Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters
અપડેટેડ એક કલાક પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
તુર્કીના ગૃહ મંત્રી મુસ્તફા સિફ્સીએ કહ્યું છે કે, દક્ષિણ તુર્કીમાં એક શાળામાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા આઠ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનાં મોત થયાં છે.
તેમણે જણાવ્યું છે કે આ ગોળીબારમાં ઘણા લોકો ઘાયલ થયા છે.
આ ઘટના કહરામનમારાસ વિસ્તારમાં આવેલી આયસર કૅલિક માધ્યમિક શાળામાં બની હતી, જ્યાં સિફ્સીના જણાવ્યા અનુસાર, 13 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી છની હાલત ગંભીર છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના દરમિયાન 14 વર્ષનો હુમલો કરનાર પણ માર્યો ગયો હતો.
બુધવારે થયેલા આ હુમલાનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી, તેમજ તેની તપાસ ચાલુ છે. તુર્કી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હુમલો કરનાર, જે એક વિદ્યાર્થી હોવાનું માનવામાં આવે છે, તે બે વર્ગખંડમાં ઘૂસી ગયો હતો અને પાંચ બંદૂકોથી સજ્જ હતો.
સ્થાનિક ગવર્નરે આરોપ લગાવ્યો કે, આ હથિયારો વિદ્યાર્થીના પિતાના હતા, જે ભૂતપૂર્વ પોલીસ અધિકારી હતા.
તેના એક દિવસ પહેલાં, એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ દેશના દક્ષિણ ભાગમાં આવેલી બીજી એક હાઇસ્કૂલમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 16 લોકો ઘાયલ થયા હતા અને પછી તેણે પોતાને ગોળી મારી દીધી હતી.
હોર્મુઝ સ્ટ્રેટ મામલે ટ્રમ્પે હવે નવું શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટને હંમેશાં માટે ખોલી રહ્યા છે.
ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, “ચીન આ વાતથી ખુશ છે કે હું હોર્મુઝ સ્ટ્રેટ હંમેશાં માટે ખોલી રહ્યો છું. હું એ તેમને માટે પણ કરી રહ્યો છું અને દુનિયા માટે પણ. આવી સ્થિતિ ફરી ક્યારેય નહીં થાય.”
ટ્રમ્પે દાવો કર્યો કે, “તેઓ (ચીન) ઈરાનને હથિયાર ન મોકલવા પર સંમત થઈ ગયા છે.”
આ પહેલાં ચીને કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના મહત્ત્વના વ્યાપારિક માર્ગ પૈકીનું એક છે. તેની નાકાબંધી કરવાનો નિર્ણય યોગ્ય નથી.
12મી એપ્રિલે ટ્રુથ સોશિયલ પર ડોનાલ્ડ ટ્રમ્પે ઍલાન કર્યું હતું કે અમેરિકાની નૌસેના હોર્મુઝ સ્ટ્રેટમાં આવવા-જવાની કોશિશ કરનારાં તમામ જહાજની નાકાબંધી શરૂ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમાં અન્ય દેશો પણ સામેલ થશે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે શાંતિ મંત્રણામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે શું કહ્યું
ઇમેજ સ્રોત, @StateDept
વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા કૅરોલિન લેવિટે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની પ્રથમ રાઉન્ડની ‘નિષ્ફળ વાતચીત’ પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું, “પાકિસ્તાની મધ્યસ્થીઓએ ખૂબ સારી ભૂમિકા ભજવી છે. અમે ખરેખર તેમની મિત્રતા અને આ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ.”
લેવિટે કહ્યું, “રાષ્ટ્રપતિ માને છે કે, પાકિસ્તાનીઓના માધ્યમથી આ સંવાદ ચાલુ રાખવો મહત્ત્વપૂર્ણ છે.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, ઈરાનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત આ અઠવાડિયે ફરી શરૂ થઈ શકે છે.
ગયા શનિવારે ઇસ્લામાબાદમાં થયેલી આ વાટાઘાટોમાં કોઈ પરિણામ મળ્યું ન હતું, ત્યારબાદ અમેરિકાએ ઈરાની બંદરો પર નાકાબંધી કરી હતી.
સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા અનુસાર, ગલ્ફ ક્ષેત્ર, પાકિસ્તાન અને ઈરાનના અધિકારીઓએ પણ કહ્યું છે કે, અમેરિકા અને ઈરાની ટીમો આ અઠવાડિયાના અંતમાં પાકિસ્તાન પરત ફરી શકે છે, જોકે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



