Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત 2 કલાક પહેલા
વાંચવાનો સમય: 5 મિનિટ
છેલ્લાં નવ વર્ષમાં ચીનની મુલાકાત લેનારા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ અમેરિકન પ્રમુખ છે.
અત્યારે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો એટલા હૂંફાળા નથી રહ્યા અને અમેરિકા ઈરાન સાથે યુદ્ધમાં ફસાયેલું છે, તે સ્થિતિમાં આ મુલાકાત ગોઠવાઈ છે.
બીજી તરફ, ચીન સાથેના ભારતના સંબંધો પણ એટલા વિશ્વાસપાત્ર નથી.
ટેરિફને લઈને મહિનાઓ સુધી ચાલેલો તણાવ, વ્યૂહાત્મક હરીફાઈ અને તીખાં નિવેદનો બાદ આ મુલાકાત યોજાઈ છે. અને તેમ છતાંયે, ટ્રમ્પે શી જિનપિંગને મહાન નેતા અને મિત્ર ગણાવીને ઉષ્માપૂર્ણ વ્યવહાર દર્શાવ્યો હતો.
તેના પરથી એવો સંદેશો જાય છે કે, વિશ્વની બે વિશાળ સત્તાઓ વધુ સ્થિર સંબંધો ઇચ્છે છે.
ચીન અને અમેરિકા વચ્ચેની આ ઉષ્માને ભારત વિરુદ્ધ ન જોઈ શકાય, પણ તેની અસર સમજી શકાય છે.
ચીન અને અમેરિકા વચ્ચે સંતુલન જાળવવાનો ભારતનો પ્રયાસ હોય છે. અને સાથે જ – એક સાથેનો સંબંધ બીજાની વિરુદ્ધ છે, એવો સંદેશો ન જાય, તેની તકેદારી રાખવાનો પણ તેનો પ્રયાસ રહે છે.
ચીન અને અમેરિકા, બંને ભારતના મહત્ત્વના વ્યાપાર ભાગીદારો છે અને ભારત ઘણા બધા મામલે આ બંને દેશો પર નિર્ભર છે.
ભારત બહુધ્રુવીય વિશ્વની અને બહુધ્રુવીય એશિયાની હિમાયત કરે છે. વિશ્વમાં અમેરિકાનો દબદબો છે, તો એશિયામાં ચીનનો દબદબો છે. આથી, ભારતે બંને સ્થિતિમાં સંતુલન સાધવું પડે છે.
આ તમામ સ્થિતિની વચ્ચે, ટ્રમ્પના ચીન પ્રવાસને કેવી રીતે જોવો જોઈએ?
ભારત ઉપર અસર
ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયા ટુડેના વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ સાથે વાત કરતાં વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ કહ્યું હતું, “ટ્રમ્પે કમજોર સ્થિતિ સાથે બીજિંગ ગયા છે. આ પાછળનું એક કારણ ઈરાન સાથેનું તેમનું યુદ્ધ છે, જે સામેથી વહોરેલી નિષ્ફળતામાં પરિણમ્યું છે. તેમાં અમેરિકા એક ઘણી નબળી સત્તા સામે ગૂંચવાઈ ગયું છે. આ યુદ્ધે અમેરિકાનાં મહત્વનાં શસ્ત્રોનો ભંડાર ખાલીખમ કરી દીધો છે.”
“ઈરાને મધ્યપૂર્વમાં અમેરિકાનાં સ્થાનો અને રડાર ઇન્સ્ટૉલેશન્સને નુકસાન પહોંચાડ્યું છે. આ યુદ્ધે અમેરિકાની ઘેરી નબળાઈઓને પણ ઉઘાડી પાડી દીધી છે. આ તમામને લીધે તાઈવાન અને જાપાન ઉપરાંત દક્ષિણ કોરિયા જેવાં અમેરિકાનાં અન્ય સાથી રાષ્ટ્રોમાં ચીન સાથેના સંભવિત સંઘર્ષ માટેની અમેરિકાની સજ્જતાને લઈને શંકા ઉદ્ભવી છે.”

ચેલાનીએ જણાવ્યું હતું, “અમેરિકા હજુયે ચાઇનીઝ આગતો (ઇનપુટ્સ) ઉપર નભે છે, ખાસ કરીને રેર અર્થ્સના મામલે. અને ચીને બતાવી દીધું છે કે, તે આ નિર્ભરતાને હથિયાર બનાવી શકે છે. આ જ પૃષ્ઠભૂમિ ઉપર ટ્રમ્પે તેમની ચીન માટેની નીતિમાં નાટ્યાત્મક યૂ-ટર્ન લીધો છે. તેમની નીતિ હવે ઘર્ષણને બદલે સમજૂતી તરફ વળી ગઈ છે.”
“ટ્રમ્પની ચીન માટેની નીતિમાં આ મોટું પરિવર્તન છે. ભારતનો સવાલ છે તો ટ્રમ્પની ચીન નીતિમાં આ મૂળભૂત ફેરફાર ચીન સામે એક સંભવિત અવરોધક તરીકે ભારતનું મહત્ત્વ ઘટાડે છે. તેનું એક પરિણામ એ છે કે, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જાપાન અને ભારતને આવરી લેતું ક્વોડ વ્યૂહાત્મક અપ્રસ્તુતતા તરફ આગળ ધપી રહ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, ક્વોડ દિશાહીન થઈ ગયું છે.”
ચીનના મામલામાં અમેરિકા માટે ભારતનું મહત્ત્વ
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા ઘણા લાંબા સમયથી ચીનનો સામનો કરવા માટે ભારતને મહત્ત્વના દેશ તરીકે જોતું આવ્યું છે, પણ ઘણા નિષ્ણાતોનું માનવું છે કે, ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન આ દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે.
થિન્ક ટેન્ક બ્રૂકિંગ્ઝ ઇન્સ્ટિટ્યૂશન ખાતેનાં સિનિયર ફેલો તન્વી મદાને આ વર્ષે માર્ચમાં કાર્નેગી એન્ડોમેન્ટમાં લખ્યું હતું,”ચીન સાથેનો ભારતનો સંબંધ તેનો આગવો વ્યૂહાત્મક તર્ક ધરાવે છે. તે તર્ક મોટા પાયે અમેરિકન નીતિથી સ્વતંત્ર રહ્યો છે. તેમ છતાં, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઘરેલુ તથા વૈશ્વિક સ્તર પર અપનાવેલું વલણ ભારત અને ચીન, બંને પ્રત્યે એવા વાતાવરણને પ્રભાવિત કરે છે, જેમાં ભારતે ચીન સાથેના તેના સંબંધોનું વ્યવસ્થાપન કરવું પડે છે.”
મદાને લખ્યું હતું, “તેમની બીજી ટર્મ દરમિયાન ટ્રમ્પે એક તરફ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વ્યૂહાત્મક સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો છે, પણ બીજી તરફ ભારતની વ્યૂહાત્મક સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે તથા ચીન સાથે હરીફાઈ કરવાની ભારતની ક્ષમતાનાં અમુક પાસાંઓને સીમિત પણ કરી દીધાં છે.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાત લીધી હતી અને ખાસ કરીને ચીનના પ્રમુખ શી જિનપિંગ તથા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેના તેમના ફોટોગ્રાફ્સ અમુક હદે ટ્રમ્પ અને અમેરિકન એસ્ટાબ્લિશમેન્ટને એ સંકેત આપવા માટે પણ હતા કે, ભારત પાસે બીજા વિકલ્પો મોજૂદ છે.
આ તસવીરો પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું, “એવું લાગે છે કે, અમે ભારત અને રશિયાને ચીનના પક્ષે સાવ ગુમાવી દીધા. મને આશા છે કે તેમનું સહિયારું ભવિષ્ય લાંબું અને સમૃદ્ધ રહે!”
ભારત વિરુદ્ધના ટ્રમ્પના ધરખમ ટેરિફે મોદી સરકારને ચીન સાથેના સંબંધો સ્થિર કરવા માટે પ્રેરી. ભારતે અમેરિકન બજાર પરના તેના વ્યાપક અવલંબનને ઘટાડવા માટે તેની નિકાસો ચીન સહિતનાં બજારો તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્ન હેઠળ ભારતે ઘણા દેશો સાથે મુક્ત વેપાર સંધિ કરી છે.
મદાન લખે છે, “અમેરિકા-ભારત વચ્ચેના સંબંધોમાં વધી રહેલી તંગદિલી અને ચીન સાથે સમાધાન સુધી પહોંચવાની ટ્રમ્પની દેખાઈ રહેલી ખેવનાએ અમેરિકાની વિશ્વસનીયતા વિશે નવી દિલ્હીમાં શંકા જન્માવી હોવાની શક્યતા છે. સાથે જ જો ભારત-ચીન વચ્ચે સંકટની સ્થિતિ ઉદ્ભવે, તો વૉશિંગ્ટન કેવી પ્રતિક્રિયા આપશે, તેને લઈને પણ સવાલો ઊઠ્યા છે. આ પ્રકારની સ્થિતિ સરહદે કટોકટીની સ્થિતિ ખાળવાની ભારતની ઇચ્છાને વધુ મજબૂત બનાવે છે.”
ભારતની ચિંતા
ઇમેજ સ્રોત, Getty Images
ભારત-અમેરિકાના સંબંધોના જાણીતા વિદ્વાન એશ્લે ટેલિસ અમેરિકન સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય માટે કામ કરી ચૂક્યા છે.
ઑક્ટોબર, 2025માં એશ્લે ટેલિસ દ્વારા લખવામાં આવેલો એક સવિસ્તર લેખ કાર્નેગી એન્ડોમેન્ટની વેબસાઇટ ઉપર પ્રકાશિત થયો હતો. આ લેખમાં તેમણે ભારત તરફના ટ્રમ્પના વલણ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.
ટેલિસે લખ્યું હતું, “ટ્રમ્પના તાજેતરના વર્તન દ્વારા ઉદ્ભવેલી અનિશ્ચતતાઓ સ્વાભાવિકપણે ભારતને વિચલિત કરે છે અને સંભવતઃ તેને અમેરિકા સાથે નિકટતાપૂર્ણ ભાગીદારી તરફ આગળ વધતાં અટકાવે છે. દેખીતી રીતે જ તે ભારતના લાંબા ગાળાના હિતમાં પણ છે.”
“પણ હકીકત એ છે કે, અમેરિકા સાથે સહકાર કરવો પણ સંપૂર્ણપણે તેના પ્રભાવમાં ન આવવા અંગેનો ભારતનો ખચકાટ ટ્રમ્પ કરતાંયે ઘણા સમય પહેલાંનો છે. આ બાબત ભારતની ઊંડી સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક જટિલતાઓમાં રહેલી છે. અને આ બાબત ખુદ મહાસત્તા બનવાની તેની મહત્ત્વાકાંક્ષા સાથે જોડાયેલી છે.”
ટેલિસે લખ્યું હતું, “ધારો કે, ટ્રમ્પને લઈને ભારતની વર્તમાન ચિંતાઓને સ્વીકારી લેવામાં આવે, તો પણ એ તથ્ય તો રહે જ છે કે, આ ટ્રમ્પની છેલ્લી ટર્મ છે. બીજી તરફ, ચીનને લઈને ભારતની વ્યૂહાત્મક દ્વિધા ઘણી જૂની છે. આથી, અમેરિકા સાથે વિશિષ્ટ ભાગીદારી ઊભી કરવાની જરૂરિયાતને અવગણી શકાય એમ નથી, કારણ કે, ચીનની શક્તિ અને તેનું આક્રમક વલણ ભારત માટે એક વ્યૂહાત્મક જરૂરિયાત છે. ખાસ કરીને એવા સમયે, જ્યારે ભારત આપબળે ચીન સાથે સંતુલન સાધી શકે તેમ નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



