Home તાજા સમાચાર gujrati CA Vs CS: ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી વચ્ચે શો તફાવત છે?

CA Vs CS: ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી વચ્ચે શો તફાવત છે?

21
0

Source : BBC NEWS

કંપની સેક્રેટરી, ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બારમા ધોરણમાં કૉમર્સનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે એ સવાલ વારંવાર થાય છે કે તેમણે ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ (CA) બનવું છે કે કંપની સેક્રેટરી (CS).

અહીંથી જ પ્રશ્ન ઊભો થાય છે કે આ બંને ફીલ્ડ શું છે અને આ બંને વચ્ચે શો તફાવત છે?

જવાબ છે – ઘણો તફાવત છે.

ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ બિઝનેસ અને ફાઇનાન્સના ક્ષેત્રમાં કામ કરે છે અને તેમની જવાબદારીમાં ઑડિટિંગ, ટૅક્સેશન, ફાઇનાન્શિયલ અને જનરલ મૅનેજમેન્ટ આવે છે.

આ એક ક્વૉલિફાઇડ પ્રોફેશનલ હોય છે, જે ફાઇનાન્શિયલ મુદ્દા પર ઍક્સ્પર્ટ અભિપ્રાય આપે છે.

બીજી તરફ, કંપની સેક્રેટરી સિનિયર મૅનેજમેન્ટ રોલ છે, જે કૉર્પોરેટ ગવર્નન્સ માટે ખૂબ જ જરૂરી હોય છે. આ પોઝિશન બોર્ડ, શેરધારકો અને રેગ્યુલેટર વચ્ચે મહત્ત્વની કડી છે.

તેમની જવાબદારી છે લીગલ કમ્પ્લાયન્સ સુનિશ્ચિત કરવું, સ્ટૅચ્યુઅરી રેકૉર્ડ મૅનેજ કરવો અને બેસ્ટ પ્રેક્ટિસની સલાહ આપવી.

આજે અમે કંપની સેક્રેટરીની જ વાત કરીશું.

કંપની સેક્રેટરી કૉર્પોરેટ જગતમાં મહત્ત્વનું પાત્ર મનાય છે, જે કંપનીના કાનૂની, વહીવટી અને ગવર્નન્સ સાથે જોડાયેલા મોટા નિર્ણયોમાં ભૂમિકા ભજવે છે.

જેમ જેમ કૉર્પોરેટ સેક્ટરનો વિસ્તાર થઈ રહ્યો છે અને કંપનીઓ પર કાયદેસર જવાબદારીઓ વધી રહી છે, તેમ તેમ કુશળ કંપની સેક્રેટરીની ડિમાન્ડ પણ વધતી જાય છે. સારી સૅલરી, કરિયરમાં સ્ટેબિલિટી અને ટૉપ મૅનેજમેન્ટની સાથે કામ કરવાની તક – આ બધું જ આ પ્રોફેશનને ખાસ બનાવે છે.

આ કરિયરને પસંદ કરવા માટે એક સ્પષ્ટ અને નક્કી પ્રક્રિયા છે, જેને ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા (ICSI) સંચાલિત કરે છે.

કંપની સેક્રેટરી શું કરે છે?

કંપની સેક્રેટરી, ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આપણા દેશમાં ઘણા બધા જુદા જુદા નિયમ–કાયદા હોય છે. જેમ કે, સડક પર વાહન ચલાવતા સમયે રેડ લાઇટ હોય, તો કાર રોકવાની હોય છે અને ગ્રીન સિગ્નલ હોય તો ચલાવવાની હોય છે. નિયમ તોડવાના સંજોગોમાં દંડ કે સજાની જોગવાઈ હોય છે.

આવું જ દેશમાં કામ કરી રહેલી કંપનીઓ માટે પણ છે, જેમણે પોતાનું કામ ચાલુ રાખવા માટે નક્કી કરાયેલા કાયદાનું પાલન કરવાનું હોય છે.

આ બધામાં સૌથી મહત્ત્વના છે કંપનીઝ ઍક્ટ 2013, ફૉરેન ઍક્સ્ચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ 1999 (FEMA), સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સ્ચેન્જ બોર્ડ (SEBI)ના નિયમ અને ઇન્સૉલવંસી ઍન્ડ બૅંકરપ્સી કોડ.

શુભમ અબ્બડ છેલ્લાં 10 વર્ષથી સીએસના સ્ટુડન્ટ્સને ભણાવી રહ્યા છે.

તેમનું કહેવું છે, “ભારતમાં બિઝનેસ યોગ્ય રીતે ચાલે તેના માટે નિયમ–કાયદા બનાવવામાં આવ્યા છે. દરેક કંપનીએ મુખ્યત્વે કંપનીઝ ઍક્ટ 2013ને ફૉલો કરવાનો હોય છે. પરંતુ જો કંપની એવું ન કરે તો દંડ થાય છે.”

“કંપનીઓ આ નિયમોનું પાલન કરે તે માટે ભારત સરકારે વર્ષ 1980માં કંપની સેક્રેટરી ઍક્ટ પસાર કર્યો હતો. આ ઍક્ટ હેઠળ એક કોર્સ બનાવવામાં આવ્યો – કંપની સેક્રેટરી.”

“એવી દરેક કંપની, જેની પેડ અપ-શેર કૅપિટલ 10 કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે હોય તેના માટે કંપની સેક્રેટરીને અપૉઇન્ટ કરવા અનિવાર્ય છે.”

પેડ અપ કૅપિટલ એ વાસ્તવિક નાણાભંડોળ હોય છે જે રોકાણકારો કંપનીના શેર ખરીદવાના બદલામાં કંપનીને ચૂકવે છે.

એક કંપનીમાં કમ્પ્લાયન્સ ઑફિસર તરીકે કામ કરતાં મુસ્કાન સુહાગ કહે છે, “કંપની સેક્રેટરી એ હોય છે, જેમની જવાબદારી લીગલ કમ્પ્લાયન્સ અને ગવર્નન્સ હોય છે.”

“જેમણે એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે કોઈ કંપની કાયદા–નિયમો હેઠળ કામ કરે છે કે નહીં. સીએસનું કામ માત્ર રૂટીન ફાઇલિંગ સુધી સીમિત નથી હોતું, પરંતુ તેમણે મોટા મોટા નિર્ણયો લેવા પડે છે.”

તેઓ કહે છે, “કંપની સેક્રેટરી કૉર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ, ફૉરેન કોલૅબરેશન, જૉઇન્ટ વેંચર, આર્બિટેરેશન, ફાઇનાન્શિયલ મૅનેજમેન્ટ, પ્રોજેક્ટ પ્લાનિંગ, કૉર્પોરેટ ઍડ્‌વાઇઝરી સર્વિસિસ જેવા દરેક નાના-મોટા પ્રસંગોએ કંપનીની જરૂરિયાત હોય છે.”

“સરળ શબ્દોમાં સમજાવું તો, કંપની લીગલી, એથિકલી અને પ્રોસીજરના ધોરણે યોગ્ય રીતે કામ કરે તે જવાબદારી કંપની સેક્રેટરીની છે.”

ઘણી વાર કંપની સેક્રેટરીની સરખામણી ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ સાથે થાય છે. એક માન્યતા એવી પણ છે કે જે સીએ નથી કરી શકતા, તેઓ સીએસ બનવાની દિશામાં જાય છે. જોકે, ઍક્સ્પર્ટ્સ આ માન્યતાને મૂળમાંથી નકારે છે.

ચાર્ટર્ડ ઍકાઉન્ટ કરતાં કેટલા જુદા?

દેશની કેટલીક સૌથી અઘરી પરીક્ષાઓમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ ગણતરી થાય છે. પરંતુ જાણકારો કંપની સેક્રેટરીની પરીક્ષાને પણ તેના જેટલી જ મુશ્કેલ ગણાવે છે.

મુસ્કાન સુહાગ કહે છે, “સીએનું કામ–તેમનો કોર એરિયા ઍકાઉન્ટિંગ, ટૅક્સેશન, ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ સાથે જોડાયેલો હોય છે. જ્યારે કંપની સેક્રેટરીનો કોર એરિયા કંપની લૉ, બિઝનેસ લૉ, કમ્પ્લાયન્સ લૉ, આ બધા હોય છે.”

“બંનેનાં કામ ખૂબ જ અલગ હોય છે, કૉર્પોરેટમાં બંને પ્રોફેશનલના એરિયા બિલકુલ જુદા છે.”

શુભમ અબ્બડ એ વાતની પુષ્ટિ કરતાં કહે છે, “સીએ અને સીએસની સરખામણી કરવી કંઈક એના જેવું છે કે કોઈ હાડકાંના ડૉક્ટર અને આંખના ડૉક્ટરની તુલના કરે. હવે બંને છે તો ડૉક્ટર જ, પરંતુ બંનેના એરિયા એકદમ જુદા છે.”

કંપની સેક્રેટરી કઈ રીતે બનાય?

રમનદીપસિંહ સીએસ અને સાઇબર લૉયર પણ છે. તેઓ જણાવે છે કે ભારતમાં કંપની સેક્રેટરી બનવું હોય તો તેના માટે કોઈ કૉલેજ નથી હોતી, બલકે તેનો અભ્યાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા એટલે કે ICSI કરાવે છે, જે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળ આવે છે.

આ કોર્સ કરવા માટે ઉંમરની મર્યાદા અને લઘુતમ ટકાવારીની જરૂરિયાત જેવી અનિવાર્યતા નથી. બારમું ધોરણ કે ગ્રૅજ્યુએશનમાં 40 ટકા લાવનાર પણ પરીક્ષા આપી શકે છે.

ICSI અનુસાર, અત્યારે તેના જુદા જુદા પ્રોગ્રામમાં લગભગ ચાર લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તેનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે અને ચેન્નઈ, કોલકાતા, મુંબઈમાં તેની રિજનલ ઑફિસ છે. દેશમાં તેનાં લગભગ 75 ચૅપ્ટર છે.

તેમણે જણાવ્યું કે, જો કોઈ સ્ટુડન્ટ બારમા ધોરણ પછી કંપની સેક્રેટરી બનવા ઇચ્છતો હોય, તો તેણે આ કોર્સ કરવા માટે ત્રણ સ્ટેજ પૂરાં કરવાનાં હોય છે.

  • સીએ ઍક્ઝિક્યૂટિવ ઍન્ટ્રન્સ ટેસ્ટ (CSEET) (જે પહેલાં ફાઉન્ડેશન કોર્સ કહેવાતો હતો)
  • ઍક્ઝિક્યૂટિવ પ્રોગ્રામ
  • પ્રોફેશનલ પ્રોગ્રામ

CSEET વર્ષમાં ત્રણ વાર લેવાય છે – ફેબ્રુઆરી, જૂન અને ઑક્ટોબરમાં. તેમાં ચાર પેપર હોય છે, જેમાંથી ત્રણ સબ્જેક્ટિવ હોય છે અને એક ઑબ્જેક્ટિવ.

આ પરીક્ષા પાસ કર્યા પછી સ્ટુડન્ટ જ્યારે સીએસ ઍક્ઝિક્યૂટિવમાં આવે છે, ત્યારે તેણે બે ગ્રૂપમાં પેપર આપવાનાં હોય છે, એક ગ્રૂપમાં ચાર પેપર હોય છે અને બીજામાં ત્રણ.

આની સાથે જ તેમણે એક ટ્રેનિંગ લેવી પડે છે, જે એક મહિનાની હોય છે. ઇડીઇપી ઍક્ઝિક્યૂટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ પરીક્ષા આઇસીએસઆઇ જ યોજે છે.

પરંતુ બંને ગ્રૂપનાં પેપર એકસાથે આપવાં છે કે અલગ અલગ, તે વિદ્યાર્થીની પસંદગી પર આધારિત છે. ઍક્ઝિક્યૂટિવમાં એક વર્ષમાં બે વાર—જૂન અને ડિસેમ્બરમાં—પરીક્ષા લેવાય છે.

તેઓ કહે છે કે અલગ અલગ પેપર આપવાનું એક નુકસાન એ છે કે સીએસ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયામાં ટૉપ 50 રૅન્કિંગ બહાર પડે છે. આ રૅન્કિંગ માત્ર તેમને જ અલૉટ થાય છે, જેમણે બંને ગ્રૂપ એકસાથે કર્યાં હોય.

રમનદીપ અનુસાર, સીએસ ઍક્ઝિક્યૂટિવ ક્લિયર કર્યા પછી સ્ટુડન્ટે 21 મહિનાની આર્ટિકલશિપ કરવી જરૂરી છે, જેને કોઈ પ્રેક્ટિસિંગ સીએસની અંડર, કોઈ સીએસ ફર્મમાં અથવા કોઈ કંપનીમાં કામ કરી રહેલા સીએસની અંડર કરવાની હોય છે, અને તે પૂરી થયા વગર કોઈને સીએસ ક્વૉલિફાઇડનું સર્ટિફિકેટ નથી મળતું.

આર્ટિકલશિપ પૂરી થયા પછી અને સીએસ પ્રોફેશનલની એક્ઝામ ક્વૉલિફાય કર્યા પછી વધુ એક મહિનાની ટ્રેનિંગ કરવાની હોય છે, જેનું નામ છે કૉર્પોરેટ લર્નિંગ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (CLDP). આ ટ્રેનિંગ પણ ઇન્સ્ટિટ્યૂટ જ કરાવે છે.

જો સ્ટુડન્ટ કોઈ ગ્રૂપની એક પણ પરીક્ષામાં નાપાસ થાય, તો પછી તેણે આખા ગ્રૂપની પરીક્ષા ફરી વાર આપવી પડશે.

સીએસ કોર્સમાં કયા સબ્જેક્ટ અને કેટલી ફી હોય છે?

મુસ્કાન સુહાગ જણાવે છે કે CSEETમાં ચાર પેપર હોય છે, જ્યારે ઍક્ઝિક્યૂટિવ પ્રોગ્રામમાં સાત પેપર હોય છે, જે બે ગ્રૂપમાં વહેંચેલાં હોય છે અને પ્રોફેશનલ પ્રોગ્રામમાં પણ સાત પેપર હોય છે, જે બે ગ્રૂપમાં વહેંચાયેલાં હોય છે.

કોઈ પણ સ્ટુડન્ટે સીએસ ક્વૉલિફાય કરવા માટે CSEET, ઍક્ઝિક્યૂટિવ અને પ્રોફેશનલ, ત્રણેય પ્રોગ્રામના દરેક સબ્જેક્ટમાં ઓછામાં ઓછા 40 ટકા માર્ક્સ લાવવા અને ટોટલ એટલે કે એગ્રીગેટ પર્સન્ટેજ 50 ટકા હોવા જરૂરી છે.

આ ઉપરાંત, ઍક્ઝિક્યૂટિવ પ્રોગ્રામની ઍજ્યુકેશન ફી લગભગ 17,000 રૂપિયા અને પ્રોફેશનલ પ્રોગ્રામની ફી 20,000 રૂપિયાની આસપાસ હોય છે.

ફ્યૂચર ગ્રોથ કેવો છે?

કંપની સેક્રેટરી કેવી રીતે બની શકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જાણકારો કહે છે કે સીએસ એક એવું પદ છે, જેને નિયુક્ત કરવાની અનિવાર્યતા કાયદામાં જ છે. ભવિષ્યમાં પણ કંપની સેક્રેટરીની ડિમાન્ડ વધશે.

શુભમ અબ્બડ કહે છે, “ઉદ્યોગજગત ઝડપી વૃદ્ધિ કરી રહ્યું છે. નવા નવા નિયમ આવી રહ્યા છે, કાયદા બદલાઈ રહ્યા છે, સ્ટાર્ટઅપ આવી રહ્યા છે, ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન છે, આ બધી જગ્યાએ કંપની સેક્રેટરી જોઈએ. હવે તો નવા લેબર કોડ્સ પણ આવ્યા છે.”

“નૅશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ, સેબી જેવા જેટલા પણ મંચ છે, ત્યાં કંપની સેક્રેટરી પોતાના અસીલ તરફથી કેસ લડી શકે છે, તેથી કંપની સેક્રેટરીની માગ અને તેના માટેની તક સતત વધી રહી છે.”

જ્યારે મુસ્કાન સુહાગ કહે છે, “આ ઓછા ખર્ચમાં એવો કોર્સ છે, જે ખૂબ જ સારું ફ્યૂચર આપે છે. શરૂઆતની સૅલેરી જ 50,000થી એક લાખ રૂપિયાની વચ્ચે હોય છે.”

પરંતુ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી શું કંપની સેક્રેટરીની નોકરીઓને પણ અસર થશે? મોટા ભાગના જાણકારો આ વાત સાથે આંશિક રીતે સંમત છે.

રમનદીપ કહે છે, “સીએસ કરનારાઓ માટે એઆઇનું જોખમ છે અને નથી પણ. ઘણા બધા સીએસ એવા છે જે માત્ર ફૉર્મ ફાઇલિંગ કરે છે, મિનટ્સ બનાવે છે.”

“આ જે કામ છે, તેને આગામી સમયમાં એઆઇ રિપ્લેસ કરી દેશે; પરંતુ જે કન્સલ્ટન્સીવાળાં કામ છે, જેમ કે પૈસા ક્યાં રોકવા, કઈ કંપનીનું મર્જર કઈ રીતે થઈ શકે, અથવા તો પરિસ્થિતિઓ અનુસાર કાયદા જોડવા – આ બધું માત્ર સીએસ જ કરી શકે છે કે ક્યાં કયો નિયમ લાગશે; આવાં એનાલિટિકલ કામ એઆઇ રિપ્લેસ નથી કરી શકતું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS