Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
આજે ઈરાન અને અમેરિકા વચ્ચે ભયંકર તણાવ છે, પરંતુ ઈરાન કોઈ નવો દેશ નથી. તેની સભ્યતા અને સંસ્કૃતિ હજારો વર્ષો પુરાણી છે. એક સમયે હાલના આ ઈરાનના સામ્રાજ્યનાં મૂળ યુરોપ, આફ્રિકા અને ભારતના સિંધ સુધી વિસ્તરેલાં હતાં. આ સિરીઝ તેના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત અગાઉ ચાર લેખ પ્રગટ થઈ ચૂક્યા છે.
જે વખતે ચંગેઝ ખાનનું એશિયા પર આક્રમણ થયું તે સમયે ઈરાન અને ઇરાકમાં હિંદુસ્તાનની સરહદ સુધી ફેલાયેલું ખ્વારજ્મિયન કે ‘ખીવા’નું મુસ્લિમ રાજ્ય હતું.
ઈ.સ. 1157માં અહમદ સંજરના મૃત્યુ બાદ સેલ્જુક સામ્રાજ્ય ખંડિત થઈ ગયું. તેના જાગીરદાર સ્વતંત્ર થઈ ગયા. તે પૈકી એક જાગીરદાર અનુશ્ટેગિન નામનો રાજવંશ હતો. તેણે ખ્વારજ્મ ક્ષેત્ર પર રાજ કર્યું. આજે આ ભાગ તુર્કમેનિસ્તાન અને ઉઝ્બેકિસ્તાનનો ભાગ છે. તે સમયે આ સામ્રાજ્ય આ વિસ્તાર ઉપરાંત ઈરાન અને અફઘાનિસ્તાનના કેટલાક ભાગોમાં ફેલાયેલું હતું.
ખ્વારજ્મિયન સામ્રાજ્યના લોકો પહેલાં સેલ્જુક સુલ્તાનોના ગુલામ હતા. 1194માં ખ્વારજ્મ રાજ્યના શાસક તેકિશે સેલ્જુક સામ્રાજ્યના પશ્ચિમ ઈરાન અને ઇરાક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. ઉરગંજ ખ્વારજ્મિયન સામ્રાજ્યની રાજધાની હતી. જોકે, ઘણા ખરા ઇતિહાસકારો સમરકંદને તેની રાજધાની ગણે છે.
આ દરમિયાન ચંગેઝ ખાનના નામનું વાવાઝોડું એશિયા પર ત્રાટક્યું. ઉત્તર-પશ્ચિમ એશિયાના મેદાનમાં ચંગેઝ ખાનના ઉદયે આખી દુનિયામાં હાહાકાર ફેલાવી દીધો. મોંગોલિયાના એક ખાનાબદોશે કાળા સમુદ્રથી લઈને પ્રશાંત મહાસાગર સુધી વિશાળ સામ્રાજ્ય ફેલાવ્યું હતું. પહેલાં તે પૂર્વ તરફ વધ્યો. તેણે ઉત્તર ચીન અને મંચૂરિયાના ‘કિન’ સામ્રાજ્યને ખતમ કરી નાખ્યું. પેકિંગ પર પણ કબજો કર્યો. કોરિયાને જીતી લીધું. તેણે દક્ષિણના લોકો સાથે દોસ્તી કરી હતી કારણ કે ચીનના આક્રમણ વખતે તેમણે તેને મદદ કરી હતી.
ચંગેઝ ખાનના નેતૃત્વમાં મંગોલો ખૂનની હોળી રમતા-રમતા અને કંકાલોની ઇમારત ચણતા-ચણતા, હસતા-હસતા શહેરોની આગજની કરતા ચીનના બેઇજિંગથી લઈને રશિયાના મૉસ્કો સુધીના માલિક બની ગયા.
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના પૂર્વ પ્રેઝન્ટર અને પૉલિટિકલ ઍડિટર ઍન્ડ્ર્યૂ મર્ર તેમના પુસ્તક “અ હિસ્ટ્રી ઑફ ધ વર્લ્ડ”માં લખે છે, “તેમની તલવારો અને કુહાડીએ વૃદ્ધ-યુવાન, લડવૈયાઓ કે બિન-લડવૈયાઓમાં કોઈ ફરક ન કર્યો. ખોપરીઓના પિરામિડ બનાવીને છોડી દેવામાં આવ્યા. લોહીનાં તળાવો ભરાઈ ગયાં. જેમણે તેમનો બહાદુરીથી સામનો કર્યો તેમના પર ભયંકર ક્રૂરતા આચરવામાં આવી.”
અંગ્રેજ ઇતિહાસકાર મૅથ્યુ પેરિસના હવાલેથી મંગોલોની ક્રૂરતાનું વર્ણન કરતા ઍન્ડ્ર્યૂ મર્ર લખે છે, “તેઓ અમાનવીય અને પશુવૃત્તિના હતા. માનવો કરતાં તેમને રાક્ષસો કહેવા વધારે યોગ્ય હતું. જેમને લોહી પીવાની તરસ હતી અને જે કૂતરાં અને માનવીઓનું માંસ ફાડીને ખાઈ જતા હતાં.”
ચંગેઝ ખાન સિલ્ક રૂટ પર કબજો કરવા માગતો હતો
ઇમેજ સ્રોત, Getty Images
ચંગેઝ ખાન સિલ્ક રૂટ પર કબજો કરવા માગતો હતો. ઇતિહાસકારો કહે છે કે તેની પશ્ચિમમાં હુમલો કરવાની કોઈ ઇચ્છા નહોતી. તે ખ્વારજ્મિયન સામ્રાજ્ય સાથે દોસ્તીનો સંબંધ રાખવા માંગતો હતો. પરંતુ આમ ન થયું. ઇતિહાસકારો નોંધે છે કે ખ્વારજ્મિયન સામ્રાજ્યમાં સમરકંદ, બુખારા, ઉર્ગેન્ચ, મેર્વ અને નિશાપુર જેવાં શહેરો હતાં જે સિલ્ક માર્ગમાં પડતાં હતાં.
ચંગેઝ ખાન આ સિલ્ક રૂટને નિયંત્રિત કરવા માંગતો હતો. ચંગેઝ ખાને સિલ્ક રૂટના પૂર્વ ભાગ પર કબજો કરી દીધો હતો જ્યારે પશ્ચિમ ભાગ પર ખ્વારજ્મિયન સામ્રાજ્યનું નિયંત્રણ હતું. ચંગેઝ ખાન ઇચ્છતો હતો કે બંને પક્ષો વચ્ચે વ્યાપાર ફરી શરૂ થાય.
અલા-અલ-દીન મુહમ્મદ દ્વિતીય ખ્વારજ્મિયન સામ્રાજ્યના શહેનશાહ હતા. તેમણે મંગોલ દરબારમાં પોતાના દૂત મોકલ્યા હતા. જોકે, કેટલાક ઇતિહાસકારો કહે છે કે તેમણે જાસૂસી માટે દૂતો મોકલ્યા હતા અને મુહમ્મદ એ માહિતી મેળવવા માગતા હતા કે ચંગેઝ પાસે કેટલી સૈન્ય શક્તિ છે.
ચંગેઝ ખાને ખ્વારજ્મિયન રાજ્યમાં પોતાનું એક વ્યાપારી મંડળ મોકલ્યું હતું. દરમિયાન ખ્વારજ્મિયનના એક શહેર ઑટ્રારના ગવર્નર ઇનાલચુકે આ વેપારીઓ પર જાસૂસીનો આરોપ લગાવ્યો અને તેમને પકડી લીધા. ઇતિહાસકારો એવું પણ કહે છે કે ચંગેઝ ખાને પહેલાંથી જ ખ્વારજ્મિયન સામ્રાજ્યની જાસૂસી કરાવી હતી અને તેને ખબર હતી કે આ સામ્રાજ્ય કેટલું નબળું પડી ગયેલું છે.
બીજી કહાણી પ્રમાણે ઈ.સ. 1218માં મંગોલોની એક નાની ટુકડી ભાગતા શત્રુનો પીછો કરતી તેમના રાજ્યમાં ઘૂસી ગઈ હતી. મુહમ્મદના સૈનિકોએ તેને પકડી લીધી. ચંગેઝ ખાને મુહમ્મદ દ્વિતીયનો સંપર્ક કર્યો. પરંતુ ઇતિહાસકારો નોંધે છે કે બાદશાહ પોતાની જ બરબાદી નોંતરી રહ્યો હતો. તેના સર્વનાશ માટે જે શક્ય હતું તેવું જ તેણે વર્તન કર્યું. તેના એક સુબાના હાકિમે મંગોલ સોદાગરોની હત્યા કરી નાખી. છતાં ચંગેઝ ખાન સુલહ ચાહતો હતો. કારણ કે ચંગેઝ ખાનને સિલ્ક રૂટના વ્યાપારમાં રસ હતો.
તેણે પોતાના દૂત ખ્વારજ્મિયન બાદશાહના દરબારમાં મોકલ્યા. પરંતુ મુહમ્મદે તેમનું અપમાન કર્યું એટલું જ નહીં તેને મરાવી નાખ્યા. ચંગેઝ ખાન આ અપમાન સહન ન કરી શક્યો. તેણે પશ્ચિમ એશિયા તરફ કૂચ આદરી. આ કૂચ 1219માં શરૂ થઈ અને એશિયા અને કેટલાક અંશે યુરોપે તેના આ બિહામણા રૂપનાં ખતરનાક દૃશ્યો જોયાં.
ઈરાનના ખ્વારજ્મિયન સામ્રાજ્યને ચંગેઝ ખાને કર્યું તબાહ
ઇમેજ સ્રોત, Getty Images
ચંગેઝ ખાને લાખોની સંખ્યામાં માણસોની કત્લેઆમ કરી, શહેરોને તબાહ કરી નાખ્યાં. ખ્વારજ્મિયન સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયું. બુખારાનું મોટું શહેર, જેમાં વિશાળ મહેલો હતા અને દસ લાખ લોકો રહેતા હતા, તે જમીનદોસ્ત થઈ ગયું.
મંગોલ શાસકોના એક ફારસી લેખક જુવૈનીએ 1220માં બુખારામાં ચંગેઝ ખાનના વિજયનું વૃત્તાંત વર્ણવ્યું છે. તેઓ લખે છે કે નગરના વિજય બાદ ચંગેઝ ઉત્સવ-મેદાનમાં ગયો. જ્યાં કેટલાક ધની વેપારીઓ ઉપસ્થિત હતા. તેમને સંબોધીને ચંગેઝે કહ્યું કે ‘તેમણે ઘણાં પાપ આચર્યા છે, તેથી ઈશ્વરે તેમને દંડ કરવા માટે મને મોકલ્યો છે.’
ઇતિહાસકારો નોંધે છે કે સમરકંદમાં દસ લાખ લોકો રહેતા હતા તેમાંથી માત્ર 50 હજાર લોકો જ બચી શક્યા. હિરાત, બલ્ખ અને બીજાં ઘણાં શહેરો ચંગેઝ ખાનના ક્રોધનો શિકાર બની ગયાં. હજારો કારીગરો અને હુન્નરો જે સેંકડો વર્ષોથી ઈરાનમાં વિકાસ કરી રહ્યા હતા, ગાયબ થઈ ગયા.
ચંગેઝ ખાનની આંધીમાં ઈરાન અને મધ્ય એશિયામાં જનજીવન જાણે કે સમાપ્ત થઈ ગયું. ઍન્ડ્ર્યૂ મર્ર લખે છે, “ખ્વારજ્મિયન સામ્રાજ્ય જાણે કે ઇતિહાસના સૌથી ભયાનક હત્યાકાંડનો ભોગ બન્યું.” “એક અંદાજ પ્રમાણે બે વર્ષમાં ખ્વારજ્મિયનની કુલ 30 લાખની વસ્તીમાંથી 12.5 લાખ લોકો માર્યા ગયા. ઇતિહાસકાર જ્હૉન મૅનના મતે, આ ઇતિહાસનો સૌથી મોટો નરસંહાર હતો.” જોકે, કેટલાક ઇતિહાસકારો એમ પણ કહે છે કે તબાહીનાં આ વર્ણવેલાં દૃશ્યો અતિશયોક્તિ હતાં. પરંતુ એ ચોક્કસ છે કે વિનાશ ભયંકર હતો.
ચંગેઝ ઈરાન માટે જાણે કે ‘મહાન કુદરતી આફત’ હતી
ઇમેજ સ્રોત, Getty Images
ખ્વારજ્મિયન સામ્રાજ્યના બાદશાહ મુહમ્મદના પુત્ર જલાલુદ્દીન ચંગેઝ ખાનની આ આંધી સામે બહાદૂરીથી લડ્યો. તે તેનાથી ભાગતો-ભાગતો સિંધુ નદીના કિનારે આવી પહોંચ્યો, ત્યાંથી તે નદીમાં કૂદી પડ્યો અને દિલ્હીના દરબારમાં આશ્રય લેવા પહોંચ્યો. ચંગેઝે તેનો પીછો તો કર્યો પરંતુ ભારત સુધી આવવાનું ટાળી દીધું.
જવાહરલાલ નહેરુ લખે છે, “તેમને રોકનારું કોઈ નહોતું. ભારત તેનાથી કેમ બચી ગયું તે એક સંયોગની વાત હતી. જ્વાળામુખી જેવા આ વિસ્ફોટમાં યુરોપ-એશિયાના લોકોને જે વેઠવું પડ્યું તેની આપણે કલ્પના ન કરી શકીએ. એવું લાગ્યું કે ભૂકંપની માફક આ કોઈ મહાન કુદરતી આફત હતી. જેની સામે મનુષ્ય પામર હતો.” નહેરુ લખે છે, “આરબ અને ઈરાની લેખકોની નજરમાં ચંગેઝ એક રાક્ષસ હતો અને તેને ખુદાનો કેર તરીકે વર્ણવ્યો છે. તે ક્રૂર હતો એમાં કોઈ શક નહોતો પરંતુ તેનામાં અને તે જમાનાના ઘણા શાસકોમાં કોઈ ઝાઝો ફર્ક નહોતો.”
આ દરમિયાન બગદાદની ખુશકિશ્મતી હતી કે ચંગેઝે તેને છોડી દીધું. તે ઉત્તરમાં રશિયા તરફ આગળ વધી ગયો.
ચંગેઝ ખાનના પૌત્ર હલાકૂ ખાને બગદાદ પર કર્યો હુમલો
ઇમેજ સ્રોત, BIBLIOTHÈQUE NATIONALE DE FRANCE
ચંગેઝ ખાન ઈ.સ. 1227માં 72 વર્ષની ઉંમરમાં માર્યો ગયો. તેનું સામ્રાજ્ય હવે કાળા સમુદ્રથી લઈને પ્રશાંત મહાસાગર સુધી વિસ્તરેલું હતું. ચંગેઝ ખાન બાદ તેનો ભાઈ ઓગતાઈ સત્તા પર આવ્યો. તેણે પણ રશિયામાં અભિયાન ચલાવ્યું અને બગદાદને છોડી દીધું. બગદાદમાં હજુ સેલ્જુકો (તુર્કો)ની સત્તા હતી.
ઓગતાઈનું મોત થયું ત્યાર બાદ તેના વારસોમાં સત્તાને લઈને ઝગડા શરૂ થઈ ગયા. 1242માં મોંગકે ખાન એટલે કે મંગૂ ખાન સત્તા પર આવ્યો. દરમિયાન મંગોલોએ જ્યાં વસવાટ કર્યો ત્યાં ત્યાં પ્રચલિત ધર્મને અપનાવી લીધો. ચીન અને મંગોલિયામાં તેઓ બૌદ્ધ થયા, મધ્ય એશિયામાં મુસ્લિમ થયા અને રશિયા તથા હંગેરીમાં ખ્રિસ્તી થઈ ગયા.
ચંગેઝ ખાનનો પૌત્ર હલાકૂ ખાન તે વખતે ઈરાનનો ગવર્નર હતો. તે મોંગકે ખાનનો ભાઈ પણ હતો. મોંગકે ખાન બગદાદના ખલીફાની કોઈ વાતથી નારાજ થઈ ગયો. ઇતિહાસકારોના એક મત પ્રમાણે હલાકૂ ખાનને દક્ષિણ-પશ્ચિમ એશિયાનાં રાજ્યોને જીતવા માટે મંગૂ ખાને જવાબદારી સોંપી. તે અંતર્ગત તેને દક્ષિણી ઈરાનના લૂર્સ લોકોને હરાવવાનું, નિજારી ઇસ્માઇલી રાજ્યને જીતવાનું, બગદાદમાં ખલિફાની ખિલાફતને આત્મસમર્પણ કરાવવાનું અને દમિશ્કમાં અય્યૂબિદ રાજ્યને જીતવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મિસર એટલે કે ઇજિપ્તની બહરી મમલુક સલ્તનતને પણ અધીન કરવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું. બધાં કામો પાર પાડતો હલાકૂ ફેબ્રુઆરી, 1258ના રોજ બગદાદ પહોંચ્યો.
બગદાદની બરબાદી
ઇમેજ સ્રોત, LE LIVRE DES MERVEILLES
હલાકૂએ 13 દિવસ સુધી બગદાદને ઘેરો ઘાલ્યો હતો. 10 ફેબ્રુઆરી 1258ના રોજ 37મા અબ્બાસી ખલીફા મુસ્તઆસિમ બિલ્લાહ તેમના મંત્રીઓ સાથે મુખ્ય દરવાજા પર આવ્યા અને હલાકુ ખાનની સામે ઝૂકી હથિયારો હેઠાં મૂકી દીધાં. પરંતુ હલાકૂએ શરણે આવનારાઓને માફી આપવાને બદલે એ જ કામ કર્યું, જે તેના દાદા ચંગેઝ ખાન કરતા હતા. હલાકૂએ ખલીફા સિવાયના બધા જ ટોચના હોદ્દેદારોને ખતમ કરી નાખ્યા. તે પછી મંગોલ સેનાએ બગદાદમાં કાળો કેર વર્તાવ્યો.
જોકે જવાહરલાલ નહેરુ લખે છે કે, હલાકૂએ ખલીફા અને તેના દીકરા સહિતના સગાસબંધીઓને મારી નાખ્યા અને 400 વર્ષોથી ભેગા થયેલા ખજાનાને લૂંટવામાં આવ્યો. કલા અને સાહિત્યનો અમૂલ્ય ખજાનો તથા પુસ્તકાલયો નષ્ટ કરી દેવામાં આવ્યાં. આ બગદાદના વિનાશનું વર્ણન કરતા ઇતિહાસકાર અબ્દુલ્લા વસ્સાફ શિરાજી લખે છે, “ભૂખ્યાં વરુની જેમ તે લોકો શહેરમાં ઘૂસી ગયા. ભૂખ્યાં વરુ જે રીતે ઘેટાં પર ત્રાટકે તે રીતે તે લોકો તૂટી પડ્યા હતા.”
“ગાદલાં અને તકિયાંને ચાકૂથી ફાડી નાખ્યાં. મહેલની સ્ત્રીઓને રસ્તા પર ઢસડીને લઈ જવામાં આવી. દરેક નારી તાતાર સૈનિકો માટે રમવાની વસ્તુ બનીને રહી ગઈ હતી.”
કુલ કેટલા લોકોની કતલ થઈ તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જોકે, ઇતિહાસકારો અંદાજ મૂકે છે કે 2 લાખથી 10 લાખ લોકો મંગોલોની તલવાર, તીર કે ભાલાનો શિકાર બની ગયા હતા. ઇતિહાસના ગ્રંથોમાં લખાયું છે કે બગદાદની શેરીઓમાં ચારે બાજુ લાશો ખડકાઈ ગઈ હતી. થોડા દિવસમાં તેના કારણે શહેરમાં એટલી બધી બદબૂ ફેલાઈ ગઈ હતી કે હલાકૂ ખાને શહેરની બહાર તંબુ તાણવો પડ્યો હતો. એ દરમિયાન વિશાળ મહેલને આગ લગાવવામાં આવી હતી. મહેલમાં અબનૂસ અને ચંદનના કિંમતી લાકડાનો ઉપયોગ થયો હતો. તેની ગંધ પણ આ બદબૂ સાથે ભળી રહી હતી. આવું જ કંઈક બગદાદની પાસેની દજલા નદીમાં જોવા મળતું હતું. એવું કહેવાય છે કે થોડા દિવસ સુધી નદીનું પાણી લાલ બની ગયું હતું. બગદાદની બરબાદીએ બચેલા અબ્બાસી સામ્રાજ્યનો અંત આણ્યો.
“પશ્ચિમી એશિયાની પ્રાચીન સિંચાઈ વ્યવસ્થા, જે હજારો વર્ષો પુરાણી હતી તેને પણ નષ્ટ કરી દેવાઈ, આવા જ હાલ અલપ્પો, એડેસા અને અન્ય શહેરોના થયા,” નહેરુ લખે છે. મંગોલોનું પશ્ચિમ એશિયા તરફનું વિસ્તરણ નિ:શંકપણે ઇસ્લામિક વિશ્વ માટે ખાસ કરીને ઈરાન માટે વિનાશક ઘટના હતી.
ઇતિહાસકાર અને મંગોલ દરબારી જુવૈનીએ લખ્યું હતું, “એક જ ઝાટકે ફળદ્રુપતાથી ભરેલી આ દુનિયા ઉજડી ગઈ. તેના હર્યાભર્યા પ્રદેશો ઉજ્જડ થઈ ગયા, જીવતા લોકો મૃતકોનો ભાગ બની ગયા, તેમની ચામડી, હાડકાં ક્ષીણ થઈ ગયાં, શક્તિશાળી લોકો ઝૂકી ગયા અને વિનાશની આફતોમાં ડૂબી ગયા.”
ઈરાનમાં હવે મંગોલ સામ્રાજ્યના પાયા નંખાઈ ગયા હતા. જેને ઇલ્ખાનાતે સામ્રાજ્ય કહેવાય છે. જોકે, મંગૂ ખાનના મૃત્યુ બાદ મંગોલ સામ્રાજ્ય ગૃહયુદ્ધમાં ખતમ થઈ ગયું. થોડાં વર્ષો સુધી ઈરાનમાં અરાજકતા વ્યાપેલી રહી. પછી ઈ.સ. 1370થી 1390ના દાયકામાં તૈમૂર લંગનું ઈરાન પર આક્રમણ થયું. જે તુર્ક અને મંગોલ વંશનો હોવાનો દાવો કરતો હતો. તેણે તિમુરિદ સામ્રાજ્યની સ્થાપના કરી. તેણે ખુરાસનમાં પોતાની રાજધાની સ્થાપિત કરી. પાછળથી સમરકંદ તેની રાજધાની બની.
આ શ્રેણીના અગાઉના લેખ :
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



