Source : BBC NEWS
ઇમેજ સ્રોત, WANA via Reuters
યુદ્ધ હવે તેના મગજમાં ચાલી રહ્યું છે. જોરથી દરવાજો બંધ થવાના અવાજ કે વાસણ પડવાથી થતા ખખડાટથી પણ તે ચોંકીને ઊછળી પડે છે. યુદ્ધવિરામ પણ આ સ્થિતિને બદલી નથી શક્યો.
અલી કહે છે, “યુદ્ધ પહેલાં મને બિલકુલ તણાવ નહોતો, પરંતુ હવે જરા જેટલો અવાજ પણ મારા મગજ પર ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે.”
જોકે, અલીની (નામ બદલ્યું છે) ઉંમર માત્ર 15 વર્ષ છે, આમ છતાં તે સમજે છે કે અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પરના હવાઈ હુમલાના અવાજોથી ઊભો થતો ડર મનમાં કઈ રીતે ઘર કરી જાય છે અને પછી પીછો નથી છોડતો. કોઈ પણ તીવ્ર અવાજ થતાં ચોંકી જવા જેવી પ્રતિક્રિયા આપોઆપ થઈ જાય છે.
તે કહે છે, “ધડાકાના અવાજો, વિસ્ફોટથી થતાં કંપન અને શહેરની ઉપરથી ઊડતાં ફાઇટર જેટ્સના અવાજ ખૂબ ગંભીર અસર કરી શકે છે.”
ઈરાનની વસ્તીનો 20 ટકા કરતાં વધારે ભાગ 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો છે; એટલે કે લગભગ બે કરોડ ચાર લાખ બાળકો. અલી અને તેના જેવાં બીજાં ઘણાં બાળકોની સાથે જે થઈ રહ્યું છે તેને મનોવૈજ્ઞાનિક ‘હાઇપર અરાઉઝલ’ કહે છે અને આ પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડરની (પીડીએલડી) શરૂઆતની ચેતવણી હોઈ શકે છે.
આસપાસ જે કંઈ બની રહ્યું છે તેના વિશે અલી પોતાનાં માતા-પિતાની પ્રતિક્રિયાઓ જુએ અને અનુભવે છે. તે ઘરમાં મળતી જાણીતી સુરક્ષા શોધે છે, પરંતુ તે નથી મળી શકતી. તેના પિતા યુદ્ધના કારણે બેરોજગાર છે અને મા દરેક સમયે ડરેલી રહે છે.
તે કહે છે, “મારી મા ઘરે જ રહે છે અને જેવાં ફાઇટર જેટ્સ ઉપરથી ઊડે છે, તે ડરી જાય છે, તણાવ અનુભવે છે. તેના મોં પર ચિંતા અને ડર સ્પષ્ટ જોવા મળે છે અને મારી વાત કરું તો, હું પણ ખૂબ જ ડરેલો છું.”
“મારો મારા મિત્રો સાથે કશો સંપર્ક નથી. મારે ભણવામાં, કામ કરવામાં કાબેલ બનવું જોઈએ અને આગળ જતાં એક સ્વનિર્ભર વ્યક્તિ બનવું જોઈએ. મારે સતત રાજકારણની ચિંતા ન કરવી જોઈએ, તણાવમાં ન જીવવું જોઈએ, બૉમ્બ પડશે તેવા ખ્યાલોમાં ડૂબેલા ન રહેવું જોઈએ… અંતહીન ડર સાથે.”
ઘણાં બધાં માતા-પિતા ચિંતિત
ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images
બાળકોની દુનિયા સંકોચાઈ ગઈ છે.
સ્કૂલો બંધ છે. યુદ્ધવિરામની પહેલાં સુધી અમેરિકા અને ઇઝરાયલનાં વિમાનોથી હુમલાનો સતત ડર રહ્યો અને સડકો પર સરકારની મિલિશિયા પેટ્રોલિંગ કરી રહી છે, એ સ્થિતિમાં ઈરાની પરિવારો પોતાનાં ઘરોમાં કેદ થઈ ગયા છે. કરવાનું કશું જ નથી, માત્ર રાહ જોવાની છે અને આશા રાખવાની છે કે યુદ્ધવિરામ ચાલુ રહે.
સમગ્ર ક્ષેત્રમાં—ઈરાનથી લઈને ઇઝરાયલ, ખાડી દેશો અને લેબનોન સુધી—આ યુદ્ધ બાળકો અને યુવાઓના જીવનમાં ડર ભરી રહ્યું છે.
જમીની વિશ્વાસુ સૂત્રોની મદદથી બીબીસી માતા-પિતા અને એ લોકોની પ્રતિક્રિયાઓ જાણી શક્યું જેઓ બાળકોને યુદ્ધના આઘાતમાંથી બહાર નીકળવામાં મદદ કરવાની કોશિશ કરી રહ્યાં છે. સુરક્ષાના કારણે કેટલાંક નામ બદલવામાં આવ્યાં છે.
તહેરાનના એક માનવ અધિકાર કેન્દ્રમાં આયશા (આ નામ પણ બદલવામાં આવ્યું છે) ફોન પર એક પરેશાન માતાને સલાહ આપી રહ્યાં છે.
તેઓ કહે છે, “મેં તમને જે વાતો કહી હતી, તેને અનુસરવાની કોશિશ કરો, જેથી એના (બાળક) માટે વધારે શાંત માહોલ બની શકે. જો શક્ય હોય તો તેની સાથે રમો અને તેને વ્યસ્ત રાખો. અને જો તો પણ સ્થિતિ ન સુધરે, તો તેને પાછો કેન્દ્રમાં લઈ આવો.”
આયશા જણાવે છે કે પરેશાન અને ચિંતાતુર ઘણાં માતા-પિતા આ કેન્દ્રમાં ફોન કરી રહ્યાં છે અને લોકો જાતે આવીને પણ મળી રહ્યા છે.
“અમને ઘણા કેસમાં ઊંઘ પૂરી ન થવી, બિહામણાં સપનાં આવવાં, એકાગ્રતાની કમી અને એટલે સુધી કે આક્રમક વ્યવહાર પણ જોવા મળી રહ્યાં છે.”
“જ્યારે તમે કોઈ બાળકના ઉછેર માટે આટલો બધો સંઘર્ષ કરો છો અને આખરે એ જ બાળક—પ્રદર્શનોમાં કે આવા યુદ્ધમાં—મૃત્યુ પામે, તો હું માનું છું કે કોઈ પણ માતા-પિતા આ દુનિયામાં બાળક લાવવા માટે તૈયાર નહીં થાય.”
અમેરિકા-સ્થિત હ્યૂમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી (એચઆરએએનએ) આખા ઈરાનના આંકડા એકત્ર કરે છે. તેના અનુસાર, આ યુદ્ધમાં 3,636 લોકોનાં મૃત્યુ થયાં છે. તેમાં ઓછામાં ઓછાં 254 બાળકો સામેલ છે. તદ્ ઉપરાંત, ઘાયલ થયેલાની સંખ્યા પણ હજારોમાં છે.
ઈરાની શાસન પર આરોપ
ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images
કહેવાય છે કે ઈરાની શાસન તરફથી બાળકોને સીધા જોખમમાં ઉતારી દેવાની પણ એક સંગઠિત કોશિશ કરવામાં આવી છે.
સરકારે માતા-પિતાને અપીલ કરી છે કે તેઓ પોતાનાં બાળકોને સ્વયંસેવી મિલિશિયા બસીઝમાં સામેલ થવાની મંજૂરી આપે. બસીઝ રાજ્યની તાકાત વધારતું એક મહત્ત્વપૂર્ણ એકમ છે, જેથી તેઓ ચેકપૉઇન્ટ્સની દેખરેખ રાખવામાં મદદ કરી શકે.
ટીવી પર આપવામાં આવેલા એક ભાષણમાં શાસન સાથે જોડાયેલી એક વ્યક્તિએ માતા-પિતાને કહ્યું, “તમારાં બાળકોનો હાથ પકડો અને રસ્તાઓ પર નીકળી જાઓ.”
એ વ્યક્તિએ આ યુદ્ધને છોકરાઓ માટે મર્દાનગીની કસોટી ગણાવ્યું.
તેમણે કહ્યું, “શું તમે ઇચ્છો છો કે તમારો પુત્ર મર્દ બને? તેને અનુભવ કરવા દો કે તે યુદ્ધભૂમિમાં એક હીરો છે, યુદ્ધનું નેતૃત્વ કરી રહ્યો છે. માતાઓ, પિતાઓ, તમારાં બાળકોને રાત્રે બૅરિકેડ્સ પર મોકલો. એ બાળકો મર્દ બની જશે.”
11 વર્ષના અલીરેજા જાફરી માટે હથિયાર ઉઠાવવાની આવી અપીલ મૃત્યુ સાબિત થઈ.
29 માર્ચે તહેરાનમાં તે પોતાના પિતાની સાથે એક ચેકપૉઇન્ટ પર તહેનાત હતો, ત્યારે એક ડ્રોન હુમલામાં તેનું મૃત્યુ થઈ ગયું.
એક સ્થાનિક અખબારે તેની માતા સદાફ મોનફરેદનો ઉલ્લેખ કરતાં લખ્યું કે પુત્રએ તેમને કહ્યું હતું કે તે “શહીદ બનવા માગે છે”.
એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલે ઈરાની અધિકારીઓ પર આરોપ કર્યો છે કે તેઓ બાળકોને સૈન્ય સેવામાં ભરતી કરીને “બાળકોના અધિકારોને કચડી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યા છે, જે યુદ્ધ અપરાધની શ્રેણીમાં આવે છે.”
ઈરાનના સુરક્ષા કાયદા હેઠળ 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની ભરતીને મંજૂરી છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું સીધું ઉલ્લંઘન છે.
‘કોઈ પણ સ્થિતિમાં પુત્રને યુદ્ધમાં નહીં જવા દઉં’
ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images
તહેરાનનાં એક નિવાસી, જેને અમે નૂર કહીએ છીએ, તેમનો એક પુત્ર છે, જેની કિશોરાવસ્થા શરૂ જ થઈ છે. તેઓ સોગંદ ખાઈને કહે છે કે તે પોતાના પુત્રને સેનાથી દૂર જ રાખશે.
તેઓ કહે છે, “12 વર્ષનું બાળક ક્યારેય યોગ્ય નિર્ણય ન લઈ શકે. હકીકતમાં તેને સમજાતું જ નથી કે શું થઈ રહ્યું છે. શક્ય છે કે તે આને કોઈ પ્રકારની રમત સમજી લે.”
“જ્યારે બાળકોને હથિયાર પકડાવી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જાઓ, યુદ્ધ કરો; ત્યારે તેમને લાગે છે કે જાણે કોઈ વીડિયો ગેમ રમી રહ્યાં હોય… અને જો કોઈ બાળક એ રસ્તે જતો રહે છે, તો પછી પાછા ફરવાનો કોઈ માર્ગ નથી હોતો.”
યુદ્ધ શરૂ થયાનાં પાંચ અઠવાડિયાં પછી નૂર પોતાના પુત્રને તહેરાનની બહાર લઈ ગયાં. તે તેમનો એકમાત્ર બાળક છે.
તેઓ કહે છે, “હું ક્યારેય, કોઈ પણ સ્થિતિમાં મારા પુત્રને યુદ્ધમાં નહીં મોકલું. બાળકોનો આ રીતે ઉપયોગ કેમ કરાઈ રહ્યો છે?”
“લગભગ એક મહિના પહેલાં, જેવું યુદ્ધ શરૂ થયું, મેં સૌથી પહેલું કામ એ કર્યું કે શહેર છોડી દીધું, કેમ કે, હું તણાવમાં હતી અને મને બીક હતી કે મારો પુત્ર ક્યાંક સડક પર ન નીકળી જાય અને તેને કંઈ થઈ ન જાય; યુદ્ધમાં મોકલવાની તો વાત જ અલગ છે.”
વીડિયો જુઓ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS



