Home તાજા સમાચાર gujrati લસણ ખાવાથી શરીરની ગંધ અન્યને આકર્ષિત કરે, કેવા ખોરાકથી પરસેવાની વાસ ઘટાડી...

લસણ ખાવાથી શરીરની ગંધ અન્યને આકર્ષિત કરે, કેવા ખોરાકથી પરસેવાની વાસ ઘટાડી શકાય?

15
0

Source : BBC NEWS

શરીરની ગંધ વ્યક્તિના જીન, હોર્મોન્સ, આરોગ્ય તથા સ્વચ્છતાની આદતોના આધારે આકાર પામતી હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images

લસણ, શરાબ, માંસ ઉપરાંત, ઉપવાસ સુદ્ધાં આપણા શરીરની ગંધ બદલી શકે છે અને આપણે અન્ય લોકોને કેટલાં આકર્ષક લાગીએ છીએ, તે બાબતને પણ પ્રભાવિત કરી શકે છે.

જે રીતે દરેક વ્યક્તિની આંગળીનાં નિશાન અલગ-અલગ હોય છે, તેમ દરેક વ્યક્તિની ગંધ પણ અલગ હોય છે.

આપણું વ્યક્તિત્વ, એટલે કે આપણે કેટલા મળતાવડા, પ્રભાવશાળી કે સંવેદનશીલ છીએ, સાથે જ આપણી માનસિક સ્થિતિ અને આરોગ્ય, આ તમામ પાસાંઓ આપણા શરીરની ગંધ નક્કી કરે છે.

સ્કૉટલૅન્ડની યુનિવર્સિટી ઑફ સ્ટર્લિંગમાં સામાજિક મનોવિજ્ઞાનના પ્રોફેસર ક્રેગ રૉબર્ટ્સ જણાવે છે, “છેલ્લા કેટલાક દાયકાઓમાં સંશોધન પરથી એ સ્પષ્ટ થયું છે કે, આપણી ગંધ આપણા જીન, હોર્મોન્સ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની ટેવોના આધારે આકાર પામે છે.

“આપણે પુરુષ હોઇએ કે મહિલા, યુવાન હોઇએ કે વૃદ્ધ, ગે હોઇએ કે સ્ટ્રેઇટ, તંદુરસ્ત હોઇએ કે બીમાર, ખુશ હોઇએ કે ઉદાસ, આપણી ગંધ આપણા શરીરની સ્થિતિ વ્યક્ત કરે છે.”

તેમાં સૌથી મહત્ત્વની ભૂમિકા આહારની હોય છે.

આપણા ભોજન અનુસાર આપણી ગંધ બદલાય છે અને સાથે જ અન્યને આપણે કેટલાં આકર્ષક લાગીએ છીએ, તે પણ નક્કી થાય છે.

આ ક્ષેત્રે થઈ રહેલો નાનો પણ સતત વધી રહેલો એક અભ્યાસ નવાં પરિણામો રજૂ કરી રહ્યો છે.

શ્વાસ અને પરસેવો

શરીરની ગંધ , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Serenity Strull/ Getty Images

સ્ટેટ યુનિવર્સિટી ઑફ ન્યૂયૉર્ક, બિઘેમ્ટનના હેલ્થ ઍન્ડ વેલનેસ સ્ટડીઝનાં આસિસ્ટન્ટ પ્રોફેસર લિના બેગદાચે જણાવે છે કે, જૈવિક સ્તર પર આહાર આપણા શરીરની ગંધને મુખ્ય બે પ્રકારે પ્રભાવિત કરે છેઃ આપણા પાચન તંત્ર દ્વારા તથા આપણી ત્વચા દ્વારા.

સૌથી પહેલાં પ્રથમ પ્રકાર વિશે વાત કરીએ.

જ્યારે ભોજનનું પાચન થાય છે, ત્યારે આંતરડામાં મોજૂદ બૅક્ટેરિયા ભોજનનું વિઘટન કરે છે.

આ પ્રક્રિયા દરમિયાન ભોજનમાં રહેલાં રાસાયણિક તત્ત્વો અને બૅક્ટેરિયાને કારણે ગૅસ બને છે.

આ ગૅસ વોલ્ટાઇલ મૉલિક્યૂલ્સ હોય છે, તે શરીરમાંથી એવી જ રીતે બહાર નીકળે છે, જે રીતે આહાર અંદર ગયો હતો.

આ જ કારણસર ઘણી વખત શ્વાસમાં દુર્ગંધ આવતી હોય છે, જેને હેલિટૉસિસ કહે છે.

આંકડાઓ અનુસાર, દુનિયાભરમાં લગભગ એક-તૃતીયાંશ પુખ્ત લોકો કોઈને કોઈ સ્વરૂપે આ સમસ્યાથી પીડાય છે. જોકે, તેનાં અન્ય કારણો પણ હોઈ શકે છે.

બીજો પ્રકાર છે, ત્વચા. જ્યારે આહારમાં રહેલા કેમિકલ કૉમ્પોનન્ટ્સ શરીરમાં પચીને વિઘટન પામે છે, ત્યારે તેનો અમુક ભાગ બ્લડસ્ટ્રીમ મારફત શરીરના જુદા-જુદા ભાગો સુધી પહોંચે છે.

તેમાંનો એક ભાગ પરસેવા સ્વરૂપે ત્વચામાંથી બહાર નીકળે છે.

ત્યાં તે ત્વચા ઉપર રહેલા બૅક્ટેરિયા સાથે મળીને ગંધ ઉત્પન્ન કરે છે.

ધ્યાનપાત્ર બાબત એ છે કે, પરસેવાની ખુદની કોઈ ગંધ નથી હોતી, પણ પરસેવો જ્યારે બૅક્ટેરિયાના સંપર્કમાં આવે, ત્યારે તે ગંધ ઉત્પન્ન કરે છે.

પરંતુ, લગભગ દરેક વખતે તીવ્ર કે તીખી ગંધ પાછળનું મુખ્ય કારણ હોય છે – સલ્ફર.

રસપ્રદ વાત એ છે કે, કેટલાક અભ્યાસો પ્રમાણે, આ સલ્ફરયુક્ત કમ્પાઉન્ડ્ઝ કેટલીક વખત વ્યક્તિને વધુ આકર્ષક બનાવી શકે છે.

ફળ અને શાકભાજી

બ્રોકલી, કોબીજ, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ અને ફ્લાવરને તંદુરસ્ત આહારનો ભાગ માનવામાં આવે છે.

પણ તેમાં સલ્ફર કમ્પાઉન્ડ્ઝ ઘણા વધુ પ્રમાણમાં રહેલા હોય છે.

આથી જ તેમાંથી ઘણી વખત સડેલા ઈંડાં જેવી ગંધ આવતી હોય છે.

ન્યૂટ્રિશનલ થેરપિસ્ટ કેરી બીસનના જણાવ્યા પ્રમાણે, જ્યારે આ સલ્ફર ધરાવતાં તત્ત્વો રક્ત મારફત શરીરમાં પરિભ્રમણ કરે છે અને ત્વચાના બૅક્ટેરિયાના સંપર્કમાં આવે છે, ત્યારે પરસેવાની ગંધ તીવ્ર અને તીખી થઈ જાય છે.

ડુંગળી અને લસણ જેવી ખાદ્ય ચીજો પણ આપણા શ્વાસ તથા પરસેવાની ગંધ પર અસર ઉપજાવે છે.

કોબીજના વર્ગનાં શાકભાજીનું સમાન કારણ અહીં પણ લાગુ પડે છે.

આ કમ્પાઉન્ડ્ઝ શરીરમાંથી અલગ-અલગ સમયે નીકળે છે.

રસપ્રદ બાબત એ છે કે, ઘણા અભ્યાસો પ્રમાણે, લસણ શ્વાસની ગંધ ખરાબ કરતું હોય છે, પણ તે આપણા શરીરના પરસેવાની ગંધને આકર્ષક બનાવી દે છે.

એક અભ્યાસમાં 42 પુરુષોનો પરસેવો મેળવવા માટે તેમની બગલમાં 12 કલાક સુધી કપાસનાં પૅડ્ઝ પહેરાવવામાં આવ્યાં હતાં.

તેમાંથી અમુક પુરુષોએ થોડી માત્રામાં લસણ ખાધું હતું, કોઈએ વધારે ખાધું હતું અને કોઈએ લસણનાં સપ્લિમેન્ટ્સ લીધાં હતાં.

પછીથી 82 મહિલાઓને તે પૅડ્ઝની ગંધને રેટિંગ આપવા જણાવવામાં આવ્યું.

વિકલ્પો હતાઃ ગંધ કેટલી સારી લાગી, કેટલી આકર્ષક હતી, કેટલી અસરકારક હતી અને કેટલી તીવ્ર હતી.

પરિણામ એ આવ્યું કે, જેમણે ઓછું લસણ ખાધું હતું, તેમની ગંધમાં ખાસ ફરક નહોતો પડ્યો.

પણ જેમણે વધારે લસણ ખાધું હતું, તેમને વધુ આકર્ષક ગણવામાં આવ્યા અને તેમને પસંદ કરવામાં આવ્યા.

વળી, લસણનું સપ્લિમેન્ટ લેનારા સહભાગીઓને પણ વધુ આકર્ષક ગણવામાં આવ્યા.

આ પ્રયોગનું નેતૃત્વ કરનારા વિજ્ઞાની જાન હાવલીચેક ચેક રિપબ્લિકની ચાર્લ્સ યુનિવર્સિટીમાં હ્યુમન એથોલોજી અને કેમિકલ કમ્યુનિકેશન ઉપર કામ કરે છે.

તેમણે જણાવ્યું હતું, “અમે આ અભ્યાસનું ત્રણ વખત પુનરાવર્તન કર્યું, કારણ કે, પરિણામો સાચે જ આશ્ચર્યજનક હતાં.”

જાન હાવલીચેકનું માનવું છે કે, લસણમાં રહેલા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને ઍન્ટિ-માઇક્રોબિયલ ગુણ આરોગ્યમાં સુધારો કરે છે અને આ જ કારણસર, લસણ ખાનારા પુરુષોની ગંધ મહિલાઓને વધુ ગમતી હોય, એવું બની શકે છે.

 શરીરની ગંધ વ્યક્તિના જીન, હોર્મોન્સ, આરોગ્ય તથા સ્વચ્છતાની આદતોના આધારે આકાર પામતી હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાંક શાકભાજીની આપણી ગંધ પર અલગ-અલગ અસર ઉદ્ભવતી હોય છે.

તે જ્યારે શરીરમાં પચે છે, ત્યારે તેમાંથી મિથેનથિયોલ અને ડાઇમિથાઇલ સલ્ફિડ જેવાં સલ્ફરવાળા કમ્પાઉન્ડ્ઝ બને છે.

સલ્ફર કમ્પાઉન્ડ્ઝ ઘણાં અસ્થિર હોય છે, અર્થાત્ હવામાં સરળતાથી પ્રસરી જાય છે.

આ ગંધ દરેક વ્યક્તિમાં બનતી જ હોય, એ જરૂરી નથી. તેના પર થયેલા અભ્યાસનાં પરિણામોમાં પણ ભિન્નતા છે.

1950ના દાયકામાં હાથ ધરાયેલા એક સંશોધનમાં માલૂમ પડ્યું હતું કે, 50 ટકા કરતાં ઓછા લોકોમાં આ ગંધ ઉત્પન્ન થાય છે, જ્યારે 2010ના એક અભ્યાસ અનુસાર, 90 ટકા કરતાં વધુ સહભાગીઓમાં તે ગંધ મોજૂદ હતી.

તેનો અર્થ એ કે, આ મામલે હજુ સ્પષ્ટતા નથી.

અન્ય એક રસપ્રદ બાબત એ પણ છે કે, આ ગંધ દરેક વ્યક્તિને નથી અનુભવાતી. કોઈ વ્યક્તિ તેના એસ્પેરાગસવાળા પેશાબની ગંધ અનુભવી શકે છે કે કેમ, તેનો આધાર તેના જિનેટિક્સ પર રહે છે.

અલબત્ત, જ્યારે ફળો અને શાકભાજીની આવે, ત્યારે તેમનું અતિશય સેવન શરીરની ગંધને વધુ આકર્ષક બનાવી શકે છે.

તે અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે, જે લોકોની ત્વચા આછા પીળા રંગની હતી, અર્થાત્ જેમના શરીરમાં કેરોટિનોઇડ વધુ હતું (જે ગાજર, કોળું, ટામેટાં અને પપૈયામાંથી મળે છે), તેઓ અન્ય લોકોને વધુ આકર્ષક લાગ્યા હતા.

એ જ રીતે, જે લોકો આહારમાં થોડા પ્રમાણમાં ફેટ, માંસ, ઈંડાં અને ટોફુનું સેવન કરતા હતા, તેમના પરસેવાની ગંધ પણ સારી હોવાનું જણાયું હતું.

તેનાથી ઊલટું, કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર આહાર લેનારા લોકોની ગંધ સૌથી ઓછી આકર્ષક લાગી હતી.

માંસ અને માછલી

માંસ અને માછલી પણ શરીરમાં ખાસ પ્રકારની ગંધ ઉત્પન્ન કરી શકે છે. કારણ કે, શરીર એનિમલ પ્રોટીનનું એમિનો એસિડ અને ફેડમાં વિઘટન કરે છે.

આ એમિનો એસિડ અને ફેટ પરસેવામાં બહાર નીકળે છે અને ત્વચાના બૅક્ટેરિયા સાથે મળીને ગંધ ઉત્પન્ન કરે છે.

ઉદાહરણ તરીકે, માછલી અને બિન્સથી શરીરમાં ગંધ ઉત્પન્ન થઈ શકે છે, કારણ કે, તેમાં ટ્રાઇમિથાઇલેમિન હોય છે, જે તીવ્ર ગંધ ધરાવતું કમ્પાઉન્ડ છે.

તેમના જણાવ્યા પ્રમાણે, જ્યારે શરીર ટ્રાઇમિથાઇલેમિનને એક ગંધરહિત કમ્પાઉન્ડમાં પરિવર્તિત ન કરી શકે, ત્યારે આવી સ્થિતિ ઉદ્ભવે છે.

તેઓ કહે છે, “તેના કારણે શરીરમાંથી તીવ્ર ગંધ આવી શકે છે.” અલબત્ત, આ સ્થિતિ દુર્લભ છે.

જેમકે, 2025ના એક કેસ રિપોર્ટમાં 10 મહિનાના એક બાળકને ટ્રાઇમિથાઇલમિનુરિયા થયાનો ઉલ્લેખ છે.

માછલી આરોગ્યા બાદ તે બાળકમાંથી સડેલી માછલી જેવી ગંધ આવતી હતી. આ સ્થિતિ કાયમી નહોતી અને વ્યવસ્થિત ઉપચાર પછી બાળક સાજું થઈ ગયું હતું.

શું માંસ ખાવાથી વ્યક્તિ વધુ આકર્ષક બને છે?

જે લોકો શાકભાજી આહારમાં લે છે, તેમને ઘણીવાર વધુ આકર્ષક માનવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

તે અંગે હાવલીચેકની ટીમે 2006માં એક અભ્યાસ કર્યો હતો. વિજ્ઞાનીઓએ બે સપ્તાહ સુધી માંસાહાર કરનાર અથવા તો શાકાહાર લેનારા 30 પુરુષો પર અભ્યાસ કર્યો હતો.

મહિલાઓએ તેમની ગંધનું રેટિંગ કર્યું હતું, જેના વિકલ્પો એ હતા કે, તેમને ગંધ કેટલી સારી, આકર્ષક અને તીવ્ર લાગી.

શાકાહાર લેનારા પુરુષોની ગંધ પ્રમાણમાં વધુ આકર્ષક, વધુ સારી અને ઓછી તીવ્રતા ધરાવતી હોવાનું માલૂમ પડ્યું હતું.

હાવલીચેક કહે છે કે, “અમને એ જાણીને આશ્ચર્ય થયું કે, માંસાહાર કરનારા લોકોની ગંધ શાકાહારી લોકોની તુલનામાં થોડી વધારે ખરાબ હતી.”

તેમને આવા તારણની અપેક્ષા નહોતી, કારણ કે, માનવ ઉત્ક્રાંતિ દરમિયાન માંસને માનવીના આહારનો મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે.

જોકે, આજના જટિલ અને ઔદ્યોગિક સમાજના લોકો જેટલું માંસ આરોગે છે, તેટલું માંસ કોઈ આદિમાનવ ખાતો નહોતો.

હાવલીચેક કહે છે, “ઉત્ક્રાંતિ દરમિયાન રોજ માંસાહાર કરવામાં નહોતો આવતો.”

શરાબ અને કૉફી

શરીરની ગંધ વ્યક્તિના જીન, હોર્મોન્સ, આરોગ્ય તથા સ્વચ્છતાની આદતોના આધારે આકાર પામતી હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images

લીના બેગદાચે જણાવે છે કે, ખાસ કરીને જો દારૂ વધુ પ્રમાણમાં અને નિયમિત સમયાંતરે લેવામાં આવે, તો પેટ અને પરસેવો, બંનેમાંથી દુર્ગંધ આવી શકે છે.

જ્યારે શરીર લીવરમાં દારૂનું વિઘટન કરીને તેની પ્રોસેસ કરે છે, ત્યારે તે એસિટાલ્ડિહાઇડ નામનું એક કમ્પાઉન્ડ છોડે છે, જે ઝેરીલું અને અસ્થિર કમ્પાઉન્ડ છે.

તેની દારૂ જેવી ગંધ સરળતાથી ઓળખી શકાય છે.

એક અભ્યાસમાં માલૂમ પડ્યું કે, પોલીસ અધિકારી 60થી 85 ટકા કિસ્સામાં માત્ર મોંની ગંધ પરથી જણાવી શકે છે કે, કોણે દારૂ પીધો છે અને કોણે નથી પીધો.

તેનો આધાર એ બાબત પર રહે છે કે, કોણે કેટલો શરાબ પીધો છે.

શરાબને કારણે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે અને મોંની લાળ પણ ઓછી થઈ જાય છે. તેના કારણે મોંમાં બૅક્ટેરિયા વધી જાય છે અને શ્વાસમાં દુર્ગંધ આવે છે.

જેમકે, એક અભ્યાસમાં જોવા મળ્યું કે, 235 લોકોમાંથી જે લોકો રોજ શરાબ પીતા હતા, તેમને મોંમાં દુર્ગંધની ફરિયાદ વધુ હોવાની શક્યતા સૌથી ઊંચી હતી.

તેમના શ્વાસમાં અસ્થિર સલ્ફર કમ્પાઉન્ડનું પ્રમાણ વધારે હતું.

તેમાં જોવા મળ્યું કે, બીયર પીનારા જૂથ તરફ મચ્છરો વધુ આકર્ષિત થયા હતા.

કેરી બીસન જણાવે છે કે, વધુ પરસેવો બૅક્ટેરિયા માટે વધુ સાનુકૂળ વાતાવરણ ઊભું કરી શકે છે, જેના કારણે શરીરની દુર્ગંધ વધુ તીવ્ર બને છે.

આ સિવાય, એક અભ્યાસના આધારે જાણવા મળ્યું હતું કે, કેફેઇનના મૉલિક્યુલ પરસેવામાં પણ હોઈ શકે છે, પણ કેફેઇન શરીરની ગંધ પર અસર ઉપજાવે છે કે કેમ, તે અંગે કોઈ ડેટા ઉપલબ્ધ નથી.

ગંધ અને સામાજિક સંપર્કનો અભ્યાસ કરનારા ક્રેગ રૉબર્ટ્સ જણાવે છે કે, “આપણે સસ્તનવર્ગી છીએ અને તમામ સસ્તન પ્રાણીઓની માફક સામાજિક સંવાદ પર ગંધની નોંધપાત્ર અસર પડે છે.”

લોકોને આપણે કેટલાં આકર્ષક લાગીએ છીએ, તે નક્કી કરનારાં અગણિત પરિબળોમાંનું એક પરિબળ ગંધ છે.

રૉબર્ટ્સ જણાવે છે કે, ગંધની અસરોને – લોકો કેવા દેખાય છે, કેવું વર્તન કરે છે અને કેવી રીતે વાત કરે છે, વગેરે જેવા સામાજિક સંકેતોથી અલગ કરવી મુશ્કેલ છે.

પણ તેમ છતાં, આ બાબતોને વૈજ્ઞાનિક રીતે ઝીણવટપૂર્વક સમજવાનો પ્રયાસ કરતાં વિરોધાભાસી પરિણામો સામે આવે છે.

ઉદાહરણ તરીકે, જાન હાવલીચેકે હાથ ધરેલા એક અભ્યાસમાં પુરુષોએ મહિલાઓના બગલના પરસેવાની ગંધનું રેટિંગ કર્યું હતું.

તેમને ગંધ કેટલી સારી, આકર્ષક, અસરકારક કે તીવ્ર લાગી, તે જણાવવાનું હતું.

આ પ્રયોગમાં સામેલ કેટલીક મહિલાઓએ સામાન્ય ભોજન આરોગ્યું અને કેટલીક મહિલાઓએ 48 કલાકનો ઉપવાસ કર્યો.

આમ તો, બંને જૂથો વચ્ચે કોઈ ખાસ અંતર નહોતું, તેમ છતાં ભોજન કરનારી મહિલાઓની તુલનામાં ઉપવાસ કરનારી મહિલાઓનો પરસેવો વધુ આકર્ષક હતો.

હાવલીચેક કહે છે, “આ પરિણામની પણ અમને અપેક્ષા નહોતી.”

પણ સ્પષ્ટ જવાબ મેળવવા માટે, અન્ય અભ્યાસોમાં પણ સમાન પરિણામો આવવાં જરૂરી છે.

અને તમારા પરસેવાની ગંધ બહેતર હોય, તો પણ સ્વિટ્ઝર્લેન્ડમાં 2018માં હાથ ધરાયેલા એક અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે, ઉપવાસ કરવાથી લોકોના શ્વાસની ગંધ વધુ ખરાબ થઈ જાય છે.

તમામ અભ્યાસો અને તેમનાં પરિણામો પરથી રૉબર્ટ્સ અને હાવલીચેક જેવા સંશોધકોને જાણવા મળ્યું કે, આહાર આપણા શરીરની ગંધ અને દૃષ્ટિકોણ ઉપર શું અસર ઉપજાવે છે, તે પ્રશ્નનો કોઈ એક અને સ્પષ્ટ જવાબ નથી, બલ્કે તેમાં ઘણું વૈવિધ્ય પ્રવર્તે છે.

હાવલીચેક કહે છે, “ઘણાં ખૂશ્બોદાર કમ્પાઉન્ડ્ઝ હોય છે અને તે પૈકીના મોટાભાગના કમ્પાઉન્ડ્ઝ આપણા શરીરની ગંધને કેવી રીતે પ્રભાવિત કરે છે, તે અંગે જાણકારી નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS