Home તાજા સમાચાર gujrati ગુજરાતની 25 સહિત કુલ 93 બેઠકો પર મતદાન શરૂ, કયા ઉમેદવાર પર...

ગુજરાતની 25 સહિત કુલ 93 બેઠકો પર મતદાન શરૂ, કયા ઉમેદવાર પર રહેશે લોકોની નજર?

1
0

Source : BBC NEWS

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન

ઇમેજ સ્રોત, ANI

7 મે 2024, 07:28 IST

અપડેટેડ એક કલાક પહેલા

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાશે.

લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આસામ, મધ્ય પ્રદેશ, ગોવા, છત્તીસગઢ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં મતદાન થશે. આ ઉપરાતં દાદરા અને નગરહવેલી તથા દિવ અને દમણમાં ઉપરાંત લદ્દાખમાં મતદાન યોજાશે.

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે સંપન્ન થયું હતું. બંને તબક્કામાં 2019ની સરખામણીએ ઓછું મતદાન જોવા મળ્યું હતું.

ગુજરાતની 25 બેઠકો પર મતદાન

મતદાન

ઇમેજ સ્રોત, Getty Images

ત્રીજા તબક્કામાં ગુજરાતની 26માંથી 25 બેઠકો પર કુલ 5459 મતદાનમથકો પર મતદાન યોજાશે, જેમાં 4283 મથકો શહેરી અને 1176 મથકો ગ્રામ્ય છે.

ગુજરાતની કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ ઇસ્ટ, અમદાવાદ વેસ્ટ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક પર મતદાન થશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ચૂક્યા છે.

કઈ બેઠકો પર લોકોની નજર?

પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી

ઇમેજ સ્રોત, PARESH DHANANI/PARSHOTTAM RUPALA@X/FB

આ ચૂંટણી દરમિયાન ગુજરાતની રાજકોટ બેઠક સૌથી ચર્ચિત રહી છે. રાજકોટ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના (ભાજપ) નેતા અને કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાનો મુકાબલો કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પરેશ ધાનાણી વચ્ચે છે.

અહીં ઉલ્લેખનીય છે કે પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજે ભાજપને તેમની (રૂપાલાની) ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી.

ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા ચૈતર વસાવાનો મુકાબલો ભાજપના વરિષ્ઠ નેતા અને છ વખતથી ભરૂચથી સંસદ સભ્ય મનસુખ વસાવા સામે છે.

બનાસકાંઠા બેઠક પર કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોરે સૌનું ધ્યાન ખેંચ્યું છે. બનાસકાંઠાની વાવ વિધાનસભાથી કૉંગ્રેસનાં ધારાસભ્ય અને ‘ફાયરબ્રાન્ડ’ મહિલા નેતા ગેનીબહેન ઠાકોર તેમના પ્રચારથી સ્થાનિક સ્તરે એવી છાપ ઊભી કરવામાં સફળ રહ્યાં હતાં કે જાણે તેઓ એકલે હાથે ગુજરાતમાં ભાજપને ટક્કર આપી રહ્યાં છે. ભાજપ તરફથી રેખાબહેન ચૌધરી બનાસકાંઠાથી ચૂંટણી લડી રહ્યાં છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક 3.68 લાખ મતે વિજય મેળવ્યો હતો.

આ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. શાહનો મુકાબલો કૉંગ્રેસનાં ઉમેદવાર સોનલ પટેલ સામે છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપના નેતા મનસુખ માંડવિયા પણ પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવસારી બેઠક પરથી ચૂંટણી-મેદાનમાં છે.

મહત્ત્વપૂર્ણ છે કે લોકસભા 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની 26માંથી 26 બેઠકો પર જીત મેળવી હતી.

ગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમિયાન મહત્ત્વના મુદ્દાઓ કયા રહ્યા?

ક્ષત્રિય અસ્મિતા આંદોલનનો ધર્મરથના માધ્યમથી ગુજરાતના ગામડે ગામડે પ્રચાર થઈ રહ્યો છે

ઇમેજ સ્રોત, YUVARAJSINH JADEJA FACEBOOK

પરશોત્તમ રૂપાલાનું વિવાદીત નિવેદન

ભાજપના રાજકોટથી ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક કથિત વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય-રાજપૂત સમાજે તેમનો વિરોધ શરૂ કર્યો હતો. રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજની મહિલાઓ રસ્તા પર ઊતરી હતી અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી. ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસ સુધી ભાજપે ક્ષત્રિયોને મનાવવાનું ચાલું રાખ્યું હતું અને પક્ષના ક્ષત્રિય નેતાઓએ પત્ર લખીને ભાજપ માટે મતદાન કરવા વિનંતી કરી હતી. આમ, ચૂંટણીપ્રચાર દરમિયાન આ મુદ્દો એટલો હાવી રહ્યો હતો કે તેણે રાજકોટમાં તો સ્થાનિક મુદ્દાઓને પણ નગણ્ય બનાવી દીધા હતા.

ગુજરાત ભાજપમાં અસંતોષની આગ

ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણી પહેલાં અસંતોષનો માહોલ પણ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. ગુજરાતમાં ભાજપે 26માંથી 14 બેઠકો પર નવા ઉમેદવારો ઉતાર્યા હતા. એક જ ઝાટકે ભાજપે મંત્રી સહિત 14 સાંસદોની ટિકિટ કાપી નાખી હતી. આ ઉપરાંત કૉંગ્રેસ અને આપમાંથી ભાજપમાં આવતા નેતાઓનો સિલસિલો પણ ચાલુ હતો. રાજકીય વિશ્લેષકોના મતે આ પરિસ્થિતિથી ભાજપમાં અંદરખાને અસંતોષની સ્થિતિ હતી એ બહાર આવવા લાગી હતી. આ ઉપરાંત ભાજપે વડોદરા અને સાબરકાંઠા જેવી બેઠકો પર પોતાના ઉમેદવાર બદલવા પડ્યા હતા.

સુરતમાં મુકેશ દલાલનો બિનહરીફ વિજય

સુરતમાં ભાજપની નિર્વિરોધ જીત પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો. સુરતના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ સુરતના કૉંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણીના ફૉર્મ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના ટેકેદારો ‘યોગ્ય નથી.’

બંને પક્ષની લાંબી દલીલો સાંભળ્યા પછી રિટર્નિંગ ઑફિસરે કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ જાહેર કર્યું હતું. બીજા દિવસે સવારથી જ સુરત બેઠક પર લડી રહેલા ઉમેદવારોએ એક પછી એક પોતાનાં ફૉર્મ પરત ખેંચવાનું શરૂ કર્યું હતું. તમામ ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચી લેતાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવતા સમગ્ર દેશમાં આ ઘટનાની ચર્ચા થઈ હતી અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કૉંગ્રેસે આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી હતી.

ભરૂચમાં ચૈતર વસાવા

ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નક્કી થયું ન હતું ત્યારથી કોઈ એક ઉમેદવારની ચર્ચા થઈ હોય તો એ ચૈતર વસાવા છે.

ડેડિયાપાડામાંથી આપબળે કૉંગ્રેસ અને ભાજપના ઉમેદવારને પછાડીને તથા છોટુ વસાવાના પ્રભુત્ત્વને પડકારીને ધારાસભ્ય બનેલા ચૈતર વસાવા મજબૂત નેતા તરીકે ઊભરી રહ્યા હતા.

તેમને ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટી ટિકિટ આપશે એ સ્પષ્ટ મનાતું હતું. પરંતુ કથિતપણે વનવિભાગના કર્મચારીઓને ધમકાવવાના મામલામાં તેમની ધરપકડ થઈ હતી. ત્યારબાદ તેઓ જેલમાં હતા ત્યારે જ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે તેમને ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા.

પછી કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થતાં કૉંગ્રેસે આ બેઠક આમ આદમી પાર્ટીને આપી હતી.

થોડા દિવસ બાદ જેલમાંથી ચૈતર વસાવાને જામીન મળ્યા હતા અને તેમણે પ્રચાર શરૂ કર્યો હતો. જોકે, અમુક વિસ્તારોમાં પ્રચાર કરવાની પરવાનગી મળી ન હતી.

ચૈતર વસાવાની સામે છ વારના સાંસદ મનસુખ વસાવા ઉમેદવાર છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે પ્રચાર દરમિયાન દરરોજ વાક્યુદ્ધ ચાલ્યું હતું.

આમ, લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલાંથી મતદાન સુધી સતત ચૈતર વસાવા ચર્ચામાં રહ્યા હતા.

ક્યાં રાજ્યની કેટલી બેઠકો પર મતદાન થશે?

મતદાન

ઇમેજ સ્રોત, Getty Images

ત્રીજા તબક્કામાં ગુજરાત અને કર્ણાટકની સૌથી વધારે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે..

કર્ણાટકની 28માંથી 14 બેઠકો પર મંગળવારે મતદાન થઈ રહ્યું છે.

કર્ણાટકની બેલગામ, બગલકોટ, બીજાપુર, ચિક્કોડી, ગુલબર્ગા, રાયચુર, બિદાર, કોપ્પલ, બેલારી, હાવેરી, ધારવાડ, ઉત્તર કન્નડા, દાવણગીરી, અને શિમોગા બેઠક પર મતો પડી રહ્યા છે.

મહારાષ્ટ્રની 11 બેઠકો જેવી કે લાતુર, સોલાપુર, બારામતી, પુણે, અહેમદનગર, સાંગલી, સતારા, રત્નાગીરી-સિંધુદૂર્ગ, કોલ્હાપુર, નંદૂરબાર અને હાતકણંગલે બેઠક પર મતદાન યોજાશે.

ઉત્તર પ્રદેશની 10 બેઠકો પર મતદાન થશે, જેમાં આગ્રા, હાથરસ, સંબલ, ફત્તેહપુર-સિકરી, ફિરોઝાબાદ, મૈનપુરી. એટા, બદાયું, બરેલી અને આંવલા સામેલ છે.

મધ્ય પ્રદેશનાં મૌરેના, ભીંડ, ગ્વાલીયર, ગુણા, સાગર, વિદિશા, ભોપાલ અને રાજગઢમાં મંગળવારે મતદાન યોજાઈ રહ્યું છે.

છત્તીસગઢની કુલ સાત બેઠકો પર ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, જેમાં રાયગઢ, જાંજગીર-ચામ્પા, કોરબા, સરગુજા, બિલાસપુર, દુર્ગ અને રાયપુર સામેલ છે.

બિહારની પાંચ સીટો અરરિયા, મધેપુરા, ખગરિયા, દરભંગા અને સોપોલમાં પણ મંગળવારે મતદાન યોજાઈ રહ્યું છે.

ઉત્તર-પૂર્વના રાજ્ય આસામની કોકરાઝાર, બારપેટા, ઢુબરી અને ગોવાહટી બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.

પશ્ચિમ બંગાળની ચાર બેઠકો માલ્દા દક્ષિણ, જાંગીપુર, મુર્શિદાબાદ અને બહેરામપુર બેઠક પર ત્રીજા તબક્કામાં મતદાન થશે.

આ ઉપરાંત ગોવાની બંને ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા બેઠક પર મતદાન યોજાશે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણ અને દાદરા અને નગરહવેલી અને પર મતદાન થઈ રહ્યું છે. અને આ ઉપરાંત લદ્દાખમાં પણ મતદાન યોજાઈ રહ્યું છે.

કયા મોટા ચહેરાઓનું ભાવિ નક્કી થશે?

શિવરાજસિંહ ચૌહાણ

ઇમેજ સ્રોત, ARVIND SAHU

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણ વિદિશા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો (ચૌહાણનો) મુકાબલો કૉંગ્રેસ ઉમેદવાર ભાનુપ્રતાપ શર્મા સાથે છે. કૉંગ્રેસ વિદિશા બેઠક 40 વર્ષ પહેલાં જીતી હતી.

મધ્ય પ્રદેશના ગુણાથી કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંઘિયા ચૂંટણી લડી રહ્યાં છે. સિંધિયા 2019માં ગુણાથી કૉંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ આ બેઠક પરથી ચૂંટણી હાર્યા હતા. આ વખતે તેમનો (સિંધિયાનો) મુકાબલો યાદવેન્દ્રસિંહ યાદવ સાથે છે.

મધ્ય પ્રદેશની રાજગઢ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ ચૂંટણીમેદાને છે. દિગ્વિજયસિંહનો મુકાબલો ભાજપના રોડમલ નાગર સામે છે, જેમણે 2014 અને 2019માં આ બેઠક પરથી જ ચૂંટણી જીતી હતી. કૉંગ્રેસે 2009માં આ બેઠક જીતી હતી.

ઉત્તર પ્રદેશની મૈનપુરી બેઠક પરથી સમાજવાદી પાર્ટીનાં ડિમ્પલ યાદવ ચૂંટણી મેદાને છે. મૈનપુરી બેઠકને સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામા આવે છે. લોકસભાની 2014 અને 2019ની ચૂંટણી સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવ મૈનપુરીથી જીતી હતી. આ વખતે મૈનપુરી બેઠક પર ભાજપના જયવિરસિંહનો મુકાબલો ડિમ્પલ યાદવ સાથે છે.

સુપ્રિયા સુલે તેમનાં સમર્થકો સાથે

મહારાષ્ટ્રની બારામતી બેઠક પર મુખ્ય મુકાબલો પવાર પરિવારના બે સભ્યો વચ્ચે જ થશે. એનસીપી (શરદ પવાર જૂથ)નાં ઉમેદવાર અને શરદ પવારની દીકરી સુપ્રિયા સુલેનો મુકાબલો એનસીપી (અજીત પવાર જૂથ)નાં ઉમેદવાર અને મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર સાથે છે. શરદ પવાર 1999થી 2009 સુઘી બારામતી બેઠક પરથી સંસદ સભ્ય હતા. ત્યારબાદ તેમનાં દીકરી સુપ્રિયા સુલે 2009થી બારામતી બેઠક પરથી સંસદસભ્ય છે.

અમિત શાહ

ઇમેજ સ્રોત, ANI

ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. તેમનો (શાહનો) મુકાબલો કૉંગ્રેસનાં ઉમેદવાર સોનલ પટેલ સામે છે. અમિત શાહે 2019ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી 5.5 લાખથી વધારે મતોથી જીત મેળવી હતી. ગાંધીનગર બેઠકને પણ ભાજપનો ગઢ માનવામા આવે છે અને ભાજપના વરિષ્ઠ નેતાઓ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી પણ અહીંથી સંસદની ચૂંટણી જીત્યા હતા.

SOURCE : BBC NEWS