Home તાજા સમાચાર gujrati પતિ-પત્નીએ એક દાયકા સુધી બાળકોનું જાતીય શોષણ કર્યું, ફાંસીની સજા સુધી કેવી...

પતિ-પત્નીએ એક દાયકા સુધી બાળકોનું જાતીય શોષણ કર્યું, ફાંસીની સજા સુધી કેવી રીતે પહોંચ્યું દંપતી?

17
0

Source : BBC NEWS

રામ ભવનનો આ ફોટો તપાસ દરમિયાન લેવામાં આવ્યો હતો. આ કેસની તપાસમાં સામેલ સીબીઆઈ ટીમે આ ફોટો સંવાદદાતાને આપ્યો છે

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

(ચેતવણીઃ આ લેખની અમુક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે.)

20મી ફેબ્રુઆરી, 2026ના રોજ ઉત્તર પ્રદેશની સ્પેશ્યલ પોક્સો કોર્ટે આશરે એક દાયકા સુધી 33 સગીરોની જાતીય સતામણી કરવા બદલ રામ ભવન અને તેની પત્ની દુર્ગાવતીને ફાંસીની સજા ફટકારી.

અદાલતે તેને ‘રેરેસ્ટ ઑફ ધ રેર’ કૅટેગરીનો અપરાધ ગણ્યો હતો.

સાથે જ અદાલતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પ્રત્યેક સર્વાઇવરના કુટુંબીજનોને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો હતો.

સીબીઆઇએ આ કેસની તપાસ કરીને 2020માં કેસ દાખલ કર્યો હતો.

સીબીઆઇને પહેલી વખત માહિતી કેવી રીતે મળી?

સીબીઆઇને 31મી ઑક્ટોબર, 2020ના રોજ બાતમી મળી હતી કે, ચિત્રકૂટ અને તેની આસપાસના જિલ્લાઓમાં કેટલાંક સગીર વયનાં બાળકોનું સંગઠિત રીતે જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે.

બાતમીદારે 34 વીડિયો અને 679 ફોટોગ્રાફ્સ ધરાવતી પેન ડ્રાઇવ પણ આપી હતી.

તપાસકર્તા સંસ્થાએ આ વીડિયો અને ફોટોગ્રાફ્સમાં રામ ભવન તથા અન્ય અજ્ઞાત વ્યક્તિઓને કિશોરો સાથે જાતીય હિંસા આચરતા જોયા.

સીબીઆઇએ 31મી ઑક્ટોબર, 2020ના રોજ દિલ્હીમાં રામ ભવન વિરુદ્ધ આઇપીસીની કલમ 377, પોક્સો અધિનિયમની કલમ 14 તથા આઇટી અધિનિયમની કલમ 67-બી હેઠળ કેસ દાખલ કર્યો અને બીજી નવેમ્બર, 2020ના રોજ સીબીઆઇએ ચિત્રકૂટ જિલ્લામાં પહોંચીને આરોપી રામ ભવનની તપાસ આદરી.

સીબીઆઇની તપાસમાં એ પણ સામે આવ્યું કે, ચિત્રકૂટના કર્વીમાં ઇરિગેશન કન્સ્ટ્રક્શન ડિવિઝનમાં જુનિયર ઍન્જિનિયરનો હોદ્દો ધરાવતા રામ ભવનનું કાર્યક્ષેત્ર ચિત્રકૂટ, બાંદા, હમીરપુર અને મહોબા જિલ્લાઓમાં ફેલાયેલું હતું.

તપાસકર્તા એજન્સીના જણાવ્યા પ્રમાણે, રામ ભવન સગીર વયનાં બાળકોને ભણાવવાની, કમ્પ્યુટર શીખવવાની, મોબાઇલ આપવાની કે પછી અન્ય લાલચ આપીને પોતાના ઘરે બોલાવતો હતો.

ત્યાં તેમની જાતીય સતામણી કરવામાં આવતી હતી અને વીડિયો ઉતારવામાં આવતા હતા. તે સામગ્રી ડાર્ક વેબ, સ્કાઇપે અને મેઇલ જેવાં ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ મારફત માત્ર ભારતમાં જ નહીં, બલ્કે વિદેશોમાં પણ શેર કરવામાં આવતી હતી.

સીબીઆઇના ભૂતપૂર્વ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ અમિત કુમારે બીબીસીને જણાવ્યા મુજબ, “અમને સૌપ્રથમ 31મી ઑક્ટોબર, 2020ના રોજ ગુપ્ત સ્રોતો થકી માહિતી મળી હતી.”

“અમે બીજી નવેમ્બર, 2020ના રોજ રામ ભવનના ઘર પર દરોડા પાડ્યા, ધરપકડ વિના તેની તપાસ કરી અને પછી તેની ધરપકડ કરી. આ કેસમાં ધરપકડ કરવામાં અમે મોડું ન કર્યું.”

શું કામ બનાવતો હતો વીડિયો?

ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ પ્રદેશ, બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, રામ ભવન, જાતીય સતામણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

સીબીઆઇએ દાવો કર્યો છે કે, રામ ભવન સગીર બાળકોની જાતીય સતામણી કરતો હતો અને તે બાળકોના ફોટા પાડીને, વીડિયો ઉતારીને તે સામગ્રી ઇમેઇલ કે અન્ય સાઇટ્સ મારફત જુદા-જુદા દેશોમાં મોકલતો હતો.

ભૂતપૂર્વ સીબીઆઇ ઑફિસર તથા આ કેસના ઇન-ચાર્જ અમિત કુમારે કિશોરોના પોર્નોગ્રાફિક ફોટા અને વીડિયોના વેચાણને રદિયો આપ્યો છે.

અમિત કુમારે બીબીસી હિંદીને જણાવ્યું હતું, “આ કેસમાં મીડિયામાં એવી વાતો ચાલી રહી છે કે, રામ ભવન ડાર્ક સાઇટની મદદથી સગીર બાળકોના વીડિયો વેચતો હતો, પણ તે વીડિયો વેચવામાં નહોતા આવ્યા.”

“તેણે તે વીડિયો પોતાનો શોખ પોષવા બનાવ્યા હતા અને તેને શેર કરતો હતો.

અમિત કુમારે વધુ માહિતી આપી હતી, “સગીર બાળકોના અશ્લીલ વીડિયો માત્ર રામ ભવન નહોતો મોકલતો, બલ્કે બહારથી તેને પણ આવા વીડિયો મોકલવામાં આવતા હતા.”

“તે દ્વિપક્ષી પ્રક્રિયા હતી. તે બાળકોના વીડિયો યુરોપના લગભગ તમામ દેશો, બાંગ્લાદેશ, શ્રીલંકા અને દેશની અંદરનાં અન્ય રાજ્યોમાં શેર કરતો હતો.”

દરોડા દરમિયાન સીબીઆઇને ઘરમાંથી સેક્સ ટૉય્ઝ અને પોર્નોગ્રાફિક સામગ્રી પણ મળી આવી હતી.

દોષિત દંપતી કોણ છે?

ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ પ્રદેશ, બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, રામ ભવન, જાતીય સતામણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

યૌન ઉત્પીડનના દોષિત 45 વર્ષના રામ ભવનનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો.

નોકરી મળી, તે પહેલાં રામ ભવન નાનાં બાળકોને ટ્યૂશન આપીને તેનું ગુજરાન ચલાવતો હતો. 2009માં તેને ઇરિગેશન કન્સ્ટ્રક્શન ડિવિઝનમાં નોકરી મળી ગઈ. તે મે, 2009થી નવેમ્બર, 2020માં તેની ધરપકડ થઈ, ત્યાં સુધી તે નોકરી કરતો હતો.

રામ ભવનની પત્ની દુર્ગાવતી ગૃહિણી હતી. રામ ભવનના પાડોશીઓના જણાવ્યા પ્રમાણે, પતિ-પત્ની ભાગ્યે જ આડોશ-પાડોશના લોકો સાથે વાત કરતાં હતાં.

રામ ભવનની બાજુમાં જ રહેતા શિવમ ત્રિપાઠીએ બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું હતું, “રામ ભવન ઘણાં વર્ષોથી અહીં રહેતો હતો. તેનો વ્યવહાર બરાબર હતો.”

“તે કારમાં ઑફિસે જતો હતો અને સીધો તેના રૂમમાં જતો રહેતો. ઘરેથી સીધો ઑફિસે જતો. એક ખભે બૅગ લટકાવીને તે કારમાંથી બહાર નીકળતો અને ક્યાંય રોકાતો નહોતો.”

“હું માત્ર એટલું જાણતો હતો કે, તે સરકારી જુનિયર ઍન્જિનિયર હતો. રામ ભવન તેની પત્ની અને એક બાળક સાથે રહેતો હતો. મેં એકાદ-બે વખત તેની કારમાં બાળકોને આવ-જા કરતાં જોયાં હતાં, પણ તે બાળકો બહારનાં હતાં.”

બાળકોનું યૌન ઉત્પીડન કેવી રીતે થતું

ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ પ્રદેશ, બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, રામ ભવન, જાતીય સતામણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

સરકારી કર્મચારી હોવાના નાતે આડોશ-પાડોશમાં રામ ભવનની છબિ એક સજ્જન વ્યક્તિ તરીકેની હતી.

આથી, કેટલાંક માતા-પિતા તેમનાં બાળકોને અભ્યાસ માટે અને કમ્પ્યુટર શીખવા માટે તેની પાસે મોકલતાં હતાં.

2009થી લઈને 2012 સુધી રામ ભવન જે ઘરમાં રહ્યો હતો, તે ઘરના માલિક રામ આશરે ગૌતમ હતા. તે સમયે રામ આશરે છત્તીસગઢમાં રહેતા હતા.

રામ આશરેએ બીબીસીને જણાવ્યું હતું, “મેં સિંચાઈ વિભાગના એક કારકૂન મારફત રામ ભવનને રૂમ આપ્યો હતો. તે અહીં રહેતો હતો, તે ગાળામાં અમે છત્તીસગઢ રહેતા હતા.”

“આથી, તેની સાથે અમારે ઝાઝો સંપર્ક નહોતો. અમે આવતા, ત્યારે તેનો રૂમ મોટેભાગે બંધ જ રહેતો હતો.”

પછીથી, રામ ભવન સુદામા પ્રસાદ વર્માના ઘરે ભાડૂઆત તરીકે રહેવા ગયો હતો. સુદામા પ્રસાદ વર્મા વ્યવસાયે ડૉક્ટર છે અને તેમનાં પત્ની ગીતા વર્મા પ્રાથમિક શિક્ષિકા છે.

ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ પ્રદેશ, બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, રામ ભવન, જાતીય સતામણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

આ બીજા ઘરમાં પણ ઘરમાલિક આખો દિવસ ગેરહાજર રહેતા હતા. સુદામા પ્રસાદ સવારે હોસ્પિટલ જતા રહેતા, જ્યારે તેમનાં પત્ની શાળાએ જતાં રહેતાં.

ગીતા વર્માએ બીબીસીને જણાવ્યું હતું, “અમે વધુ સમય ઘરે રહેતાં નહોતાં. રામ ભવન ગલીમાંથી આવતો-જતો હતો. તેની પત્ની સાથે અમારે સામાન્ય સબંધ હતો.”

“પાડોશનાં બાળકો તેના ઘરે આવતાં હતાં. તેને કદીયે અમારી સાથે તકરાર નહોતી થઈ.”

“અમે હવે આ વિષય પર વધુ વાત કરવા નથી માગતાં.”

રામ ભવન ઉપર તેનાં સગાં-સંબંધીઓ કે પછી ખાસ કરીને ગરીબ તથા દલિત પરિવારોનાં બાળકોનું જાતીય ઉત્પીડન કરવાનો આરોપ હતો.

સીબીઆઇના વિશેષ સરકારી વકીલ ધારાસિંહ મીણાએ બીબીસીને કહ્યું હતું, “રામ ભવને જે સગીર બાળકો સાથે જાતીય હિંસા આચરી હતી, તે પૈકીનાં મોટાભાગનાં બાળકો દલિત કુટુંબોમાંથી આવતાં હતાં.”

વધુમાં તેમણે કહ્યું હતું, “રામ ભવન એવા જ લોકેશન પર ભાડે ઘર રાખતો હતો, જ્યાં મોટાભાગે મજૂર પરિવારોની વસતી હોય. તે તેની મોટરસાઇકલ ઉપર કે કારમાં બાળકોને તેના ઘરે લઈ જતો હતો.”

રામ ભવનને ઓળખનારા લોકોએ તેના વિશે શું કહ્યું?

ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ પ્રદેશ, બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, રામ ભવન, જાતીય સતામણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

રામ ભવનના વતનના ઘરમાં સૂનકાર વ્યાપી ગયો છે. તેના ઘરે આવતા-જતા લોકોને આડોશી-પાડોશીઓ શંકાની નજરે જુએ છે.

અમે તેના પરિવારના સભ્યો સાથે વાત કરવાની કોશિશ કરી જોઈ, પણ મહિલાઓએ વાત કરવાનો ઇનકાર કરી દીધો.

આ દરમિયાન, પાડોશીઓએ નામ ન જણાવવાની શરતે બીબીસીને કહ્યું હતું, “રામ ભવન અહીં નથી રહેતો.”

“ક્યારેક-ક્યારેક અહીં આવતો હતો. તે સગીર બાળકો પર જાતીય હિંસા આચરતો હતો, પણ અગાઉ કદી તેની ગંધ સુદ્ધાં નહોતી આવી.”

અમે ગામમાં જનરલ સ્ટોર ચલાવતા કમલને મળ્યા.

કમલે કહ્યું, “મારી ઉંમર 55 વર્ષ કરતાં વધારે છે. આજ સુધી રામ ભવન અને તેનો પરિવાર અહીં આવ્યો નથી. અમે કદીયે રામ ભવનને જોયો નથી.”

“અમે જ્યારે જાણ્યું કે, જેને ફાંસીની સજા થઈ છે, તે અમારા ગામનો છે, ત્યારે અમે સ્તબ્ધ થઈ ગયા.”

બીબીસીએ રામ ભવનનો ગુનાહિત ઇતિહાસ શોધી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ પોલીસ સ્ટેશનમાં કોઈ અપરાધિક રેકૉર્ડ ન મળ્યો.

રામ ભવનના મોટાભાઈ રાજા ભૈયાએ બીબીસી હિંદીને જણાવ્યા મુજબ, “અમારા સૌ ભાઈઓમાં રામ ભવન સૌથી નાનો છે. તેણે બાંદાથી પોલિટૅકનિકનો અભ્યાસ કર્યો છે.”

“તેને લગ્ન પહેલાં નોકરી મળી ગઈ હતી. તે પહેલાં તે બાળકોને ટ્યૂશન આપતો હતો. આડોશ-પાડોશમાં તેને કદી કોઈની સાથે ખટરાગ નહોતો થયો.”

વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું, “રામ ભવન ઘણું ઓછું બોલતો હતો. તેને કોઈ સાથે તકરાર નહોતી થઈ.”

“તેના મિત્રો પણ ગણ્યા-ગાંઠ્યા જ હતા. તેના મિત્રો વિશે મને કોઈ માહિતી નથી. તેનો કોઈપણ મિત્ર કદી અહીં આવ્યો નથી.”

10 વર્ષ સુધી રામ ભવન સાથે કામ કરનારા દીપક મૌર્યએ બીબીસીને જણાવ્યું હતું, “તેનું (રામ ભવનનું) વર્તન સામાન્ય હતું. તે તેના કામથી નિસબત રાખતો હતો. તે લોકો સાથે હળતો-મળતો નહોતો.”

“તે સક્રિય માણસ નહોતો. તે બિલકુલ મિલનસાર નહોતો. મેં તેને કદીયે હસતો કે ગુસ્સે થતો જોયો નહોતો.”

“તેના વર્તન પરથી લાગતું નહોતું કે, તે આવું ઘૃણાસ્પદ કૃત્ય આચરશે. તે તેના જીવનનું અલગ જ પાસું હતું.”

ઇરિગેશન કન્સ્ટ્રક્શન ડિવિઝન ઑફિસમાં કામ કરનારી એક વ્યક્તિએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું, “તે કદી હસતો નહોતો. તે કદી કોઈના પર મજાક નહોતો કરતો કે ન તો તેને કદી કોઈ સાથે ઝઘડો થયો.”

“તે આવતો, કામ કરતો અને જતો રહેતો. તે મિતભાષી હતો. તે ઉદાસીન પ્રકારનો માણસ હતો.”

“તે કદી કોઈના પ્રસંગોમાં જતો નહોતો કે પોતાના ઘરે પણ કોઈને આમંત્રિત કરતો નહોતો.”

રામ ભવનની પત્નીને શા માટે ફાંસીની સજા થઈ?

રામ ભવનની પત્ની દુર્ગાવતી ગૃહિણી હતી. જોકે, પીડિતો (સર્વાઇવર્સ)એ કોર્ટમાં આપેલી જુબાનીઓમાં ખૂલ્યું હતું કે, રામ ભવન જ્યારે વીડિયો બનાવતો હતો અને જાતીય હિંસા આચરતો હતો, ત્યારે દુર્ગાવતી ત્યાં હાજર રહેતી હતી.

કેટલાક સર્વાઇવરોએ સીબીઆઇ અને અદાલત સમક્ષ નિવેદન આપ્યું કે, દુર્ગાવતી પણ તેમની સાથે સંબંધ બાંધતી હતી.

એક પીડિતાએ નિવેદનમાં કહ્યું હતું, “તે રામ ભવનના ઘરે દૂધ આપવા માટે જતી હતી અને તેના પિતા તેને લેપટૉપ વાપરતાં શીખવા માટે રામ ભવનના ઘરે મોકલતા હતા. રામ ભવન બાળકો સાથે ખોટાં કામ કરતો હતો.”

“રામ ભવન પીડિતાના ચાર ભાઈઓ સાથે પણ ખોટાં કામ કરતો હતો અને તેમના ફોટા પાડતો હતો અને વીડિયો ઉતારતો હતો.”

સર્વાઇવરે તેના નિવેદનમાં આગળ કહ્યું હતું, “રામ ભવન જ્યારે તેની સાથે ખરાબ કામ કરતો હતો, ત્યારે દુર્ગાવતી ત્યાં હાજર રહેતી હતી. રામ ભવનનાં તમામ કુકર્મોથી તે વાકેફ હતી.”

“ખરાબ કામ કરવાના બદલામાં રામ ભવન તેને (પીડિતાને) પૈસા આપતો હતો અને દુર્ગાવતી તેને સારું-સારું ખાવાનું આપતી હતી.”

“તેમની પાસે વીડિયો ગેમ પ્લેયર અને ત્રણ-ચાર વીડિયો ગેમ્સની સીડી હતી. દુર્ગાવતી બાળકોને તે રમવા માટે આપતી હતી.”

“શરમ અને ડરના કારણે, પીડિતાએ ઘરમાં આ વિશે વાત નહોતી કરી.”

સર્વાઇવર્સે સીબીઆઇને શું જણાવ્યું?

ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ પ્રદેશ, બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, રામ ભવન, જાતીય સતામણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

આ મામલો ઉત્તર પ્રદેશના દુષ્કાળગ્રસ્ત બુંદેલખંડ પ્રદેશના બાંદા, ચિત્રકૂટ, હમીરપુર જિલ્લાઓનો છે.

સર્વાઇવર્સનાં નિવેદનો પરથી એ સ્પષ્ટ છે કે, રામ ભવન બાળકોને લાલચ આપીને તેમની જાતીય સતામણી કરતો હતો.

એક સર્વાઇવરે અદાલતમાં નિવેદન આપ્યું હતું, “હું રામ ભવન અંકલને જાણું છું. તેમણે એક ફંક્શન દરમિયાન રાતના સમયે પ્રથમ વખત મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.”

“જ્યારે દુર્ગાવતી આન્ટીએ રામ ભવન અંકલના કહેવા પર મારું યૌન ઉત્પીડન કર્યું હતું. તે સમયે અંકલ, આન્ટી અને હું હાજર હતાં.”

અન્ય એક સર્વાઇવરે અદાલતને કહ્યું હતું, “મારા પિતા કોઈ કામ કરતા નથી. મારાં માતા ખેતીકામ કરે છે. હું રામ ભવન અંકલને મળી, ત્યારે તેઓ સાત કિલોમીટર દૂર રહેતા હતા. રામ ભવન અંકલે પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું, ત્યારે મને ગંભીર ઈજા પહોંચી હતી.”

ધ લૅન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવા વૈશ્વિક અભ્યાસ પ્રમાણે, આશરે એક તૃતીયાંશ ભારતીય મહિલાઓ અને પ્રત્યેક 10માંથી એક કરતાં વધારે ભારતીય પુરુષ સાથે 18 વર્ષ કરતાં ઓછી વયમાં જાતીય હિંસા આચરવામાં આવે છે.

એક સર્વાઇવરનાં માતાએ શું જણાવ્યું?

ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ પ્રદેશ, બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, રામ ભવન, જાતીય સતામણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

અમે એક સગીર સર્વાઇવરનાં માતાને મળ્યા હતા.

માતા રામ ભવનના ઘરમાં સફાઇકામ અને રસોઈ બનાવવાનું કામ કરતાં હતાં. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ રામ ભવનના ઘરમાં રસોઈ બનાવી રહ્યાં હોય, ત્યારે રામ ભવન તેમના બાળકનું યૌન ઉત્પીડન કરતો હતો.

સર્વાઇવરનાં માતાએ બીબીસી હિંદીને જણાવ્યું હતું, “હું તેના (રામ ભવનના) ઘરે રસોઈ બનાવતી હતી અને તે કામ બદલ મને દર મહિને બે હજાર રૂપિયા મળતા હતા. તેણે ત્રણ રૂમનું ઘર ભાડે લીધું હતું.”

“આગળના ભાગે મકાન માલિક રહેતા હતા. દીદી (દુર્ગાવતી), રામ ભવન અને એક બાળક પાછળ રહેતાં હતાં.”

“તે ગરીબ ઘરનો છોકરો હતો અને રામ ભવને તેને ભણાવવા માટે તેની સાથે રાખ્યો હતો. રોજ તે ઘરમાં નવાં બાળકો આવતાં.”

“તે તેની સાઇડથી બાળકોને લઈ આવતો. એક દિવસમાં ચાર-ચાર બાળકો ત્યાં આવીને રહેતાં. રામ ભવન તેમને મોંઘા મોબાઇલ ફોન વાપરવા આપતો હતો.”

જોકે, વારંવારના પ્રયત્નો છતાં અન્ય કેટલાંક સર્વાઇવર્સના પરિવારોનો સંપર્ક સાધી શકાયો નહોતો.

રામ ભવને તેના બચાવમાં શું કહ્યું?

ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ પ્રદેશ, બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, રામ ભવન, જાતીય સતામણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

આરોપી રામ ભવને તેના બચાવમાં તેના બનેવી રામ નિરંજન અને બહેન વચ્ચેના વિખવાદને આધાર બનાવ્યો છે.

તેના મત અનુસાર, તે તેનાં બહેન અને બનેવી વચ્ચેનો વિખવાદ ઉકેલવાની કોશિશ કરી રહ્યો હતો, પણ બનેવી તેનાથી નારાજ થઈ ગયા હતા. સાથે જ રામ ભવને સીબીઆઈની પણ બનેવી રામ નિરંજન સાથે મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો છે.

રામ ભવને અદાલતમાં તેના નિવેદનમાં કહ્યું હતું, “મેં કદી કોઈ બાળક સાથે કશું ખોટું કામ કર્યું નથી કે તેમના કોઈ અશ્લીલ ફોટા કે વીડિયો પણ ઉતાર્યા નથી તેમજ તે કન્ટેન્ટને ઇન્ટરનેટ પર પણ મૂક્યું નથી.”

“મારા સંબંધી રામ નિરંજને કેટલાક લોકો સાથે મળીને મને ખોટી રીતે ફસાવ્યો છે. બાળકોને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક મારા વિરુદ્ધ નિવેદનો લેવામાં આવ્યાં છે.”

દુર્ગાવતીએ પણ અદાલતમાં આપેલા નિવેદનમાં તેનાં નણંદ અને તેમના પતિ વચ્ચેના ઝઘડા વિશે વાત કરી છે.

તેણે કહ્યું હતું, “મારી નણંદ રામકુમારીનાં લગ્ન રામ નિરંજન સાથે થયાં હતાં. મારી નણંદ-નણદોઈ, બંને શિક્ષકો છે. તેમની વચ્ચે ઘણી વખત ઝઘડા થતા રહેતા હતા.”

“તેમને એક દીકરો અને એક દીકરી છે. રામ ભવન અને હું તેમની વચ્ચેનો વિખવાદ ઉકેલવા માટે તેમના ઘરે જતાં હતાં, પણ ઝઘડાનો ઉકેલ ન આવ્યો અને તેઓ અમારા પ્રત્યે દ્વેષ રાખવા માંડ્યા.”

“તેના કારણે રામ નિરંજને ધમકી આપી હતી કે, તેની પાસે અભ્યાસ કરનારાં બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે સીબીઆઇ દિલ્હીમાં કામ કરી રહ્યાં છે. હું તેમને મળીને તમને બંનેને જેલભેગાં કરાવીશ.”

પોક્સો કોર્ટના ચુકાદાના મહત્ત્વના મુદ્દા કયા છે?

ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ પ્રદેશ, બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, રામ ભવન, જાતીય સતામણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

ભારતમાં, બાળકો સાથેની કોઈપણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિઝ ઍક્ટ, 2012 (પોક્સો) હેઠળ દંડપાત્ર અપરાધ ગણાય છે.

તેમાં આકરા જેલવાસથી લઈને (વિશેષ કેસોમાં) મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે.

સ્પેશ્યલ જજ પોક્સો ઍક્ટ પ્રદીપકુમાર મિશ્રાને આ કેસમાં પતિ અને પત્ની સમાન રીતે દોષિત જણાયાં.

કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું, “રામ ભવન અને દુર્ગાવતીએ તેમનાં ભાડાંનાં ઘરોમાં રહીને આશરે દસ વર્ષ સુધી આ જઘન્ય અપરાધ આચર્યો હતો.”

“જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે, રામ ભવન અને દુર્ગાવતીએ યૌન ઉત્પીડનનો અપરાધ આચરવા દરમિયાન એવી વ્યવસ્થા કરી રાખી હતી, જેથી સમાજના લોકોને તે વિશે જાણ ન થાય.”

અદાલતે તેના આદેશમાં જણાવ્યું, “દોષિત રામ ભવન અને દુર્ગાવતીનો આ ગુનો રેરેસ્ટ ઑફ ધ રેર અપરાધોની શ્રેણીમાં આવે છે અને આવા અપરાધ બદલ મૃત્યુદંડ જ ભારતીય ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ જાળવી શકશે.”

બચાવ પક્ષના વકીલની દલીલ શું છે?

ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ પ્રદેશ, બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, રામ ભવન, જાતીય સતામણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar

આરોપી વતી અદાલતમાં હાજર ઍડવોકેટ ભૂરા પ્રસાદ નિષાદે આ કેસને ખોટો અને સીબીઆઈ સાથે મળીને ઘડી કાઢવામાં આવેલો ગણાવ્યો હતો.

તેમણે કોર્ટમાં સીબીઆઇ દ્વારા સુપરત કરવામાં આવેલા વીડિયો અને ફોટોગ્રાફ્સને ડીપફેક ગણાવ્યા અને બાળકોનાં નિવેદનોને ધાક-ધમકીથી લેવાયેલાં નિવેદનો ગણાવ્યાં.

વકીલ ભૂરા પ્રસાદે બીબીસીને જણાવ્યું હતું, “સીબીઆઇએ દિલ્હીમાં ડાયરેક્ટ એફઆઇઆર નોંધી હતી, જ્યારે વાસ્તવમાં તેને આમ કરવાની ઑથોરિટી નથી.”

“પહેલાં કેન્દ્ર સરકારને અરજી કરવામાં આવે છે અને રાજ્ય સરકાર મંજૂરી આપે છે. સીબીઆઇએ 31મી ઑક્ટોબર, 2020ના રોજ કેસ દાખલ કર્યો હતો અને બીજી નવેમ્બર, 2020ના રોજ રામ ભવનને પકડી લીધો. સીબીઆઇએ રિકવરી કરી. આટલી ઉતાવળ શા માટે?”

સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, તેમને હાઇકોર્ટમાંથી ન્યાય મળશે.

વકીલ ભૂરા પ્રસાદે સીબીઆઇ દ્વારા પુરાવા તરીકે રજૂ કરાયેલા વીડિયોને ડીપફેક ગણાવતાં દલીલ કરી હતી, “રામાનંદ સાગરે 1990ના દાયકામાં “રામાયણ” સિરિયલ બનાવી હતી. તેમાં હનુમાન પર્વત લઈને ઊડતા હતા.”

“વાસ્તવમાં શું તે શક્ય છે? જો શક્ય નથી, તો તેનો અર્થ એ જ ને કે, એડિટિંગ દ્વારા કશું પણ કરી શકાય છે? આથી, અમને વિશ્વાસ છે કે, અમને હાઇકોર્ટમાંથી ન્યાય મળશે.”

સીબીઆઇના વિશેષ સરકારી વકીલ ધારાસિંહ મીણાએ બચાવ પક્ષની દલીલને ફગાવતાં બીબીસીને જણાવ્યું, “અમે અમને મળેલા વીડિયોની ફોરેન્સિક તપાસ કરાવી, જેમાં તમામ વીડિયો સાચા ઠર્યા હતા.”

“તેમાં કોઈ ચેડાં થયાં નથી. આરોપીના સંબંધી રામ નિરંજનના હાથ નીચે અભ્યાસ કરી ચૂકેલાં બાળકોની વાત કરીએ, તો અમને તે વિશે કોઈ જાણકારી નથી. આરોપીઓએ તે વાત ઉપજાવી કાઢી છે.”

વહીવટી તંત્રએ તેની ભૂમિકા વિશે શું કહ્યું?

આટલા લાંબા સમય સુધી સગીર બાળકોનું જાતીય ઉત્પીડન શા માટે થતું રહ્યું, તેવા સવાલના જવાબમાં સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ અરુણકુમાર સિંહે બીબીસીને જણાવ્યું હતું, “આ બનાવ 2020 પહેલાં બન્યો હતો. આરોપીની અહીં સરકારી કર્મચારી તરીકે નિયુક્તિ થઈ હતી. અમારી જાણકારી અનુસાર, તે ડાર્ક વેબ ઉપર વીડિયો અપલોડ કરતો હતો.”

“ઇન્ટરપોલને આ ઘટનાની જાણકારી થતાં તેણે સીબીઆઇને માહિતી પૂરી પાડી. સીબીઆઇએ વિશ્લેષણ કરીને કેસ દાખલ કર્યો અને સાથે જ તપાસ પણ કરી.”

“તે પછી અદાલતમાં ચાર્જશીટ મોકલવામાં આવી. કોર્ટમાં ઘણાં સાક્ષીઓ અને પુરાવાના આધારે આ કેસને રેરેસ્ટ ઑફ રેર ગણાવીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.”

“પાંચ-છ વર્ષ પહેલાં જિલ્લાઓમાં સાઇબર પોલીસ સ્ટેશનો નહોતાં, પણ હવે સાઇબર અપરાધો સામે તાલીમ, દેખરેખ અને કાર્યવાહી થઈ રહી છે.”

આ દરમિયાન, બાંદાના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ પલાશ બંસલે બીબીસીને જણાવ્યું હતું, “સીબીઆઇએ આ કેસની તપાસ કરી છે. પુરાવા એકત્રિત કરતી વખતે વધુ બાળ પીડિતો પ્રકાશમાં આવ્યાં હતાં.”

“પોલીસ કાર્યવાહીની વાત છે તો, જો ફરિયાદ થઈ હોત, તો અમે તપાસ કરી હોત. ફરિયાદ વિના અમે કોઈ કાર્યવાહી કરતા નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS