Home તાજા સમાચાર gujrati જજ સાહેબ! પત્ની મિલકત નથી: બ્લૉગ

જજ સાહેબ! પત્ની મિલકત નથી: બ્લૉગ

1
0

Source : BBC NEWS

હાઇકોર્ટનો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images

સ્ત્રી પત્ની હોવાથી તેની સાથે કોઈ પણ રીતે બાંધેલા શારીરીક સંબંધ ખોટા ન હોઈ શકે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે હાલમાં આપેલો એક નિર્ણય કંઈક આવી જ વાત માને છે.

એક મહિલાએ પોતાના પતિ પર બળજબરૂપૂર્વક અપ્રાકૃતિક શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

મહિલાએ ભારતીય દંડ સંહિતાની ઘારા 377 હેઠળ કાર્યવાહી માટે માંગ કરી હતી. જોકે, હાઈકોર્ટે પોતાનો નિર્ણય આપતાં જણાવ્યુ કે પત્ની સાથે અપ્રાકૃતિક જાતીય સંબંધને ગુનો ન ગણી શકાય એમ જણાવીને અરજી ફગાવી દીધી હતી.

મીડિયાના અહેવાલો પ્રમાણે, કોર્ટે કહ્યું કે આ ઘટના બળાત્કારની શ્રેણીમાં પણ નહીં આવે. કારણ કે કાયદો 15 વર્ષથી વધારે ઉંમરની પત્ની સાથે કોઈપણ રીતે બાંધેલા શારીરિક સંબંધને બળાત્કાર માનતો નથી.

હાઈકોર્ટે આવો નિર્ણય કેમ આપ્યો?

મધ્યપ્રદેશ હાઇકોર્ટનો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images

કોર્ટ જ્યારે આ પ્રકારના નિર્ણયો આપે છે ત્યારે લાગે છે કે ન્યાયની આંખો પર સાચે જ પટ્ટી બાંધેલી છે કે શું?

કોર્ટ એવું કેવી રીતે કહી શકે કે પત્ની સાથે કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધને ગુનો ન ગણી શકાય? અથવા જોર-જબરદસ્તી માટે પતિ પર કેસ ન કરી શકાય? જોકે, કોર્ટે તો તેમ જ કહ્યું છે.

કોર્ટ જ્યારે સુનાવણી કરે છે અને નિર્ણય આપે છે તો તે માત્ર એક પ્રક્રિયા હોતી નથી. કોર્ટ કાયદાને વિસ્તાર પણ આપે છે અને કેટલીક વખત કાયદાને નવી વ્યાખ્યા પણ આપે છે.

કોર્ટને સમય સાથે કાયદાની વ્યાખ્યામાં ફેરફાર કરવાની પણ જરૂર પડે છે. આ થકી જ કોર્ટ નવો રસ્તો દેખાડી શકે છે. આ માટે જ વિચારવા જેવી વાત છે કે, આજના સમયમાં કોર્ટ આ પ્રકારના નિર્ણયો કેવી રીતે આપી શકે છે?

આ જ છે પિતૃસત્તા!

આપણો સમાજ પિતૃસત્તાત્મક છે એટલે કે તેનું કેન્દ્ર પિતૃસત્તા છે. પુરુષોના જ ફાયદા વિશે વિચારનાર સત્તા. આ એક વિચાર છે અને તેનાં મૂળિયાં ખૂબ જ ઊંડા છે અને તે ક્યાં સુધી ફેલાયેલાં છે તેનો તાગ મેળવવો મુશ્કેલ છે.

સમાજમાં પિતૃસત્તાને બનાવી રાખવા માટે સ્થાપિત સંસ્થાઓ પણ મોટું યોગદાન આપે છે. અદાલત પણ તેવી જ એક સંસ્થા છે. આ જ કારણે પિતૃસત્તાની અસર કોર્ટમાં પણ જોવા મળે છે. કોર્ટના નિર્ણય દ્વારા જાહેર થતા વિચારો પર પિતૃસત્તાની અસર સ્પષ્ટપણે જોવા મળે છે.

અદાલત ઘણી વખત પુરુષના પક્ષમાં નિર્ણય આપતી જોવા મળે છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આ નિર્ણય પર પણ તેની અસર સાફ જોવા મળે છે. કોર્ટ એમ જ માની રહી છે કે પતિ એ પત્નીનો સ્વામી છે. પત્ની પર પતિ કે પુરુષનો કબજો છે. પત્ની કે સ્ત્રીનાં મન અને શરીર પર પુરુષનો અધિકાર છે.

આ કારણે પતિ પત્ની સાથે ઇચ્છે તે રીતે શારીરિક સંબંધ બાંધી શકે છે. તો પછી સૌથી મોટો સવાલ છે કે સ્ત્રીનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે નહીં? હાઈકોર્ટનો આ નિર્ણય સ્ત્રી સાથે તેમના પતિએ જે કર્યું તેનો જવાબ નથી આપતો, પરંતુ અનેક સવાલો ઊભા કરે છે.

સ્ત્રીનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે નહીં?

સ્ત્રીનું સ્વતંત્ર અસ્તિત્વ

ઇમેજ સ્રોત, Getty Images

આ પ્રકારના નિર્ણયો સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વને નકારે છે. સ્ત્રી સૌથી પહેલા એક મનુષ્ય છે. અને એક મનુષ્ય હોવાના નાતે તે સ્વતંત્ર છે. સ્ત્રીનું સ્વતંત્ર અસ્તિત્વ છે. લગ્ન કરવાથી તેમનું સ્વતંત્ર અસ્તિત્વ નષ્ટ થઈ જતું નથી. તેમના અસ્તિત્વનો કોઈ માલિક ન થઈ શકે.

જોકે, આપણો સમાજ એકદમ વિરોધમાં વિચારે છે. આ વિચાર અત્યારે પ્રભાવી છે કે વિવાહિત સ્ત્રીનું અસ્તિત્વ તેમના પતિને કારણે જ છે. પતિથી અલગ તેમનું કોઈ અસ્તિત્વ નથી. એટલે કે પતિ કહે કે ઉઠો તો તેમને ઉઠવું પડે અને પતિ કહે બેસો તો તેમને બેસી જવાનું. જાણે કે, તે કોઈ સ્ત્રી નહીં, પરંતુ એક મૂંગી ઢીંગલી છે.

એવી ઢીંગલી જેની ચાવી કોઈ બીજી વ્યક્તિના હાથમાં છે. તેના શરીર સાથે તેનો પતિ પોતાની ઇચ્છા પ્રમાણે સંબંધ બાંધી શકે છે. પતિ માટે બધી જ વાત વાજબી છે, અને તેઓને (પુરુષોને) તો હક છે. આ પ્રકારના વિચારો કોઈપણ પુરુષને આ વાતની છુટ આપે છે કે તેઓ પોતાની પત્ની સાથે જેમ ઇચ્છે તેવી રીતે વર્તન કરી શકે છે. આ વિચારો તેમને નિર્ભય અને બેદરકાર બનાવે છે.

હિંસાથી ઘેરાયેલું મહિલાઓનું જીવન

શારીરિક હિંસા

ઇમેજ સ્રોત, SCIENCE PHOTO LIBRARY

એવું નથી કે આ વાતો હવામાં કરવામાં આવી રહી છે.

પતિ (પુરુષ) શું કરી શકે છે તેની એક ઝાંખી તમે આંકડાઓમાં પણ જોઈ શકો છો. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના ડેટા પ્રમાણે પરિણીત મહિલાઓમાંથી લગભગ 29.3 ટકા મહિલાઓ કોઈને કોઈ પ્રકારે પતિની હિંસાનો શિકાર છે.

આ હિંસા શારીરિક અને જાતીય બંને પ્રકારની હોય છે. આપણે જે પ્રકારના સામાજિક વાતાવરણમાં રહીએ છીએ, તેમાં કોઈપણ સ્ત્રી માટે પોતાના પતિ દ્વારા કરવામાં આવતી હિંસાનો સ્વીકાર કરવો આસાન નથી. જાતીય હિંસાનો સ્વીકાર કરવો તો અત્યંત મુશ્કેલ છે.

જો મહિલા પત્ની ન હોય તો?

રસપ્રદ વાત એ છે કે જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સાથે જાતીય હિંસા કરે તો તે ગુનો નથી. જોકે, આ જ કામ પુરુષ કોઈ અન્ય મહિલા સાથે કરે તો તેને ગંભીર ગુનો ગણવામાં આવે છે. કાયદો પણ તેને ગુનો માનશે અને તેના માટે કડક સજા નક્કી કરશે.

જોકે, મહત્ત્વની વાત એ છે કે જાતીય હિંસા પછી પણ પતિ-પત્નીના સંબંધમાં પતિને આ છૂટ મળે છે. પતિને પત્નીના શરીરનો માલિક માની લેવામાં આવ્યા છે. જબરદસ્તીથી બનાવેલા જાતીય સંબંધને બળાત્કાર માનવામાં આવે છે. પછી તે સ્ત્રી હોય કે અન્ય કોઈ મહિલા, તેને બળાત્કાર જ ગણવો જોઈએ. જોકે, કાયદાની નજરમાં આવું નથી.

અદાલત પણ આ જ વાત માની રહી છે. કોર્ટ કોઈ નવી વ્યાખ્યા કરવા તૈયાર નથી. સવાલ એ છે કે શું પતિઓને જબરદસ્તીના ગુનામાંથી છૂટ મળવી જોઈએ? હત્યાના ગુનામાં તો આવી કોઈ છૂટ નથી. આ છૂટ પતીને માત્ર એટલે જ મળે છે, કારણ કે આપણો સમાજ પિતૃસત્તાત્મક છે. તેઓ સ્ત્રીઓને પોતાનાથી ગૌણ માને છે. સ્ત્રીના અસ્તિત્વને નકારે છે. પત્ની એ પતિની મિલકત નથી એ વાત ગાંઠ બાંધવાની જરૂર છે.

સંમતિનો કોઈ અર્થ છે કે નહીં?

યૌન શોષણ

વ્યક્તિની સંમતિની પણ કોઈ વાત છે. જો સંબંધો લોકતાંત્રિક રાખવા હોય તો તેને સંમતિના સિદ્ધાંત પર જ ચાલવુ પડશે. એટલે કે “ના” નો મતલબ “ના” જ છે તે સમજવું પડશે. “ના” નો સ્વીકાર કરવો પડશે અને તેની ઇજ્જત કરવી પડશે. આ બધી જ વાત સંભવ છે, જો સંબંધના પાયાની શરતોમાં સંમતિ પણ એક શરત હોય.

કોઈપણ પ્રકારનો અને કોઈપણ રીતે બનાવેલો જાતીય સંબંધ સંમતિના મૂળને હલાવી નાખે છે. એ સ્ત્રીના લોકતાંત્રિક અધિકારોનું હનન છે. આ લોકતાંત્રિક સંબંધોની વિરુદ્ધ છે. 21મી સદીમાં બહેતર સહજીવન માટે, સંબંધોનું લોકતાંત્રિક હોવું ખૂબ જ જરૂરી છે.

આ માપદંડો પ્રમાણે મધ્ય પ્રદેશ હાઈકોર્ટનો નિર્ણય ઊણો ઊતરે છે. આ નિર્ણય સ્ત્રીઓની ગરિમા વિરુદ્ધ છે. માનવ અધિકારના માપદંડો પર પણ આ નિર્ણય સાચો નથી. લગ્નજીવનમાં પણ સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે, આ વાત ન માનવાનો કોઈ આધાર નથી.

આ કેસ આ વાત સાબિત કરે છે. લગ્નની પવિત્રતાના નામે ક્યાં સુધી આપણે આ ‘બળાત્કાર’ને સંતાડતા રહીશું? જો આ રીતે ‘બળાત્કાર’ થતો રહેશે તો લગ્ન કેવી રીતે પવિત્ર રહેશે?

SOURCE : BBC NEWS