Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારે તેની ચાંદીની આયાત નીતિમાં ફેરફાર કર્યો છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડાયરેક્ટર ઑફ ફૉરેન ટ્રેડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
આ સુધારા બાદ, ભારતમાં ચાંદીની આયાત “ફ્રી” શ્રેણીમાંથી “રીસ્ટ્રીકટેડ ” શ્રેણીમાં ખસેડવામાં આવી છે. આનો અર્થ એ થયો કે અગાઉ, ચાંદીની આયાત પર ફક્ત ડ્યૂટી લાગતી હતી, પરંતુ હવે આમ નહીં થાય.
ચાંદીની આયાત નીતિમાં ફેરફાર બાદ, હવે ચાંદીની આયાત કરવા માટે તેમજ તેના લાઇસન્સ માટે ડાયરેક્ટર જનરલ ઑફ ફૉરેન ટ્રેડને અરજી કરવાની રહેશે અને લાઇસન્સ મળ્યા પછી જ ચાંદીની આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે.
નોંધનીય છે કે, સોના પર આવી કોઈ શરતો હજુ લાગુ થઈ નથી, જે ચાંદી કરતાં નોંધપાત્ર રીતે મોંઘું છે. આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે આવું શા માટે કરવામાં આવ્યું છે અને તેની પાછળનો હેતુ કયો હોઈ શકે છે?
12મેના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશી હૂંડિયામણ બચાવવાની અપીલને પગલે, સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટી 6%થી વધારીને 15% કરવામાં આવી.
તેનો સ્પષ્ટ ઉદ્દેશ એ હતો કે સોના અને ચાંદીના ભાવમાં વધારાને કારણે તેની ખરીદી ઓછી થશે, જેના કારણે ભારતને તેની આયાત માટે ઓછું વિદેશી ચલણ ખર્ચવું પડશે.
ચાંદીની આયાત પર અંકુશ કેમ?
ઇમેજ સ્રોત, Getty Images
16મેના રોજ ડાયરેક્ટર ઑફ ફૉરેન ટ્રેડે ચાંદીની આયાત અંગે પોતાનો નવો આદેશ જાહેર કર્યો હતો. સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટી વધારવાના ચાર દિવસ પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆઈઆઈ)ના ડિરેક્ટર અજય શ્રીવાસ્તવ કહે છે, “અત્યાર સુધી તમે આયાત ડ્યૂટી ચૂકવીને ઇચ્છો તેટલી ચાંદીની આયાત કરી શકતા હતા. પરંતુ હવે ડીજીએફટી નક્કી કરશે કે તમને ચાંદીની આયાત કરવાનું લાઇસન્સ આપવું કે નહીં.”
તેઓ કહે છે, “વાસ્તવમાં, ભારત અને યુએઈ વચ્ચે 2022માં એક કરાર થયો હતો, જે હેઠળ ભારતે યુએઈથી આયાત થતી ચાંદી પર દર વર્ષે 1% આયાત ડ્યૂટી ઘટાડવાની હતી. આમ, ભારતને યુએઈથી આયાત થતી ચાંદી પર ફક્ત 8% આયાત ડ્યૂટી ચૂકવવી પડતી હતી. જ્યારે કે, જો તમે બ્રિટનથી ચાંદી આયાત કરો છો, તો તમારે 15% આયાત ડ્યૂટી ચૂકવવી પડતી હતી.”
“આ એક મોટું અંતર હતું. જોકે સરકારે આ નિર્ણય પાછળનું કારણ જણાવ્યું નથી, પરંતુ જો તેનો હેતુ વિદેશી હૂંડિયામણ બચાવવાનો હોત, તો આવો નિર્ણય સોના માટે લેવામાં આવ્યો હોત જે ચાંદી કરતાં અનેક ગણું મોંઘું છે.”
અજય શ્રીવાસ્તવ ભારત સરકારના વિદેશ વેપાર મહાનિર્દેશાલયમાં ‘ઍડીશનલ ડિરેક્ટર જનરલ ફૉરેન ટ્રેડ’ના પદ પર રહી ચૂક્યા છે.
તેમનું માનવું છે કે, “અન્ય દેશોની સરખામણીમાં યુએઈમાંથી સોનાની આયાત પર માત્ર 1% ડિસ્કાઉન્ટ છે, એટલે તે 14% છે, જે કોઈ મોટો તફાવત નથી. પરંતુ ચાંદીના કિસ્સામાં, સરકારને આશંકા હોઈ શકે છે કે કોઈ પણ ઉદ્યોગપતિ તેની નીતિનો લાભ લઈને યુએઈ દ્વારા ચાંદી ભારતમાં લાવશે. હાલમાં આવું જ થઈ રહ્યું હોય તેવું લાગે છે.”
સ્વાભાવિક રીતે, એક અસર જે જોઈ શકાય છે તે એ છે કે ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે.
48 કલાકમાં ફરી સીએનજીના ભાવમાં વધારો
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પરના હુમલા બાદ, હોર્મુઝની સામુદ્રધુની બંધ થઈ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઇલના ભાવ વધવા લાગ્યા હતા. જોકે, ભારતમાં કિંમતો પર તેની અસર હવે દેખાઈ રહી છે.
શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
રવિવારે દિલ્હીમાં સીએનજીના ભાવમાં ફરી એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો ત્યારે લોકોને મોંઘવારીનો આંચકો લાગ્યો હતો.
દિલ્હીમાં 48 કલાકમાં સીએનજીના ભાવમાં બીજી વાર વધારાને કારણે, રાજધાનીમાં એક કિલો સીએનજીનો ભાવ 80 રૂપિયાથી વધુ થઈ ગયો છે.
આ વિશે ઇન્ડિયન યુથ કૉંગ્રેસે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું , “આજ સવારના 2 સમાચાર – વડા પ્રધાન તેમના વિદેશ પ્રવાસ દરમિયાન નૅધરલૅન્ડ્સ પહોંચ્યા છે અને દિલ્હીમાં બે દિવસમાં સીએનજીના ભાવ બે વાર વધી ગયા છે. બાકી તમે લોકો દેશ બચાવતા રહો.”
એચપીસીએલ બિહાર સંબંધિત દાવાઓને નકારી કાઢ્યા
ઇમેજ સ્રોત, Getty Images
ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારા સાથે, સોશિયલ મીડિયા પર દેશના ઘણા વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
આવા ઘણા વીડિયોમાં ભીડને કારણે લોકોમાં નારાજગી નજર આવી રહી છે.
સોશિયલ મીડિયા પર એવા દાવા પણ ફરતા થઈ રહ્યા છે કે બિહારમાં ઘણા પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે. એચપીસીએલ (હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ)એ આવા દાવાને નકારી કાઢ્યો છે.
એચપીસીએલ એ શનિવારે બિહારના ગયામાં પેટ્રોલ પંપ અંગે કરવામાં આવી રહેલા દાવાઓને ખોટા ગણાવ્યા.
એચપીસીએલે કહ્યું, “બિહાર અંગે સોશિયલ મીડિયા પર એક ભ્રામક, પાયાવિહોણો અને તથ્યવિહીન વીડિયો ફેલાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ત્યાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘટાડો થયો છે અને વેચાણ પર મર્યાદાઓ લાદવામાં આવી છે.”
“આ વિડીયોમાં કરવામાં આવેલા દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે અને રિટેલ આઉટલેટની વાસ્તવિક પરિસ્થિતિને પ્રતિબિંબિત કરતા નથી. આ સમયગાળા દરમિયાન આઉટલેટ પર પૂરતો સ્ટૉક ઉપલબ્ધ છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



