Home તાજા સમાચાર gujrati NEET UGની પરીક્ષા ફરી વાર લેવાશે, નવી તારીખો જાહેર – ન્યૂઝ અપડેટ

NEET UGની પરીક્ષા ફરી વાર લેવાશે, નવી તારીખો જાહેર – ન્યૂઝ અપડેટ

26
0

Source : BBC NEWS

નીટ 2026

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત 15 મે 2026, 08:17 IST

અપડેટેડ 17 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં 3 મેના રોજ લેવાયેલી નીટ યુજીની પરીક્ષામાં ‘પેપરલીક’ની ચર્ચા પછી તેને રદ કરી દેવામાં આવી હતી.

હવે આ પરીક્ષા ફરી વાર લેવામાં આવશે અને તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

નીટ યુજીની પરીક્ષા ફરીથી 21 જૂન, 2026ના રોજ યોજાશે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની એક પોસ્ટમાં એનટીએએ જણાવ્યું હતું કે ઉમેદવારો અને માતાપિતાએ ફક્ત એજન્સીની સત્તાવાર ચેનલો દ્વારા પ્રકાશિત માહિતી પર જ આધાર રાખવો.

એજન્સીએ કોઈપણ અફવાઓ અથવા બિનસત્તાવાર માહિતીથી દૂર રહેવાની સલાહ આપી છે.

એનટીએએ વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર અને ઇમેઇલ પણ બહાર પાડ્યા છે.

ઉમેદવારો neet-ug@nta.ac.in પર સંપર્ક કરી શકે છે. વધુ માહિતી માટે તેઓ 011-40759000 અને 011-69227700 પર પણ સંપર્ક કરી શકે છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવવધારો, ગુજરાતમાં પેટ્રોલનો ભાવ કેટલો થયો?

પેટ્રોલ, ડીઝલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઑઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટરના વધારાની જાહેરાત કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ હવે 94.77 રૂપિયાને બદલે 97.77 રૂપિયા પ્રતિ લિટર મળશે. ડીઝલની કિંમત 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. નવા દરો આજથી એટલે કે શુક્રવારથી જ લાગુ થઈ જશે.

ગુજરાતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ 97.95 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ભાવવધારાથી ડીઝલનો સરેરાશ ભાવ પણ 93.73 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

આ ભાવવધારા બાદ અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

કોલકાતામાં પેટ્રોલ 3.29 રૂપિયા વધીને 108.74 રૂપિયા થઈ ગયું છે જ્યારે ડીઝલના ભાવ 95.13 પ્રતિ લિટર થઈ ગયા છે.

મુંબઈમાં પેટ્રોલ 106.68 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે જ્યારે ડીઝલ 93.14 રૂપિયા થઈ ગયું છે.

ચેન્નાઈમાં પણ પેટ્રોલના ભાવ 100ને પાર થઈ ગયા છે. પેટ્રોલનો નવો ભાવ ત્યાં 103.67 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 95.25 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.

કેન્દ્ર સરકારે સતત કહ્યું છે કે ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ કટોકટીને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠામાં વિક્ષેપ પડ્યો હોવા છતાં, દેશમાં કોઈ ઈંધણની અછત નથી. અત્યાર સુધી, ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો થયો નહોતો.

વડા પ્રધાન મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી યુએઈ, નેધરલૅન્ડ્ઝ, સ્વીડન, નૉર્વે અને ઇટાલીના પ્રવાસે

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી યુએઈ, નેધરલૅન્ડ્ઝ, સ્વીડન, નૉર્વે અને ઇટાલીના પ્રવાસે છે.

તેમનો આ પ્રવાસ 15મેથી 20મે સુધી છ દિવસનો છે.

વિદેશ મંત્રાલયના સચિવ સિબિ જ્યૉર્જે આ અંગે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે આ ઊર્જા સંરક્ષણ તથા ભારતના ઍડવાન્સ ટેકનૉલૉજીના ક્ષેત્રમાં વિકાસને આગળ ધપાવવા માટે આ યાત્રાનું આયોજન થયું છે.

સૌપ્રથમ વડા પ્રઘાન મોદી યુએઈની ટૂંકી મુલાકાતે જશે જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને મળશે.

સિબિ જ્યૉર્જે જણાવ્યું એ અનુસાર, “નેતાઓ દ્વિપક્ષીય સંબંધો, ઊર્જા સહયોગ અને ક્ષેત્રીય સહયોગ અંગે ચર્ચા કરશે. જેમાં ભારતની ઊર્જા આયાતોને સલામત કરવા પર ભાર રહેશે કારણ કે હોર્મુઝ સામુદ્રધુનીના બંધ થવાથી વૈશ્વિક ઊર્જા બજારોને મોટી અસર પડી છે.”

ત્યારબાદ તેઓ સ્વીડન અને નૉર્વેની મુલાકાત લેશે. 18મેના રોજ તેઓ ઇન્ડિયા-નૉર્ડિક સમિટમાં ભાગ લેશે. યાત્રાના અંતભાગમાં તેઓ ઇટાલીની મુલાકાત લેશે.

સરકારે સોનાની ડ્યુટી ફ્રી આયાત પર 100 કિલોની લિમિટ નક્કી કરી

સોનું

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન મોદીએ લોકોને સોનું ન ખરીદવાની કરેલી અપીલ પછી હવે સરકારે ડ્યુટી ફ્રી ગોલ્ડની આયાત પર 100 કિલોગ્રામની લિમિટ નક્કી કરી દીધી છે.

આ નિર્ણય ઍડવાન્સ ઑથોરાઇઝેશન સ્કીમ હેઠળ લેવામાં આવ્યો છે જેના થકી ઘરેણાંના નિકાસકારો કાચો માલ કોઈપણ પ્રકારની ડ્યૂટી વગર આયાત કરી શકતા હતા.

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડે જાહેર કરેલી એક નોટિસમાં જણાવ્યું હતું કે હવે આવી આયાતોની સીમા 100 કિલોગ્રામની કરી દેવામાં આવી છે.

પહેલી વખત આ સ્કીમ હેઠળ કામ શરૂ કરતાં એકમોનું ડીજીએફટીએ સ્થળ પર જઈને ઇન્સ્પેક્શન પણ ફરજિયાત કર્યું છે, જેથી કરીને ઑપરેશનલ સ્ટેટસ અને ક્ષમતાનો ખ્યાલ મેળવી શકાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS