Home તાજા સમાચાર gujrati ભારતમાં 2026નું ચોમાસું નબળું રહેવાની આગાહી પાછળ શું કારણ છે, ગુજરાતના ખેડૂતોએ...

ભારતમાં 2026નું ચોમાસું નબળું રહેવાની આગાહી પાછળ શું કારણ છે, ગુજરાતના ખેડૂતોએ શું સાવચેતી રાખવી પડશે?

10
0

Source : BBC NEWS

હવામાન ખાતાએ 2026નું ચોમાસું નબળું રહેવાની આગાહી કેમ કરી, ગુજરાતના ખેડૂતોએ શું સાવચેતી રાખવી પડશે?

ઇમેજ સ્રોત, Getty Images

  • 7 કલાક પહેલા

  • વાંચવાનો સમય: 7 મિનિટ

સોમવારે, 13 એપ્રિલ 2026ના રોજ ભારતીય હવામાન ખાતાએ વર્ષ 2026ના નૈૠતના ચોમાસા દરમિયાન થનાર વરસાદ વિશે લાંબાગાળાની આગાહી કરતાં જણાવ્યું કે આ વર્ષે ભારતમાં 92 ટકા વરસાદ પડશે.

ભારતીય હવામાન ખાતાએ તેનો વર્તારો જાહેર કર્યો તેના એક અઠવાડિયા પહેલાં એટલે કે 7 એપ્રિલના રોજ સ્કાયમેટ વેધર નામની ખાનગી હવામાન સંસ્થાએ પણ તેના અનુમાનમાં જણાવ્યું હતું કે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન 94 ટકા જ વરસાદ પડશે.

આમ, બે હવામાન એજન્સીઓએ તેમના પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે 2026ના ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવી શક્યતા છે.

ભારતીય હવામાન ખાતાએ ઉમેર્યું છે કે અલ નીનો, ઇન્ડિયન ઓશન ડાઇપોલ અને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં શિયાળા દરમિયાન બરફનું આવરણ ભારતના નૈૠતના ચોમાસાને અસર કરતાં ત્રણ મોટાં પરિબળો છે.

તેમાંથી હાલની પરિસ્થિતિએ બે પરિબળો અનુકૂળ નથી અને તેથી ચોમાસું નબળું રહેવાની શક્યતા 35 ટકા જેટલી છે.

ભારતમાં કેટલા ઇંચ વરસાદ પાડવાની આગાહી છે?

ગુજરાત સહિત ભારતમાં આ વર્ષે ચોમાસામાં કેટલો વરસાદ પડશે તે દર્શાવતો નકશો

ઇમેજ સ્રોત, Indian Meteorological Department

ભારતીય હવામાન ખાતાએ આગામી ચોમાસાની લાંબાગાળાની આગાહીની માહિતી પત્રકારોને આપવા માટે સોમવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું.

એ પ્રેસ કૉન્ફરન્સ બાદ ભારતીય હવામાન ખાતાએ આપેલી એક અખબારી યાદીમાં જણાવ્યું કે 1971થી 2000ના ત્રીસ વર્ષ દરમિયાન ભારતમાં ચોમાસા દરમિયાન સરેરાશ 87 સેન્ટિમીટર એટલે કે 34.25 ઇંચ (2.54 સેન્ટિમીટર=1 ઇંચ) વરસાદ નોંધાયો હતો. તે મુજબ જો આ વર્ષે પણ સરેરાશ 34.25 ઇંચ વરસાદ પડે તો ચોમાસું સારું રહ્યું કહેવાય અને 100 ટકા વરસાદ પડ્યો ગણાય.

જો લાંબાગાળાની સરેરાશના 96 ટકા કે 104 ટકા વરસાદ પડે તો ભારતીય હવામાન ખાતું તેને નૉર્મલ એટલે કે સામાન્ય વરસાદ અને સામાન્ય ચોમાસું ગણાવે છે.

પરંતુ હવામાન ખાતાની આગાહી અનુસાર આ વર્ષે લાંબાગાળાની સરેરાશ સામે 92 ટકા એટલે કે 31.49 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે તેણે જે મૉડેલના આધારે 92 ટકા વરસાદની આગાહી કરી છે તે મૉડેલે આપેલા આંકડામાં પાંચ ટકા વધ-ઘટ થવાની શક્યતા રહે છે. તે અનુસાર જો વરસાદ પાંચ ટકા વધારે પડે તો 97 ટકા થઈ જાય અને પરિણામે ચોમાસું સામાન્ય ગણાય.

પરંતુ જો 92 ટકા કરતાં પણ પાંચ ટકા વરસાદ ઓછો પડે તો ખરેખર આંકડો 29.76 ઇંચ જ થઈ શકે છે અને વરસાદની ખાધવાળું વરસ સાબિત થાય.

ભારતીય હવામાન ખાતું હવે આગામી મે મહિનાના ચોથા અઠવાડિયામાં આ લાંબાગાળાની આગાહી બાબતે અપડેટ એટલે કે નવીનતમ માહિતી આપશે.

તેમાં તે દેશમાં વરસાદની દૃષ્ટિએ સરખા ગણાતા ઈશાન ભારત, મધ્ય ભારત, દક્ષિણ ભારતનો ભૂશિર પ્રદેશ અને નૉર્થ-ઇસ્ટ ઇન્ડિયા એટલે કે ભારતના અગ્નિ વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે તેનું પૂર્વાનુમાન આપશે.

આ સાથે જ જૂન મહિના દરમિયાન દેશમાં થનાર વરસાદની આગાહીની જાણકારી પણ ત્યારે આપવામાં આવશે તેમ હવામાનખાતાએ તેની અખબારી યાદીમાં જણાવ્યું છે.

ભારતમાં ચોમાસું કેમ નબળું રહેશે?

ભારતમાં ચોમાસું કેમ નબળું રહેશે?

ઇમેજ સ્રોત, Photo by SAM PANTHAKY/AFP via Getty Images

ભારતીય હવામાન ખાતા અનુસાર આ વર્ષે પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરનું હવામાન ભારતના ચોમાસા માટે અનુકૂળ નથી.

હવામાન ખાતાની અખબારી યાદી અનુસાર પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે.

અમેરિકાની સરકારી હવામાન સંસ્થા નૅશનલ ઓશનિક ઍન્ડ એટમોસ્ફિયરિક ઍડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ પર ઉપલબ્ધ એક લેખ અનુસાર અલ નીનો ભારતના નૈઋતના ચોમાસાને દબાવી દે છે.

એક સંશોધન પેપર અનુસાર અલ નીનોને કારણે ભારતમાં ચોમાસા દરમિયાન વધારે ગરમી પડે છે અને તે પણ વરસાદ પર અવળી અસર પાડે છે.

સોમવારની અખબારી યાદી અનુસાર અત્યારે મધ્ય પ્રશાંત મહાસાગરમાં નબળા લા-નીનાની સ્થિતિ છે અને તે ન્યુટ્રલ એટલે કે તટસ્થ અલ નીનો સધર્ન ઑસ્સિલેશન (ટૂંકમાં, ENSO)માં પરિવર્તન પામી રહી છે. આવી સ્થિતિ જૂન સુધી રહેશે અને ત્યાર બાદ નૈૠતના ચોમાસા દરમિયાન અલ નીનોનો ઉદ્ભવ થશે.

તે જ રીતે હિંદ મહાસાગરમાં ઇન્ડિયન ઓશન ડાઇપોલ (ટૂંકમાં IOD)ની સ્થિતિ પણ અનુકૂળ નથી તેમ હવામાન ખાતાની આગાહી જણાવે છે. જો IOD પૉઝિટિવ એટલે કે હકારાત્મક હોય તો ભારતમાં સારો વરસાદ થાય છે અને ENSOની અસરને કેટલેક અંશે ઘટાડી શકે છે. પરંતુ હવામાન ખાતાની આગાહી અનુસાર IOD પણ અત્યારે ન્યુટ્રલ છે.

ભારતમાં નૈઋતનું ચોમાસું જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે અને હવામાનખાતાએ તેની આગાહીમાં જણાવ્યું છે કે પોઝિટિવ IODનું નિર્માણ ચોમાસાના અંત તરફ થાય તેવી શક્યતા છે.

યુરોપ-એશિયા ખંડમાં શિયાળા અને વસંત ઋતુ દરમિયાન બરફનું આવરણ પણ ભારતના ચોમાસાને અસર કરે છે.

બરફનું આવરણ ઘટતા જમીન ખુલ્લી થાય છે અને સૂર્યપ્રકાશથી તે ગરમ થાય છે. તેથી તેની પરની હવા પણ ગરમ થાય છે.

પરિણામે, હવાના હલકાં દબાણો સર્જાય છે જે સમુદ્ર તરફથી નૈઋતના પવનોને ખેંચી લાવવામાં મદદરૂપ થાય છે અને સરવાળે સારો વરસાદ થાય છે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન યુરેશિયામાં બરફનું આવરણ સરેરાશથી થોડું ઓછું હતું પરંતુ અન્ય પરિબળોના કારણે ભારતમાં ચોમાસું નબળું રહેશે.

અલ નીનો, IOD ભારતના ચોમાસાને કેવી રીતે અસર કરે છે?

અલ નીનો અને લા લીના ભારતના ચોમાસાને અસર કરે છે

પ્રશાંત મહાસાગરના પૂર્વ કિનારે દક્ષિણ અમેરિકા ખંડનો પેરુ નામનો દેશ આવેલો છે અને પશ્ચિમ કિનારે ઇન્ડોનેશિયા દેશ આવેલો છે.

આ બે કિનારાની વચ્ચે ભૂમધ્ય રેખાની આસપાસ મધ્ય પ્રશાંત મહાસાગર અને પેરુ તરફના પૂર્વ કાંઠા તરફ સપાટી પરના પાણીના તાપમાનમાં વધારા-ઘટાડા કે તટસ્થ સ્થિતિને ENSO કહે છે.

વિશાળ પ્રશાંત મહાસાગરના લગભગ મધ્ય ભાગમાં, ભૂમધ્ય રેખા પરના નક્કી કરેલા વિસ્તારના પાણીનું સપાટી પરનું તાપમાન જો સળંગ ત્રણ મહિના સુધી સામાન્ય કરતાં અડધો ડિગ્રી વધારે નોંધાય તો તેને અલ નીનો સ્થિતિ કહે છે. જો તાપમાન સામાન્ય કરતા અડધો ડિગ્રી ઓછું નોંધાય તો તેને લા નીના સ્થિતિ કહે છે.

અલ નીનો સ્થિતિમાં મધ્ય પ્રશાંત મહાસાગર અને પેરુ નજીક પાણી ગરમ થતા ત્યાં હવાનું હલકું દબાણ ઉદ્ભવે છે.

તેથી, સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ દિશાએ ભૂમધ્ય રેખાની સમાંતર ફૂંકતાં વ્યાપારી પવનો ધીમા પડે છે અથવા અવળી દિશામાં ફૂંકાવા લાગે છે.

પરિણામે ઇન્ડોનેશિયા-ઑસ્ટ્રેલિયા તરફ રહેલા સમુદ્રનું તુલનાત્મક રીતે ઠંડું પાણી પેરુ તરફ વહેવા લાગે છે.

તેથી, પેરુ નજીક વરસાદી વાદળો બંધાય છે અને ત્યાં ખૂબ વરસાદ પડે છે જયારે ઇન્ડોનેશિયા-ઑસ્ટ્રેલિયા વિસ્તાર અને ભારતમાં વરસાદ ઘટે છે.

લા નીનામાં આનાથી વિપરીત પરિસ્થતિ સર્જાય છે અને ભારત અને ઇન્ડોનેશિયા-ઑસ્ટ્રેલિયામાં સામાન્ય રીતે સારો વરસાદ લઈ આવે છે.

IOD એ એક પ્રકારે હિન્દ મહાસાગરના અલ નીનો અને લા નીના છે. જો ઇન્ડોનેશિયા નજીકના પૂર્વ હિન્દ મહાસાગરમાં સમુદ્રના પાણીનું તાપમાન વધારે હોય અને આફ્રિકા ખંડના પૂર્વ કાંઠે માડાગાસ્કર નજીક ઓછું હોય તો પાણી ઇન્ડોનેશિયા તરફ વહેવા લાગે છે અને ત્યાં હવાનું હલકું દબાણ સર્જાતા ઇન્ડોનેશિયા અને તેની આજુબાજુ ખૂબ સારો વરસાદ પડે છે.

આ ઘટનાને નૅગેટિવ એટલે કે નકારાત્મક IOD કહે છે. તેનાથી ઊલ્ટું જો માડાગાસ્કર તરફ તાપમાન વધારે રહે તો ત્યાં હવાનું હલકું દબાણ સર્જાય છે અને પાતળી હવા ઉપર ચડે છે.

સાથે જ પાણીનો પ્રવાહ ઇન્ડોનેશિયાથી માડાગાસ્કર તરફ થાય છે અને ભૂમધ્ય રેખા પર ફૂંકાતા નૈૠતના પવનો વધારે મજબૂત થાય છે.

બ્રિટનના હવામાન ખાતા અનુસાર પૉઝિટીવ IODથી ભારતમાં સારો વરસાદ પડે છે. ક્યારેક અલ નીનોની સ્થિતિમાં પણ જો IOD પૉઝિટિવ હોય તો ભારતમાં ચોમાસું સારું રહે છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન (કૃષિ હવામાનશાસ્ત્ર) વિભાગના વડા પ્રોફેસર મનોજ લુણાગરિયા કહે છે કે ENSO વિશ્વના હવામાનને અરસ કરતું એક બહું મોટું પરિબળ છે અને તે ભારતના ચોમાસાને પણ અસર કરે છે.

તેઓ કહે છે, “ENSO અને IOD ભલે ભારતથી હજારો કિલોમીટર દૂર દુનિયાના અલગ-અલગ ભાગોમાં થતી ઘટનાઓ હોય પરંતુ પૃથ્વીનું વાતાવરણ તો એક જ છે તેથી તેની અસર ભારતના અને દુુનિયાના અન્ય કેટલાય દેશોના ચોમાસા પર પડે છે.”

“પ્રશાંત મહાસાગર બહુ વિશાળ છે લગભગ અડધી પૃથ્વી પર પથરાયેલો છે.”

“ENSO પણ બહુ જ મોટી ઘટના છે અને પ્રશાંત મહાસાગર પર તે પવનની દિશા બદલી નાખે ત્યારે તેની અસર દુનિયાની અન્ય ઘણી પવનપ્રણાલીઓ પર થાય. તેમાં ભારતમાં વરસાદ લાવતા નૈઋતના વેપારી પવનોનો પણ સમાવેશ થઈ જાય છે.”

“ભારતમાં ચોમાસા દરમિયાન હિન્દ મહાસાગરમાં ભૂમધ્ય રેખાની આજુબાજુ ફૂંકાતા વ્યાપારી પવનોની દિશા બદલાય છે અને તે પશ્ચિમથી પૂર્વ તરફ થઈ જાય છે.”

“આ બહુ નાજુક પવનો હોય છે અને ENSO જેવી મોટી ઘટના તેની દિશા અને ગતિને અસર કરી શકે છે.”

આ વર્ષે ગુજરાતના ખેડૂતોએ શું સાવચેતી રાખવી પડશે?

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન (કૃષિ હવામાનશાસ્ત્ર) વિભાગના વડા પ્રોફેસર મનોજ લુણાગરિયા

ઇમેજ સ્રોત, Anand Agricultural University

પ્રો. લુણાગરિયા કહે છે કે ગુજરાતના ખેડૂતોએ નબળા ચોમાસાની આગાહીથી ડરવાની જરૂર નથી પરંતુ સતર્ક જરૂર રહેવું પડશે.

બીબીસી સાથે વાત કરતાં તેમને જણાવ્યું,”આ વરતારો આખા ભારત માટે છે અને વરતારામાં ગુજરાત સહિત કેટલાંક અન્ય રાજ્યોના ભૂભાગોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની આગાહી પણ કરવામાં આવી છે.”

“પરંતુ આ પ્રકારના નબળા ચોમાસાની આગાહી થાય એટલે સ્થળ આધારિત વરસાદની વહેંચણી કરતા સમય આધારિત વરસાદની વહેંચણીમાં અનિશ્ચિતતા રહેવાની શક્યતા વધારે રહે છે.”

“સરળ શબ્દોમાં કહીએ તો શરૂઆતમાં સારો વરસાદ પડી ગયા બાદ લાંબા સમય સુધી વરસાદ ન પડે તેવા ડ્ર્રાઇ સ્પેલ (સૂકો સમય) આવે તેવી શક્યતા રહે છે.”

“2021માં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તેથી, ખેડૂતોએ આઠ-દસ દિવસ સુધી વરસાદ ન પડે અને પાક સુકાવા લાગે તો તેને બચાવવા માટે પિયતની વ્યવસ્થા કરવાની કે જમીનમાં ભેજ સંગ્રહાય રહે તેવી વ્યવસ્થા કરવાની સતર્કતા રાખવી પડે.”

પ્રો. લુણાગરિયાએ કહ્યું કે ડ્રાઇ સ્પેલ દરમિયાન પાક નાશ પામે અને પછી જો સારો વરસાદ થાય તો તેવી પરિસ્થિતિનો ઉપયોગ કરી લેવાની તૈયારી પણ ખેડૂતોએ રાખવી પડે.

“આખા ભારતમાં નબળા ચોમાસાની આગાહી કરવામાં આવી હોય તેવા વરસો દરમિયાન પણ આબોહવા પરિવર્તનને કારણે ગુજરાતમાં સારો વરસાદ પડ્યાના ઘણા ઉદાહરણ છે.”

“છેલ્લાં સાઈઠ વર્ષના આંકડા સૂચવે છે કે ગુજરાતમાં સરેરાશ વરસાદ વધી રહ્યો છે. વળી, જેટલા વરસાદની આગાહી કરવામાં આવી છે તેનો અડધો વરસાદ પણ જો ખેતી પાકોને અનુકૂળ હોય તેવા સમયાંતરે વરસી જાય તો ખેડૂતોને મબલક ઉત્પાદન મળી શકે છે.”

તેમણે કહ્યું કે, “તેથી, ખેડૂતોએ તેના પાકોમાં હાલ ફેરફાર કરવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે સૌરાષ્ટ્રના ખેડૂતો આ વર્ષે પણ કપાસ અને મગફળીનું વાવેતર કરી શકે છે.”

“પરંતુ જો લાંબા ડ્રાઇ સ્પેલ અને પિયતના અભાવે ચોમાસાની શરૂઆતમાં વાવેલા પાક નિષ્ફળ જાય અને પછી સારો વરસાદ થાય તો તે ટૂંકા ગાળાના કેવા પાકો વાવી શકાય તેની તૈયારી ખેડૂતો રાખવી પડશે.”

તેમણે ઉમેર્યું કે ખેડૂતોએ હવામાન ખાતાની ગ્રામીણ ક્રુષિ મૌસમ સેવા અંતર્ગત સ્થાનિક આગાહીઓ પર ધ્યાન આપવું જોઈએ અને હવામાન ખાતાની મેઘદૂત ઍપ પરથી પણ અપડેટ્સ મેળવતા રહેવું જોઈએ.

પ્રો. લુણાગરિયા કહે છે કે આગાહીનું વધારે મહત્ત્વ સરકાર માટે છે.

તેમણે કહ્યું, “ચોમાસું નબળું રહેવાની આગાહી થતા સરકારે ઓછા વરસાદ કે લાંબા ડ્રાઈ સ્પેલથી ઉદ્ભવી શકે તેવી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વાળવાનું આયોજન કરી લેવું પડે.”

“તેમાં જો પાકોનું બીજી વાર વાવેતર કરવાનું થાય તો તેના માટે જરૂરી બિયારણ, ખાતર વગેરેનો જથ્થો, પિયત માટેના પાણીની વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે.”

બીબીસી માટે ક્લેનકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS