Home તાજા સમાચાર gujrati ગુજરાતનાં આ સાત ગામોએ મતદાનનો બહિષ્કાર કેમ કર્યો?

ગુજરાતનાં આ સાત ગામોએ મતદાનનો બહિષ્કાર કેમ કર્યો?

1
0

Source : BBC NEWS

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનનો બહિષ્કાર

ઇમેજ સ્રોત, NARESH VASAVA

“અમે ચોથી વખત મતદાનનો બહિષ્કાર કર્યો છે. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને હવે લોકસભાની ચૂંટણીનો અમારા ગામે બહિષ્કાર કર્યો છે. કારણ કે અમારી સમસ્યા જેમની તેમ જ છે. કોઈ નેતા કે અધિકારી અમારી સમસ્યાને ધ્યાને લેતા નથી.” આ શબ્દો ભરૂચ જિલ્લાના કેસર ગામના સરપંચ નરેશ વસાવાના.

કેસર ગામના 350થી વધુ મતદાતાઓએ મંગળવારે યોજાયેલા લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો. ગામવાસીઓનો આરોપ છે કે તેમના ગામ વચ્ચે પસાર થતી કિમ નદી પરના પૂલની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

ચૂંટણીપંચનાં ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કુલ સાત ગામો એવાં છે જ્યાં મતદાનનો ક્યાં આંશિક અથવા પૂર્ણત: બહિષ્કાર કરવામાં આવ્યો.

ભરૂચ જિલ્લાના કેસર ઉપરાંત સુરતનું સણધરા અને બનાસકાંઠાના ભાકરી ગામમાં મતદાતાઓએ એક પણ વોટ નાખ્યો નહીં. જ્યારે જૂનાગઢ જિલ્લાના ભાટગામ, ભાવનગરના રાબરિકા, મહિસાગરના બોડોલી અને પૂંજારામાં પીવાનાં પાણીની અછતથી માંડીને પાકા રસ્તાઓના અભાવ અને અન્ય મુશ્કેલીઓનાં કારણોને આગળ ધરીને મતદાતાઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

“અમે રજૂઆતો કરી કરીને થાક્યા”

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી

ઇમેજ સ્રોત, KISAN

કેસર ગામના આગેવાન પંડિતભાઈ વસાવા બીબીસીને જણાવે છે કે તેમના ગામનો સમાવેશ ઇટકલા ગ્રામ પંચાયત સાથે ગ્રૂપ પંચાયત તરીકે થયો છે. કેસર અને ઇટકલા ગામ વચ્ચે કિમ નદી છે. આ કિમ નદી પર વર્ષોથી પૂલ નથી. જેને કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.”

પંડિતભાઈ વસાવા આ સમસ્યાને કારણે વિદ્યાર્થીઓને પડતી હાડમારી વિશે વાતચીત કરતાં કહે છે, “એકથી પાંચ ધોરણની શાળા અમારે ત્યાં છે. પરંતુ છઠ્ઠા ધોરણથી આગળ ભણવા માટે અમારે બીજા ગામમાં જવું પડે અને આ નદી ઓળંગવી પડે છે. સામાન્ય દિવસોમાં નદીમાં પાણી હોતું નથી. પરંતુ ચોમાસામાં આ નદી પાણીથી ભરપૂર હોય છે. નાનાં બાળકો કઈ રીતે નદી ઓળંગીને ભણવા જઈ શકે?”

કેસર ગામના સરપંચ નરેશ વસાવા કહે છે, “ચોમાસામાં કેસર ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે. રોડ કાચા છે. પાણીની સમસ્યા છે. અમે નેતાઓ અને અધિકારીઓને રજૂઆતો કરી કરીને થાકી ગયા, પણ અમારી વાતો કોઈએ ધ્યાને લીધી નહીં. તેથી અમારે આખરે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવો પડ્યો.”

ગ્રામજનોનો એ પણ આરોપ છે કે કેસર ગામમાં લોકો પશુપાલનનો ધંધો કરે છે અને ગામમાં કોઈ દૂધમંડળી નથી. દૂધમંડળી છેક ઇટકલા ગામે છે તેથી દૂધ ભરાવવા તેમણે લાંબું અંતર કાપવું પડે છે.

સણધરા ગામમાં પાણીની સમસ્યા

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનનો બહિષ્કાર

ઇમેજ સ્રોત, SHEETAL PATEL

સુરત જિલ્લાના બારડોલી પાસે આવેલા સણધરા ગામના લોકોએ પણ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો.

ગ્રામજનોનો આરોપ છે કે તેમને કાકરાપાર યોજના અંતર્ગત પાણી નથી મળતું.

સણધરા ગામના આગેવાન બાબુભાઈ ચૌધરી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “અમારા ગામમાં પાણીની તકલીફ છે. તકલીફનું કોઈ નિરાકરણ નહીં આવ્યું એટલે અમે મતદાનનો બહિષ્કાર કર્યો. રસ્તા નથી, પાકું સ્મશાન પણ નથી. અમે ધારાસભ્ય ગણપત વસાવા અને સાંસદ પ્રભુ વસાવાને ઘણી રજૂઆતો કરી પણ અમને આશ્વાસન સિવાય કશું નહીં મળ્યું.”

ગ્રામજનો કહે છે કે તેમના ગામમાં લોકો પશુપાલનનો ધંધો કરે છે. કાકરાપાર યોજનાની પાઇપલાઇન તેમના ગામથી અઢી કિલોમીટર દૂર પહોંચી ગઈ છે. પરંતુ તેમના ગામ સુધી પહોંચી નથી. તેમની માગ છે કે આ પાઇપલાઇન તેમના ગામ સુધી પણ પહોંચવી જોઈએ, જેથી તેમના ગામની પાણીની સમસ્યા ઉકેલાઈ શકે.

હાલ લોકો વિવિધ બોરમાંથી પાણી લઈને કામ ચલાવે છે.

બાબુભાઈ ચૌધરી કહે છે, “અગાઉની ચૂંટણીમાં પણ અમે મતદાનના બહિષ્કારની ચીમકી આપી હતી. પરંતુ ત્યારે અધિકારીઓએ અમને આશ્વાસન આપ્યું હતું. તેથી અમે મતદાન કર્યું, પરંતુ હવે અમને આશ્વાસન નથી જોઈતું, નક્કર પરિણામ જોઈએ છે.”

ચૂંટણી અધિકારીઓનો દાવો છે કે તેમણે ગ્રામજનોને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ કોઈ મતદાતા મતદાન કરવા જ ન આવ્યા.

સુરત જિલ્લાનાં ડીડીઓ શિવાની ગોયલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “અમે આ ગામમાં કઈકઈ સમસ્યાઓ છે તેની વિગતો મંગાવી છે. વિગતો આવ્યા બાદ તેના પર કાર્યવાહી કરીશું.”

“ઝેરી કચરો અમારા ગામ પાસે ઠલવાય છે”

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનનો બહિષ્કાર

ઇમેજ સ્રોત, CHATRASINH DABHI

મહિસાગર જિલ્લાના બોડોલી અને કુંજારા ગામોએ પણ મતદાનનો આંશિક બહિષ્કાર કર્યો.

ગામવાસીઓનો આરોપ છે કે ગુજરાતમાં કેમિકલ બનાવતી કંપનીઓ તેમનો કચરો તેમના ગામ નજીક આવેલી મેસર્સ મોર્ય ઍન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપનીમાં ડમ્પ કરે (ઠાલવે) છે. જેને કારણે આસપાસનાં ગામોનાં લોકોનાં આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે.

બોડોલી ગામના સરપંચ છત્રસિંહ ડાભી બીબીસી ગુજરાતી સાથે વાચતીત કરતાં આરોપ લગાવે છે, “મોર્ય ઍન્વાયરો પ્રોજેક્ટ કંપનીની આસપાસ 29 ગ્રામપંચાયતો આવેલી છે. જેમને આ ઝેરી કચરાથી ખતરો ઊભો થયો છે. અમારા ગામની આસપાસના કેટલાક કુવાનાં પાણી રંગીન થઈ ગયાં છે.”

તેમણે આરોપ લગાવ્યો છે કે તેમણે આ અંગે વર્ષ 2016થી શરૂ કરી 2000 જેટલાં આવેદનપત્રો અલગઅલગ નેતાઓ અને અધિકારીઓને આપ્યાં છે. પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

મહિસાગર જિલ્લાનાં કલેક્ટર નેહા કુમારી બીબીસી ગુજરાતી સાથે આ ગામના મતદારો દ્વારા કરાયેલા બહિષ્કાર મામલે વાતચીત કરતાં કહે છે, “અમે તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેઓ ન માન્યા. બહુ થોડા લોકોએ મતદાન કર્યું અને બાકીનાએ બહિષ્કાર કર્યો.”

જ્યારે અમે ગામની આસપાસ ઠલવાતા ઝેરી કચરાની સમસ્યા વિશે પૂછ્યું તો નેહા કુમારીએ જવાબ આપ્યો, “હાલ અમારા નાયબ કલેક્ટર હિરેન ચૌહાણે મોર્ય ઍન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપનીની ડમ્પિંગ સાઇટને કારણે આજુબાજુના વિસ્તારમાં આવેલા કુવાઓમાં આવી ગયેલાં દુર્ગંધયુક્ત કેમિકલવાળાં પાણીની સમસ્યા હોવાની રજૂઆતને કારણે ડમ્પિંગ સાઇટની કામગીરીને 13-05-24 સુધી બંધ કરવાનો નિર્દેશ કર્યો છે.”

“અમે ગુજરાત પ્રદૂષણ બૉર્ડના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. જે પ્રકારે રિપોર્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરીશું.”

બોડોલી ગામમાં 790 મતદાતા છે અને માત્ર 34 મતદાતાઓએ મતદાન કર્યું. જ્યારે કુંજરા ગામમાં 734 મતદારો છે, જે પૈકી માત્ર ત્રણ મતદાતાઓએ મતદાન કર્યું.

બનાસકાંઠાના ભાકરી ગામમાં પણ લોકોએ એટલા માટે મતદાનનો બહિષ્કાર કર્યો, કે તેમને અલગ ગ્રામપંચાયતનું મકાન જોઈએ છે. ભાકરી ગામ પાટણ લોકસભા મતવિસ્તાર અંતર્ગત આવે છે.

ભાકરી ગામના આગેવાન સવજીભાઈ ઠાકોર બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “અમારું પંચાયતઘર હમિરપુર ગામમાં છે, જ્યાં વસ્તી પણ ઓછી છે અને મતદારો પણ ઓછા છે. જ્યારે અમારા ભાકરી ગામમાં હમિરપુર ગામની વસ્તી કરતાં વધારે વસ્તી છે અને મતદારો પણ વધારે છે. છતાં સરકારે પંચાયતના વિભાજન સમયે પંચાયતઘર હમિરપુર ગામમાં આપ્યું તેનો અમે વિરોધ કરીએ છીએ અને તેથી અમે મતદાનનો બહિષ્કાર કર્યો.”

ભાવનગર જિલ્લાના રાબરિકા ગામે એટલા માટે બહિષ્કાર કર્યો કારણકે તેમને પાણી અને સિંચાઈના પ્રશ્નો છે. આ ગામ અમરેલી લોકસભા મતવિસ્તાર અંતર્ગત આવે છે. આ ગામના કોઈ પણ મતદાતાઓએ પહેલા છ કલાક સુધી એક પણ મત આપ્યો નહોતો. ચૂંટણીપંચના અધિકારીઓ ગામમાં પહોંચ્યા અને ગ્રામજનોને સમજાવ્યા ત્યારબાદ કેટલાક નાગરિકોએ મતદાન કર્યું.

રાબરિકા ગામમાં 410 મતદાતા છે. ગ્રામજનોને પાણી અને સિંચાઈ સિવાય રોડ-રસ્તાની સમસ્યા પણ છે.

જૂનાગઢના ભાટગામમાં પણ નર્મદાનું પાણી ન મળતું હોવાની સમસ્યાને કારણે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો.

1047 મતદારો પૈકી માત્ર 16 વોટ પડ્યા. ભાટગામ પોરબંદર લોકસભા વિસ્તારમાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ગુજરાતમાં કુલ 26 પૈકી 25 બેઠકો પર મતદાન 59.61 ટકા થયું છે જે ગત લોકસભાની ચૂંટણી કરતાં ઓછું છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 64.51 ટકા મતદાન થયું હતું.

SOURCE : BBC NEWS