Home તાજા સમાચાર gujrati વેરનાં વળામણાં : પાકિસ્તાનમાં બકરીની ચોરી થઈ અને તેમાં થયેલા ઝઘડામાં 48...

વેરનાં વળામણાં : પાકિસ્તાનમાં બકરીની ચોરી થઈ અને તેમાં થયેલા ઝઘડામાં 48 લોકો માર્યા ગયા, શું છે મામલો?

10
0

Source : BBC NEWS

બે સ્થાનિક સમુદાયો વચ્ચેના ઝઘડાને કારણે ખંડેર બની ગયેલી જલાલપુરની એક સરકારી શાળાની ઇમારત

એક ઓરડો ધરાવતી મદરેસામાં લગભગ બે ડઝન બાળકો કુરાનનો અભ્યાસ કરી રહ્યાં છે. આ મદરેસાની બાજુમાં શાળાની બે ઇમારતો છે, જેમાંથી એક ખંડેર બની ગઈ છે અને બીજી સૂમસામ.

અહીંની વેરાન સ્થિતિના કારણમાં છે બે સ્થાનિક સમુદાયો વચ્ચે વર્ષોથી ચાલી રહેલો ઝઘડો. હાલમાં થયેલા આ જ પ્રકારના ઝઘડાને કારણે શાળાઓ પણ સૂમસામ થઈ ગઈ છે.

અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાનના ઉત્તર સિંધના શિકારપુર જિલ્લામાં છેલ્લાં નવ વર્ષથી ‘જુનેજો’ અને ‘કલ્હોડા’ સમુદાયો વચ્ચે ચાલતા ઝઘડામાં કુલ 48 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ સમયગાળા દરમિયાન બંને સમુદાયોના લોકોએ તેમના વિસ્તારોને એકબીજા માટે ‘નો-ગો-ઝોન’માં ફેરવી દીધા હતા. આ ઝઘડાની અસર ત્યાંની સ્થાનિક શાળાઓ પર પણ પડી, અને શાળાઓ સાવ વેરાન થઈ ગઈ.

ગયા મહિને બંને પક્ષોએ એક પંચાયતની મદદથી તેમના વિવાદોનું સમાધાન કર્યું. જોકે, કોર્ટ અને કાનૂની પ્રતિબંધો છતાં ‘જિરગા’ (સમાધાન બેઠક) યોજવા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

બીબીસીએ તાજેતરમાં સિંધના આંતરિક વિસ્તારનો પ્રવાસ કર્યો હતો, જેથી એ જાણી શકાય કે નવ વર્ષના લાંબા સંઘર્ષ અને તણાવે આ સમુદાયો અને ત્યાં રહેતા લોકોનું જીવન કઈ રીતે દયનીય બની ગયું હતું.

બકરીની ચોરીના આરોપથી થઈ ઝઘડાની શરૂઆત

જલાલપુર ગામમાં લગભગ 200 પરિવારો રહે છે.

જલાલપુર લગભગ 200 પરિવારો ધરાવતું એક ગામ છે, જ્યાં અમારી મુલાકાત કુર્બાન અલી જુનેજો સાથે થઈ.

કુર્બાને જણાવ્યું કે જુનેજો અને કલ્હોડા સમુદાયો વચ્ચેના વિવાદમાં તેમના ભાઈ અને બે ભત્રીજાઓ માર્યા ગયા, ત્યારે તેઓ નજીકના ‘કચ્ચે’ (નદી કિનારેનો વિસ્તાર)માં ઢોર ચરાવવા ગયા હતા.

તેમનું કહેવું છે કે તેમના ભાઈ સહિત તેમની બિરાદરીના 23 લોકો આ દુશ્મનીમાં બલિ ચડી ગયા છે. .

કુર્બાને કહ્યું કે આ ઝઘડાની શરૂઆત નવ વર્ષ પહેલાં એક બકરીની ચોરીની ઘટનાથી થઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કથિત ચોર કલ્હોડા સમુદાયનો હતો. જો કે, બંને સમુદાયો એકબીજા પર બકરી-ચોરીનો આરોપ લગાવે છે.

ત્યારબાદ થયેલી જિરગા (સમાધાન બેઠક) દરમિયાન બકરીના માલિકે ત્રણ કથિત ગુનેગારોને માફ કરી દીધા, પરંતુ એકને માફ કરવાનો ઇન્કાર કર્યો.

તેમના મતે આગળ જતા આ મામલો વધુ વકર્યો અને આખરે સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમ્યો. આના લીધે આ વિસ્તારમાં ન માત્ર વ્યવસાયને નુકસાન થયું, પરંતુ લોકોના જીવન પર પણ તેની ગંભીર અસરો પડી, અને ઘણા લોકોના જીવ પણ ગયા.

જોકે, હવે જિરગા થકી સમાધાન થઈ ગયા પછી કુર્બાન જુનેજોને આશા છે કે તેનાથી લાભ થશે અને વિસ્તારના લોકો સુખી થશે.

જલાલપુર ગામ નૅશનલ હાઇવેથી એક કિલોમીટર દૂર આવેલું છે. અહીં બીબીસીની ટીમે એક જૂનું પોલીસ સ્ટેશન પણ જોયું. સ્થાનિકોએ જણાવ્યું કે આ પોલીસ સ્ટેશન લાંબા સમયથી વેરાન પડ્યું છે, અને પોલીસને ત્યાંથી ખસેડી લેવામાં આવી છે.

બાદમાં અમને લગભગ 13 કિલોમીટર દૂર નૅશનલ હાઇવે પાસે એક પોલીસ ચોકી દેખાઈ.

આધુનિક શસ્ત્રો અને મોરચા

આ વિસ્તારમાં આવા ઘણા મોરચા જોવા મળે છે, જે સમાધાન બાદ ખાલી થઈ ગયા છે

જલાલપુરથી અમે “કચ્ચા” વિસ્તારમાં આગળ વધ્યા. નદીની બંને બાજુ હજારો એકરો ઘઉંનો પાક તૈયાર હતો અને ઘણી જગ્યાએ કાપણી પણ ચાલી રહી હતી.

આ વિસ્તારમાં પહોંચવા માટે કોઈ પાકો રસ્તો નથી. વરસાદને કારણે અમારી મુસાફરી મુશ્કેલ થઈ ગઈ અને ઘણી જગ્યાએ વાહન પણ કાદવમાં ફસાઈ ગયું. અમે લગભગ 15 કિલોમીટરનું અંતર કાપીને કલ્હોડા સમુદાયના ગામ ‘મીરલ કલ્હોડા’ પહોંચ્યા.

જ્યારે અમે ગામની એક મોટી બેઠકે પહોંચ્યા ત્યારે દીવાલ પર આરરપીજી મૉર્ટાર, એલએમજી અને એસએમજી જેવાં આધુનિક હથિયારો ટાંગેલાં દેખાયાં.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેમના ગામની અન્ય ચાર બેઠકોમાં આવી જ રીતે હથિયારો રાખવામાં આવ્યાં છે.

હફીઝ કલ્હોડો દાવો કરે છે કે તેમના પિતા સહિત તેમના સમુદાયના 28 લોકો આ લડાઈમાં માર્યા ગયા છે.

તેમણે અમને માટીની બોરીઓથી બનાવેલો એક મોરચો પણ બતાવ્યો અને જણાવ્યું કે અહીં 24 કલાક પહેરો ભરવામાં આવે છે. કારણ કે, ગમે ત્યારે હુમલો થઈ શકે છે. જોકે, તેમના મતે હવે સમાધાન થઈ ગયું છે, તેથી હવે પહેલાં જેવો કડક પહેરો ભરવામાં આવતો નથી.

સમાધાન પહેલાં આખા ગામની આસપાસ આવા મોરચા ઊભા કરવામાં આવ્યા હતા. તેઓ પણ આ વિવાદની શરૂઆતના કારણમાં બકરી-ચોરીની ઘટનાને ગણાવે છે. જોકે, તેમનો એવો આરોપ છે કે ચોર જુનેજો સમુદાયનો હતો અને કથિત ચોરી દરમિયાન તેનું મોત થયું હતું.

આ વિસ્તારના લોકો પાસે આધુનિક હથિયારો છે

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સંઘર્ષ દરમિયાન દર મહિને શસ્ત્રો અને સુરક્ષા માટે કેટલો ખર્ચો થતો હતો, ત્યારે તેમણે જણાવ્યું કે સંઘર્ષ જ્યારે ચરમસીમાએ હતો ત્યારે ખર્ચ 50 લાખ પાકિસ્તાની રૂપિયા કરતાં પણ વધી જતો હતો.

તેમને એમ પણ પૂછવામાં આવ્યું કે તેમને આવાં આધુનિક શસ્ત્રો ક્યાંથી મળે છે? ત્યારે તેમણે જણાવ્યું કે આ બધું સંપર્કો દ્વારા શક્ય બને છે. “જેમ કે મેં તમારા સુધી પહોંચાડ્યું, અને તમે મારા સુધી.”

હવે તેમને આશા છે કે સમાધાન પછી હથિયારો અને સુરક્ષા પરનો ખર્ચ ઓછો થઈ જશે.

હાફિઝ કલ્હોડોએ જણાવ્યું કે સંઘર્ષને કારણે આ વિસ્તારના રહેવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મુશ્કેલી પડતી હતી, અને સ્થાનિક પુરુષોને દિવસ-રાત ચોકી કરવી પડતી હતી. “હવે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે, પરિસ્થિતિ પહેલા કરતાં ઘણી સારી છે.”

જોકે આ સિંધનો વિસ્તાર છે, છતાં બીબીસીની ટીમે જોયું કે અહીં દેખાતી લગભગ દરેક વ્યક્તિના ખભે હંમેશાં કોઈ ને કોઈ પ્રકારનું હથિયાર દેખાતું હતું.

ગામલોકોએ કહ્યું કે તેઓ મુક્તપણે બહાર જઈ શકતા નહોતા, કારણ કે ગામના લગભગ બધા પુરુષો પર અનેક પ્રકારના કેસ નોંધાયેલા હતા. આવી સ્થિતિમાં પોતાના વિસ્તારની બહાર નીકળવામાં વિરોધી પક્ષ ઉપરાંત ધરપકડનો પણ ભય રહેતો હતો.

સિંધના આ વિસ્તારોમાં સમુદાયના નેતાઓનો દબદબો છે

કલ્હોડા અને જુનેજો સમુદાયો વચ્ચેનું સમાધાન પણ જિરગા દ્વારા શક્ય બન્યું હતું

શિકારપુર સહિત ઉત્તર સિંધના ઘણા વિસ્તારોમાં કથિત રાજકીય અને વહીવટી સમર્થનને કારણે સમુદાયના નેતાઓનો ઘણો ખરો દબદબો છે. જમીનની સીમાઓ, ઢોરચોરી અને બીજા સમુદાયમાં પસંદગીનાં લગ્નોને લઈને ઘણીવાર તકરારો થાય છે.

ઘણા સ્થાનિક લોકોએ જણાવ્યું કે સમુદાયના નેતાઓના પ્રભાવને કારણે લોકો સ્થાનિક પરંપરાઓ અને અનૌપચારિક ન્યાય પ્રણાલીઓ બાબતે જિરગા પર આધાર રાખે છે.

કલ્હોડા અને જુનેજો સમુદાયો વચ્ચેનું સમાધાનન પણ જિરગા દ્વારા જ શક્ય બન્યું હતું. આ જિરગામાં બંને પક્ષો પર એકબીજાના જાનમાલના નુકસાન બદલ કુલ 14 કરોડ 91 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. સાથે સાથે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો કે ભવિષ્યમાં હુમલો કરનારને ભારે દંડ કરવામાં આવશે.

બીબીસીએ હાફિઝ કલ્હોડાને પૂછ્યું કે ભૂતકાળમાં આવું સમાધાન કેમ ન થઈ શક્યું? તેમણે જણાવ્યું, “એ તો સમુદાયના નેતાઓ કહી શકે. આ વખતે સરકાર તરફથી દબાણ હતું અને અમારા ટોચના નેતાઓના પ્રયાસો પણ હતા, તેથી આ બધાં કારણોસર નિર્ણય થઈ ગયો.”

તેમણે એમ પણ કહ્યું કે જિરગા ન હોય તો આવા મુદ્દાઓ ન ઉકેલાય. “જિરગા એટલા માટે થાય છે કારણ કે અદાલતો વર્ષો સુધી કેસ પર કાર્યવાહી કરતી નથી. આઠ-આઠ વર્ષ સુધી કેસ આગળ વધતા નથી.”

આ નિર્ણયમાં ગૌસ બખ્શ મહેર મધ્યસ્થી તરીકે હતા

આ નિર્ણયના સાક્ષી અને મધ્યસ્થ ગૌસ બખ્શ મહેર છે. મહેર નૅશનલ ઍસેમ્બ્લીના સભ્ય અને સિંધ વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

અમે તેમને પૂછ્યું કે બંને સમુદાયો વચ્ચે એટલા લાંબા સમય સુધી ઝઘડો ચાલતો રહ્યો તો પહેલાં તેનો ઉકેલ કેમ ન આવ્યો? તેમણે જવાબમાં જણાવ્યું કે, “પહેલાં વહીવટી કમજોરીઓ હતી, તેથી આ વિવાદનો જિરગા થઈ શક્યો નહીં. જો પહેલી હત્યાના કેસમાં જ વહીવટીતંત્રે કડકાઈ દાખવી હોત, ધરપકડ કરી હોત અને અદાલતોમાંથી ઝડપથી સજા કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ જ ઊભી ન થાત.”

તેમણે દાવો કર્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા, કારણ કે સ્થાનિક વહીવટીતંત્ર મદદ કરતું નહોતું. “હવે વહીવટીતંત્રે કડક વલણ અપનાવ્યું છે, એટલે લોકો સીધા થઈ ગયા છે.”

‘સમુદાયો વચ્ચેના વિવાદોનો અંત સરકારી નીતિનો ભાગ છે’

શિકારપુરના એસએસપી કલીમ મલિક

ઇમેજ સ્રોત, ْBBC

શિકારપુર સહિત ઉત્તર સિંધના આઠ જિલ્લાઓ વિવિધ સમુદાયો વચ્ચેના ઝઘડાઓમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે.

તેમાં ખૈરપુર, શિકારપુર, લારકાના, કશમોર, સક્કર, કંબર શહદાદકોટ, ઘોટકી અને જેકોબાબાદનો સમાવેશ થાય છે. આમાંથી ‘કચ્ચા’ વિસ્તારના કેટલાક ભાગો ‘નો-ગો એરિયા’ તરીકે છે.

ઘોટકી અને શિકારપુર વચ્ચેના વિવાદોના ઉકેલ માટે સક્કરના સર્કિટ હાઉસમાં એક ‘મોટા જિરગા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જે ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. તેમાં કેટલાક એવા લોકો પણ સામેલ હતા, જેમને વહીવટીતંત્ર અગાઉ ડાકુ જાહેર કરી ચૂક્યું હતું અને તેમના પર લાખો રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું, પરંતુ પછી સિંધ સરકારની ‘સરેન્ડર પૉલિસી’ હેઠળ તેમણે આત્મસમર્પણ કર્યું.

શિકારપુરના એસએસપી કલીમ મલિક કહે છે કે સમુદાયો વચ્ચેના વિવાદો પરના નિર્ણયો પણ “શરણાગતિ નીતિ”નો જ એક ભાગ છે, કારણ કે એક વાત સ્પષ્ટ છે કે ઘણા ડાકુઓ જાતીય દુશ્મનીને કારણે ડાકુ બન્યા હતા.

“આ સમુદાયોના સમાધાનથી એક ફાયદો એ થાય છે કે દુશ્મનાવટ સમાપ્ત થાય છે, પછી સરકાર ત્યાં વિકાસનાં કામો કરી શકે છે.”

તેમના મતે વ્યક્તિગત રીતે આવા પ્રયાસો થતા હતા, પરંતુ હવે તે એક નિયમિત સરકારી નીતિ બની ગઈ છે, જેમાં પોલીસ, ન્યાયતંત્ર અને રાજકીય નેતૃત્વ એક જ દિશામાં કામ કરે છે.

“જિરગા પ્રણાલી, અથવા અહીં નિર્ણય લેવાની પ્રણાલી સિંધની સંસ્કૃતિનો એક ભાગ રહી છે. હવે, આનો લાભ લઈને સ્થાનિક સમુદાયના નેતાઓએ લોકોને એકમત કર્યા છે. જો બધા નેતાઓ આ નિર્ણયોના પક્ષમાં હોય તો તે સારી વાત છે. ધારો કે અમુક ગુનેગારો વિરોધ કરી રહ્યા હોય તો તેમના માટે ખૂબ જ કડક નીતિ છે.”

પાકિસ્તાનના પછાત જિલ્લાઓમાં જિરગાની પરંપરા સામાન્ય છે. જિરગા સામાન્ય રીતે પ્રભાવશાળી વડીલો, સમુદાયના નેતાઓ અથવા સ્થાનિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો અનૌપચારિક મંચ છે. અહીં, બંને પક્ષોને સાંભળીને તેમની વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

બંને પક્ષો સામાન્ય રીતે તેમની દલીલો રજૂ કરે છે. પછી વડીલો તેના પર વિચાર કરે છે, ત્યારબાદ દંડ, દિયાત (બ્લડ મની), માફી અથવા ભવિષ્યમાં હુમલા રોકવાની ગૅરંટી જેવા નિર્ણયો લેવામાં આવે છે.

હત્યા કે સમુદાયો વચ્ચેની દુશ્મનાવટ જેવા કેસોમાં આર્થિક દંડ, બ્લડ મની અથવા એકબીજાને ગૅરંટી આપવાના નિર્ણય પણ જિરગામાં થઈ શકે છે.

જિરગા પ્રણાલીના સમર્થકોનું કહેવું છે કે જ્યાં રાજ્યની સંસ્થાઓ નબળી પડતી હોય ત્યાં જિરગા તરત ઉકેલ આપે છે. બીજી બાજુ ટીકાકારોનું માનવું છે કે આ પ્રણાલી અદાલતી વ્યવસ્થાની બહાર કોઈ પણ પ્રકારના કાયદાકીય રક્ષણ અને પારદર્શિતાથી ચાલે છે.

જિરગા પર પ્રતિબંધ અને ‘ખાનગી અદાલતો’ પર પ્રશ્ન

વકીલ શબ્બીર શાહે જિરગા પ્રણાલી પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે

સિંધ હાઇકોર્ટની સક્ખર બેન્ચે 10 વર્ષ પહેલાં જિરગાના આયોજન પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેને ‘ખાનગી અદાલત’ જાહેર કરી હતી.

આ નિર્ણયમાં અરજદાર વકીલ શબ્બીર શાહ જણાવે છે કે તેમની અરજીમાં તેમણે સિંધમાં જિરગા પ્રણાલીને ગેરકાયદેસર, ગેરબંધારણીય અને કાયદાની વિરુદ્ધ જાહેર કરવાની માંગણી કરી હતી.

તેમના મતે જ્યારે બંધારણમાં ખાનગી અદાલતોને કોઈ સ્થાન નથી, તો આ ‘અદાલતો’ કેમ કાર્યરત છે? આ પ્રકારનાં મંચો હત્યાના કેસોનો નિર્ણય કેવી રીતે લઈ શકે?

“અદાલતે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે જ્યાં પણ જિરગા અથવા ખાનગી અદાલત યોજાશે ત્યાં પોલીસ એફઆઈઆર નોંધશે અને પોતે વાદી બનશે.”

તેમણે જણાવ્યું કે તાજેતરમાં જે જિરગા યોજાઈ તે “અદાલતની અવગણના” છે, પરંતુ “કેસ ત્યારે જ નોંધાય જ્યારે કોઈ અસરગ્રસ્ત પક્ષ અથવા સ્વયંસેવક કોર્ટને જાણ કરે કે અહીં જિરગા થઈ છે.”

તેમણે જણાવ્યું કે આ મુદ્દે તંત્ર અને પોલીસ પોતે પ્રૉક્સી તરીકે કામ કરી રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે જિરગા અને આવી “પંચાયત વ્યવસ્થા” પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને આપેલાં વચનો અને પ્રતિબદ્ધતાઓની વિરુદ્ધ છે.

અદાલતે એવો પણ આદેશ આપ્યો હતો કે કાયદો અમલમાં મૂક્તી સંસ્થાઓ સતર્ક રહે અને જો કોઈ જિરગાની ફરિયાદ નોંધાઈ ન હોય, તો તેઓ પોતે જ એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરે.

આ મુદ્દે સરદાર ગૌસ બખ્શ મહેરનું કહેવું છે કે જિરગા બંને પક્ષોની ઇચ્છાથી થાય છે અને સહમતિ હોય ત્યારે જ નિર્ણય લેવાય છે.

જોકે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હત્યા જેવા કેસોનો નિર્ણય જિરગા કેવી રીતે લઈ શકે, ત્યારે તેમણે કહ્યું, “લોકો એકબીજાને માફ કરી દે છે. પરંતુ હું પોતે ઇચ્છું છું કે આવા કેસો અદાલતમાં જાય અને સજા થાય, તો જ સ્થાયી શાંતિ થઈ શકે.”

એ નોંધવું જોઈએ કે સક્ખરના સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ ત્રણ દિવસીય મોટી જિરગામાં પોલીસ અને વહીવટીતંત્રે પણ સમુદાયના નેતાઓને મદદ કરી હતી. જુનેજો અને કલ્હોડા સમુદાયો વચ્ચે 10 વર્ષ પહેલાં પણ જિરગા દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું, પરંતુ તે લાંબું ટક્યું નહોતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS