Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Tasos Katopodis/Getty Images
2 કલાક પહેલા
વાંચવાનો સમય: 1 મિનિટ
અમેરિકાએ ઈરાન સાથે સંકળાયેલા 35 લોકો અને કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યા છે. તેમના પર આરોપ છે કે એ લોકો ઈરાનની ‘છૂપી બૅન્કિંગ વ્યવસ્થા’નો ભાગ છે.
અમેરિકના નાણા વિભાગની ઑફિસ ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલનું કહેવું છે કે એ લોકો ‘અબજો ડૉલરની લેવડદેવડમાં સામેલ હતા’ અને ‘ઈરાનની આતંકવાદને મદદ કરનારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા’ છે.
રિપોર્ટ પ્રમાણે, “આ નેટવર્કે ગેરકાયેદેસર રીતે ક્રૂડઑઇલના વેચાણ વડે પૈસા કમાયા, મિસાઇલ અને હથિયારો માટે જરૂરી સ્પૅરપાર્ટ્સ ખરીદ્યાં અને ઈરાન સાથે સંકળાયેલા લડવૈયાઓને પૈસા મોકલ્યા.”
અમેરિકાનો આરોપ છે કે આ નેટવર્ક ઈરાનના સૈન્ય અને રિવોલ્યૂશનરી ગાર્ડને વિશ્વની નાણા વ્યવસ્થા સુધી પહોંચ અપાવે છે.
નોંધનીય છે કે આ પહેલાં પણ અમેરિકાએ એવાં પગલાં ઉઠાવ્યાં છે, જેનાથી ઈરાન પર આર્થિક રીતે દબાણ બનાવી શકાય.
મેઘાલયે અંગ્રેજી, ખાસી અને ગારોને પોતાની આધિકારિક ભાષા તરીકે જાહેર કરી
ઇમેજ સ્રોત, ANI
મેઘાલયમાં અંગ્રેજીની સાથોસાથ ખાસી અને ગારો રાજ્યની આધિકારિક ભાષા જાહેર કરાઈ છે.
સંસદ ટીવી પ્રમાણે, મેઘાલયના રાજ્યપાલ ચંદ્રશેખર એચ. વિજયશંકરે ‘મેઘાલય આધિકારિક વટહુકમ 2026’ને મંજૂરી આપી દીધી છે.
સરકારની તરફથી જાહેર કરાયેલા ગૅઝેટમાં કહેવાયું છે કે અંગ્રેજી, ખાસી અને ગારો મેઘાલયની આધિકારિક ભાષાઓ હશે અને એ પૈકી કોઈ પણનો ઉપયોગ મેઘાલય રાજ્યનાં આધિકારિક કામોમાં કરી શકાય છે.
ગૅઝેટ પ્રમાણે, ખાસી અને જયંતિયા હિલ ડિવિઝનમાં સરકારી કામોમાં અંગ્રેજી અને ખાસીનો ઉપયોગ કરાશે, જ્યારે ગારો હિલ ડિવિઝનમાં અંગ્રેજી અને ગારોનો ઉપયોગ કરાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



