Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
રાજધાની દિલ્હીમાંની એક વિદેશી શિક્ષણ સલાહકાર સંસ્થામાં વિદ્યાર્થીઓ, તેમનાં માતાપિતા સાથે બેસીને ઇટાલી, જર્મની અને ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓનાં બ્રોશર વાંચી રહ્યા છે.
જોકે, અભ્યાસ માટે જે દેશ તેમની પસંદગીની યાદીમાં સૌથી મોખરે હતો, તેના વિશે હવે ભાગ્યે જ વિચાર થાય છે.
વિદ્યાર્થીઓને વિઝા અરજીઓ સહિતની પ્રક્રિયામાં આગળ વધવામાં મદદ કરતી સલાહકાર સંસ્થાના સંચાલક શોભિત આનંદ કહે છે, “2023 સુધી અમારી મોટાભાગની અરજીઓ કૅનેડા માટે હતી.”
તેમાં હવે લગભગ 80 ટકા ઘટાડો જોવા મળ્યો હોવાનું શોભિત આનંદ જણાવે છે.
તેઓ કહે છે કે, “લોકો હવે કૅનેડા જવા માટે અરજી કરવા ઇચ્છુક નથી. વિઝા અસ્વીકાર દર પણ ખૂબ જ વધારે છે.”
કૅનેડાના ઑડિટર જનરલ દ્વારા ગયા મહિને સંસદમાં રજૂ કરવામાં આવેલા એક અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2025માં કૅનેડા આવેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં માત્ર 8.1 ટકા ભારતીયો હતા, જે 2023ના 51.6 ટકાથી થયેલો તીવ્ર ઘટાડો છે.
તેનાં કારણો ઘણાં છે. તેમાં વિઝા તથા ઇમિગ્રેશન પ્રતિબંધો, ઊંચો જીવન ખર્ચ અને 2023માં સર્જાયેલી રાજદ્વારી કટોકટીનો સમાવેશ થાય છે. તેને કારણે બંને દેશો વચ્ચે કડવાશ સર્જાઈ હતી. (જોકે હવે પરિસ્થિતિ બદલાઈ છે)
મધ્યમ વર્ગના ભારતીય પરિવારો માટે કૅનેડા વર્ષોથી એક મજબૂત આકર્ષણ બની રહ્યું છે. તેની ખાનગી કૉલેજો સરેરાશ ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ વિદેશમાં અભ્યાસ અને અંતે ત્યાં સ્થાયી થવા માટેનો વિશ્વસનીય માર્ગ પ્રદાન કરતી હતી.
એ માર્ગ મોટા ભાગે સરળ હતોઃ કૅનેડામાં બે કે ત્રણ વર્ષના વ્યાવસાયિક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો, સ્નાતક થયા પછી નોકરી શોધવી અને થોડાં વર્ષોમાં કાયમી નિવાસ માટે અરજી કરવી. નિષ્ણાતો જણાવે છે કે આ પ્રક્રિયામાં સામાન્ય રીતે પાંચ વર્ષ લાગતાં હતાં.
તે ચાલતું હતું ત્યાં સુધી ચાલતું રહ્યું.
નીતિગત ફેરફારો અને આર્થિક દબાણના મિશ્રણને કારણે આ પરિવર્તન આવ્યું છે.
કૅનેડાએ 2024ની શરૂઆતમાં તેના અંડરગ્રેજ્યુએટ અને ડિપ્લોમા પ્રોગ્રામ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સંદર્ભે બે વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો હતો અને પ્રતિવર્ષ લગભગ 3.50 લાખ સ્ટડી પરમિટની મર્યાદા લાદી હતી.
ઘણા ભારતીય વિદ્યાર્થીઓ માટે તે એક મોટો ફટકો હતો.
તેની સાથે સાથે કૅનેડામાં રહેવાના ખર્ચમાં વધારો થયો હતો અને નોકરી શોધવાનું મુશ્કેલ બન્યું હતું.
મોટાભાગનાં શહેરોમાં ભાડામાં મોટો વધારો થયો હતો, જ્યારે નાણાકીય જરૂરિયાતો તંગ થઈ હતી.
ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (જીઆઈસી) એટલે કે કૅનેડામાં અભ્યાસ કરવા અને રહેવા માટે જરૂરી ભંડોળ 2024માં 10,000 કૅનેડિયન ડૉલરથી વધારીને 20,000 કૅનેડિયન ડૉલર, એટલે કે બમણું કરવામાં આવ્યું હતું.
ઍડવાઇઝ ઓવરસીઝ ઍજ્યુકેશનના સુશીલ સુખવાની કહે છે, “ઘણા પરિવારો માટે એટલા નાણાં એકઠાં કરવાં મુશ્કેલ છે. એ નિર્ણય મોટો અવરોધ બની ગયો છે.”
સલાહકારોના જણાવ્યા મુજબ, કૅનેડા માટે સ્ટડી વિઝા મેળવવાનું પણ મુશ્કેલ બન્યું છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ગતિવિધિ પર નજર રાખતી આઈસીઈએફ મૉનિટરના જણાવ્યા અનુસાર, કૅનેડામાં સ્ટડી પરમિટ રિજેક્શનનું પ્રમાણ 2023ના 38 ટકાથી વધીને 2024માં બાવન ટકા થઈ ગયું હતું. ભારત ખર્ચ સંબંધે અત્યંત સંવેદનશીલ દેશ છે અને લોકોએ તેમના સંતાનને વિદેશમાં અભ્યાસ માટે મોકલવા કાળજીપૂર્વક નાણાકીય આયોજન કરવું પડે છે. (ઉપરોક્ત કારણોસર ભારતીય પરિવારો આ પ્રકારનું જોખમ લેવા બહુ ઓછા ઇચ્છુક છે.
તેથી હવે સવાલ ‘કૅનેડા કેવી રીતે જવું’ તેના બદલે ‘કૅનેડા જવું કે નહીં’ એવો થઈ ગયો છે.
શોભિત આનંદ કહે છે, “ભય વાસ્તવિક છે. તમે ત્યાં પહોંચી જશો તો પણ ત્યાં ટકી શકશો ખરા?”
રિપોર્ટમાં શું ચિંતાઓ વ્યક્ત કરાઈ?
ઇમેજ સ્રોત, AFP via Getty Images
કૅનેડિયન ઑડિટર જનરલના રિપોર્ટમાં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) તરીકે ઓળખાતી ફાસ્ટ-ટ્રેક વિઝા સિસ્ટમ સંબંધી ચિંતાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
એસડીએસ ભારતીય અરજદારોમાં લોકપ્રિય છે અને ચોક્કસ નાણાકીય તથા ભાષાકીય લાયકાત ધરાવતા લોકો માટે તેની હેઠળ પ્રક્રિયા ઝડપથી થાય છે.
છેતરપિંડીયુક્ત અરજીઓ, વિદ્યાર્થીઓની વર્ગોમાં ગેરહાજરી અને આશ્રય સંબંધી દાવાઓમાં વધારા જેવાં જોખમોને અધિકારીઓએ ચિહ્નિત કર્યા હતા, પરંતુ એસડીએસ હેઠળ ભારતીયો માટેનો મંજૂરી દર 2022માં 61 ટકાથી વધીને 2024માં 98 ટકા થયો હતો.
2024ના અંત સુધીમાં આ યોજના રદ કરવામાં આવી હતી અને ત્યારથી વિઝા અરજીની ચકાસણી કડક કરવામાં આવી છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તે યોજનાને “વિદ્યાર્થી ન હોય, પરંતુ કૅનેડામાં પ્રવેશ મેળવવા માંગતા લોકોએ ટાર્ગેટ કરી હતી.” તેમાં દેશોના નામ આપવામાં આવ્યાં નથી, પરંતુ એવું જરૂર નોંધવામાં આવ્યું છે કે એસડીએસ હેઠળ મંજૂર થયેલી લગભગ બધી જ અરજીઓ ભારતની હતી.
નોકરી બીજી મોટી ચિંતા છે.
નિષ્ણાતો જેને “ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ બૂમ” (ખાસ કરીને મહામારી પછી વિદેશીઓના એડમિશનમાં અચાનક આવેલી તેજી) દરમિયાન અનેક ખાનગી કૉલેજોએ ઝડપભેર વિસ્તરણ કર્યું હતું. એ સમયગાળમાં કૅનેડામાં વિક્રમસર્જક સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હતા.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે એ પૈકીની ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ મર્યાદિત શૈક્ષણિક મૂલ્ય પ્રદાન કર્યું હતું અને મોટાભાગની સંસ્થાઓએ કમાણી કેન્દ્રીત બિઝનેસ તરીકે કામ કર્યું હતું.
તેના પરિણામે, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અને નોકરીની તકો વચ્ચેનું સંતુલન ખોરવાઈ ગયું હતું. ઘણા વિદેશી વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે કરેલા મોટા ખર્ચની ભરપાઈ કરી શક્યા ન હતા.
શોભિત આનંદે આ સંદર્ભે દિલ્હીના એક વિદ્યાર્થીની વાત કરી હતી. એ વિદ્યાર્થી બે વર્ષ પહેલાં કૅનેડા ગયો હતો. 24 વર્ષના એ વિદ્યાર્થીએ તેનો કોર્સ પૂર્ણ કર્યા પછી સ્થિર નોકરી શોધવા માટે બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો અને ગુજરાન ચલાવવા માટે પાર્ટ-ટાઇમ નોકરી પર નિર્ભર રહેવું પડ્યું હતું.
શોભિત આનંદ કહે છે, “એ ગુજરાન ચલાવી શકતો ન હતો.” એ બાદમાં ભારત પાછો ફર્યો હતો અને હવે નોકરી શોધી રહ્યો છે.
એ વિદ્યાર્થીની કહાણી એક મોટી પેટર્ન દર્શાવે છે. વિઝા મર્યાદાની અંડરગ્રેજ્યુએટ કૉલેજોને માઠી અસર થઈ છે, જ્યારે ઉચ્ચ કક્ષાની સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓને ખાસ અસર થઈ નથી.
મેકગિલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ દીપ સૈનીએ બીબીસીને જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ મોટાભાગે બે વર્ગમાં હોય છે.
તેઓ ઉમેરે છે, “એક વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રેરિત હોય છે. તેઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કૅનેડા, અમેરિકા અથવા યુરોપની ટોચની યુનિવર્સિટીઓમાં અરજી કરે છે.”
“બીજા વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણને મુખ્યત્વે સ્થળાંતરનો માર્ગ ગણે છે. તેઓ નાની કૉલેજોમાં પ્રવેશ મેળવવાનું વલણ ધરાવતા હોય છે.”
કડક કાર્યવાહીથી કોને સૌથી વધુ અસર થઈ છે, તે સમજાવવામાં આ ફરક મદદ કરે છે.
કૅનેડાના વિઝા પ્રતિબંધો કાયમી રહેઠાણ મેળવવાના સસ્તા તથા સરળ માર્ગ તરીકે નાની, ઓછી જાણીતી કૉલેજોમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા.
માત્ર અભ્યાસના જ હેતુસર આવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને નહીં.
મેકગિલ જેવી ટોચની યુનિવર્સિટીઓ શૈક્ષણિક રીતે પ્રેરિત વિદ્યાર્થીઓને વધુ આકર્ષે છે. આવી યુનિવર્સિટીઓને કૅનેડા સરકારના નિર્ણયની ખાસ કોઈ અસર થઈ નથી.
દીપ સૈનીના જણાવ્યા મુજબ, તેમની યુનિવર્સિટીમાં 2023 પછી આંતરરાષ્ટ્રીય ઍડમિશન્શમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
તેનું કારણ વિઝાના કડક નિયમો અને રાજદ્વારી તણાવ બંને હતા. દીપ સૈની તેને સીધી અસરને બદલે “સાઇડ ઇફેક્ટ” ગણાવે છે.
મેકગિલમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા હવે ફરીથી નૉર્મલ થઈ રહી હોવાનું તેઓ જણાવે છે.
સંબંધો સુધરવાની આશા?
ઇમેજ સ્રોત, EPA
રાજદ્વારી સંબંધો બહેતર બનવાની સાથે આશાના સંકેત દેખાઈ રહ્યા છે.
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની આ વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે કૅનેડાની ઘણી ટોચની યુનિવર્સિટીઓના અધિકારીઓ પણ આવ્યા હતા.
નવી શૈક્ષણિક ભાગીદારી અને શિષ્યવૃત્તિ પહેલ સહિતના ઘણા પ્રયાસો સંબંધ સુધારવા માટે કરવામાં આવી રહ્યા છે.
અલબત, તનિષ્ક ખુરાના જેવા વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવાનું પહેલાં જેટલું આસાન નથી.
17 વર્ષના તનિષ્કે ગયા વર્ષે ઉનાળામાં અરજી કરવા વિચાર્યું હતું, પરંતુ એક સલાહકાર સાથેની વાતચીત પછી તેઓ થંભી ગયા હતા.
તનિષ્ક કહે છે, “મને વિઝા રિજેક્શનમાં વધારા અને કૉલેજો અન્ડરગ્રેજ્યુએટ ઍડમિશન્સ મર્યાદિત કર્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેના કારણે મારે પુનર્વિચાર કરવો પડ્યો હતો.”
તનિષ્ક ખુરાનાએ એક સમયે ભારતમાં રહીને અન્ડરગ્રેજ્યુએટ અભ્યાસ કરવા અને પછી વિદેશ જવા વિચાર્યું હતું. તેમને કૅનેડાનું આકર્ષણ છે. તેથી હવે ક્લિનિકલ સાયકોલૉજીમાં સ્નાતકની ડિગ્રી મેળવવા માટે તેણે હવે ફરીથી અરજી કરવાનો નિર્ણય કર્યો છે.
તનિષ્ક કહે છે, “કૅનેડા પસંદ કરવાનું કારણ એકદમ સરળ છે. મારી બહેન ત્યાં સ્થાયી થઈ છે અને મારા ઘણાં પિતરાઈ ભાઈ-બહેનો પણ ત્યાં છે. તેથી કૅનેડા પરિચિત છે અને ત્યાં શિક્ષણ તથા નોકરીની તકો ભારત કરતાં વધુ સારી છે.”
કૅનેડા હજુ પણ ત્રણ વર્ષ સુધીની પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ આપે છે, જે એક મુખ્ય આકર્ષણ છે, પરંતુ તેનાથી ભવિષ્યની કોઈ ગૅરંટી મળતી નથી.
ઘણા સ્નાતકોએ જીવન ખર્ચમાં વધારા અને નોકરી શોધવાની મુશ્કેલીનો જાત અનુભવ કર્યો છે. તેમને કૅનેડામાં રહેવાની કાયદેસરની પરવાનગી તો છે, પરંતુ તેઓ જેવી જિંદગી બનાવવા કૅનેડા ગયા હતા એવી જિંદગી માટે સંઘર્ષ કરી રહ્યા છે.
કૅનેડાની સ્ટડી પરમિટ સાથે એક નોકરી, એક જિંદગી અને વિદેશમાં સ્થાયી થવાની તકની ખાતરી હતી, પરંતુ હવે એવું નથી.
ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ આવી ભાવિ યોજના બનાવી હતી, પરંતુ હવે તે યોજના જૂગટું બની ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



