Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Matin Shaikh/BBC
બાળપણમાં જ્યારે હું છત્રપતિ સંભાજીનગર (તે સમયે ઔરંગાબાદ)થી લગભગ 50 કિલોમીટર દૂર આવેલા મારા મૂળ ગામે પરિવાર સાથે જતો હતો, ત્યારની કેટલીક યાદો આજે પણ ખૂબ જ સ્પષ્ટ છે. તે યાદોમાંનાં કેટલાંક દૃશ્યો આજે પણ આંખો સામે જીવંત થઈ જાય છે.
આવું જ એક દૃશ્ય રસ્તામાં આવતાં મુખ્ય ગામોના પ્રવેશદ્વારે મૂકવામાં આવતી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓનું છે.
જાણે દરેક ગામની ઓળખ એ પ્રતિમા સાથે જ જોડાયેલી હોય. અમારા ઘર પાસે પણ આવી એક પ્રતિમા હતી, પરંતુ તેની નજીક જવા માટે અમારે દર વર્ષે 14 એપ્રિલની રાહ જોવી પડતી હતી.
બાળપણમાં એટલી જ ખબર હતી કે આ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે. પરંતુ ઉંમર અને અનુભવો સાથે તેમના વ્યક્તિત્વની ભવ્યતા ધીમે ધીમે પ્રગટ થતી ગઈ.
પછી જેમ જેમ તેમની પ્રતિમાઓ વધારે જોવાનું શરૂ કર્યું તેમ તેમ અમને ફક્ત એક વ્યક્તિનો જ નહીં, પરંતુ એક સંપૂર્ણ વિચારધારા, એક જ્વલંત સંઘર્ષ અને અસંખ્ય સપનાંનો ખજાનો દેખાવા લાગ્યો.
સાથે સાથે એ પણ સમજાયું કે આ પ્રતિમાઓ સામાન્ય લોકોને આ મહાન વ્યક્તિત્વની નજીક કેવી રીતે લાવે છે.
હકીકતમાં તો આ પ્રતિમાઓ ફક્ત ધાતુ કે પથ્થરનાં શિલ્પો કે ચોક્કસ આકારની પ્રતિકૃતિઓ જ નથી. પરંતુ ઇતિહાસ અને સ્વાભિમાનનાં પ્રતીકો છે. આ પ્રતિમાઓ આપણને સતત યાદ અપાવડાવે છે કે ડૉ. બાબાસાહેબનો સંદેશ, “શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો” ભૂલાવો ન જોઈએ.
આજે જ્યારે ઠેરઠેર આવી પ્રતિમાઓ જોવામાં મળે છે, ત્યારે એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રથમ પ્રતિમા કઈ હતી? કોણે બનાવી હતી? અને તેના નિર્માણ પાછળની કથા શું હશે? શું તમે ક્યારેય તેના વિશે વિચાર્યું છે? આજે આપણે તેના વિશેની રસપ્રદ વાત જાણીશું.
ચાલો શરૂઆત કરીએ પ્રતિમાની પહેલ કરનાર ભાઈ બાગલથી.
કોણ હતા ‘ભાઈ’ બાગલ?
ઇમેજ સ્રોત, Maharashtra Govt
ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રથમ પ્રતિમાની કથા ખૂબ રસપ્રદ છે. તેનો શ્રેય કોલ્હાપુરના વિચારક, સ્વાતંત્ર્યસેનાની અને કલાકાર માધવરાવ ખંડેરાવ બાગલને જાય છે, જેઓ ‘ભાઈ બાગલ’ તરીકે જાણીતા છે.
માધવરાવ બાગલ કોલ્હાપુરના ખંડેરાવ અને કમલાબાઈ બાગલના પુત્ર હતા. ખંડેરાવ બાગલને રાજર્ષિ શાહુ મહારાજનો સાથ હતો. તેઓ સત્યશોધક વિચારોના અનુયાયી પણ હતા. માધવરાવ બાગલ પર પણ આ જ પ્રભાવ હતો. પાછળથી તેઓ ખેડૂત મજૂર પક્ષના નેતા બન્યા પછી લોકો માધવરાવ બાગલને ‘ભાઈ’ તરીકે ઓળખવા લાગ્યા.
ભાઈ બાગલ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય હતા. તદુપરાંત સ્વતંત્રતા પછી તેમણે સામાજિક ક્ષેત્રમાં, ખાસ કરીને અસ્પૃશ્યતા અને સામાજિક અસમાનતા સામે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. ભાઈ બાગલે મજૂર ચળવળમાં પણ મૂલ્યવાન યોગદાન આપ્યું હતું.
તેમણે સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળમાં કોલ્હાપુર જિલ્લા સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના પ્રમુખ તરીકે કામ કર્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યની રચના સુધી તેમણે અનેક સત્યાગ્રહો કરીને આ ચળવળનો ફેલાવો કર્યો હતો. ભાઈ બાગલ મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ ચળવળમાં પણ મોખરે હતા.
પરંતુ આ બધાની સાથે ભાઈ બાગલ એક કલાપ્રેમી અને ખુદ કલાકાર પણ હતા. તેમનું શિક્ષણ મુખ્યત્વે કલા ક્ષેત્રમાં થયું હતું. તેમણે જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં ચિત્રકામ, મોડેલિંગ અને ભીંતચિત્ર શણગારનો અભ્યાસ કર્યો હતો. ચિત્રકાર તરીકે તેમણે કેટલાંક ચિત્રો પણ દોર્યાં હતાં.
ભાઈ બાગલે પોતાના જીવનચરિત્રમાં કોલ્હાપુરનો ઇતિહાસ અને સ્વતંત્રતા પહેલાં અને પછીના સમયગાળાને પણ રજૂ કર્યા છે. તેમણે કેટલાંક અન્ય પુસ્તકો પણ લખ્યાં છે.
ભાઈ બાગલે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ફુલે તેમજ શાહુ મહારાજ અને મહાત્મા ગાંધીની પ્રતિમાઓ બનાવવાની પહેલ પણ કરી હતી.
શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુર અને ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, ઔરંગાબાદ, હાલના છત્રપતિ સંભાજીનગરે તેમને ડી.લિટની ડિગ્રીથી સન્માનિત કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારે તેમને ‘દલિતમિત્ર’નું બિરુદ આપ્યું હતું, અને ભારતના વડા પ્રધાન દ્વારા તેમને ‘તમ્રપત્ર’ અને રાષ્ટ્રપતિ દ્વારા ‘પદ્મભૂષણ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભાઈ બાગલે ભગવાનની વિભાવના સ્વીકારી નહોતી. તેમણે પોતાના જીવનમાંથી ભગવાન અને ધર્મની વિભાવનાને નકારી કાઢી હતી. મહારાષ્ટ્ર સાંસ્કૃતિક પરિષદ દ્વારા પ્રકાશિત તેમનાં લખાણોના સંગ્રહમાં જણાવાયું છે કે મહાત્મા ફુલે અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જ તેમના ‘ભગવાન’ હતા.
પ્રતિમાસ્થાપના – કોનો વિચાર હતો?
ઇમેજ સ્રોત, Matin Shaikh/BBC
ભાઈ બાગલે તેમની આત્મકથા ‘જીવનપ્રવાહ’માં આ પ્રતિમાના નિર્માણની વાર્તા ટૂંકમાં વર્ણવી છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની આ પહેલી પ્રતિમા કોલ્હાપુરના બિંદુ ચોકમાં સ્થાપિત કરવામાં આવી હતી અને આજે પણ ત્યાં છે. રસપ્રદ વાત એ છે કે આ પ્રતિમા બાબાસાહેબ જીવતા હતા ત્યારે સ્થાપિત કરવામાં આવી હતી.
પરંતુ આ પ્રતિમાનો વિચાર તેમને એક લગ્નમાં આવ્યો હતો. ભાઈ બાગલ તેમની આત્મકથામાં લખે છે, “ગંગારામ કાંબલેએ તેમના એક સંબંધીના લગ્નમાં આ પ્રતિમા સ્થાપિત કરવાનો વિચાર સૂચવ્યો હતો,”
ઇમેજ સ્રોત, Swati Patil Rajgolkar/BBC
રાજર્ષિ શાહુ મહારાજના કારણે ગંગારામ કાંબલેનું નામ પણ ઇતિહાસમાં હંમેશ માટે અંકિત થઈ ગયું છે. ગંગારામ કાંબલેને તે સમયના ઉચ્ચ જાતિના ગંદા પાણીને સ્પર્શ કરવા બદલ કોરડા મારવામાં આવ્યા હતા. આ ઘટના ઘટી ત્યારે શાહુ મહારાજ હાજર નહોતા. જ્યારે તેમને ખબર પડી ત્યારે આવું કરનારને શાહુ મહારાજે ખૂબ આકરી સજા આપી હતી.
રાજર્ષિ શાહુ મહારાજ આટલેથી ન અટક્યા, તેમણે ગંગારામ કાંબલેને કહ્યું કે, “તમે તમારી નોકરી છોડીને બીજું કોઈ કામ કરો, હું તમને તમામ પ્રકારની મદદ કરીશ.” આનાથી પ્રેરિત થઈને ગંગારામ કાંબલેએ ચાની હોટલ શરૂ કરી હતી. રાજર્ષિ શાહુ મહારાજે પોતે તેમની હોટલમાં જઈને ચા પીધી હતી અને પોતાના આવા વર્તન દ્વારા અસ્પૃશ્યતા જેવી અનિચ્છનીય પ્રથાઓનો અંત લાવવાનો સંદેશ આપ્યો હતો.
કોલ્હાપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા બનાવવાનો વિચાર ગંગારામ કાંબલેના મનમાં આવ્યો હતો અને તેમણે તે આ વિચાર ભાઈ બાગલ સમક્ષ રજૂ કર્યો હતો. ભાઈ બાગલે પણ સત્વરે આ વિચાર અંગે નિર્ણય લીધો હતો.
પ્રતિમા કેવી રીતે બનાવવામાં આવી?
ઇમેજ સ્રોત, Matin Shaikh/BBC
“ગંગારામ કાંબલેએ આ વિચાર સૂચવ્યો, એ જ સમયે મેં જાહેરાત કરી કે હું આ વિચારને પૂર્ણ કરીશ અને પછી કામ શરૂ પણ કરી દીધું. ટૂંક સમયમાં જ તે ઇચ્છા પૂર્ણ થઈ,” આ વાત ભાઈ બાગલે ‘જીવનપ્રવાહ’ પુસ્તકમાં લખી છે.
પ્રતિમા બનાવવાની જવાબદારી શિલ્પકાર બાલ ચૌહાણને સોંપવામાં આવી હતી. આજે કોલ્હાપુરના બિંદુ ચોકમાં જે પ્રતિમા છે તે તેમણે જ બનાવી છે. ખૂબ જ સુંદર અને સુરેખ પ્રતિમા બાલ ચૌહાણ દ્વારા બનાવવામાં આવી છે.
પરંતુ આ પ્રતિમા ઊભી કરવામાં સૌથી મોટો પડકાર હતો ભંડોળ એકત્ર કરવાનો. પ્રતિમા બનાવવાનો અંતિમ નિર્ણય લેવાયા પછી, એક ‘પ્રતિમા સમિતિ’ની રચના કરવામાં આવી અને કામ શરૂ થયું હતું. આ પ્રતિમા સમિતિના અધ્યક્ષ ભાઈ બાગલ પોતે હતા.
આ પ્રતિમા માટે જરૂરી મોટા ભાગનું ભંડોળ ભાઈ બાગલે પ્રતિમા સમિતિના સહાયક વી.જી. ચૌહાણ સાથે ફરીને એકત્ર કર્યું હતું. ભાઈ બાગલે કહ્યું હતું કે જો ચૌહાણ પાસે કાર ન હોત તો આ ભંડોળ એકત્ર કરવા મુસાફરી સંભવ ન થઈ શકત.
આ રીતે પ્રતિમા માટે જરૂરી ભંડોળ એકત્ર કરીને પ્રતિમા ઊભી કરવાનું કામ ઝડપી બનાવવામાં આવ્યું. જોકે, ભાઈ બાગલે ઉલ્લેખ કર્યો છે કે તે વખતની કૉંગ્રેસ સરકારે અને સ્થાનિક વહીવટી તંત્રે આ કાર્યમાં અવરોધો ઊભા કર્યા હતા.
ભાઈ બાગલ કહે છે, “નગરપાલિકાએ દાન અને પ્રતિમા માટે મંજૂર કરાયેલ સ્થળ બંને રદ કર્યા હતા.”
પ્રતિમા માટે સરકારના કબજામાં રહેલા આરસપહાણની માંગણી કરવામાં આવી હતી. તેઓ તેના પૈસા ચૂકવવા તૈયાર હોવા છતાં તેમને મંજૂરી આપવામાં આવી નહોતી.
ત્યારબાદ શહેરના મધ્યમાં આવેલી અને ભીડવાળી એક જગ્યા આ પ્રતિમા માટે મળી. આમ પ્રતિમાનિર્માણની આગળની પ્રક્રિયા સરળ બની.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની સાથે સાથે મહાત્મા ફુલેની પ્રતિમા બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું. બાબુરાવ પેઇન્ટરે બ્રોન્ઝની કિંમત પ્રતિમાને દાન કરી હતી. તેનો તમામ ખર્ચ સત્યશોધક સમાજના તે વખતના સચિવ ભાઉસાહેબ પાટીલે એકત્રિત કર્યો હતો.
ઉદ્ઘાટન માટે ‘ખાસ’ મહેમાનો
ઇમેજ સ્રોત, Matin Shaikh/BBC
બાલ ચૌહાણે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ખૂબ જ સુંદર પ્રતિમા બનાવી હતી. પ્રતિમા માટે કોલ્હાપુરના મધ્યમાં બિંદુ ચોકમાં એક જગ્યા પણ મળી ગઈ હતી, તેથી પ્રતિમાઓના નિર્માણ અને અનાવરણ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
તે મુજબ 9 ડિસેમ્બર, 1950ના રોજ બંને પ્રતિમાઓનું અનાવરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું.
જ્યારે પ્રતિમાનું અનાવરણ કે સ્મારકનું ઉદ્ઘાટન કરવાની વાત આવે ત્યારે તે કોના હસ્તે કરવું જોઈએ તે અંગે ઘણી ચર્ચા થતી હોય છે. જોકે ભાઈ બાગલને સમાજની કોઈ અગ્રણી વ્યક્તિ કે સરકારી અધિકારી દ્વારા પ્રતિમાઓનું અનાવરણ થાય તે સ્વીકાર્ય નહોતું.
ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવનભર સામાન્ય લોકોના કલ્યાણ માટે સંઘર્ષ કરતા રહ્યા હતા, તેથી તેમની પ્રતિમાનું ઉદ્ઘાટન પણ સામાન્ય વ્યક્તિ દ્વારા થવું જોઈએ એવો ભાઈ બાગલનો સ્પષ્ટ મત હતો.
તેમણે એ જ કર્યું. 9 ડિસેમ્બર,1950ના રોજ ભાઈ બાગલે આ કાર્યક્રમ માટે ભેગા થયેલા સામાન્ય લોકોમાંથી બે લોકોના હાથ પકડીને આગળ લાવ્યા, અને તેમના દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
ભાઈ બાગલને ડૉ. બાબાસાહેબ આંબેડકરને મળવાની પણ તક મળી હતી. તેમણે મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અને સંસ્કૃતિ બોર્ડ દ્વારા પ્રકાશિત પસંદગીના લેખોના સંગ્રહમાં આનો ઉલ્લેખ કર્યો છે.
“હું આટલી મહાન વ્યક્તિના સાનિધ્યમાં થોડો સમય બેઠો હતો. તેમણે મને બોલાવવા કોઈ માણસ મોકલ્યો હતો. તેમણે કેટલીક ઇચ્છાઓ વ્યક્ત કરી હતી. હું તેને પૂરી કરી શક્યો તે માટે મારી જાતને ભાગ્યશાળી માનું છું. મેં મુંબઈ સૅન્ટ્રલ સ્ટેશનના કોચમાં તેમની સાથે ભોજન પણ કર્યું હતું. જ્યારે તેઓ દિલ્હીથી આવતા ત્યારે આ જ કોચમાં મુસાફરી કરતા હતા,” એમ ભાઈ બાગલ કહે છે.
“માધવરાવ, તમે આ લોકોથી કેમ ડરો છો? તેઓ ફક્ત તમારા પર જાતિવાદનો આરોપ લગાવશે, એટલું જ ને? તેમને આરોપ લગાડવા દો. મારી પર નહીં લગાડે? આટલો મોટો બહુજન સમુદાય જાતિવાદી ન હોઈ શકે. સંગઠન મજબૂત બનવા દો. તેઓ તમારી પાસે આવશે,” ડૉ. આંબેડકરે તેમને આવી સલાહ આપી હતી.
“મારા હાથે ખૂબ જ પવિત્ર કાર્ય થયું તેનો મને ગર્વ છે. ભારતમાં પહેલીવાર તેમની પ્રતિમા મારી અધ્યક્ષતામાં તેમના જીવનકાળ દરમિયાન સ્થાપિત કરવામાં આવી હતી, અને તેઓ પોતે તેને જોઈ શક્યા હતા,” માધવરાવ બાગલે ‘ધ આર્કિટેક્ટ ઑફ બહુજન સમાજ’માં આ વાત કહી છે.
આજે પણ આ પ્રતિમાઓ કોલ્હાપુરના બિંદુ ચોકમાં ઇતિહાસની સાક્ષી બનીને ઊભી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



