Home તાજા સમાચાર gujrati પૅન્ટાગોન કરતાં પણ સાઇઝમાં મોટું સુરત ડાયમંડ બુર્સ હજુ પણ ખાલીખમ કેમ...

પૅન્ટાગોન કરતાં પણ સાઇઝમાં મોટું સુરત ડાયમંડ બુર્સ હજુ પણ ખાલીખમ કેમ લાગે છે?

24
0

Source : BBC NEWS

પૅન્ટાગોન કરતાં પણ સાઇઝમાં મોટું સુરત ડાયમંડ બુર્સ હજુ પણ ખાલીખમ કેમ લાગે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાન યુદ્ધના કારણે અમેરિકાનું પૅન્ટાગોન અત્યારે કદાચ સૌથી વ્યસ્ત ઇમારત હશે, પરંતુ પૅન્ટાગોન કરતાં પણ વધારે ક્ષેત્રફળ ધરાવતા સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ની હાલત એકદમ વિપરીત છે.

પહેલાં રશિયા-યુક્રેન યુદ્ધ, ત્યાર પછી ભારત પર ડોનાલ્ડ ટ્રમ્પના આકરા ટેરિફ અને હવે મધ્યપૂર્વના યુદ્ધના કારણે હીરાઉદ્યોગને એટલી અસર થઈ છે કે એસડીબી પોતાની ક્ષમતા કરતાં ઘણા નીચા સ્તરે કામ કરે છે અને ઉદ્ઘાટનના અઢી વર્ષ પછી પણ મોટા ભાગની ઓફિસો ખાલી છે.

લગભગ 3200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સુરત ડાયમંડ બુર્સમાં 4700થી વધારે ઓફિસ, 131 એલિવેટર્સ અને 22 કિમીનો પેસેજ છે. પરંતુ હાલમાં માંડ 250થી 300 ઓફિસોમાં કામ ચાલુ છે. બાકીની ઓફિસો શરૂ કરવા માટે વારંવાર પ્રયાસ કરવા છતાં સફળતા નથી મળી અને હીરાના વેપારીઓમાં ઉત્સાહનો અભાવ જોવા મળે છે.

મોટા પાયે રોજગારીની આશા હતી

બીબીસી ગુજરાતી સુરત ડાયમંડ બુર્સ હીરાના વેપારી પેન્ટાગોન ઓફિસ

ઇમેજ સ્રોત, Getty Images

સુરત ડાયમંડ બુર્સનો પ્રચાર દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે કરવામાં આવ્યો હતો. અમેરિકાનું પૅન્ટાગોન 65 લાખ ચોરસ ફૂટનો એરિયા ધરાવે છે, જ્યારે સુરત ડાયમંડ બુર્સ 66 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે.

સુરત ડાયમંડ બુર્સ એ ગુજરાતના ડાયમંડ રિસર્ચ ઍન્ડ મર્કન્ટાઇલ સિટી (ડ્રીમ) પ્રોજેકટનો એક ભાગ છે. ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે ફેબ્રુઆરી 2015માં એસડીબી અને ડ્રીમ સીટી પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યું હતું.

ડાયમંડ બુર્સમાં નવ ટાવર છે જે એકબીજાથી જોડાયેલા છે અને દરેકમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 15 માળ છે. તેમાં બૅન્કો, કસ્ટમ્સ ઓફિસ, સિક્યોર વોલ્ટ, જ્વેલરી મોલ સહિતની સુવિધાઓ છે.

ડિસેમ્બર 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમણે દાવો કર્યો હતો કે આ ડાયમંડ બુર્સથી 1.50 લાખ નવી રોજગારી પેદા થશે અને કારીગરો તથા બિઝનેસમેન માટે ‘વન સ્ટોપ શોપ’ બનશે. પરંતુ હાલની સ્થિતિ પરથી લાગે છે કે સુરત ડાયમંડ બુર્સ માટે અનુકૂળ સમય નથી.

દુનિયામાં રફ ડાયમંડના કટિંગ અને પોલિશિંગમાં સુરત લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે. પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધ, અમેરિકાના ઊંચા ટેરિફ અને હવે મધ્ય પૂર્વના યુદ્ધના કારણે ડાયમંડ ઉદ્યોગને ફટકો પડ્યો છે.

ડાયમંડ બુર્સમાં અત્યારે માંડ 250થી 300 ઑફિસો ચાલુ છે અને તેમાં પણ નિયમિત વેપાર થતો હોય તેવી ઓફિસની સંખ્યા લગભગ ત્રીજા ભાગની છે. છેલ્લાં બે વર્ષમાં ડાયમંડ બુર્સમાં નવી ઓફિસો ચાલુ કરવા માટે વારંવાર મુહૂર્ત પણ કાઢવામાં આવ્યાં છે, પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી.

ડાયમંડ બુર્સને કઈ સમસ્યા નડે છે?

બીબીસી ગુજરાતી સુરત ડાયમંડ બુર્સ હીરાના વેપારી દિનેશ નાવડિયા

હીરાઉદ્યોગના અગ્રણીઓના કહેવા પ્રમાણે સુરત ડાયમંડ બુર્સ હજુ સુધી પૂર્ણ ક્ષમતાએ શરૂ નથી થઈ શક્યું તેના માટે અનેક કારણો જવાબદાર છે.

સુરતસ્થિત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ બીબીસીને કહ્યું કે “જ્યારથી ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયું ત્યારથી વિશ્વભરમાં મંદીનો માહોલ છે.”

તેઓ કહે છે કે, “અત્યારે હીરાઉદ્યોગમાં ઘણા વેપારીઓ ખર્ચ ટાળી રહ્યા છે. ધારો કે મુંબઈમાં પહેલેથી મારી ઓફિસ હોય, અન્ય જગ્યાએ મૅન્યુફેક્ચરિંગ ચાલતું હોય. આવામાં મારું ઉત્પાદન બહુ વધારે ન હોય અને નફાનું માર્જિન પણ ન હોય તો મને ત્રીજી નવી ઓફિસ ચલાવવી કેમ પોસાય? હીરાઉદ્યોગને અત્યારે માર્કેટનો માર પડ્યો છે.”

તેમણે હાલની મધ્યપૂર્વની સ્થિતિને પણ આના માટે જવાબદાર ગણાવી હતી. નાવડિયાએ કહ્યું કે, “દુબઈ એ આપણા માટે રફ અને પોલીશ્ડ હીરાના ટ્રેડિંગ માટે મુખ્ય કેન્દ્ર છે. જ્વેલરીની નિકાસ માટે પણ દુબઈ એ મુખ્ય સેન્ટર રહ્યું છે. આ ઉપરાંત ઇઝરાયલ સાથે પણ જેમ્સ અને જ્વેલરીના ઘણા સોદા થતા હોય છે. પરંતુ હાલમાં આ બધાને અસર થઈ છે.”

બીબીસી ગુજરાતી સુરત ડાયમંડ બુર્સ હીરાના વેપારી પેન્ટાગોન ઓફિસ

ઇમેજ સ્રોત, Getty Images

તેવી જ રીતે એસડીબીના વાઇસ ચેરમેન લાલજી પટેલે જણાવ્યું કે “યુદ્ધનું વાતાવરણ હોય ત્યારે ગ્રાહકોમાં ખરીદીનો મૂડ જોવા મળતો નથી.”

તેમણે કહ્યું કે, “સૌથી પહેલાં અમેરિકાએ ટેરિફ વોર શરૂ કર્યું અને ત્યાર બાદ ટેરિફમાં ઘટાડો કર્યો જેનાથી હીરાઉદ્યોગને રાહત મળી હતી. પરંતુ હવે મધ્યપૂર્વના યુદ્ધના કારણે બે મહિના કરતાં વધુ સમયથી બધો વકરો અટકી ગયો છે.”

“આ ઉપરાંત ડાયમંડ એ લક્ઝરી આઇટમ છે, આવશ્યક ચીજ નથી. તેથી યુદ્ધની સ્થિતિમાં લોકોએ ડાયમંડની ખરીદી ઘણી ઘટાડી દીધી છે.”

અન્ય એક વેપારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે “સુરતના મહિધરપુરાના હીરાબજારના ઘણા વેપારીઓ હજુ પોતાનું વર્ષો જૂનું સ્થાપિત બજાર છોડવા માટે તૈયાર નથી. આ ઉપરાંત એસડીબીમાં નવી ઓફિસ ખરીદ્યા પછી તેમાં બીજો ઘણો ખર્ચ કરવો પડે છે.”

દિનેશ નાવડિયા કહે છે કે, “આ માર્કેટ બનાવવા પાછળનું વિઝન એ હતું કે મુંબઈના નાના કારખાનેદારો પણ અહીંથી માલ ખરીદ-વેચાણ કરી શકે. મુંબઈથી જે ખરીદદારો આવવા જોઈતા હતા તે નથી આવ્યા.”

જેમ્સ ઍન્ડ જ્વેલરી ઍક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના ગુજરાત રિજિયનના ચેરમેન જયંતિભાઈ સાવલિયા કહે છે કે, “છેલ્લાં ચાર વર્ષથી કોઈને કોઈ અવરોધ નડતા આવ્યા છે. અગાઉ 40 અબજ ડૉલરના જેમ્સ અને જ્વેલરીની નિકાસ થતી હતી, તે હવે ઘટીને 30 અબજ ડૉલરની થઈ ગઈ છે. અગાઉ સૌથી વધારે રશિયન માલ આવતો હતો. પરંતુ અમેરિકા અને યુરોપના દેશોએ તેના પર નિયંત્રણો લાદ્યા, ત્યાર પછી ટ્રમ્પના ટેરિફ આવ્યા.”

હવે ધમધમાટ શરૂ થશે?

બીબીસી ગુજરાતી સુરત ડાયમંડ બુર્સ હીરાના વેપારી

એસડીબીના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ કહે છે કે નવી જગ્યાએ શરૂઆતમાં વેપારીઓમાં ડર હોય છે કે આટલા મોટા ખર્ચ સાથે ઓફિસ શરૂ કર્યા પછી મારે પાછું તો નહીં જવું પડે ને. તેથી તેઓ બીજા લોકો ઓફિસ શરૂ કરે તેની રાહ જોતા હોય છે.

તેમનો દાવો છે કે સુરત ડાયમંડ બુર્સ માટે નવેસરથી પ્રયાસ હાથ ધરાયા ત્યાર પછી મહિધરપુરા હીરા બજારના લગભગ 300 વેપારીઓ એસડીબીમાં આવવા તૈયાર થયા છે. તેઓ કહે છે કે એક વર્ષની અંદર ઓછામાં ઓછી 1000 ઓફિસ ચાલુ થઈ જાય તેવું બધાએ વચન આપ્યું છે.

સુરત ડાયમંડ બુર્સમાં વધુને વધુ ઓફિસ શરૂ થાય તે માટે વારંવાર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગયા અઠવાડિયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડાયમંડ ટ્રેડર્સ સાથે બેઠક કરી હતી અને ડાયમંડ બુર્સમાં પોતાની કામગીરી શરૂ કરવા વેપારીઓને આગ્રહ કર્યો હતો.

તેમણે દાવો કર્યો હતો કે આગામી એક વર્ષમાં ડાયમંડ બુર્સમાં 1500 ઓફિસ કામ કરતી થઈ જશે. તેમાંથી 500 ઓફિસ તો આગામી પાંચ મહિનામાં જ ચાલુ થઈ જશે.

દિનેશ નાવડિયાને આશા છે કે હવે ધીમે ધીમે મોમેન્ટમ જોવા મળશે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં લેબગ્રોન ડાયમંડવાળા પણ એસડીબીમાં ઓફિસો શરૂ કરશે, ફેન્સી કટવાળાઓ પણ ઓફિસ શરૂ કરવા સહમત થયા છે. રફ ડાયમંડનું સેલ કરનારાઓ પણ ચાર-પાંચ મહિનામાં ઓફિસ શરૂ કરે તેવી આશા છે.

તેઓ કહે છે કે એસડીબીમાં પાંચ ટાવર નાના વેપારીઓ માટેના છે જેમાં 300 ફૂટની ઓફિસો છે. આ બધા લોકો સેટ થાય તો તમામ ટાવર સક્રિય થઈ જશે.

‘આટલી ઓફિસો ભરાતા સમય લાગશે’

બીબીસી ગુજરાતી સુરત ડાયમંડ બુર્સ હીરાના વેપારી પેન્ટાગોન ઓફિસ

સુરતના હીરાઉદ્યોગમાં કેટલાક લોકો માને છે કે આટલી મોટી ઓફિસ સ્પેસ ટૂંકા ગાળામાં આખે આખી ભરાઈ જાય તેવી આશા રાખવી ખોટી છે.

જેમ્સ ઍન્ડ જ્વેલરી ઍક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના ગુજરાત રિજિયનના ચેરમેન જયંતિભાઈ સાવલિયા કહે છે કે, દુનિયામાં આટલી વિશાળ ઓફિસ સ્પેસ ક્યાંય નથી તેથી તે ક્યારેય એક સાથે ઑક્યુપાઈ ન થાય.

તેઓ કહે છે કે, “છેલ્લાં ચાર વર્ષથી માર્કેટમાં મંદી ચાલે છે. મારી ઓફિસ કોઈ જગ્યાએ ચાલુ હોય ત્યારે નવી જગ્યાએ ઓફિસ શરૂ કરતા પહેલાં વિચારવું પડે કારણ કે ઓફિસ કરતા બમણો ખર્ચ તેના ફર્નિચરનો થાય છે. અત્યારે આ સ્થિતિમાં કોણ ખર્ચ કરવા તૈયાર થશે. ઘણા નાના કારખાનેદારોને અત્યારે ઓફિસની જરૂર નથી.”

તેમણે કહ્યું કે એસડીબીમાં 4500થી વધારે ઓફિસો બનાવવામાં આવી ત્યારે જ સ્પષ્ટ હતું કે બધી ઓફિસોને ભરાતા ઘણાં વર્ષો લાગશે. તેમણે મુંબઈના ભારત ડાયમંડ બુર્સનું ઉદાહરણ આપતાં કહ્યું કે તેને પણ પૂર્ણ કક્ષાએ કામ કરવામાં 15 વર્ષ લાગી ગયાં હતાં.

મુંબઈના બીકેસીમાં આવેલું ભારત ડાયમંડ બુર્સ એક વિશ્વસ્તરીય ડાયમંડ કૉમ્પલેક્સ છે. તેમાં 2500 ઑફિસો છે. તેનું ક્ષેત્રફળ 2 લાખ સ્ક્વેર ફૂટ છે. આ બિલ્ડિંગમાં એકસાથે 40 હજાર લોકો કામ કરી શકે છે.

સાવલિયા કહે છે કે, “જૂની બજાર ધીમે ધીમે SDB તરફ શિફ્ટ થવા લાગી છે. દોઢથી બે મહિનામાં ઘણી ઓફિસ શરૂ થશે. એક વર્ષમાં 1000 ઓફિસ શરૂ થશે. અહીં એટલી બધી સુવિધાઓ છે કે ત્યાં ન આવવા માટે કોઈ કારણ નથી.”

અમેરિકા પર દારોમદાર

બીબીસી ગુજરાતી સુરત ડાયમંડ બુર્સ હીરાના વેપારી પેન્ટાગોન ઓફિસ

ઇમેજ સ્રોત, Getty Images

સુરતથી થતી જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં એકલા અમેરિકાનો હિસ્સો 30 ટકા કરતાં વધુ છે. ગયા વર્ષે એપ્રિલમાં અમેરિકાએ 27 ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી હતી.

ત્યાર પછી રશિયન ઑઇલ ખરીદવાના કારણે વધારે ટેરિફ લગાવવામાં આવ્યા હતા. એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક ગુડ્સ પછી જેમ્સ અને જ્વેલરી એ અમેરિકામાં ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી નિકાસ છે.

જેમ્સ અને જ્વેલરીની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 3.2 ટકા જેટલો જ છે પરંતુ ભારતના જીડીપીમાં આ ઉદ્યોગ સાત ટકા હિસ્સો આપે છે.

ભારત મુખ્યત્વે કટ ઍન્ડ પોલિશ્ડ ડાયમંડ, લેબ ગ્રોન ડાયમંડ અને સોનાની જ્વેલરીની નિકાસ કરે છે. અમેરિકા ઉપરાંત ભારત માટે હોંગ કોંગ અને યુએઈ પણ અગત્યના બજાર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS