Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ, ભાજપ ‘શહેરી ગઢ’ જાળવી શકશે કે...

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ, ભાજપ ‘શહેરી ગઢ’ જાળવી શકશે કે કાંગરા ખરશે?

9
0

Source : BBC NEWS

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026

ઇમેજ સ્રોત, Getty/ANI/FB

3 કલાક પહેલા

વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે.

ગત 26 એપ્રિલે ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

રાજ્ય ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા અનુસાર સરેરાશ આ ચૂંટણીમાં 55.1 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

કુલ 15 મહાનગરપાલિકાઓમાંથી નવ મહાનગરપાલિકાઓ નવી બનેલી છે અને તેમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી પહેલી વાર મતદાન થયું છે.

2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ‘સેમીફાઇનલ’ માનવામાં આવે છે. ભાજપ સામે પોતાની સત્તા સામે કોઈ લહેર નથી એ સાબિત કરવાનો પડકાર છે, તો સામે પક્ષે કૉંગ્રેસ અને આપ માટે પોતાને ચૂંટણીમેદાનમાં સાબિત કરવાનો પડકાર છે.

છ મહાનગરપાલિકાઓ ભાજપનો ગઢ

શહેરી વિસ્તારોમાં વર્ષોથી ભાજપનો મજબૂત જનાધાર રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર- આ છ જૂની મહાનગરપાલિકાઓમાં વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે.

આ તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપે 2021ની ચૂંટણીમાં પણ ભવ્ય જીત મેળવી હતી.

આ વખતે આ છ મહાનગરપાલિકાઓ સિવાય નવી અસ્તિત્વમાં આવેલી નવ મહાનગરપાલિકામાં પણ પહેલી વાર ચૂંટણી છે. આથી, આ મહાનગરપાલિકાઓમાં શું પરિણામ આવે છે તેના પર સૌની નજર રહેશે.

અમદાવાદ, જામનગર, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં ભાજપને મોટા માર્જિનથી જીત મળી હોવાથી એ જોવું રસપ્રદ રહેશે કે ભાજપ આટલું મોટું જીતનું અંતર જાળવી શકે છે કે પછી વિપક્ષો ખરાખરીની ટક્કર આપશે.

ગત ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીની જબરદસ્ત ઍન્ટ્રી થઈ હતી અને પહેલી જ વારમાં તેણે મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે કૉંગ્રેસની જગ્યા લઈ લીધી હતી. આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી. શું આ વખતે પણ આપ પોતાનું પ્રદર્શન જાળવી રાખશે, સુધારશે કે પછી નિષ્ફળ જશે તેના પર સૌની નજર છે.

નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોથી નાનાં શહેરોમાં મતદારોનો મિજાજ કેવો છે તેનો પણ ખ્યાલ આવશે.

અનેક જગ્યાએ ‘ભાજપનો વિરોધ’

અમદાવાદમાં ભાજપ સામે લાગેલા પૉસ્ટર્સ

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠેકઠેકાણે સત્તાધારી પક્ષ ભાજપનો થયેલો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

ભાજપના ઉમેદવારોના વિરોધના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

અમદાવાદના અસારવા, ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ કરતાં પોસ્ટર્સ જોવા મળ્યા હતા. તો ઇન્ડિયા કૉલોની વિસ્તારમાં ભાજપના ઉમેદવારો સાથે આવેલી અશોક મિલની નવી ચાલી ખાતે પ્રચારાર્થે પહોંચેલા ભાજપના એક કાર્યકરને એક રહીશે કથિતપણે ‘લાફા ઝીંકી દીધા’ હતા.

વિરોધનો આ સૂર સુરતમાં પણ અનેક જગ્યાએ જોવા મળ્યો હતો. ઠેકઠેકાણે ભાજપના ઉમેદવારોને લોકોએ જાહેરમાં પ્રશ્નો પૂછ્યા હતા અને તેમનો રોષ ઠાલવ્યો હતો.

વડોદરામાં ‘ભાજપના ઉમેદવારોને સોસાયટીના ગેટ પર જ ઊભા રાખી રહીશોએ સવાલ કર્યા’ હોવાનો મામલો પણ સામે આવ્યો હતો.

સુરત અને વડોદરાથી બીબીસીના સહયોગીઓએ ચિતાર આપ્યો એ પ્રમાણે ભાજપના ઉમેદવારોને પહેલાંની સરખામણીએ વ્યાપક વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો.

એવામાં લોકોના આ વિરોધની વચ્ચે ચૂંટણીનાં પરિણામોમાં તેની અસર ભાજપને થાય છે કે નહીં તેના પર પણ સૌની નજર રહેશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘બિનહરીફ’

ભાજપે કડી સહિત ત્રણ નગરપાલિકાઓ ચૂંટણી પહેલાં જ કબ્જે કરી લીધી હતી

ઇમેજ સ્રોત, FB/ Nitin Patel

મતદાનની તારીખ પહેલાં રાજ્યમાં આ ચૂંટણીમાં ઘણી બેઠકો પરથી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના કિસ્સા સામે આવ્યા બાદ અંતે જાણવા મળ્યું હતું કે રાજ્યમાં કુલ 733 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જે પૈકી મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.

આનો અર્થ છે કે રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતોની કુલ 9,992 બેઠકોમાંથી 733 બેઠકો બિનહરીફ જાહેર થતાં આ બેઠકોના મતદારો આ વખત મતદાન કરવાથી વંચિત રહ્યા હતા.

આ બાદ સ્થિતિ એવી બની કે ગુજરાતની ત્રણ નગરપાલિકાઓ, કડી, ઊના અને ગણદેવી ભાજપે ચૂંટણી પહેલાં જ જીતી લીધી હતી.

જોકે, ભાજપના આ બિનહરીફ વિજય સામે વિપક્ષ સતત એવા આરોપો લગાવી રહ્યો છે કે, “ભાજપ લોભ લાલચ, ડર સત્તાનો દુરુપયોગ અને ખોટા પોલીસ કેસનો ડર બતાવીને ઉમેદવારોનાં ફૉર્મ પાછાં ખેંચાવી રહ્યો છે.”

આ મુદ્દે ભાજપ તથા ચૂંટણીપંચની ઘણી ટીકા થઈ છે.

બીજી તરફ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે વિપક્ષના આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું, “સત્ય એ છે કે, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઉમેદવારો મળતા નથી.”

15 મહાનગરપાલિકાઓમાં થયેલું મતદાન

મહાનગરપાલિકાઓમાં સૌથી વધુ મતદાન નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં થયું હતું, જ્યારે સૌથી ઓછું ગાંધીધામ મહાનગરપાલિકામાં મતદાન થયું હતું.

વાપી : 72.29 ટકા

મોરબી : 65.65 ટકા

નવસારી : 65.28 ટકા

નડિયાદ : 63.66 ટકા

કરમસદ-આણંદ : 61.56 ટકા

સુરત : 59.21 ટકા

મહેસાણા : 58.46 ટકા

જામનગર : 58.14 ટકા

ભાવનગર : 54.84 ટકા

સુરેન્દ્રનગર : 54.67 ટકા

વડોદરા : 53.34 ટકા

અમદાવાદ : 51.81 ટકા

રાજકોટ : 51. 59 ટકા

પોરબંદર : 48.84 ટકા

ગાંધીધામ : 46.08 ટકા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS