Source : BBC NEWS

વેતનમાં સુધારો, ઔદ્યોગિક ઝોનમાં ચોંટાડવામાં આવેલા પગાર વધારા વિશે માહિતી આપતા બોર્ડ્સ, ફૅક્ટરીઓમાં કામ કરવાની પરિસ્થિતિ સુધારવા માટેનાં અનેક વચનો અને રાષ્ટ્રીય રાજધાનીને અડીને આવેલી રહેણાક તથા ઔદ્યોગિક ટાઉનશિપ નોઇડામાં સોમવારે થયેલાં વિરોધપ્રદર્શનો પાછળના ‘ષડયંત્ર’નો પર્દાફાશ કરવા માટેની પોલીસ કાર્યવાહી. આ સપ્તાહની શરૂઆતમાં થયેલાં વિરોધપ્રદર્શન સામેનો વહીવટીતંત્રનો આ સ્પષ્ટ પ્રતિભાવ છે, પણ તેનો વાસ્તવિક અર્થ શું છે?
શહેનાઝ મંગળવારે બપોરે બે વાગ્યાની આસપાસ નોઇડા ફેઝ-ટુ પોલીસ સ્ટેશનની બહાર પોલીસ સાથે વાત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. થોડી વાર પછી તેઓ ચાલવા લાગે છે.
શહેનાઝ મને કહે છે, “મારા ભત્રીજા સફીક મોહમ્મદે નજીકની એક ફૅક્ટરીમાં કામ કરવાનું હમણાં જ શરૂ કર્યું હતું. શનિવારે (11 એપ્રિલ) તે કામ પરથી ઘરે પાછો ફર્યો ન હતો. સ્થાનિક લોકોએ અમને જણાવ્યું હતું કે તેને પોલીસ ઉઠાવી ગઈ છે. ત્યારથી અમે તેને શોધી રહ્યા છીએ.”
નોઇડામાં મજૂરોનું પ્રદર્શન
હજારો કામદારો વેતન વધારા અને કામ કરવાની સારી પરિસ્થિતિની માગણી માટે રસ્તા પર ઊતર્યાના એક દિવસ પછી મંગળવારે અમે શહેનાઝને મળ્યા હતા.
નોઇડાના ઘણા વિસ્તારોમાં વિરોધપ્રદર્શન થયાં હતાં. વાહનોને આગ ચાંપવાના, પથ્થરમારાના અને ફૅક્ટરીની મિલકતને નુકસાન પહોંચાડવા સહિત હિંસાના બનાવો પણ બન્યા હતા.
રસ્તા પર આંદોલન માટે ઊતરતાં પહેલાં, ખાસ કરીને પડોશી રાજ્ય હરિયાણાએ લઘુતમ વેતન રૂ. 11,257થી વધારીને રૂ. 15,220 કરવાની જાહેરાત કરી એ પછી, કામદારો વહીવટીતંત્ર સાથે વાટાઘાટ કરી રહ્યા હતા.
ઇમેજ સ્રોત, DEEPAK JASROTIA/BBC
મીડિયા અહેવાલ અનુસાર, નોઇડાના વિવિધ ભાગોમાં વિરોધપ્રદર્શન કરી રહેલા કામદારોની સંખ્યા લગભગ 40,000 હોવાનું અનુમાન છે.
અન્ય માગણીઓ સહિત વેતનમાં સુધારો કરવાની સંમતિ વહીવટીતંત્રે 14 એપ્રિલે આપી હતી, પરંતુ એ જાહેરાતથી શહેનાઝને હવે કોઈ ખાસ ફરક પડતો નથી.
શહેનાઝ અને અન્ય ઘણા કામદારો, જ્યાં રહે છે તે વસાહતની બહાર તેઓ ફરીથી પોલીસનો સંપર્ક કરે છે ત્યારે તેમને પોલીસ સ્ટેશન જવાનું કહેવામાં આવે છે.
શહેનાઝ ફરી ચાલવા લાગે છે.
શહેનાઝ કહે છે, “હું પોલીસ સ્ટેશનમાં ગઈ અને તેમને જણાવ્યું કે હું મારા ગુમ થયેલા ભત્રીજા માટે અરજી આપવા આવી છું. તેમણે મને કહ્યું હતું કે બહાર જાઓ, અરજી લખીને લાવો. તેમણે મને એક કોરો કાગળ આપ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે હું લખી શકતી નથી. તેથી તેમણે મને કહ્યું હતું કે બહાર જાઓ અને કોઈ એવી વ્યક્તિને શોધી કાઢો, જે તમારા માટે અરજી લખી શકે.”
શહેનાઝ ફરી એક વાર નિરાશ થયાં અને તેમની કૉલોની તરફ ચાલવા લાગ્યાં.

છેક 15 એપ્રિલની સાંજે તેમના પરિવારે મને જણાવ્યું હતું કે સફીકની ધરપકડ કરાઈ હોવાની ખબર તેમને પડી છે.
શહેનાઝ એકલાં નહોતાં.
ફેઝ-2 પોલીસ સ્ટેશનની બહારની શેરીમાં આવા ઘણા પરિવારો હતા, જેઓ તેમના પ્રિયજનો વિશે માહિતી મળવાની રાહ જોતા હતા.
ત્યાંથી બહુ દૂર ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)નાં પોલીસ કમિશનર લક્ષ્મીસિંહને અમે મળ્યા. તેમણે અમને જણાવ્યું હતું કે સોમવારની હિંસા સંબંધે 300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સાત એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. વધુ લોકોની ધરપકડની સંભાવના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

પોતાના પ્રિયજનોનાં ઠામઠેકાણાંથી અજાણ શહેનાઝ જેવા લોકો વિશે મેં પૂછ્યું ત્યારે લક્ષ્મીસિંહે કહ્યું હતું, “બધાને માહિતી આપવામાં આવી છે. ધરપકડમાં કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે અને પોલીસ સ્ટેશનમાં આવેલા પરિવારના સભ્યો અથવા તેમના વકીલોને પહેલાંથી જ જાણ કરવામાં આવી છે. કોઈ પણ પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.”
‘અમે જીવતા નથી; અમે ટકી રહ્યા છીએ’

પોલીસ સ્ટેશનની બહાર રાહ જોઈ રહેલા લોકોમાં પ્રીતિ મૌર્ય પણ હતાં. અમે મળ્યા તેના થોડા કલાકો પહેલાં તેમના ફૅક્ટરી કામદાર ભાઈની ધરપકડ કરવામાં આવી હતી.
પોતાની પીડા વ્યક્ત કરતાં પ્રીતિ મૌર્યે કહ્યું હતું, “તેને તેના સિનિયરોએ ફૅક્ટરીમાં બોલાવ્યો હતો. તેથી તે ગયો. એ પછી શું થયું તેની અમને ખબર નથી, પરંતુ અમને કહેવામાં આવ્યું છે કે તેની અને તેના એક સાથી કામદારની ધરપકડ કરવામાં આવી છે. તેઓ ક્યાં છે, એ કોઈ અમને કહેતું નથી. પોલીસ પણ અમને એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાવી રહી છે.”
અમે તેમની સાથે તેમના ઘરે ગયા.
પોલીસ સ્ટેશનથી માંડ ત્રણ કિલોમીટર દૂર આવેલા તેમની કૉલોનીમાં તૂટેલા અને કાચા રસ્તા હતા. બાઇક કે ઇ-બાઇક પસાર થાય ત્યારે દરેક વખતે ધૂળની ડમરી ઊડતી હતી. ગટર છલોછલ હતી. ચારે તરફ કચરો પથરાયેલો હતો. કચરાને ઉઠાવી જવાતો હોય તેવા કોઈ સંકેતો ન હતા. સ્થાનિક લોકોની સાથે ગાયો પણ શેરીઓમાં ફરતી હતી.
એક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર, પ્રીતિ અમને એક અંધારિયા કૉરિડૉરમાં લઈ ગયાં હતાં. તેમાં તેમનું ભાડાનું ઘર હતું. એક નાનો ઓરડો, જેમાં પ્રીતિ અને બીજા બે લોકો રહેતાં હતાં.
‘અમે જીવતા નથી; અમે જેમતેમ ટકી રહ્યા છીએ,’ પ્રીતિએ મને તેમની વાસ્તવિકતા જણાવી હતી.
તેમણે કહ્યું હતું, “હું રોજ, મોટા ભાગે ઊભી રહી, બાર કલાક કામ કરીને મહિને લગભગ રૂ. 12,000-13,000 કમાઉં છું. અમને પગાર મળે તે પહેલાં મકાનમાલિક ભાડું લેવા પહોંચી જાય છે. અમે સમય માગીએ તો તે અમને રૂમ ખાલી કરી દેવા કહે છે. આ ઘર બીજા કોઈને ભાડેથી આપી દેશે, એવું પણ કહે છે.”
તેમની પાસે કોઈ બચત છે?
“કંઈ જ નથી. માત્ર ખર્ચ જ છે. ક્યારેક અમે પણ બીમાર પડીએ છીએ. અમે મશીન નથી. મશીનને પણ સમારકામની જરૂર પડે છે. આપણો અધિકાર માગવો એમાં કંઈ ખોટું નથી. આવો વિરોધ હંમેશાં એક અવાજથી શરૂ થાય છે અને પછી તે ફેલાય છે,” પ્રીતિએ કહ્યું હતું.
‘મારી કારકિર્દી બગાડી’
ઇમેજ સ્રોત, Deepak Jasrotia
21 વર્ષના રોહિતસિંહે મને જણાવ્યું હતું કે તે પાંચ વર્ષથી નોઇડાની ફૅક્ટરીઓમાં કામ કરી રહ્યો છે. રોહિત એલઇડી ટેલિવિઝન સેટ અને સાઉન્ડ, યુએસબી વગેરે જેવી સંબંધિત સિસ્ટમ્સનો ટેસ્ટિંગ સ્પેશિયાલિસ્ટ છે. પ્રીતિની માફક રોહિત પણ મહિને લગભગ રૂ. 13,000 કમાય છે.
પડોશમાં બીજા માળે આવેલા તેમની રૂમમાં બેસીને હું તેમના જીવન તથા કામકાજ વિશે વધુ જાણવા માગતો હતો.
રોહિતે નીચે જોઈને વાત શરૂ કરી, “આ રૂમમાં અમે ત્રણ લોકો રહીએ છીએ. મકાનમાલિક એક રૂમમાં ત્રણથી વધુ લોકોને રહેવાની છૂટ આપતા નથી.”
આ એક નાનો ઓરડો છે.
ઇમેજ સ્રોત, Getty Images
રોહિતે જમણી બાજુ પરના ઇન્ડક્શન સ્ટૉવ તરફ ઈશારો કરીને કહ્યું, “અમારું ભોજન અહીં રાંધવામાં આવે છે. બે લોકો પલંગ પર સૂવે છે અને એક ફ્લોર પર સૂવે છે. અમે અમારા હક્ક માટે લડીશું. અમે કોઈ પણ હદ સુધી જઈ શકીએ છીએ. જે અમારું છે તે માગીને ખોટું કરીએ છીએ? અમે ઘણી વાર બાર કલાકની શિફ્ટ કરીએ છીએ. સવારે છ વાગ્યે ઊઠીએ છીએ. ભોજન રાંધીએ છીએ. કામ પર જઈએ છીએ. રાતે નવ વાગ્યે પાછા ફરીએ છીએ. રાતે 11 વાગ્યે સૂતા પહેલાં ફરીથી રસોઈ રાંધીએ છીએ અને આ ચક્ર ચાલતું રહે છે. અમે આ રૂમમાં રહેવા માટે દર મહિને રૂ. 5,500 ચૂકવીએ છીએ. મારો પગાર જુઓ અને તેમાંથી જે ખર્ચ થાય છે તે જુઓ. ખર્ચ વધ્યો છે. ગૅસ સિલિન્ડર માટે રૂ. 3,500 સુધી ચૂકવવા પડે છે.”
તેમણે પગાર વધારો માગવાનો પ્રયાસ કર્યો છે? તેમણે પૂછ્યું ત્યારે તેમના માલિકોએ તેમને શું કહ્યું છે?
રોહિતે કહ્યું, “અમે તેમને પૂછીએ તો તેઓ કહે છે કે તમારી જગ્યાએ બીજા લોકો કામ કરશે. તમે ઇચ્છો તો નોકરી છોડી શકો છો. મને 12-14 કલાક મહેનત કરતો જોઈને મારાં માતા-પિતાને ઘણી વાર ચિંતા થાય છે. તેથી હું તેમને બધું કહેતો નથી. અમારા જેવા લોકો અંદરથી તૂટી ગયા છે, પરંતુ અમારા પર જવાબદારી છે, જે અમને બંધનમાં રાખે છે. હું નોઇડા આવવા ઇચ્છતો ન હતો. કોઈ અર્થ જ નહોતો. ખર્ચને ધ્યાનમાં લેતાં અમે ખરેખર કંઈ કમાતા નથી. મેં મારા જીવન અને કારકિર્દીના ચાર-પાંચ વર્ષ બગાડ્યાં છે.”
‘મુખ્ય માગનો સ્વીકાર’
ઇમેજ સ્રોત, X/@dmgbnagar
વિરોધપ્રદર્શન પાછળ ‘મોટા ષડયંત્ર’નો સંકેત પોલીસ કમિશનરે 14 એપ્રિલે આપ્યો હતો અને દાવો કર્યો હતો કે કામદારો ધીમે ધીમે ફૅક્ટરીઓમાં પાછા ફરી રહ્યા છે.
દરમિયાન, વહીવટીતંત્રે પરિસ્થિતિને થાળે પાડવા માટે કાર્યવાહી કરી હતી.
ગૌતમ બુદ્ધ નગર (નોઈડા)નાં જિલ્લા મૅજિસ્ટ્રેટ મેઘા રૂપમે પત્રકારોને કહ્યું હતું કે “વેતન વધારાની મુખ્ય માગણી વિશે સમંતિ સધાઈ છે. તે ઉપરાંત, દર મહિને દસ તારીખ પહેલાં કામદારોનો આખો પગાર તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવા, દર વર્ષે નવેમ્બર પહેલાં તેમનું વાર્ષિક બૉનસ ચૂકવવા અને ઓવરટાઇમ કરવાનું કહેવામાં આવે તો બમણું વેતન ચૂકવવા જેવા અન્ય નિર્દેશો પણ જારી કરવામાં આવ્યા છે.”
સરકારી જાણકારી અનુસાર, નોઇડામાં લઘુતમ મજૂરી 11,313 રૂપિયાથી વધારીને 13,690 રૂપિયા કરી દેવાઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે “દરેક જગ્યાએ સેક્સુઅલ હેરેસમેન્ટ કમિટીની રચના કરવામાં આવશે. આ સમિતિઓનું નેતૃત્વ મહિલાઓ કરશે. ફરિયાદ પેટીઓ પણ ઉપલબ્ધ રહેશે. કૉલ સેન્ટર અને કન્ટ્રોલ રૂમના નંબર્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. કામદારો ત્યાં પણ તેમની ફરિયાદ કરી શકે છે. અમે તેના પર નજર રાખીશું અને તાત્કાલિક કાર્યવાહી કરીશું.”
વહીવટીતંત્રના કહેવા મુજબ, તેઓ કામદારો સુધી પહોંચી રહ્યા છે અને નવા લઘુતમ વેતન અને અન્ય ફેરફારોની માહિતી આપતાં પોસ્ટર્સ વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યાં છે.
‘અમારી મુશ્કેલીઓ કોઈને દેખાતી નથી’
ઇમેજ સ્રોત, Getty Images
કોઈ એજન્સી મારફત આવતા કામદારો હિંસા અથવા વિક્ષેપકારક વર્તણૂકમાં સંડોવાયેલા જોવા મળશે તો બ્લેકલિસ્ટિંગ જેવું પરિણામ પણ ભોગવવું પડશે, એવી ચેતવણી આઉટસોર્સિંગ એજન્સીઓને આપવામાં આવી છે.
બીબીસીએ કેટલીક કંપનીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ મોટા ભાગની કંપનીઓ ટિપ્પણી કરવા તૈયાર ન હતી. બ્લુ કૉલર કામદારોની ભરતી પર નજર રાખતી નોઇડાસ્થિત કંપની લાયન્સ વર્કફોર્સ સોલ્યુશન્શના સિનિયર એક્ઝિક્યુટિવ યશપાલસિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધી તો આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. “તે અમલમાં આવશે પછી તેનું અમલીકરણ કેવી રીતે કરવું તે જોઈશું.”
જોકે, કામદારોને વહીવટીતંત્ર અને ફૅક્ટરી માલિકો બંને પ્રત્યે શંકા છે.
એક ફૅક્ટરી કામદાર શોએબ ખાને કહ્યું હતું, “અમારે કામ કરવું છે, પરંતુ અમારી સમસ્યાઓ કોઈને દેખાતી ન હોય એવું લાગે છે.”
તેમના સાથી અરુણસિંહે અમને કહ્યું હતું, “26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ અથવા 15 ઑગસ્ટના સ્વાતંત્ર્ય દિવસે રાષ્ટ્રીય રજા હોય છે ત્યારે પણ અમને રજા મળતી નથી. ફૅક્ટરી માલિકો અમને કામ પર બોલાવે છે. સરકાર આજે ખરેખર અમારી સાથે હોત તો અમે અમારા દોસ્તો અને સાથીદારોને શોધવા માટે પોલીસ સ્ટેશનોની વચ્ચે દોડતા ન હોત.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



