Home તાજા સમાચાર gujrati મહિસાગર ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે બોગસ મતદાન કેવી રીતે કરાવ્યું?

મહિસાગર ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે બોગસ મતદાન કેવી રીતે કરાવ્યું?

1
0

Source : BBC NEWS

Vijay Bhabhor

ઇમેજ સ્રોત, UGC

2 કલાક પહેલા

ગુજરાતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન દાહોદ લોકસભા મતવિસ્તારના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બોગસ મતદાન કરી એનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાની ઘટના ઘટી છે.

બોગસ મતદાન કરનાર અને ઘટનાને ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કરનાર આ શખ્સ વિજય ભાભોર હોવાનું પોલીસે જણાવ્યું છે. વિજય ભાભોર ભાજપના ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશ ભાભોરનો પુત્ર છે.

પોલીસે આ મામલે વિજય ભાભોરની અટકાયત કરી લીધી છે અને તેની સામે ‘લોકપ્રતિનિધિત્વ ધારા’ના ભંગ બદલ કાયદાની વિવિધ કલમો હેઠળ ફરીયાદ નોંધી છે. આ મામલે મગન ડામોરની પણ ધરપકડ કરવામાં આવી છે.

વિજય ભાભોરના પિતા રમેશ ભાભોર ભાજપના ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે.

વિજય ભાભોર વીડિયોમાં શું કહે છે?

વિજય ભાભોર

ઇમેજ સ્રોત, INSTAGRAM/vijay_bhabhor__official

સોશિયલ મીડિયા પર શૅર થઈ રહેલા વિજય ભાભોરના ઇન્સ્ટાગ્રામ લાઇવનો વીડિયો બીબીસીને મળ્યો છે. આ વીડિયોમાં વિજય ભાભોર નીચે જણાવ્યા અનુસાર વાત કરતા જોવા મળે છે.

“અરે સાહેબ પાંચ-દસ મિનિટ જે ચાલે એ ચાલવા દો…બસ પાંચ દસ મિનિટ જે ચાલે એ ચાલવા દો…અમે બેઠા છીએ…આખા દિવસનું ચાલે જ છેને…હમણાં દબાવીએ તો શું લૂંટઈ ગયું”

“ચાલવા દો આવી રીતે ના ચાલે ભઈ…બીજેપી જ ચાલે…ભાભોર ચાલે ભઈ… *** અમે (ગાળ બોલે છે)”

ત્યારબાદ વિજય ભાભોર અન્ય કોઈની સાથે વાત કરતાં સંભળાય છે. ત્યારબાદ તે ફરીથી કહે છે,

“ભાઈનું જ ચાલે…વિજય ભાભોર એટલે વાત ખલાસ…”

“એક જ ચાલે ભાભોર…મશીન-બશીન બધું આપણા બાપનું જ છે…મશીન છે એ આપણા બાપનું જ છે.”

“દબાવું જ છું. ચલો રેડ આપો… રેડી.”

“ઓકે… રેડી… ડન… જસવંત ભાભોર (લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર) ડન…”

“સાહેબનું કંઈ ના ચાલે… સાહેબને શું ** ખબર પડે? એક જ ચાલે વિજય ભાભોર ચાલે…”

“અલા યાર પતાવોને… ટાઇમ વેસ્ટ મત કરો…”

ત્યારબાદ તે બીજા મતદારોને પણ કહે છે, “તમારે દબાવવાનું છેને, મેં દબાવી દીધું. લો જસવંત ભાભોર આવી ગયું.”

આમ વીડિયોમાં સ્પષ્ટ રીતે વિજય ભાભોર અન્ય કોઈને બદલે મતદાન કરતાં હોય તેમ જણાય છે.

પોલીસ શું કહે છે?

સંતરામપુર પોલીસ સ્ટેશન

આ મામલે બીબીસીએ મહિસાગરના જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાથે વાત કરી. તેમણે આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે પોલીસે વિજય ભાભોરને અટકાયતમાં લીધા છે.

તેમણે કહ્યું, “આ વીડિયોમાં જે શખ્સ દેખાય છે, તેનું નામ વિજય ભાભોર છે અને પોતાનો મત આપવા માટે 5:49 વાગ્યે તે બૂથમાં દાખલ થયો હતો. એ સમયે મતદાત પૂર્ણ થવામાં 10 મિનિટનો સમય બાકી હતો. તે પોતાનો વોટ આપી દીધા બાદ ત્યાં જ ઊભો રહે છે.”

“મતદાન પૂર્ણ થવાનું હોય ત્યારે જે લોકો લાઇનમાં હોય તેઓ મત આપી શકે છે અને મતદાનનો સમય બાદ અન્ય કોઈને લાઇનમાં ઊભા નથી રહેવા દેતા. આ એ સમયે જ થયું જ્યારે છેલ્લી 10 મિનિટ બાકી હતી. એ પોતાનો મત આપી દે છે અને તમે વીડિયોમાં જોયું હશે કે તે એક વ્યક્તિનો મત દબાવી દે છે. પછી એ કહે છે, કે “મેં દબાવી દીધું, દબાવી દીધું.””

“એ સમયે તેણે આ બધું ઇન્સ્ટા પર લાઇવ કરી દીધું હતું. એટલે 5:49થી 5:54 સુધી એ વ્યક્તિ ત્યાં હતો. ત્યારે તેણે પોતાનો મત તો આપ્યો જે એનો અધિકાર છે. પરંતુ તેણે બે અથવા ત્રણ વ્યક્તિઓના બોગસ વોટ પણ નાખ્યા. આ બોગસ વોટિંગની બાબત છે.”

વિજય ભાભોર વિરુદ્ધ દાહોદ લોકસભા બેઠકનાં કૉંગ્રેસનાં ઉમેદવાર ડૉ. પ્રભા તાવિયાડના એક ચૂંટણી એજન્ટ શનાભાઈ નાથાભાઈ તાવિયાડે પણ વધુ એક બૂથ પર બોગસ વોટિંગ કરાવવાના પ્રયાસ અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ મૂકતી અરજી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં આપી છે. બીબીસી પાસે આ અરજીની નકલ છે.

દાહોદ લોકસભા બેઠકનાં કૉંગ્રેસનાં ઉમેદવાર ડૉ. પ્રભા તાવિયાડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, “સંતરામપુરનો જે વીડિયો વાઇરલ થયો છે, ત્યાં સંતરામપુર ઍસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીના પરથમપુર 220 બૂથ નંબરનો છે. ત્યાં એક ઘટના બની છે તે લોકશાહીનું હનન છે. લોકોને મત આપવા ન દીધા, લોકો લાઇનમાં અંદર છે, ત્યારે બૂથ કૅપ્ચરિંગ કરીને ભાજપના કાર્યકર્તાઓએ સત્તાના મદમાં લોકશાહીનું હનન કર્યું છે. લોકોને પોતાના અધિકારથી વંચિત રાખ્યા છે.”

તેમણે ઉમેર્યું, “અમે કલેક્ટરને રજૂઆત કરી અધિકારીઓએ કહ્યું છે કે તેઓ તપાસ કરીને ઍક્શન લેશે.”

ડૉ. તાવિયાડે વધુમાં કહ્યું, “અમારી માંગણી છે કે લોકોના મતદાનના અધિકારનું જે હનન થયું છે, તેને રિપોલિંગ (પુનઃમતદાન) કરાવીને પાછો અપાવવો જોઈએ. જે લોકો આમાં સામેલ છે તેમની સામે કડક પગલાં ભરવા જોઈએ જેથી તેઓ ફરીવાર આવું ન કરે. અમે પણ અમારી રીતે તપાસ કરી છે, અને અમને જાણવા મળ્યું છે કે જે ઘટના બની હતી તે સત્ય છે.”

મહિસાગરનાં જિલ્લા કલેક્ટરે શું કહ્યું?

વિજય ભાભોર

ઇમેજ સ્રોત, Daxesh Shah / BBC

ચૂંટણી દરમિયાન જે-તે જિલ્લાના કલેક્ટર એ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી હોય છે. વિજય ભાભોરે કરેલા બોગસ વોટિંગ વિશે વાત કરતાં મહિસાગરનાં જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે વિજય ભાભોર સામે પોલીસ ફરિયાદ કરવાની સાથે સાથે એ બૂથ પર ચૂંટણીની ફરજ બજાવતા સ્ટાફને પણ કારણદર્શક નોટિસ આપી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારીએ બીબીસીને જણાવ્યું, “અમને 8 મેના દિવસે સવારે 11:30 કલાકે કૉંગ્રેસનાં ઉમેદવાર દ્વારા આ વીડિયો વિશેની રજૂઆત કરવામાં આવી. અમે આ વીડિયોનું વિશ્લેષણ કર્યું ત્યારે અમને જાણવા મળ્યું કે એ વ્યક્તિ એ ગામની જ છે. એ વ્યક્તિને પકડી લેવામાં આવી છે. એ પોલીસ કસ્ટડીમાં છે અને તેની સામે અમે બોગસ વોટિંગની પોલીસ ફરિયાદ કરી છે.”

તેમણે જણાવ્યું, “અમે એ બૂથ પરના ચૂંટણી સ્ટાફને પણ કારણદર્શક નોટિસ આપી છે કે તેમણે આ ઘટનાની જાણ અમને કેમ નહોતી કરી. અમે પ્રાથમિક તપાસ કરી રહ્યા છીએ અને એ પૂર્ણ થયા બાદ આગળ શું પગલાં લેવાં તે નક્કી કરીશું.”

આ બૂથ પર પુનઃમતદાન થશે કે કેમ તે વિશે તેમણે કહ્યું, “અમે આ વિશે ચૂંટણી નિરીક્ષકોના અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. ત્યારબાદ અમે પુનઃમતદાન અંગેનો નિર્ણય કરીશું.”

લોક પ્રતિનિધિત્વ ઘારા હેઠળ બોગસ મતદાન સાબિત થાય તો આરોપીને એક વર્ષ સુધીની સજા થઈ શકે છે.

SOURCE : BBC NEWS