જવાબદારીઓમાંથી મુક્ત કરી દીધા છે.

દેશમાં લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થયાના થોડાક કલાકો બાદ માયાવતીએ આ જાહેરાત કરીને પાર્ટી કાર્યકરો, રાજકીય પક્ષો અને વિશ્લેષકોને અંચબામાં નાખી દીધા છે.

માયાવતીએ મંગળવારે રાતે પોતાના ટ્વીટમાં લખ્યું, “એ વાત જાણીતી છે કે બીએસપી એક પાર્ટીની સાથે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનાં આત્મ-સન્માન તેમજ સ્વાભિમાન તથા સામાજિક પરિવર્તનની પણ મુવમેન્ટ છે, જેના માટે માન્ય શ્રી કાંશીરામજી અને મેં પોતે પણ પોતાની આખી જિંદગી સમર્પિત કરી છે અને તેને ગતિ આપવા માટે નવી પેઢીને પણ તૈયાર કરાઈ રહી છે.”

તેમણે કહ્યું, “આ ક્રમમાં પાર્ટીમાં, અન્ય લોકોને આગળ વધારવાની સાથે જ શ્રી આકાશ આનંદને નેશનલ કો-ઑર્ડિનેટર તેમજ પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા, પરંતુ પાર્ટી અને મુવમેન્ટના વ્યાપક હિતમાં પૂર્વ પરિપક્વતા (maturity) મેળવે ત્યાં સુધી તેમને બંને મહત્ત્વની જવાબદારીઓમાંથી અલગ કરાઈ રહ્યા છે. જ્યારે તેમના પિતાશ્રી આનંદકુમાર પાર્ટી અને મુવમેન્ટમાં પોતાની જવાબદારી પહેલાંની જેમ નિભાવતા રહેશે.”

સવાલ એ છે કે માયાવતીએ લોકસભા ચૂંટણી સમયે આ પગલું કેમ ભર્યું, કેમ કે હજુ ચૂંટણીનું ચાર તબક્કાનું મતદાન બાકી છે.

પાર્ટીના સ્ટાર પ્રચારક આકાશ આનંદ સામે આવો નિર્ણય કેમ કર્યો, કેમ કે તેઓ કેટલાક સમયથી પોતાની રેલીઓમાં બીએસપીના મતદારો વચ્ચે ઘણા ચર્ચામાં આવી ગયા હતા.

બીબીસી

શું આકાશ આનંદ રાજકીય રીતે પરિપક્વ નથી?

આકાશ આનંદ

ઇમેજ સ્રોત, TWITTER

માયાવતીએ લખ્યું કે પૂર્ણ પરિપક્વતા થવા સુધી આકાશ આનંદને બંને મહત્ત્વની જવાબદારી (નેશનલ કો-ઑર્ડિનેટર અને ઉત્તરાધિકારી)થી છૂટા કરાઈ રહ્યા છે. તો સવાલ એ છે કે શું તેઓ આકાશ આનંદને રાજકીય રીતે સંપૂર્ણ પરિપક્વ માનતાં નથી?

શું તેઓ પૂર્ણ પરિપક્વ નથી તો માયાવતીએ તેમને પોતાના ઉત્તરાધિકારી અને પાર્ટીના નેશનલ કો-ઑર્ડિનેટર બનાવીને ભૂલ કરી હતી અને હવે તેમણે પોતાની ભૂલ સુધારી છે?

આકાશ આનંદ છેલ્લી કેટલીક રેલીઓમાં જબરજસ્ત આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા.

આ રેલીઓમાં આક્રમક ભાષણને કારણે તેમની સામે ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપામં બે કેસ નોંધાયા હતા.

28 એપ્રિલે ઉત્તરપ્રદેશના સીતાપુરની રેલીમાં તેમણે યોગી આદિત્યનાથની સરકારની ‘તાલિબાન સાથે તુલના’ કરીને તેને ‘આતંકવાદીઓની’ સરકાર ગણાવી હતી. આ સિવાય તેમણે લોકોને કહ્યું હતું કે તેઓ આવી સરકારને જૂતાંથી જવાબ આપે.

આ આક્રમક ભાષણ પર કેસ બાદ આકાશ આનંદે પહેલી મેની ઓરૈયા અને હમીરપુરની રેલીઓ રદ કરી દીધી હતી.

પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે પરિવારના એક સભ્ય બીમાર હોવાને કારણે તેમની રેલીઓ રદ કરાઈ હતી.

બીબીસી

માયાવતી ભાજપને નારાજ નથી કરવા માગતાં?

આકાશ આનંદ

ઇમેજ સ્રોત, AKASH ANAND/JP

જોકે રાજકીય સૂત્રોનું માનવું છે કે માયાવતી આકાશ આનંદ તરફથી ઉપયોગમાં કરાયેલો શબ્દોથી ખુશ નથી. આ આક્રમક શૈલીથી તેમને ચૂંટણીમાં પોતાની પાર્ટીને ફાયદો કરતાં વધુ નુકસાન થવાની આશંકા સતાવવા લાગી હતી.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સુનીતા ઍરોને માયાવતીના આ નિર્ણય પર બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “માયાવતી આકાશ આનંદ મામલે ઓવર પ્રૉટેક્ટિવ છે. તેઓ નથી ઇચ્છતાં કે આ સમયે તેઓ કોઈ મુશ્કેલીમાં ફસાય. અને સૌથી મોટી વાત એ છે કે આ સમયે તેઓ ભાજપ સાથે પોતાનો સંબંધ બગાડવા માગતાં નથી.”

સુનીતા ઍરોન કહે છે, “માયાવતીનું એમ કહેવું યોગ્ય નથી કે આકાશ આનંદ હજુ પરિપક્વ નથી. હકીકતમાં આકાશ આનંદે ચૂંટણીઓ દરમિયાન એ કહેવાનું શરૂ કરી દીધું હતું કે તેમની પાર્ટી ચૂંટણી બાદ કોઈ પણ સાથે ગઠબંધન કરી શકે છે. મારા મતે તેમણે આવું નહોતું કહેવું જોઈતું.”

તેઓ કહે છે, “એ સાચું કે બીએસપીના સંસ્થાપક કાંશીરામ પણ કહેતા હતા કે પોતાના લોકોના હિતમાં તેઓ કોઈ પણ સાથે ગઠબંધન કરી શકે છે. આ એક સૈદ્ધાંતિક વાત હતી. પણ આકાશ આનંદે તેને એવી રીતે કહ્યું કે પાર્ટીની કોઈ વિચારધારા જ નથી.”

બીબીસી

આકાશ આનંદનાં આક્રમક ભાષણોથી કોને નુકસાન થઈ રહ્યું હતું?

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે માયાવતી અને તેમની પાર્ટી માટે આ લોકસભા ચૂંટણી ‘કરો યા મરો’ની છે. 2019માં લોકસભા ચૂંટણીમાં બીએસપી યુપીમાં સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી હતી.

પાર્ટીએ દસ સીટ જીતી હતી, પરંતુ તેને માત્ર 3.67 ટકા મત મળ્યા હતા. તો 2009માં ચૂંટણીમાં તેણે 21 સીટ જીતી હતી, જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં યુપીમાં માત્ર એક સીટ મળી હતી.

ચૂંટણીમાં આ નિરાશાજનક પ્રદર્શન બાદ બીએસપીએ ભાજપ વિરુદ્ધ પોતાના સૂર નરમ કરી દીધા હતા.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તા કહે છે કે માયાવતીનું ભાજપ સાથે ગઠબંધનના કયાસ લગાવાઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી બીએસપી ભાજપ પ્રત્યે ઓછી આક્રમક જોવા મળી છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “આ ચૂંટણીપ્રચાર દરમિયાન આકાશ આનંદ જે રીતે આક્રમક શૈલીથી ભાષણ આપતા હતા તેનાથી સમાજવાદી પાર્ટીને ફાયદો થતો દેખાઈ રહ્યો હતો. કદાચ એટલે જ માયાવતીએ આકાશ આનંદને નેશનલ કો-ઑર્ડિનેટરના પદ પરથી હટાવીને સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો છે.”

અગાઉ બીબીસી સાથેની વાતચીતામં આકાશ આનંદે આ આરોપોને ફગાવી દીધા હતા કે બીએસપી ‘ભાજપની બી’ ટીમ છે.

પરંતુ ચૂંટણી બાદ ભાજપ સાથે જવાની શક્યતા સંબંધિત સવાલ પર તેમણે એ પણ કહ્યું હતું કે બીએસપીનો હેતુ રાજકીય સત્તામાં આવવાનો છે, તેના પાર્ટીને જે યોગ્ય લાગે એ કરશે.

બીબીસી

શું લોકસભા ચૂંટણી પર તેની અસર થશે?

આકાશ આનંદ

ઇમેજ સ્રોત, AKASH ANAND/FB

આકાશ આનંદની ચૂંટણીરેલીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં ખાસી હલચલ પેદા કરી છે.

બીએસપી પર નજર રાખનારનું કહેવું છે કે તેમની રેલીઓએ કમસે કમ યુપીમાં બીએસપી સમર્થકોમાં એક નવો પ્રાણ પૂરી દીધો હતો. એવામાં તેમને નેશનલ કો-ઑર્ડિનેટર પદથી હઠાવતાં પાર્ટીના યુવા મતદારો નિરાશા અનુભવશે.

શરદ ગુપ્તા કહે છે કે ચૂંટણીના આ સમયમાં આવા નિર્ણયોથી મતદારોમાં એ સંદેશ જઈ શકે કે બીએસપી પોતાની રણનીતિને લઈને અસમંજસની સ્થિતિ છે અને તે પાર્ટીથી દૂર જઈ શકે છે.

બીજી તરફ કેટલાક રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે માયાવતી એકદમ ‘કુશળ’ રાજનેતા છે.

બીએસપીનો જનાધાર ઓછો થઈ રહ્યો છે એવા સમયે તેઓ ભાજપ સામે આક્રમક વલણ અપનાવીને પોતાની પાર્ટીને સંકટમાં નાખવા માગતાં નથી.

સુનીતા ઍરોન કહે છે કે બની શકે કે માયાવતીનો આ નિર્ણય તત્કાળ હોય, મામલો થાળે પડતા તેઓ આકાશ આનંદને ફરી તેના પદ પર લાવી શકે છે.

આકાશ આનંદને ઉત્તરાધિકારી કેમ બનાવાયા હતા?

આકાશ આનંદ માયાવતીના સૌથી નાના ભાઈ આનંદકુમારના પુત્ર છે.

તેઓ 2017માં બ્રિટનમાંથી ભણીને આવ્યા બાદ બીએસપીના કામકાજમાં જોડાયા હતા. મે 2017માં સહારનપુરમાં ઠાકુરો અને દલિતો વચ્ચે સંઘર્ષના સમયે તેઓ માયાવતીની સાથે ત્યાં ગયા હતા.

આકાશ 2019થી પાર્ટીના નેશનલ કો-ઑર્ડિનેટર તરીકે કામ કરતા હતા, પરંતુ માયાવતીએ તેમને 2023માં પાર્ટીના નેશનલ કો-ઑર્ડિનેટર અને પોતાના રાજકીય ઉત્તરાધિકાર જાહેર કર્યા હતા.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે માયાવતીએ તેમને એ વિચારીને જવાબદારી આપી કે યુવા આકાશ પાર્ટીના યુવા કાર્યકરો અને નવી પેઢીના દલિત નેતૃત્વને ઉત્સાહિત કરી શકશે.

માયાવતીએ તેમને આ જવાબદારી એવા સમયે આપી, જ્યારે પાર્ટીનો રાજકીય ગ્રાફ નીચે જઈ રહ્યો હતો. બીજી તરફ દલિત યુવાઓમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા ચંદ્રશેખર આઝાદના પ્રભાવથી પણ તેઓ ચિંતિત જણાતાં હતાં.

આકાશ આનંદે તાજેતરમાં આપેલા કેટલાક ઇન્ટરવ્યૂમાં આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ પર આકરા પ્રહારો કર્યા હતા.

આ લોકસભા ચૂંટણીમાં તેમને પોતાની રેલીની શરૂઆત પણ યુપીની નગીના બેઠક કરી હતી, જ્યાં આઝાદની સામે બહુજન સમાજ પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે.

બીબીસી
બીબીસી

SOURCE : BBC NEWS