Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Pradeep Gaur/Mint via Getty Images
જાણીતા ફોટોગ્રાફર રઘુ રાય નથી રહ્યા. શનિવારે 83 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.
ફોટોગ્રાફીની દુનિયામાં રઘુ રાયે પોતાનું કામ એટલી કુશળતાથી કર્યું કે તેમને આ દુનિયાના પ્રભાવશાળી વ્યક્તિત્વ માનવામાં આવે છે.
ફોટોગ્રાફીની દુનિયામાં તેમનો પ્રભાવ એવો રહ્યો કે વધતી ઉંમરે પણ તેઓ કોઈ યુવા વ્યાવસાયિક કરતાં વધુ વ્યસ્ત રહ્યા.
દુનિયાભરનાં સમાચાર સામયિકો તરફથી ફોટા પાડવાની વિનંતીઓ વચ્ચે પોતાના અંતિમ દિવસોમાં પણ તેઓ ફોટોગ્રાફીના ઇતિહાસને સંચયિત કરવામાં વ્યસ્ત રહ્યા હતા.
થોડાં વર્ષ પહેલાં થયેલી એક વાતચીતમાં રઘુ રાયે પોતાના જીવનની તસવીર ઉજાગર કરી હતી.
વાતચીત દરમિયાન તેઓ જાણે પોતાના જીવનના કૅમેરાની રીલને ભૂતકાળમાં લઈ ગયા.
તેમણે જણાવ્યું, “અમારા સમયમાં લોકો બાળપણમાં ક્યાં કશું નક્કી કરી શકતા હતા. ઘરનું વાતાવરણ કંઈક એવું હતું કે ભણતો હતો અને આડોશ-પાડોશનાં બાળકોની સાથે રમતો હતો. સાંજ પડ્યા પછી ઘરથી બહાર રહેવાની મંજૂરી નહોતી.”
પિતાને યાદ કરતાં એક ક્ષણ માટે તેઓ અટક્યા અને પછી બોલ્યા, “પિતાજીની શિસ્ત એવી હતી કે તેઓ જે ઇચ્છે, એ જ હું કરતો. ત્યારે એવું જ ચલણ હતું.”
“તેઓ ઇચ્છતા હતા કે હું ઍન્જિનિયર બનું. એટલે 22 વર્ષની ઉંમરે હું સિવિલ ઍન્જિનિયરનો અભ્યાસ પૂરો કરી ચૂક્યો હતો.”
“ત્યાર પછી ફિરોઝપુરની જાટ રેજિમેન્ટમાં ડ્રૉઇંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે એક વર્ષ સુધી કામ પણ કર્યું, પરંતુ કામમાં મન નહોતું લાગતું. પરંતુ કોઈ બીજા કામમાં પણ રસ નહોતો જાગતો.”
પહેલી જ તસવીર ‘લંડન ટાઇમ્સ’માં અડધા પાનામાં છપાઈ
ઇમેજ સ્રોત, Pradeep Gaur/Mint via Getty Images
જોકે, ત્યાં સુધીમાં રઘુ રાયના મોટાભાઈ એસ પૉલ ફોટોગ્રાફીની દુનિયામાં સ્થપાઈ ચૂક્યા હતા. સંયોગથી 1966માં રઘુ તેમની પાસે દિલ્હી આવ્યા.
તેઓ ત્યારે ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’માં ચીફ ફોટોગ્રાફર હતા. સંયોગ કંઈક એવો થયો કે તેમના એક સાથી પોતાના ગામ જતા હતા.
રઘુ રાયે ભાઈ પાસે જીદ કરી કે તેમને તેમની સાથે જવા દેવામાં આવે. રઘુ રાયે ભાઈની મંજૂરી તો મેળવી લીધી, તેમનો કૅમેરા પણ લઈ લીધો, વિચાર્યું કે ગામમાં થોડીક તસવીરો પાડી લેશે.
રઘુ રાયે તે દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું, “એવું બન્યું કે રસ્તામાં એક ગધેડો દેખાયો. મેં તેની તસવીર લેવાનું વિચાર્યું. પરંતુ તે ભાગવા લાગ્યો.”
“હું એની પાછળ દોડવા લાગ્યો. આ રમત ત્યાં સુધી ચાલી, જ્યાં સુધી ગધેડો થાકીને અટકી ન ગયો.”
“છેક ત્યારે મેં તેની તસવીર ખેંચી લીધી. પછીથી મોટાભાઈસાહેબે તે જોઈ અને તેની પ્રિન્ટ તૈયાર કરીને તેને વિદેશનાં કેટલાંક અખબારો માટે મોકલી દીધી.”
આ તસવીરે તેમની જિંદગીમાં ચમત્કાર કર્યો. પહેલી જ તસવીર ‘લંડન ટાઇમ્સ’માં અડધા પાનામાં છપાઈ ગઈ.
ત્યારે તેમને તેના એટલા પૈસા મળ્યા કે આખા મહિનાના પગાર જેટલા થઈ ગયા.
રઘુને લાગ્યું કે તેઓ પણ આ કરી શકે છે. બસ આ જ વિશ્વાસે તેમને કૅમેરાની પાછળ લાવીને ઊભા કરી દીધા.
તે સમયને યાદ કરતાં તેમણે બીબીસીને કહેલું, “તમે આને સંજોગ, નસીબ કે પછી જે ઇચ્છો તે કહો, ભાઈસાહેબ ફોટોગ્રાફર ન હોત તો મારી પહેલી તસવીર ‘લંડન ટાઇમ્સ’માં ન છપાઈ હોત. તો કદાચ હું ક્યારેય ફોટોગ્રાફર ન બન્યો હોત.”
‘ધ સ્ટેટ્સમૅન’ની રઘુ રાયના જીવન પર અસર
ઇમેજ સ્રોત, Waseem Gashroo/Hindustan Times via Getty Images
રઘુ રાયે સ્વીકાર્યું હતું કે તેમને નોકરી મળવામાં કોઈ મુશ્કેલી નહોતી પડી. ભાઈસાહેબ તો હતા જ, અને પહેલી તસવીર ‘લંડન ટાઇમ્સ’માં છપાયા પછીથી જ તેમનો ફોટોગ્રાફી માટેનો જુસ્સો વધી ગયો.
તેમણે જણાવ્યું હતું, “ભાઈસાહેબનો મોભો હતો, તેમની ઓળખાણના કારણે જ મને ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં નોકરી પણ મળી. તેમણે મને પહેલો કૅમેરા ખરીદી આપ્યો.”
“શરૂઆતનાં વરસોમાં તેમની સાથે જ રહ્યો. જો ભાઈસાહેબ ન હોત, તો જે રઘુ રાયને દુનિયા ઓળખે છે તે રઘુ રાય ન બની શકત.”
રઘુ રાય પોતાના મોટાભાઈનું સ્કૂટર લઈને દિલ્હીની સડકો પર નીકળી જતા. કલાકો જ્યાં ત્યાં ફરતા રહેતા અને ફોટાના પ્રસંગો શોધતા.
રઘુ રાયને 1966માં ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં નોકરી મળી ગઈ. પરંતુ ત્યાં તેઓ વધુ દિવસ સુધી ટક્યા નહીં, કેમ કે ત્યારે ‘ધ સ્ટેટ્સમૅન’ની ઘણી પ્રતિષ્ઠા હતી. 1967માં તેઓ ત્યાં પહોંચી ગયા.
પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસો વિશે તેમણે જણાવ્યું હતું, “ફોટોગ્રાફીના મારા શરૂઆતના દિવસોમાં એક બાજુ તો પૉલસાહેબ હતા, તો બીજી બાજુ કિશોર પારીખ જેવા જીનિયસ પણ હતા, જેમની સાથે મેં ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં મારી કરિયરની શરૂઆત કરી હતી.”
“બે જીનિયસની વચ્ચે દબાઈ જવાનું જોખમ હતું, સૅન્ડવિચ બની જવાનો ડર પણ હતો, પરંતુ મારી બંને બાજુ એટલા જાલિમ લોકો હતા કે તેમની સામે હંમેશા વધુ સારું કરતા રહેવાની પ્રેરણા મળતી હતી.”
રઘુ રાય પોતાના જીવનમાં ‘સ્ટેટ્સમૅન’ની ભૂમિકાને મહત્ત્વ આપતા રહ્યા.
તેમના અનુસાર, “સાચું કહું તો, આ જ અખબારે મને નામી ફોટોગ્રાફર બનાવ્યો. ત્યાં એક સમાચાર સંપાદક હતા – આરએન શર્મા. પરંપરાગત પત્રકાર હતા, પરંતુ માણસ ઘણા ભલા હતા.”
“તેઓ મારી તસવીરોને ધ્યાનથી વાંચતા હતા. તસવીરોને જોઈ તો બધા લે છે, પરંતુ તેને વાંચવી એ બધાના ગજાની વાત નથી હોતી.”
સંજોગ એવા હતા કે તેઓ મારી તસવીરોને વાંચીને અપેક્ષા કરતાં વધુ જગ્યા આપવા લાગ્યા હતા. તેનાથી મારો ભરોસો મજબૂત થતો ગયો.
મહેનત પણ વધી ગઈ. પરંતુ હું તસવીરોને વધુમાં વધુ શ્રેષ્ઠ બનાવવાની કોશિશ ચોક્કસ કરતો.
તેઓ કહેતા, “બે કૉલમનો ફોટો બનાવજો, પરંતુ હું ફોટો બનાવતો ચાર કૉલમનો. તસવીરને જોયા પછી તેઓ તેની જગ્યા કરી જ લેતા. એટલે, મારા બનવામાં તેમનો મોટો ફાળો રહ્યો.”
આ અખબારમાં તેમના કામે એવી સનસનાટી મચાવી કે ચાર વર્ષમાં જ વર્લ્ડ ફોટોગ્રાફીના લીજેન્ડ હેનરી કાર્ટિયર બ્રેસ્સનની નજરમાં આવી ગયા.
પૅરિસમાં એક પ્રદર્શનમાં તેમની તસવીર જોઈને હેનરીએ તેમને મૅગ્નમ ફોટોઝ સાથે સાંકળી લીધા.
દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત પત્રકારોના કોઑપરેટિવ જૂથ સાથે જોડાનાર ભારતના પહેલા ફોટોગ્રાફર બન્યા અને અંતિમ સમય સુધી સૌથી સેલિબ્રેટેડ ફોટોગ્રાફર પણ રહ્યા.
પરંતુ ‘ધ સ્ટેટ્સમૅન’માં કામ કરતા હતા તે સમયની એક ઘટનાનો ઉલ્લેખ કરવાનું તેઓ ન ભૂલ્યા, “વાત જેપી આંદોલનના સમયની છે. બિહારમાં આંદોલન પૂરજોશમાં હતું. હું જેપીની સાથે બિહાર ફરી રહ્યો હતો.”
આંદોલન દરમિયાન તેમના પર લાઠીચાર્જ થયો હતો, પરંતુ તત્કાલીન ગૃહમંત્રીએ તેનું ખંડન કરી દીધું.
બીજા જ દિવસે ‘સ્ટેટ્સમૅન’ના પહેલા પાના પર લાઠીચાર્જની તસવીર જોઈને ગૃહમંત્રીએ સંસદમાં માફી માગવી પડી.”
મધર ટેરેસા અને ઇંદિરા ગાંધી સાથે નિકટતા
ઇમેજ સ્રોત, Sipra Das/The The India Today Group via Getty Images
ફોટોગ્રાફર નદી, તળાવ, પર્વત જેવી વસ્તુઓને કૅમેરામાં કેદ કરવાનું પસંદ કરે છે, પરંતુ રઘુ રાયની તસવીરોના વિષય હંમેશાં સામાન્ય માણસો અને તેમના હાવભાવ તથા શહેરોની રોનક અને શેરીઓની ધાંધલધમાલ વગેરે રહ્યાં; આ પસંદગીનું કોઈ કારણ?
આ સવાલ સાંભળતાં જ તેમની આંખોમાં એક ચમક આવી. તરત બોલ્યા, “જુઓ, મારો ઉછેર એ સમાજમાં થયો જ્યાં સામાન્ય માણસોની કદર કરતાં શીખવવામાં આવ્યું. સામાન્ય માણસોની લાગણીઓ સાથે આપણે રોજ વ્યવહાર કરવો પડે છે.”
“તેમ માનો કે ન માનો, એ સામાન્ય લોકો જ છે, જેમની સ્થિતિ આઝાદીનાં આટલાં વરસો પછી પણ એવી ને એવી જ છે. એવા લોકો મને આકર્ષતા રહ્યા છે.”
તેમણે કહ્યું, “ભારતના સામાન્ય લોકો, તેમની રહેણીકરણી અને જીવનશૈલીની આખી દુનિયામાં ચર્ચા થાય છે, હું પણ તેને માનથી જોઉં છું. ઘણી વાર પ્રયાસ કરું છું કે મારી છબિઓ દ્વારા સત્તામાં બેઠેલા લોકોનું ધ્યાન સામાન્યજનોની સમસ્યાઓ પર જાય.”
“જોકે, સાચું એ છે કે હું સામાન્ય લોકોની તસવીર પાડીને ખૂબ વધારે શાંતિ પામું છું.”
ઘણી વાર તેમની તસવીરોની સિરીઝને જોતાં એવું લાગે છે જાણે તેઓ માત્ર ફોટોગ્રાફર નહોતા, બલકે છેલ્લાં સાઠ વરસોના ઇતિહાસને વિઝ્યુઅલી મેમરી તરીકે ડૉક્યુમેન્ટ કરનાર કસ્ટોડિયન પણ રહ્યા.
ઇંદિરા ગાંધી અને મધર ટેરેસા સાથેની પોતાની નિકટતા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું, “આ વ્યક્તિત્વો સાથેનું નૈકટ્ય કામના સંદર્ભમાં વધ્યું. જ્યારે હું ‘સ્ટેટ્સમૅન’માં કામ કરતો હતો, ત્યારે ઇંદિરા ગાંધી દેશનાં વડાં પ્રધાન હતાં.”
“સાચું કહું તો, મેં તેમના જેવું રાજકીય વ્યક્તિત્વ બીજું નથી જોયું. તેમના ટીકાકારો ભલે ગમે તે કહે, પરંતુ તેઓ એક કમિટેડ નેતા હતાં.”
રઘુ રાય અનુસાર, ‘ઇંદિરા ગાંધીની ખાસ વાત એ પણ હતી કે તેઓ કલા અને સંસ્કૃતિને ખૂબ વધારે મહત્ત્વ આપતાં હતાં.”
“તેઓ જાણતાં હતાં કે ફોટોગ્રાફર કયા ઍંગલથી તેમની તસવીર પાડી રહ્યા છે. એક વડા પ્રધાન તરીકે પણ દેશને તેમના જેવા બીજા વહીવટી નેતા નથી મળી શક્યા.’
ઇંદિરા ગાંધીની બાબતમાં તેમણે કહેલું, “કટોકટીકાળની જ્યારે તેમણે ઘોષણા કરી હતી, ત્યારે અમે લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. તેઓ ચૂંટણી હારી ગયાં, જેલ ગયાં, પરંતુ તેમની હિંમત જુઓ કે કઈ રીતે તેમણે શાનદાર પુનરાગમન કર્યું.”
“જ્યારે તેમની હત્યા કરવામાં આવી, ત્યારે મને ઘણા દિવસો સુધી વિશ્વાસ ન બેઠો કે તેમની હત્યા કરી શકાય છે, પરંતુ એ હકીકત હતી. ત્યારે અમે તેમના પર ‘ઇન્ડિયા ટુડે’નો કલેક્ટર અંક બહાર પાડ્યો હતો.”
જ્યારે મધર ટેરેસા વિશે તેમણે કહેલું, “જ્યાં સુધી મધર ટેરેસાની વાત છે, તેઓ બિલકુલ મા જેવાં હતાં. તેઓ પોતાના પ્રેમથી કોઈનું પણ દિલ જીતી શકતાં હતાં, પોતાના દેશથી દૂર આવીને તેમણે અહીંના ગરીબ નિરાધાર લોકો માટે જે કંઈ પણ કર્યું તેનું બીજું ઉદાહરણ પછી ક્યારેય નહીં મળે.”
“તેઓ સૌને ખૂબ જ પ્રેમથી મળતાં હતાં અને તેમને મળીને હરકોઈ નવી ઊર્જાથી ભરાઈ જતા હતા.”
તદ્ઉપરાંત, દલાઈ લામ હોય કે પછી બિસ્મિલ્લાહ ખાન હોય કે પછી હરિપ્રસાદ ચૌરસિયા – આ બધાંનાં કામને રઘુ રાયે જે અંદાજમાં કેદ કર્યું તે અનન્ય છે.
દસ વર્ષ સુધી ‘સ્ટેટ્સમૅન’માં કામ કર્યા પછી તેઓ ‘ઇન્ડિયા ટુડે’ મૅગેઝીનના ફોટો એડિટર બન્યા. આ મૅગેઝીનના ઘણા અંકોને તેમની ફોટોગ્રાફીના કારણે પણ યાદ કરવામાં આવે છે.
કોલકાતાની સડકો પર વરસાદમાં રિક્શા ખેંચનાર અજાણ્યા વ્યક્તિની તસવીર હોય કે પછી બનારસના ઘાટ પર વિધવા મહિલાની તસવીર – આ બધાની વચ્ચે 1984માં ભોપાલ ગૅસકાંડ દરમિયાન પાડવામાં આવેલી એક તસવીરે આખી દુર્ઘટનાને દુનિયા સામે મૂકી દીધી હતી.
એક પિતા દ્વારા પોતાના બાળકને દફનાવવાની એ તસવીરનું ઉદાહરણ આજે પણ ન્યૂઝ ફોટોગ્રાફીની દુનિયામાં આપવામાં આવે છે.
આ એક તસવીરે દુનિયાભરમાં ઇન્ડસ્ટ્રિયલ જોખમો વિષયક ચર્ચા શરૂ કરાવી દીધી હતી.
પછીનાં વરસોમાં પણ રઘુ રાય ભોપાલ જતા રહ્યા અને આ દુર્ઘટનાનો શિકાર બનેલા પરિવારોની કહાણીઓ તસ્વીરોમાં ટાંકતા રહ્યા.
ફિલ્મો અને ક્રિકેટથી રઘુ રાયેલ અંતર કેમ જાળવ્યું?
ઇમેજ સ્રોત, Dickson Lee/South China Morning Post via Getty Images
એક સમય એવો પણ હતો કે રઘુ રાય ભારતીય મીડિયાના સેલિબ્રિટી ફોટોગ્રાફર સંપાદક હતા, પરંતુ તેઓ હંમેશાં ફિલ્મો અને ક્રિકેટથી અંતર જાળવતા જોવા મળ્યા. કહેવું જોઈએ કે, મીડિયાનું કામ આ બંને ટૉપિક વિના અધૂરું છે, તેમ છતાં.
આ બંનેની અસર વિશે તેમણે કહેલું, “જુઓ, એવું નથી કે મને ફિલ્મો નથી ગમતી, પરંતુ મને એ માધ્યમમાં કામ કરવાનાં રસ–રુચિ ક્યારેય નથી થયાં.”
“હકીકતમાં, માયાનગરીનો ભભકો, ચમકદમક મને પ્રભાવિત નથી કરી શક્યાં અથવા એમ કહો કે એ ચમકદમકથી દૂર જ રહેવા માગતો હતો.”
“અને જ્યાં સુધી ક્રિકેટની વાત છે, તો હું તમને જણાવી દઉં કે એક રમત તરીકે તે પણ મને ગમે છે અને ક્રિકેટર તરીકે મંસૂર અલી ખાં પટૌડી અને કપિલ દેવ મને ખૂબ ગમે છે, પરંતુ સાચી મુશ્કેલી એ છે કે તે માત્ર રમત નથી રહી.”
“તેમાં એટલા પૈસા આવી ગયા છે કે રમતનો રોમાંચ ક્યાંક પાછળ રહી ગયો છે.”
ઇમેજ સ્રોત, Raghu Rai/The The India Today Group via Getty Images
ક્રિકેટના કૉર્પોરેટરાઇઝેશન માટે તેમને દુઃખ હતું, તેઓ બોલ્યા, “તે હવે કૉર્પોરેટ બિઝનેસમાં ફેરવાઈ ગઈ છે. આપણા ખેલાડીઓનું ધ્યાન પણ રમત કરતાં વધારે તો પૈસા બનાવવા પર જતું ગયું.”
“આ એક રમતના ચક્કરમાં અન્ય રમતોની કેવી હાલત થઈ ગઈ તે કોઈથી અજાણ્યું નથી.”
“ઘણી વાર તો લાગે છે કે ક્રિકેટ રમત ઓછી, રાષ્ટ્રવ્યાપી ભ્રષ્ટાચાર વધારે બનતી જાય છે.”
રઘુ રાયની ખ્યાતિ આખી દુનિયામાં હતી. જ્યારે તેમને પૂછ્યું કે તેઓ જે ઊંચાઈએ છે, ત્યાં દુનિયાભરમાંથી કામ કરવાની ઑફર આવી હશે, તોપણ તમારું સ્થાનક ભારત જ કેમ બનાવી રાખ્યું?
રઘુ રાયના જવાબમાં એક સંતોષ અને અનુભવ જોવા મળતા હતા. તેઓ બોલ્યા, “જુઓ, ભારત કરતાં વધારે સારો એક પણ દેશ નથી, ન જ હોઈ શકે. દેશની માટીની સુગંધમાં કામ કરવાની મજા દુનિયામાં ક્યાંય ન મળી શકે.”
“ભારતમાં એટલું વૈવિધ્ય છે કે અહીં કામ કરવામાં ઘણાં જીવન વિતાવી શકાય છે. આખું ભારત તો રહેવા દો, એકલા દિલ્હીમાં એટલું કામ કરવાનું બાકી છે કે મારે ઘણા જનમ લેવા પડે.”
“તાજેતરમાં દિલ્હી પરનું મારું એક પુસ્તક પૂરું કરતો હતો ત્યારે આ વિશ્વાસ વધારે મજબૂત થતો ગયો.”
પરંતુ, લગભગ 30 વર્ષ પહેલાં તેમણે ભારતમાં ન્યૂઝ ફોટોગ્રાફીની દુનિયાને અલવિદા કહી દીધું હતું, પરંતુ તેમનું કામ સતત ‘ટાઇમ’, ‘લાઇફ’, ‘જીઇઓ’, ‘ન્યૂઝવીક’ અને ‘ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ જેવાં મહત્ત્વપૂર્ણ મૅગેઝીનોમાં જોવા મળતું રહ્યું.
તેમણે એક-બે નહીં, પરંતુ ફોટોગ્રાફી પર 50 કરતાં વધારે પુસ્તકો પણ તૈયાર કર્યાં, જે એક રીતે બદલાતા ભારતની કહાનીની તસવીરો છે.
રઘુ રાય ફોટોગ્રાફર ન હોત, તો શું હોત?
આ સવાલનો જવાબ તો તેમની પાસે તૈયાર હતો, “આના માટે મારે એટલો બધો વિચાર નથી કરવો પડતો. જુઓ, મને ફોટોગ્રાફી સાથે જેટલો પ્રેમ છે, એટલો જ લગાવ મને બાગકામ માટે છે.”
“જો હું ફોટોગ્રાફર ન હોત, તો ચોક્કસ માળી હોત.”
તેઓ બોલ્યા, “હું ફોટોગ્રાફર હોવા છતાં પણ શનિવાર-રવિવારે કોઈ કામ નથી કરતો. મારા ફાર્મ હાઉસ પર દિવસ પસાર કરું છું.”
“મેં મારા ફાર્મ હાઉસ પર દરેક પ્રકારના ફૂલછોડ વાવ્યા છે. આખી દુનિયાભરમાંથી ભેગા કરતો રહ્યો છું. તેમાં પણ ખૂબ મજા આવે છે અને લાગે છે કે પ્રકૃતિના છાંયામાં છું.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



