Home તાજા સમાચાર gujrati મુંબઈમાં થયેલો એ પ્રચંડ વિસ્ફોટ, જેમાં 700થી વધુનાં મોત થયાં, ‘સોનાનો વરસાદ’...

મુંબઈમાં થયેલો એ પ્રચંડ વિસ્ફોટ, જેમાં 700થી વધુનાં મોત થયાં, ‘સોનાનો વરસાદ’ થયો

1
0

Source : BBC NEWS

ગોદી વિસ્ફોટ,ગોદી વિસ્ફોટ શું છે

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, હર્ષલ આકુડે
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 6 મે 2024

આપણે બધા જાણીએ છીએ કે અમેરિકાએ 1945માં જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા પછી બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો.

હિરોશિમા અને નાગાસાકીમાં થયેલા બૉમ્બ ધડાકાને ઇતિહાસમાંના સૌથી શક્તિશાળી વિસ્ફોટ ગણવામાં આવે છે, પરંતુ અમેરિકાએ તે બે બૉમ્બ જાપાન પર ફેંક્યા ન હતા ત્યાં સુધી એ સમયનો સૌથી શક્તિશાળી વિસ્ફોટ ક્યો હતો?

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એપ્રિલ, 1944માં મુંબઈના વિક્ટોરિયા ડૉકમાં એસ.એસ. ફોર્ટ સ્ટાઈકિન જહાજમાં થયેલા વિસ્ફોટને એ પૈકીનો એક કહી શકાય.

સમય જતાં ઘણા લોકો એ ઘટનાને ભૂલી ગયા છે. રસપ્રદ વાત એ છે કે બહુ ઓછા પ્રત્યક્ષદર્શીઓની હાજરીમાં બનેલી એ ઘટનાની તીવ્રતાને હજુ પણ લેખો પરથી સમજી શકાય છે.

બૉમ્બે ડૉકમાં ફોર્ટ સ્ટાઇકિન નામના જહાજમાં 1944ની 15 એપ્રિલે બે ભયાનક વિસ્ફોટ થયા હતા. તેમાં 700થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. જોકે, સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી.

એ વિસ્ફોટના આંચકા છેક પૂણે સુધી અનુભવાયા હતા. મુંબઈમાં ઘણી ઇમારતો ધરાશયી થઈ ગઈ હતી. ટ્રામ અને ટ્રેન સેવા બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.

એટલું જ નહીં, વિક્ટોરિયા ડોકના વિસ્ફોટને લીધે થયેલા નુકસાનની સુધારણા માટે અને બંદરને ફરી ઊભું કરવા માટે મજૂરોએ છ મહિના સુધી સખત મહેનત કરવી પડી હતી.

તે વિસ્ફોટમાં મુંબઈના અગ્નિશામક દળના 66 જવાનો શહીદ થયા હતા. તેમની સ્મૃતિમાં દેશમાં 14થી 21 એપ્રિલ સુધી ફાયર શહીદ સપ્તાહ મનાવવામાં આવે છે.

આવો, આ ફોર્ટ સ્ટાઇકિન જહાજની સંપૂર્ણ કથા જાણીએ.

બ્રિટિશ માલવાહક જહાજ એસ.એસ. ફોર્ટ સ્ટાઈકિન

ગોદીમાં વિસ્ફોટ

ઇમેજ સ્રોત, MANOVIKAS PRAKASHAN

એ બીજા વિશ્વયુદ્ધનો સમય હતો. ફોર્ટ સ્ટાઈકિન જહાજ ફેબ્રુઆરી, 1944માં ઇંગ્લૅન્ડના લિવરપૂલના બર્કનહેડ બંદરથી ભારત આવવા રવાના થયું હતું.

બ્રિટિશ સરકારની માલિકીનું એ જહાજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને યુદ્ધસામગ્રી પહોંચાડવા માટે તહેનાત કરવામાં આવ્યું હતું. એ જહાજ બર્કનહેડથી કરાચી થઈને મુંબઈમાં પ્રવેશવાનું હતું.

મુંબઈના ઇતિહાસના વિદ્વાન અને સંશોધક નીતિન સાળુંખે લિખિત પુસ્તક ‘અજ્ઞાત મુંબઈ’માં ફોર્ટ સ્ટાઈકિન જહાજમાં ગોદી પર થયેલા વિસ્ફોટનું વિગતવાર વર્ણન છે.

નીતિન સાળુંખે લખે છે, “ફોર્ટ સ્ટાઈકિન 424 ફૂટ લાંબુ, 7124 ટન વજનનું વિશાળ જહાજ હતું. તેમાં યુદ્ધ વિમાનો, જહાજોના સ્પેરપાર્ટ્સ, વિવિધ ક્ષમતાના બૉમ્બ, બંદુકની ગોળીઓ, હથિયાર, જમીન તથા પાણીની સુરંગો, સલ્ફર અને અત્યંત વિનાશક ક્ષમતા ધરાવતા લગભગ 1,400 ટન દારૂગોળો ભર્યો હતો.”

દારૂગોળા ઉપરાંત 10 લાખ પાઉન્ડની કિંમતની આશરે 382 કિલો અસલી સોનાની લગડીઓ પણ જહાજ પર લોડ કરવામાં આવી હતી. એ સોનું બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડમાંથી ભારતીય રિઝર્વ બૅન્કમાં જમા કરાવવા માટે મોકલવામાં આવ્યું હતું. જહાજમાં 12 કિલો, 700 ગ્રામ વજનની સોનાની ઈંટો ભરેલી લાકડાની કુલ 30 પેટીઓ જહાજમાં રાખવામાં આવી હતી.

લાકડાની પેટીઓને સલામતીના કારણોસર સ્ટીલનાં બૉક્સમાં મૂકવામાં આવી હતી અને તેને વેલ્ડિંગ વડે સીલ કરવામાં આવી હતી. દારૂગોળો રાખવામાં આવ્યો હતો એ જ જગ્યાએ આ પેટીઓ પણ રાખવામાં આવી હતી.

45 વર્ષના કૅપ્ટન ઍલેકઝૅન્ડર નાયસ્મિથ જહાજના સામાન વિભાગના વડા હતા. જહાજમાં જોખમી કાર્ગો હોવાને લીધે તેઓ ચિંતિત હતા.

તદુપરાંત યુદ્ધ પણ ચાલી રહ્યું હતું. તેથી તેમને ચિંતા હતી કે સમગ્ર મુસાફરી દરમિયાન દુશ્મન દેશો જહાજ પર હુમલો કરશે તો શું થશે.

આ જોખમને ધ્યાનમાં રાખીને જહાજમાં ક્રૂ મેમ્બર્સ પર ધૂમ્રપાન અને મદ્યપાન કરવા પર પ્રતિબંધ હતો.

કરાચી બંદર પર અરાજકતા

આ જહાજ 1944ની 24 ફેબ્રુઆરીએ લિવરપૂલથી નીકળ્યું હતું અને 30 માર્ચે કરાચી પહોંચ્યું હતું. કરાચી બંદર પર ફાઇટર પ્લેન, જહાજોના સ્પેરપાર્ટ્સ અને અન્ય નાની વસ્તુઓ જહાજમાંથી ઉતારવામાં આવી હતી.

હકીકતમાં જહાજ ઇંગ્લૅન્ડથી એટલી ઉતાવળે નીકળ્યું હતું કે તેમાં જરૂરી સમારકામ કરવાનો સમય મળ્યો ન હતો. તેથી ચીફ ઍન્જિનિયર ઍલેક્સે કરાચીમાં જહાજની દુરસ્તીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ માટે પરવાનગી મળી ન હતી.

જહાજમાંનું સોનું અને દારુગોળો શક્ય તેટલો વહેલો મુંબઈ પહોંચાડવાનો હતો. સમારકામની મંજૂરી આપવામાં આવશે તો જહાજને મુંબઈ પહોંચવામાં વિલંબ થાય તેમ હતું. તેથી સત્તાધીશોએ જહાજમાં સમારકામની મંજૂરી આપી ન હતી.

જોકે, 30 માર્ચે કરાચી પહોંચેલું જહાજ એ પછીના 10 દિવસ સુધી ત્યાં જ રહ્યું હતું. તેનું કારણ હતું, જહાજમાંથી સામાન ઉતાર્યા પછી ખાલી થયેલી જગ્યા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જહાજોની સંખ્યા મર્યાદિત હતી. દરેક જહાજમાં ઠાંસી ઠાંસીને સામાન ભરવામાં આવતો હતો. તેથી સામાન મોકલવાનું આસાન ન હતું.

તેથી કરાચી બંદરના સત્તાવાળાઓ ફોર્ટ સ્ટાઈકિનમાં ખાલી થયેલી જગ્યામાં સામાન ભરીને મુંબઈ મોકલવાની લાલચ ખાળી શક્યા ન હતા. તેમણે સામાન ભરવા માટે જહાજને કરાચીમાં આટલા લાંબા સમય સુધી રોકી રાખ્યું હતું.

કરાચીથી પણ જહાજમાં સામાન લઈ જવો પડશે, એવી માહિતી ઇંગ્લૅન્ડ છોડતી વખતે નાયસ્મિથને આપવામાં આવી ન હતી. તેથી તેઓ ખૂબ ગુસ્સે થયા હતા, પરંતુ સત્તાવાળાઓની મરજી સામે કોઈનું કશું ચાલતું નથી. યુદ્ધ ચાલતું હોવાથી જહાજમાં એક ફૂટ ખાલી જગ્યા પણ રાખવા નહીં, તેવો આદેશ ઉપરથી આપવામાં આવ્યો હોવાનું રટણ સત્તાવાળાઓએ ચાલુ રાખ્યું હતું.

છેવટે, નાયસ્મિથના વિરોધ છતાં કપાસની 87,000 બોરીઓ, 300 ટનથી વધુ કાચું સલ્ફર, 10,000 ટનથી વધુ ઇમારતી લાકડાં, રેઝિન, 100 પીપડાં ભરીને ક્રૂડ ઑઇલ, વિવિધ ધાતુનો ભંગાર, ચોખાની બોરીઓ અને માછલીનું ખાતર વગેરે જહાજની ખાલી જગ્યામાં લોડ કરવામાં આવ્યું હતું. કપાસની બોરીઓ વિસ્ફોટકો ધરાવતા વિભાગમાં રાખવામાં આવી હતી.

જહાજમાં પહેલેથી જ જંગી પ્રમાણમાં દારૂગોળો ભરેલો હતો. તેમાં કપાસ, તેલ, રેઝિન અને લાકડા જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થો પણ ભરવામાં આવ્યા હતા. નાયસ્મિથે વિરોધ કર્યો હતો, પરંતુ તે નિર્રથક સાબિત થયો હતો.

મુંબઈ બંદરે અંધાધૂંધી

1944માં મુંબઈના વિક્ટોરિયા ડોકમાં એસ.એસ. ફોર્ટ સ્ટાયકિન જહાજમાં થયેલ વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Getty Images

ફોર્ટ સ્ટાઈકિન 9, એપ્રિલે કરાચીથી રવાના થયું હતું અને 12 એપ્રિલે વહેલી સવારે મુંબઈ બંદરમાં પ્રવેશ્યું હતું. કરાચી બંદરની માફક મુંબઈમાં પણ ફોર્ટ સ્ટાયકિન જહાજ બાબતે મોટી મૂંઝવણ થઈ હતી.

દારૂગોળો અને વિસ્ફોટકો સાથેનું જહાજ બંદર પર પહોંચે છે ત્યારે લાલ રંગનો ધ્વજ ફરકાવવો પડે છે. તે જોવા મળે એ પછી તેમાંથી સામાન ઉતારવાને અગ્રતા આપવામાં આવે છે, પરંતુ ફોર્ટ સ્ટાઈકિન પર આવો લાલ ઝંડો દેખાતો ન હતો.

તેથી જહાજને લાંગરવામાં લાંબો સમય થયો હતો. વિક્ટોરિયા બંદરની બર્થ ક્રમાંક એક પર લાંગરવામાં આવેલા જહાજમાંથી સામાન ઉતારવામાં પણ ભારે વિલંબ થયો હતો.

અધિકારીઓએ શરૂઆતમાં જહાજમાંથી કપાસની બોરીઓ અને ઑઇલના પીપડાં ઉતારવાનું નક્કી કર્યું હતું.

તેની સાથે વિસ્ફોટકો અને દારૂગોળા સંબંધી સલામતીના ધારાધોરણો અનુસાર, તે સામાન સમુદ્ર તરફના ભાગમાંથી ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ એ માટે જરૂરી નાની હોડીઓ ઉપલબ્ધ ન હોવાથી કામગીરી અટકી પડી હતી.

દરમિયાન, એન્જિનના રિપેરિંગ માટે એન્જિનના પાર્ટ્સ છૂટા પાડવાનું શરૂ કરાયું હતું. એન્જિન ખોલી નાખવામાં આવ્યું હોવાને કારણે જહાજને ખસેડવાનું શક્ય ન હતું. પછી જે કંઈ થવાનું હતું તેમાં આ બાબતનો ફાળો પણ હતો.

બીજા દિવસની સવાર પડી ત્યારે જહાજ પરનો મોટાભાગનો સામાન હજુ ત્યાં જ પડ્યો હતો. સોનું ભરેલી સ્ટીલની પેટીઓને કોઈએ હાથ સુદ્ધાં લગાવ્યો ન હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે બૅન્કના અધિકારીઓ પેટીઓ ઉઘાડીને ચકાસણી કરશે પછી જ તેને જહાજમાંથી ઉતારવામાં આવશે.

અધિકારીઓના કહેવા મુજબ, જહાજમાંની સ્ટીલની પેટીઓ ખોલવા માટે વેલ્ડિંગ મશીન લાવવું પડે તેમ હતું. વેલ્ડિંગના તણખા ઊડે તો બાજુમાં પડેલા દારૂગોળામાં વિસ્ફોટ થવાની શક્યતા હતા.

નાયસ્મિથે તેનો ઇનકાર કર્યો હતો. તેથી વિસ્ફોટકો ઉતાર્યા પછી જ સત્તાવાળાઓની હાજરીમાં સોનાની પેટીઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિસ્ફોટકોને અનલોડ કરવા માટે જરૂરી નાની હોડીઓ 13 એપ્રિલે બપોર સુધી આવી ન હતી. તેથી વિસ્ફોટકો અને દારૂગોળો જહાજમાં જ પડ્યા રહ્યા હતા. ભંગાર ઉતારવા માટે લાવવામાં આવેલી ક્રેનની ક્ષમતા ઓછી હોવાથી તેનો સામાન પણ ત્યાંનો ત્યાં જ પડ્યો હતો. મજૂરોની ટોળકી લાંબા લાકડાને જહાજમાંથી ઉતારવામાં વ્યસ્ત હતી.

ત્રીજો દિવસ, અટકેલું કામ અને ધુમાડો

મુંબઈના વિક્ટોરિયા જહાજમાં થયેલ વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Getty Images

ત્રણ દિવસ થવા છતાં જહાજમાંથી માલ ઉતારવાનું કામ પૂર્ણ થયું ન હતું. 14 એપ્રિલે ફોર્ટ સ્ટાઈકિન જહાજની બાજુમાં 10-12 અન્ય જહાજો પણ ઊભાં હતાં. સવારથી શરૂ થયેલું માલ ઉતારવાનું કામ બહુ આગળ વધ્યું ન હતું.

બપોરના સમયે, સામાન્ય રીતે લંચ બ્રેક દરમિયાન સાડા બારેક વાગ્યે સ્ટાઈકિનથી ચાર-પાંચ જહાજ છોડીને આગળ થંભેલા પરના એક જહાજ પરના બે અધિકારીઓનું ધ્યાન સ્ટાઈકિન પર પડ્યું હતું. નીચેથી આવતો ધુમાડો તેમને નજરે પડ્યો હતો, પરંતુ ધુમાડો અદૃશ્ય થઈ જતાં દૃષ્ટિભ્રમ હશે એવું માનીને તેઓ રવાના થઈ ગયા હતા.

સ્થળ પર ઊભેલી પોલીસે પણ પોણા એક વાગ્યે આવો ધુમાડો જોયો હતો, પરંતુ ડૉક પર આગ લાગવાની ઘટના કાયમ બનતી હોવાથી તેના લોકો એ સંભાળી લેશે એવું ધારીને તેમણે પણ અવગણના કરી હતી.

બપોરે દોઢ વાગ્યા પછી કામ ફરીથી શરૂ કરવા માટે જહાજ પર ગયેલા મજૂરોએ ભંગારનું મોટું બંડલ બહાર કાઢ્યું કે તરત જ અંદરથી ધૂમાડાનો મોટો ગોટો બહાર નીકળ્યો હતો.

તરત જ ફાયર એલાર્મ વાગ્યો. આગ ક્યાંથી લાગી છે તે જોવા ફાયરમેન અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ ધુમાડાને કારણે તેઓ અંદર જઈ શક્યા નહીં. બોટ પરના પમ્પથી આગ ઓલવી શકાય ન હતી.

ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ બપોરે 2.25 કલાકે ઘટના સ્થળે પહોંચી હતી.

આગ કેટલી મોટી હતી અથવા બોટ પર વિસ્ફોટકો હતા કે નહીં તેની કોઈ માહિતી ન હોવાને કારણે ફાયર બ્રિગેડે માત્ર બે બંબા જ મોકલ્યા હતા, પરંતુ ફરી સૂચના આપવામાં આવી એ પછી તેમણે વધુ 10—12 બંબા મોકલી આપ્યા હતા.

જહાજના કમ્પાર્ટમેન્ટ નંબર બેમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. એ કમ્પાર્ટમેન્ટમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો, કપાસની બોરીઓ અને સોનું પણ રાખવામાં આવ્યું હતું. તેને ધ્યાનમાં લઈને આગ ઓલવવાના મરણિયા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

આગ ઓલવાતી ન હતી. શું કરવું તેની કોઈને ખબર ન હતી. જહાજને દૂર લઈ જઈ શકાય તેમ ન હતું, કારણ કે તેનું એન્જીન ખોલી નાખવામાં આવ્યું હતું. આખરે ડૉક તરફનો જહાજનો ધાતુનો હિસ્સો ભારે ગરમીને કારણે પીગળવા લાગ્યો એટલે બધા હચમચી ઊઠ્યા હતા.

અચાનક જહાજની બહાર આગનો એક મોટો ગોળો દેખાયો હતો. તેથી તૅપ્ટન નાયસ્મિથે બધાને જહાજમાંથી તરત બહાર નીકળી જવાનો આદેશ આપ્યો હતો. લોકો જહાજથી દૂર જવા લાગ્યા હતા.

બે વિસ્ફોટ અને હાહાકાર

મુંબઈના વિક્ટોરિયા જહાજમાં થયેલ વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Getty Images

ફોર્ટ સ્ટાઈકિન પર બપોરે 4.06 વાગ્યે પહેલો વિસ્ફોટ થયો હતો. તેને લીધે જહાજના બે ટુકડા થઈ ગયા હતા. એક ટુકડો દરિયામાં જ રહ્યો હતો, જ્યારે બીજો ટુકડો ઊડીને અડધો કિલોમીટર દૂર આવેલી એક ઇમારત સાથે અથડાયો હતો.

વિસ્ફોટને કારણે જમીન પરની ઇમારતો ધરાશયી થઈ ગઈ હતી. પાણીની પાઇપો ફૂટી ગઈ હતી. આગ બુઝાવવા આવેલા બંબા ઊડીને દૂર પડ્યા હતા.

દરિયામાં મોટું મોજું આવવાને કારણે દસ-બાર જહાજ પાણીમાં ડૂબી ગયા હતા. નજીકમાં પડેલા ત્રણ ટનના જહાજના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. ઘણા લોકો તે ટુકડા હેઠળ મૃત્યુ પામ્યા હતા.

કશું સમજાય એ પહેલાં 4.20 વાગ્યે બીજો વિસ્ફોટ થયો હતો. તેની તીવ્રતા અનેક ગણી વધારે હતી.

વિસ્ફોટને કારણે ગોદી પરિસરમાંની લાકડા અને કોલસાની વખારોમાં આગ લાગી હતી. ટ્રેન વ્યવહાર થંભી ગયો હતો. વાયર્સ તૂટી પડવાને લીધે ટ્રામ પણ બંધ થઈ ગઈ હતી. મુંબઈમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો.

વિસ્ફોટને લીધે ઊડેલા બૉમ્બ અને બંદુકની ગોળીઓ ચારે તરફ પડી હતી. અડધી નાશ પામેલી ઈમારતોને તોડતી વખતે અન્ય બોમ્બ વિસ્ફોટ થયાના અહેવાલો પણ હતા.

આ ઘટનામાં આશરે બે કરોડ પાઉન્ડનું નુકસાન થયાનો અંદાજ છે.

આગ ઓલવવાના પ્રયાસમાં અગ્નિશમન દળના 66 જવાનો મૃત્યુ પામ્યાના અહેવાલો છે. ચોક્કસ જાનહાનિનો અંદાજ નથી, પરંતુ આ ઘટનામાં 500થી 700 લોકોનાં મોત થયાનો અંદાજ છે.

ઘણા લોકો ગુમ થયા હતા. કેટલાકના મૃતદેહ ઓળખી ન શકાય તેવી સ્થિતિમાં હતા.એ પછીના અનેક દિવસ સુધી મુંબઈના સમુદ્રમાંથી મૃતદેહો મળતા રહ્યા હતા.

આ ઘટના પછી અખબારોમાં વિવિધ પ્રકારના સમાચાર આવ્યા હતા.

સોનાનું શું થયું?

મુંબઈના વિક્ટોરિયા જહાજમાં થયેલ વિસ્ફોટ

ઇમેજ સ્રોત, MARIO TAMA

વિસ્ફોટને લીધે ઊડેલો ધાતુનો એક ટુકડો બંદરથી અડધો કિલોમીટર દૂર આવેલા એક પારસીના ઘરના છાપરા પર પડ્યો હતો અને છાપરું તૂટી ગયું હતું. એ ટુકડાને જોઈને તેમણે વિચાર્યું હતું કે આ ટુકડો માથા પર પડ્યો હોત તો તેમનો જીવ ગયો હોત.

ભાનમાં આવ્યા પછી તે પારસીને સમજાયું હતું કે ધાતુનો એ ટુકડો વાસ્તવમાં સોનાની ઈંટ હતી, તેનું વજન 28 પાઉન્ડ હતું.

ખાસ કરીને જહાજ પરના 382 કિલો સોનાના સ્ટૉકનું વર્ણન ખૂબ જ રંગીન હતું.

પારસી વ્યક્તિના ઘરની છત તોડીને પડેલી સોનાની ઈંટને ઘણા લોકોએ અતિશયોક્તિપૂર્વક ‘સોનાનો વરસાદ’ ગણાવી હતી.

જોકે, તે પારસી વ્યક્તિના ઘર સિવાય આવું ક્યાંય થયું હોવાના સમાચાર બીજે ક્યાંય જોવા મળ્યા નથી.

ફોર્ટ સ્ટાઈકિન જહાજના તળિયા પરના કમ્પાર્ટમેન્ટ નંબર બેમાં સોનું રાખવામાં આવ્યું હતું. સ્ટીલની પેટીઓ વિસ્ફોટને કારણે તૂટવાથી કેટલુંક સોનું ઊડ્યું હશે, પરંતુ મોટા ભાગનું સોનું સમુદ્રના તળીયે ડૂબી ગયું હોવાની શક્યતા વધારે છે.

ફેબ્રુઆરી 2009માં વિક્ટોરિયા ડૉક્સમાં ડ્રેજિંગની કામગીરી દરમિયાન એક કામદારને સોનાના બિસ્કિટ મળ્યાં હતાં. તે 1944ના હોવાનું સાબિત થયું હતું. એ સિવાય 1980માં બંદરમાંથી કાંપ દૂર કરતી વખતે સોનાની દસ કિલો વજનની એક ઈંટ મળી આવી હતી. તે સરકારમાં જમા કરાવનાર કર્મચારીને રૂ. 1,000નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

કેટલુંક સોનું વિક્ટોરિયા ડૉક્સના કાંપમાં પડેલું હોવાની શક્યતા છે. તે મળી શકે અથવા તો ન મળે એ પણ શક્ય છે.

જોકે, એ સોનું શોધવા જનારા લોકો ફોર્ટ સ્ટાઈકિનના ન ફૂટેલા બૉમ્બના સંપર્કમાં પણ આવી શકે, એવી શક્યતાને નકારી શકાય નહીં.

સંદર્ભઃ

· અજ્ઞાત મુંબઈઃ લેખક નીતિન સાળુંખે, મનોવિકાસ પ્રકાશન

· ઈ-સકાળમાંનો દીપા કદમનો લેખ

· નવભારત ટાઈમ્સમાંનો નિલેશ મિશ્રાનો લેખ

· બીજા વિશ્વયુદ્ધ વિશેનો બીબીસીનો લેખઃ પિપલ્સ વોર

SOURCE : BBC NEWS