Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
બૉમ્બે હાઇકોર્ટે 2006ના માલેગાંવ બ્લાસ્ટ કેસના ચાર આરોપીઓને બુધવાર, 22 એપ્રિલના રોજ ડિસ્ચાર્જ (આરોપમુક્ત) કર્યા હતા. મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા આ વિસ્ફોટોમાં 31 લોકો મૃત્યુ પામ્યા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.
અદાલતે જણાવ્યું હતું કે આરોપીઓ સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા નથી.
કોર્ટેના જણાવ્યા મુજબ, વિસ્ફોટોની તપાસ કરનારી બે એજન્સીઓ – નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) અને ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (એટીસી)એ “એકમેકથી તદ્દન વિરોધી વિગત” રજૂ કરી હતી.
આરોપીઓ સામેના કેસમાં “વિરોધાભાસ” હોવાનું પણ અદાલતે જણાવ્યું હતું.
ડિસ્ચાર્જ આરોપનામું દાખલ થયા પછીની પ્રક્રિયા છે. અદાલત આરોપનામું ચકાસે છે અને નક્કી કરે છે કે આરોપીઓ સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે કે નહીં.
અદાલતને પહેલી નજરે પૂરતા પુરાવા ન મળે તો તે આરોપીઓને ડિસ્ચાર્જ કરી દે છે. આ રીતે લગભગ 20 વર્ષ અને ત્રણ એજન્સીઓની તપાસ પછી બૉમ્બવિસ્ફોટનો આ કેસ ફસડાઈ પડ્યો છે. આ સાથે પ્રસ્તુત કેસમાં હવે કોઈ આરોપી રહ્યો નથી.
એટીએસ અને સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ આરોપ મૂક્યો હતો કે આ અપરાધ નવ મુસ્લિમ પુરુષોએ કર્યો હતો, જ્યારે એનઆઇએએ તેનાથી બિલકુલ અલગ વલણ અપનાવતાં ચાર હિન્દુ પુરુષો પર વિસ્ફોટ કરવાનો આરોપ મૂક્યો હતો.
વિસ્ફોટના દિવસે શું થયું હતું?
ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના માલેગાંવમાં 2006ની 8 સપ્ટેમ્બરે ચાર વિસ્ફોટ થયા હતા. એ શબ-એ-બરાતનો દિવસ હતો. શબ-એ-બરાત રમજાનના બે સપ્તાહ પહેલાં આવતો ઇસ્લામ ધર્મનો એક પવિત્ર દિવસ છે.
મહારાષ્ટ્રની એટીએસએ ઑક્ટોબર 2006માં આ ઘટનાની તપાસ શરૂ કરી હતી. નવ મુસ્લિમ પુરુષોની ધરપકડ કરાઈ હતી અને તેમના પર ભારતીય દંડ સંહિતા, ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) ઍક્ટ અને હત્યા તથા આતંકવાદ સહિતના અન્ય કાયદાઓની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા.
એટીએસનું કહેવું હતું કે આરોપીઓ હવે પ્રતિબંધિત સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમૅન્ટ ઑફ ઇન્ડિયા (સીમી)ના સભ્ય હતા અને સરકાર તોડી પાડવા માટે વિદ્રોહ કરાવવા ઇચ્છતા હતા. એજન્સીએ આરોપ મૂક્યો હતો કે આરોપીઓ પૈકીના બે આતંકવાદી ગતિવિધિની તાલીમ લેવા માટે પાકિસ્તાન ગયા હતા.
એટીએસના જણાવ્યા મુજબ, આ લોકો મુસ્લિમોના બાહુલ્યવાળા વિસ્તારમાં બૉમ્બવિસ્ફોટ કરવા ઇચ્છતા હતા, જેથી “મુસ્લિમોને ઉશ્કેરીને હુલ્લડ કરાવી શકાય.” બે આરોપીઓએ બૉમ્બ બનાવવા માટે 20 કિલો આરડીએક્સ પ્રાપ્ત કર્યું હતું અને વિસ્ફોટ માટે હિન્દુ દુકાનદારો પાસેથી સાઇકલ ખરીદી હોવાનું એટીએસે જણાવ્યું હતું. ફેબ્રુઆરી 2027માં સીબીઆઇએ પણ આ કેસની તપાસ શરૂ કરી હતી અને પૂરક આરોપનામું દાખલ કર્યું હતું.
માલેગાંવ કેસમાં ક્યારે વળાંક આવ્યો?
ઇમેજ સ્રોત, Getty Images
એ પછી આ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો.
2010માં સીબીઆઇ હૈદરાબાદના 2007ના બૉમ્બવિસ્ફોટ કેસની તપાસ કરી રહી હતી ત્યારે નબાકુમાર સરકારે (જેમને સ્વી અસીમાનંદ પણ કહેવામાં આવે છે) એવું નિવેદન આપ્યું હતું કે માલેગાંવ વિસ્ફોટ હિન્દુઓએ કર્યા હતા. થોડા સમય પછી તેમણે એવું કહ્યું હતું કે તેમણે એ નિવેદન દબાણ હેઠળ આપ્યું હતું.
એ પછી એપ્રિલ 2011માં કેન્દ્ર સરકારે આગળની તપાસ કરવા એનઆઇએને આદેશ આપ્યો હતો.
એનઆઇએએ બે વર્ષ પછી આરોપનામું દાખલ કર્યું હતું અને આ કેસમાં ચાર હિન્દુ પુરુષોને આરોપી બનાવીને તેમની ધરપકડ કરી હતી.
એનઆઇએના આરોપનામા મુજબ, અસીમાનંદે એવું જણાવ્યું હતું કે આરોપીઓ પૈકીના એકે તેમને કહ્યું હતું કે માલેગાંવના વિસ્ફોટ “ઉસકે લડકોં કા કામ” હતા. માલેગાંવની પસંદગી “યોગ્ય સ્થળ” તરીકે કરાઈ હતી, કારણ કે “ત્યાં 86 ટકા વસ્તી મુસ્લિમ” હતી.
એનઆઇએએ એવું પણ જણાવ્યું હતું કે એટીએસે જે મુસ્લિમ પુરુષોને આરોપી ગણાવ્યા હતા તેમની પાસે “દબાણ હેઠળ” કબૂલાત કરાવવામાં આવી હતી અને હવે તેઓ તેમનાં કબૂલાતનામાં પાછા લઈ રહ્યા છે.
એનઆઇએના આરોપનામાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્રની એક સેશન્શ કોર્ટે 2016માં નવ મુસ્લિમોને એવું કહીને ડિસ્ચાર્જ કર્યા હતા કે તેમને “માત્ર શંકાના આધારે” આરોપી બનાવવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ હતી કે આ નવ મુસ્લિમ પુરુષોને મુક્ત કરવાનો એટીએસે વિરોધ કર્યો હતો, જ્યારે એનઆઇએએ તેનું સમર્થન કર્યું હતું.
એટીએસે તે નિર્ણય સામે અપીલ દાખલ કરી હતી, જે અત્યારે વિચારાધીન છે.
એ દરમિયાન મહારાષ્ટ્રની એક કોર્ટે સપ્ટેમ્બર 2025માં ચાર હિન્દુ પુરુષો પર આરોપ મુક્યા હતા. તેમણે એ આદેશને પડકારતાં બૉમ્બે હાઇકોર્ટમાં ડિસ્ચાર્જ કરવાની માગ સાથેની અપીલ કરી હતી. તે અપીલ સંબંધી ચુકાદો આ વર્ષે 22 એપ્રિલે આપવામાં આવ્યો હતો.
એનઆઇએના વકીલે એવી દલીલ કરી હતી કે આરોપ નક્કી કરવાનો આદેશ “નક્કર તર્ક પર આધારિત” હતો અને હાઇકોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવો ન જોઈએ.
જોકે, આરોપીઓના વકીલે એવી દલીલ કરી હતી કે એનઆઇએ તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવા “કાયદેસર સ્વીકાર્ય નથી” અને કેસ ચલાવવા માટે પૂરતા નથી. એનઆઇએ “આગળની તપાસ”ના નામે સંપૂર્ણપણે “નવેસરથી અને તાજી તપાસ” કરી શકે નહીં, એવું પણ આરોપીઓના વકીલે જણાવ્યું હતું.
તપાસમાં વિલંબ
ઇમેજ સ્રોત, ANI
અદાલતે સ્વીકાર્યું હતું કે ચાર લોકો સામેના પુરાવા સ્વીકાર્ય નથી. અદાલતે જણાવ્યું હતું કે એનઆઇએનો કેસ સંપૂર્ણપણે “સાંયોગિક પુરાવા” પર આધારિત હતો, જેમાં મુખ્યત્વે આરોપીઓ અને અસીમાનંદનાં કબૂલાતનામાં તેમજ એટીએસ તથા સીબીઆઇએ અગાઉ જેમની ધરપકડ કરી હતી તે આરોપીઓનાં નિવેદનો સામેલ હતાં.
અદાલતે જણાવ્યું હતું કે એનઆઇએ દ્વારા ટ્રાયલમાં થયેલા વિલંબની અસર પુરાવાની મજબૂતી પર પડી હતી.
ભારતીય કાયદા હેઠળ, પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓના નિવેદનને, તેની પાસેથી નવા પુરાવા મળી આવે ત્યારે જ વિશ્વસનીય ગણી શકાય છે. એનઆઇએએ દલીલ કરી હતી કે ચાર આરોપીઓનાં નિવેદનોથી તે “બૉમ્બવિસ્ફોટનું આયોજન તથા તૈયારી કરવામાં આવી હતી” એ સ્થળ સુધી પહોંચી શકી હતી.
અદાલતે જણાવ્યું હતું કે આ કેસમાં આરોપીઓનાં નિવેદનો પર આધાર રાખી શકાય નહીં, કારણ કે વિસ્ફોટનાં છ વર્ષ પછી જપ્તી થઈ હતી. એ ઉપરાંત જપ્તી કોઈ ખાનગી સ્થળેથી નહીં, પરંતુ જાહેર જનતા માટે સુલભ સ્થાન પરથી કરાઈ હતી.
એ સિવાય એનઆઇએએ જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ માટે “ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પરેડ” કરવામાં આવી હતી.
ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પરેડ આરોપીઓની ઓળખ સ્થાપિત કરવાની પ્રક્રિયા છે. તેમાં અનેક લોકો હોય છે, જે બધા આરોપી હોતા નથી, પરંતુ એક સાક્ષી તેમાંથી આરોપીને જોયો હોવાનો દાવો કરે છે.
અદાલતે નોંધ્યું હતું કે એનઆઇએએ આ પરેડમાં ખૂબ વિલંબ કર્યો હતો. ઘટનાનાં “છ વર્ષ પછી કરાવેલી પરેડનું કોઈ પ્રમાણિક મહત્ત્વ હોતું નથી.” અદાલતે એમ પણ જણાવ્યું હતું કે ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પરેડ પોતે કોઈ નક્કર પુરાવો હોઈ ન શકે.
અસીમાનંદની જુબાની
ઇમેજ સ્રોત, Sant Arora/Hindustan Times via Getty Images
અદાલતના જણાવ્યા મુજબ, તે અસીમાનંદની જુબાની પર ભરોસો કરી શકે નહીં.
અદાલતે નોંધ્યું હતું કે અજમેર અને હૈદરાબાદની નીચલી અદાલતોએ પણ તેમના નિવેદનને સ્વૈચ્છિક ગણ્યા ન હતા. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એનઆઇએની ચાર્જશીટમાં તેમને સાક્ષી તરીકે પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યા ન હતા.
કોર્ટે કહ્યું હતું કે “અપીલકર્તાઓ પૈકીની એકેય વ્યક્તિ બૉમ્બવિસ્ફોટમાં સામેલ હતી, એવું કહેવા કોઈ એનઆઇએ સમક્ષ આવ્યું નથી.”
તપાસમાં વિરોધાભાસ

કોર્ટે એનઆઇએ અને એટીએસ દ્વારા રજૂ કરવામાં આવેલા કેસમાં અનેક વિરોધાભાસો પણ દર્શાવ્યા હતા.
અદાલતે તેના આદેશમાં જણાવ્યું હતું કે “એનઆઇએએ સંપૂર્ણપણે નવી કહાણી રજૂ કરી છે કે અપીલકારોએ અને અન્ય આરોપીઓએ લોકોમાં આતંક ફેલાવવાના ઇરાદાથી આતંકવાદી કૃત્ય કરવાનું ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.”
“એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે એનઆઇએએ મુખ્યત્વે અપીલકારોનાં કબૂલાતનામાં અને ઘટના સ્થળેથી મળેલા મુદ્દામાલ સંબંધી નિવેદનોને આધારે પોતાની ફરિયાદની કથા ઘડી હતી,” એમ અદાલતે જણાવ્યું હતું.
એનઆઇએએ જણાવ્યું હતું કે આરોપીઓએ, તેઓ માલેગાંવમાં બસમાંથી જ્યાં ઊતર્યા હતા અને જ્યાં બૉમ્બ મૂક્યા હતા એ સ્થળોની ઓળખ કરાવી હતી. તેમણે બૉમ્બ બનાવવાની તાલીમ જે ટ્રેનિંગ કૅમ્પમાં આપવામાં આવી હતી, એ સ્થળ પણ આરોપીઓએ દેખાડ્યું હતું.
અદાલતના કહેવા મુજબ, એટીએસએ એવું જણાવ્યું હતું કે એક મુસ્લિમ પુરુષે બૉમ્બ મૂક્યા હતા, જ્યારે એનઆઇએએ એવું જણાવ્યું હતું કે એ જ પુરુષ વિસ્ફોટના દિવસે ઘટનાસ્થળથી 400 કિલોમીટર દૂર હતો.
એટીએસએ દાવો કર્યો હતો કે વિસ્ફોટો માટે એક મુસ્લિમ પુરુષે સાઇકલો ખરીદી હતી, જ્યારે એનઆઇએએ જણાવ્યું હતું કે આ કામ હિન્દુ આરોપીઓ પૈકીના એકે કર્યું હતું. કોર્ટના જણાવ્યા મુજબ, એનઆઇએ દ્વારા રજૂ કરેલાં તથ્યો “કથિત પુરાવા” પર આધારિત હતાં.
કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે એનઆઇએએ એટીએસ દ્વારા રજૂ કરવામાં આવેલા ફૉરેન્સિક રેકૉર્ડ જેવા અન્ય ઘણા પુરાવાઓની “સંપૂર્ણપણે અવગણના” કરી હતી.
“કેસ હવે બંધ ગલીમાં પહોંચતો દેખાય છે,” એમ જણાવતાં કોર્ટે ઉમેર્યું હતું કે “એટીએસ અને એનઆઇએની ચાર્જશીટ્સમાં રજૂ કરાયેલી વિરોધાભાસી વાર્તાઓથી દિશાહીન લાગે છે.”
બૉમ્બે હાઇકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવેલા ચાર આરોપીઓ 2019થી જામીન પર મુક્ત હતા.
પ્રસ્તુત મામલામાં હવે એક જ કેસ પૅન્ડિંગ છે અને તે 2016માં નિર્દોષ જાહેર કરવામાં આવેલા નવ મુસ્લિમ પુરુષો સામેની એટીએસની અપીલ છે.
અદાલતોએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા બૉમ્બવિસ્ફોટ કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. માલેગાંવ બૉમ્બવિસ્ફોટ કેસના સાતેસાત આરોપીઓને જુલાઈ, 2008માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
તેમાં કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને લશ્કરી અધિકારી શ્રીકાંત પ્રસાદ પુરોહિતનો સમાવેશ થાય છે.
એ જ મહિને બૉમ્બે હાઇકોર્ટે 7/11 બૉમ્બવિસ્ફોટ કેસના તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. એ ઘટના 2006માં મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા અનેક બૉમ્બવિસ્ફોટ સંબંધી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



