Home તાજા સમાચાર gujrati ઈરાનના રસ્તે ભારતની અંગ્રેજ હકૂમતને ઉખાડી ફેંકવાની ગદર પાર્ટીની એ યોજના જે...

ઈરાનના રસ્તે ભારતની અંગ્રેજ હકૂમતને ઉખાડી ફેંકવાની ગદર પાર્ટીની એ યોજના જે હકીકત બનતાં રહી ગઈ

11
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી અંગ્રેજો આઝાદીની લડાઈ ગદરી ઈરાન ગદર પાર્ટી

ઇમેજ સ્રોત, ANI/X

ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન ભારતના ઘણા વર્ગો, ખાસ કરીને ખેડૂતો, શીખો અને મુસલમાનોએ ઈરાન તરફ ઘણી સહાનુભૂતિ દર્શાવી હતી.

ભારતીય લોકોનો ઈરાની સંસ્કૃતિ અને સાહિત્ય સાથે સહિયારો સંબંધ રહ્યો છે, જ્યારે ઈરાન ઘણા ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ અને ગદરીઓ (ગદર લહેરમાં સામેલ લોકો)નું પણ ઠેકાણું હતું.

ઈરાન પહોંચનાર ભારતીય સ્વતંત્રતા સેનાનીઓનાં શરૂઆતનાં નામોમાં ભગતસિંહના કાકા અને ‘પગડી સંભાલ જટ્ટા આંદોલન’ના નેતા અજિતસિંહ અને સૂફી અંબાપ્રસાદનાં નામનો સમાવેશ થાય છે.

તેમના પછી ગદરી ડૉક્ટર પીએસ ખાનખોજે અને તેમના સાથીઓનો પણ ઉલ્લેખ છે, જેઓ ‘ઈરાનમાં રહીને જર્મનીની મદદથી’ બ્રિટિશ સરકાર વિરુદ્ધ લડી રહ્યા હતા.

દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર દ્વારા પ્રકાશિત લેખક ગુરચરણસિંહ સહનસરાના પુસ્તક ‘હિસ્ટરી ઑફ ધ ગદર પાર્ટી’ અનુસાર, ગદર કાર્યકરો ઇરાક અને ઈરાનમાંથી મોરચામાં ‘કૂદી પડ્યા’.

ઈરાન કનેક્શન

બીબીસી ગુજરાતી અંગ્રેજો આઝાદીની લડાઈ ગદરી ઈરાન ગદર પાર્ટી

ઇમેજ સ્રોત, Ajit Singh-an Exiled revolutionary

અજિતસિંહ 1907માં બ્રિટિશ સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદા વિરુદ્ધ લડનાર ખેડૂત આંદોલનના એક અગ્રણી નેતા હતા.

લુધિયાણામાં આર્ય કૉલેજના પૂર્વ પ્રોફેસર પીએસ ભોગલ કહે છે કે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરના નિવાસી અંબાપ્રસાદ 1907માં જેલમાંથી મુક્ત થયા પછી લાહોર ગયા અને ખેડૂત આંદોલનમાં જોડાઈ ગયા.

પોતાની આત્મકથા ‘બરીડ અલાઇવ’માં અજિતસિંહ લખે છે, “હું 1908માં સૂફી અંબાપ્રસાદ અને ત્રણ અન્ય લોકોની સાથે ભારતથી ફારસ (હવે ઈરાન) જતો રહ્યો.”

“તે સમયે દેશ છોડવા માટે પાસપૉર્ટની કશી જરૂર નહોતી પડતી. અમે કરાચીથી સરળતાથી એક જહાજ પકડ્યું, જે બુશહર માટે રવાના થયું. તે પર્શિયન ક્રાંતિનો સમય હતો.”

‘વ્હેન ટૂ સ્ટ્રીમ્સ મેટ’ પુસ્તકના લેખકોમાંના એક ભરત ડોગરા કહે છે કે સૂફી અંબાપ્રસાદ હિંદુ-મુસ્લિમ એકતાના સમર્થક હતા અને અવારનવાર અજિતસિંહના ઘરે જતા-આવતા હતા.

પરંતુ બંને માટે જ્યારે ભારતમાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું અને મનમાં ધરપકડની બીક પેસી ગઈ, ત્યારે તે બંને ઈરાન જતા રહ્યા, જ્યાં તેમણે દેશનિકાલમાં પણ પોતાનું કામ ચાલુ રાખ્યું.

તેઓ કહે છે કે જ્યારે અજિતસિંહે તુર્કી જવું પડ્યું, ત્યારે ઈરાનમાં મોટા ભાગનું કામ અંબાપ્રસાદના ખભે આવી ગયું.

તે સમયે બ્રિટિશર્સ પણ ઈરાન પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા હતા. અંબાપ્રસાદે ઈરાનમાં નિર્વાસન દરમિયાન એક અખબાર પણ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું.

ઈરાન અને બલૂચિસ્તાનમાંથી હુમલાની તૈયારી

બીબીસી ગુજરાતી અંગ્રેજો આઝાદીની લડાઈ ગદરી ઈરાન ગદર પાર્ટી

ઇમેજ સ્રોત, Desh Bhagat Yadgar Committee, Jalandhar

કૅનેડા અને અમેરિકામાં રહેતા ભારતીય પ્રવાસીઓએ 1913માં ગદર પાર્ટીની રચના કરી.

ગદર પાર્ટી એક રાજકીય પક્ષ હતી, જેણે સામ્રાજ્યવાદ વિરુદ્ધ સશસ્ત્ર ક્રાંતિની ઘોષણા કરી અને પૂર્ણ સ્વતંત્રતાની માગ કરી. તેના સંસ્થાપક સોહનસિંહ ભકના હતા. પાર્ટીનું મુખ્ય કાર્યાલય સૅન ફ્રાન્સિસ્કોમાં હતું.

પુસ્તક ‘હિસ્ટરી ઑફ ધ ગદર પાર્ટી’ અનુસાર, ગદર પાર્ટીએ ડૉક્ટર ખાનખોજે, બિશનદાસ કોચ્છડ નૂરમહલ, કિદારનાથ હરિયાણા (હોશિયારપુર જિલ્લો), ભાઈ બસંતસિંગ ચોંદા (પટિયાલા), ભાઈ હરનામસિંહ, ઋષિકેશ લઢ્ઢા (મહારાષ્ટ્ર) અને અમીન ચૌધરી (બંગાળ)ને મેસોપોટેમિયા (ઇરાક) અને ઈરાનમાં કામ કરવા માટે મોકલ્યા હતા.

“આ ગદરી ગ્રીસના રસ્તે કૉન્સ્ટેન્ટિનોપલ (વર્તમાન ઇસ્તંબુલ) પહોંચ્યા અને ભારતીય સમિતિના નેતૃત્વમાં મેસોપોટેમિયા અને ઈરાનના મોરચામાં ઝંપલાવી દીધું.”

પૂર્વ પ્રોફેસર હરીશ પુરી પોતાના પુસ્તક ‘ગદર મૂવમેન્ટ: એ શૉર્ટ હિસ્ટરી’માં લખે છે કે ડૉક્ટર ખાનખોજેએ પોતાની સ્મૃતિઓમાં લખ્યું છે કે ગદર આંદોલનના ક્રાંતિકારીઓએ ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ બહારથી હુમલા શરૂ કરવાની એક યોજના ઘડી હતી.

પુરી લખે છે, “ખાનખોજેએ, જેમણે અમેરિકામાં સેન્ય તાલીમ મેળવી હતી, ઈરાન (ફારસ) અને બલૂચિસ્તાન થઈને ભારતમાં પ્રવેશવાની અને યુદ્ધ શરૂ કરવાની યોજના બનાવી.”

પૉલિટિકલ સાયન્સના સેવાનિવૃત્ત પ્રોફેસર પીએસ ભોગલ કહે છે કે તે સમયે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઈ રહ્યું હતું અને ગદરીઓએ જર્મનીની મદદ લેવાનું વિચાર્યું હતું.

જર્મની પાસેથી મળેલી મદદ વિશે તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ‘ગદર મૂવમેન્ટ, એ ફૉરગૉટન સ્ટ્રગલ’માં રાણા પ્રીત ગિલ લખે છે, “પહેલી ટુકડી, જેમાં 15 લોકો સામેલ હતા અને જેનું નેતૃત્વ વિલ્હેલ્મ વાસમુસ કરતા હતા, 6 સપ્ટેમ્બર 1914એ બર્લિનથી તુર્કી માટે રવાના થઈ.”

તેઓ આગળ લખે છે, “એ દિવસોમાં ઈરાનનું રાજકીય મહત્ત્વ ખૂબ જ હતું, કેમ કે, તેના ક્ષેત્રમાંથી પસાર થયા વિના કોઈ પણ અભિયાન પૂરું નહોતું કરી શકાતું.”

“એટલા માટે કે, ગોળા-બારૂદ હવામાં નહોતા ફેંકી શકાતા અને એટલે સુધી કે મિલિશિયા (નાગરિક યોદ્ધા) વાયરલેસ રેડિયો જેવી આધુનિક તકનીકોમાં પારંગત નહોતા.”

“પરંતુ ઈરાન અંગ્રેજો અને રશિયનોથી આશંકિત હતું. તેમની અને તુર્કો વચ્ચે મિત્રતા નહોતી. પરંતુ જર્મની માટેનું તેમનું વલણ સહાનુભૂતિભર્યું હતું. ડેમૉક્રૅટિક પાર્ટી અને કેટલાક કબીલાના સરદારોને જર્મનો માટે સહાનુભૂતિ હતી.”

રાણા ગિલ આગળ લખે છે, “વાસમુસના મિશન દરમિયાન જર્મનોના કૅપ્ટન ઑસ્કર ફૉન નીડરમાયરના નેતૃત્વમાં કાબુલ માટે એક બીજું મિશન મોકલવામાં આવ્યું. આ મિશનનો મુખ્ય હેતુ અફઘાનિસ્તાનના અમીરને ભારત પર હુમલો કરવા માટે મનાવવાનો હતો.”

“આ મિશન 5 ડિસેમ્બર 1914એ ઇસ્તંબુલથી રવાના થયું અને અલેપ્પોમાં વાસમુસને મળ્યું. ત્યાંથી બંને સાથે મળીને બગદાદ તરફ આગળ વધ્યા અને જાન્યુઆરી 1915ના મધ્યમાં ત્યાં પહોંચ્યા.”

આઝાદીનું સપનું અને નિરાશા

બીબીસી ગુજરાતી અંગ્રેજો આઝાદીની લડાઈ ગદરી ઈરાન ગદર પાર્ટી

ઇમેજ સ્રોત, @MIB_India and PIB

‘હિસ્ટરી ઑફ ધ ગદર પાર્ટી’ પુસ્તકમાં આપવામાં આવેલા સંદર્ભો અનુસાર, ગદરીઓની રણનીતિ એ હતી કે ઈરાની જનતાને સ્થાનિક બ્રિટિશ-સમર્થક સરકાર વિરુદ્ધ ઊભી કરીને બલૂચિસ્તાનની દિશામાં આગળ વધવામાં આવે.

વિદ્રોહને બલૂચિસ્તાનથી આગળ પંજાબ સુધી ફેલાવવાનો હતો.

બગદાદ, બસરા અને બુશહરમાં ગદરીઓએ બ્રિટિશ સેનાના હિંદી સૈનિકોમાં વિદ્રોહ માટે પ્રચાર શરૂ કર્યો.

સહનસરા આગળ લખે છે, “આ દરમિયાન યુદ્ધની દિશા બદલાવા લાગી, તુર્કીની હાર થઈ અને બગદાદ પર અંગ્રેજોનો કબજો થઈ ગયો. ગદરી સેનાની જીત અહીં જ અટકી ગઈ. આ ગદરી સેનાનું સમર્થન સમાપ્ત થઈ ગયું હતું.”

ભોગલ કહે છે, “જર્મન ગઠબંધન હારી ગયું અને બીજી તરફ ગદરીઓને પણ પકડી લેવામાં આવ્યા.”

રાણા પ્રીત ગિલ લખે છે, “જાન્યુઆરી 1916માં ખાનખોજે અને તેમના કેટલાક સાથીઓ સ્થાનિક કબીલાના સરદાર બહરામ ખાન બમ્પૂરી સાથે વાતચીત કરવા માટે બમ્પૂરી ગયા, જેમણે પહેલાં તેમના ઉદ્દેશ માટે નિષ્ઠા દર્શાવી હતી, પરંતુ તેમને એ ખબર નહોતી કે અંગ્રેજો તેમની યોજના જાણી ગયા હતા.”

“બ્રિટને કાર્યવાહી કરી અને બમ્પૂરી સહિત ક્ષેત્રમાંના ઘણા કબીલા સરદારોને પોતાના પક્ષમાં કરી લીધી હતા. જ્યારે ખાનખોજે અને તેમના સાથી બમ્પૂરીને મળવા ગયા, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો, પરંતુ તેઓ કોઈક રીતે બચીને નીકળી જવામાં સફળ રહ્યા.”

તેઓ આગળ લખે છે, “ભાગતા સમયે ખાનખોજે પકડાઈ ગયા, જ્યારે તેમના અન્ય સાથીની ધરપકડ કરી લેવામાં આવી. માત્ર થોડાક જ લોકો બચીને શિરાઝ પાછા જઈ શક્યા. એ સમય સુધીમાં ઈરાનમાં જર્મન પ્રભાવ ધીમે-ધીમે ઘટવા લાગ્યો હતો.”

હરીશ પુરી કહે છે, “ડૉક્ટર ખાનખોજે અમેરિકાથી ઈરાન પહોંચ્યા હતા. તેમને આશા હતી કે જર્મન સમિતિની મદદથી તેઓ લોકોને સંગઠિત કરશે અને અફઘાનિસ્તાનના માર્ગે ભારત પર હુમલો કરશે.”

“તેમને ખૂબ જ આશા હતી, આ લોકોએ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને સારાં સપનાં જોયાં હતાં, પરંતુ તેઓ હકીકતથી થોડાક પાછળ રહી ગયા.”

ભરત ડોગરા અનુસાર, “ઘણા સ્વાતંત્ર્ય સેનાની પોતાની સુરક્ષા માટે ઈરાન જતા રહેતા હતા અને ત્યાંથી લડત ચાલુ રાખતા હતા. શિરાઝમાં એક અથડામણ પછી અંબાપ્રસાદે પોતાના ડાબા હાથમાં રિવૉલ્વર લઈને હુમલાખોરોનો સામનો કર્યો. તેઓ ખૂબ જ બહાદુરીથી લડાઈ લડ્યા, પરંતુ આખરે પકડાઈ ગયા અને જેલમાં પૂરી દેવાયા.”

“તેમને મૃત્યુની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ જેલમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. ઈરાનમાં તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ઈરાનમાં તેમના સન્માનમાં બનાવવામાં આવેલા એક સ્મારક પર આજે પણ ઘણા બધા લોકો જાય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS