Home તાજા સમાચાર gujrati હોર્મુઝ : ઈરાન માટે 40 દિવસના યુદ્ધમાં આ જળમાર્ગ કેવી રીતે સૌથી...

હોર્મુઝ : ઈરાન માટે 40 દિવસના યુદ્ધમાં આ જળમાર્ગ કેવી રીતે સૌથી શક્તિશાળી હથિયાર બન્યો?

18
0

Source : BBC NEWS

ઈરાન યુદ્ધ, અમેરિકા, ઈરાન, ઇઝરાયલ, હોર્મુઝ સામુદ્રધુની, ભારત, દરિયાઈ માર્ગ, ઑઇલ અને ગૅસ, બીબીસી ગુજરાતી, યુદ્ધની વિશ્વ પર અસર

ઇમેજ સ્રોત, Ian Forsyth/Getty Images

ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે 40 દિવસના યુદ્ધ પછી એક ચોંકાવનારો નિષ્કર્ષ બહાર આવ્યો છે. ઈરાનની સૌથી મજબૂત તાકાત તેની પરમાણુ ક્ષમતાઓમાં નહીં, પરંતુ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરવાની ક્ષમતામાં રહેલી છે.

શરૂઆતથી જ આ યુદ્ધને ઈરાનમાં શાસન બદલવાના પ્રયાસ તરીકે જોવાતું હતું અને આ માટે મહત્ત્વપૂર્ણ સ્થળો અને નેતાઓને નિશાન બનાવીને ભારે બૉમ્બમારો કરાયો હતો.

ઈરાને અમેરિકાના ખાડી સાથી દેશો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને જવાબ આપ્યો હતો, પરંતુ જેમ જેમ સંઘર્ષ વધતો ગયો તેમ તેણે પોતાનું ધ્યાન ફારસની ખાડીને વૈશ્વિક બજારો સાથે જોડતા સાંકડા દરિયાઈ માર્ગ પર કેન્દ્રિત કર્યું.

આ પગલાથી અમેરિકા અને તેના સાથી દેશો પર એક દબાણ સર્જાયું, જે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ઑઇલ અને ગૅસના અવિરત પુરવઠા પર નિર્ભર છે.

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (આઇઆરજીસી)ના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે આ મહત્ત્વપૂર્ણ માર્ગ પર નિયંત્રણ સ્થાપિત કરવાથી પરંપરાગત સૈન્ય કાર્યવાહી કરતાં વ્યૂહાત્મક ફાયદો મળી શકે છે.

વૈશ્વિક ઊર્જા પુરવઠાને જોખમમાં મૂકીને ઈરાને વૉશિંગ્ટન (અમેરિકા)ને તેની રણનીતિ પર ફરીથી વિચાર કરવા માટે મજબૂર કર્યું છે.

આખરે, યુદ્ધવિરામ વાટાઘાટ માટે શરત તરીકે આ જળમાર્ગને ફરીથી ખોલવો અને સુરક્ષિત કરવો એ ટોચની પ્રાથમિકતા બની ગઈ.

જોકે, ઈરાન આ અગાઉ હુમલાની સ્થિતિમાં હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરવાની ધમકી આપતું રહ્યું છે, પરંતુ આ માર્ગ અગાઉ ક્યારેય સંપૂર્ણપણે બંધ કરાયો નથી.

1980-1988ના ઈરાન-ઇરાક યુદ્ધમાં પણ જ્યારે ઑઇલ ટૅન્કરો પર હુમલો થયો હતો, ત્યારે પણ તે બંધ થયો ન હતો.

કેટલાક ઈરાની કમાન્ડરો અને અધિકારીઓ હવે હોર્મુઝની સામુદ્રધુની પર દેશના નિયંત્રણના ભવિષ્ય અંગે ચર્ચા કરી રહ્યા છે. ઈરાનની સંસદ, ખાસ કરીને તેની નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલે તેમાંથી પસાર થતાં જહાજો પર ફી લાદવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.

એક સાંસદે સૂચન કર્યું છે કે ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા દરેક ત્રણ બૅરલ ઑઇલ માટે એક ડૉલર વસૂલ કરી શકે છે.

જીતની તસવીર

ઈરાન યુદ્ધ, અમેરિકા, ઈરાન, ઇઝરાયલ, હોર્મુઝ સામુદ્રધુની, ભારત, દરિયાઈ માર્ગ, ઑઇલ અને ગૅસ, બીબીસી ગુજરાતી, યુદ્ધની વિશ્વ પર અસર

ઇમેજ સ્રોત, Getty Images

યુદ્ધવિરામ પછી ઈરાનના સરકારી મીડિયાએ વિજયની એક તસવીર રજૂ કરી છે. કુવૈતમાં ઈરાનના દૂતાવાસે પૂર્વ સર્વોચ્ચ નેતાનો વીડિયો શૅર કર્યો છે, જેનું શીર્ષક હતું “જ્યારે અલ્લાહની મદદ અને જીત આવે છે.”

આ ઈરાનમાં ફેલાયેલા સંદેશને પ્રતિબિંબિત કરે છે કે દેશે બાહ્ય દબાણનો સફળતાપૂર્વક પ્રતિકાર કર્યો છે.

આઇઆરજીસી સંલગ્ન ફાર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો, “ઈરાનની યુદ્ધવિરામ યોજનામાં પ્રતિબંધો હઠાવવા, યુદ્ધ વળતર અને અમેરિકન સૈનિકોને ઈરાનમાંથી પાછા ખેંચી લેવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.”

ઈરાનના વરિષ્ઠ અધિકારીઓએ આ વલણનું જ પુનરાવર્તન કર્યું હતું. ઈરાનના ઉપરાષ્ટ્રપતિએ એક નિવેદનમાં આ યુદ્ધવિરામને “ખામેનેઈ સિદ્ધાંત”ની જીત ગણાવી, યુદ્ધના શરૂઆતના દિવસોમાં માર્યા ગયેલા અલી ખામેનેઈનો ઉલ્લેખ કરાયો હતો.

બીજી તરફ, આઇઆરજીસીના પૂર્વ વડા અને ઈરાનના નવા નેતાના સલાહકાર મોહસીન રેઝાઈએ ચેતવણી આપી હતી કે ઈરાની સૈન્ય સંપૂર્ણપણે સતર્ક છે અને તેની “આંગળીઓ ટ્રિગર પર છે.”

જોકે, વિજયના દાવાઓ પાછળની વાસ્તવિકતા ઘણી નાજુક છે.

ઈરાનની સેનાને ભારે નુકસાન થયું છે અને અમેરિકાના નેતૃત્વ હેઠળના પ્રતિબંધોના દબાણ હેઠળ પહેલેથી જ તેની અર્થવ્યવસ્થા વધુ ખરાબ પરિસ્થિતિમાં ગરકાવ થઈ છે.

સંઘર્ષ દરમિયાન કમસે કમ 13 લોકોને ફાંસી અપાઈ હતી, જેમાંથી ઘણા પર જાસૂસીનો આરોપ હતો અને કેટલાકને જાન્યુઆરીમાં દેશવ્યાપી વિરોધપ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

આ પગલાં સૂચવે છે કે સત્તા તંત્રમાં સ્થાનિક અસહમતિ અંગે ચિંતા છે અને પરિસ્થિતિ પર ફરીથી નિયંત્રણ સ્થાપિત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

હોર્મુઝ સામુદ્રધુનીને ફરીથી ખોલવી કેટલું મુશ્કેલ છે?

ઈરાન યુદ્ધ, અમેરિકા, ઈરાન, ઇઝરાયલ, હોર્મુઝ સામુદ્રધુની, ભારત, દરિયાઈ માર્ગ, ઑઇલ અને ગૅસ, બીબીસી ગુજરાતી, યુદ્ધની વિશ્વ પર અસર

શાંતિમંત્રણા પહેલાં હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવાની અમેરિકાની મુખ્ય માગ હતી, પરંતુ તે હાંસલ કરવી મુશ્કેલ હોય તેવું લાગે છે.

બુધવારે ઈરાને ચેતવણી આપી હતી કે રિવોલ્યુશનરી ગાર્ડ કોરની મંજૂરી વિના પસાર થતાં જહાજોને “ટાર્ગેટ કરીને નાશ કરાશે.”

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટે બાદમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પને “અસ્વીકાર્ય” માહિતી અપાઈ હતી, પરંતુ તેમણે ઉમેર્યું હતું કે તે ખાનગી રીતે કહેવાતી વાતોથી અલગ છે.

ઈરાનના ઉપવિદેશમંત્રી સઈદ ખાતિબઝાદેહે ગુરુવારે બીબીસીને જણાવ્યું હતું કે ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરશે અને ઉમેર્યું હતું કે, અમેરિકા સાથે યુદ્ધ શરૂ થયું ત્યાં સુધી તે “હજારો વર્ષોથી” ખુલ્લો હતો.

જોકે, તેમણે કહ્યું કે તેને ફરીથી ખોલવી ત્યારે જ શક્ય બનશે જ્યારે “અમેરિકા ખરેખર આ આક્રમણ કરવાથી પીછેહઠ કરે,” કદાચ તેમનો ઇશારો લેબનોન પર ઇઝરાયલના હુમલાઓ તરફ હતો.

ખાતિબઝાદેહે કહ્યું કે, ઈરાન “આંતરરાષ્ટ્રીય ધોરણો અને આંતરરાષ્ટ્રીય કાયદા”નું પાલન કરશે, પરંતુ ઉમેર્યું કે હોર્મુઝની સામુદ્રધુની આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં નથી અને સુરક્ષિત અવરજવર “ઈરાન અને ઓમાનની સદભાવના” પર નિર્ભર કરે છે.

હોર્મુઝની સામુદ્રધુની આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર દરિયાઈ કાયદા સંધિ (યુએનસીએલઓએસ) દ્વારા સંચાલિત છે, જેનો હેતુ નાગરિક દરિયાઈ અવરજવરની સુરક્ષિતતાને સુનિશ્ચિત કરવાનો છે.

શું ઈરાન એક ખતરનાક દાખલો બેસાડશે?

ઈરાન યુદ્ધ, અમેરિકા, ઈરાન, ઇઝરાયલ, હોર્મુઝ સામુદ્રધુની, ભારત, દરિયાઈ માર્ગ, ઑઇલ અને ગૅસ, બીબીસી ગુજરાતી, યુદ્ધની વિશ્વ પર અસર

ઇમેજ સ્રોત, Getty Images

તો ઈરાન આગળ શું કરી શકે છે? હોર્મુઝની સામુદ્રધુનીના નિયંત્રણ માટે ઈરાની સંસદમાં રજૂ કરાયેલો પ્રસ્તાવ નવ મુદ્દાનો છે.

આમાં એક મહત્ત્વપૂર્ણ જોગવાઈ એ છે કે “દુશ્મન દેશોનાં જહાજોને પસાર થવા દેવામાં નહીં આવે.”

વધુમાં ઈરાન શિપિંગ સેવાઓ પૂરી પાડી શકે છે, જેના માટે કંપનીઓને ઈરાની ચલણમાં ચુકવણી કરવાની રહેશે અને ઈરાનમાં બૅન્ક ખાતું રાખવું પડશે. જહાજોએ તેના માલ વિશે પણ માહિતી આપવી પડશે.

આ એક જટિલ પ્રસ્તાવ છે અને હજુ સુધી તેના પર મતદાન થયું નથી.

જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં જહાજો પર ટૅક્સ લાદે, તો સૌથી મોટો પ્રશ્ન એ થશે કે શું અમેરિકા અને તેના પશ્ચિમી અને પ્રાદેશિક સાથીઓ તેને સ્વીકારશે.

તાજેતરની પ્રતિક્રિયાઓ મજબૂત વિરોધ તરફ ઇશારો કરે છે, કારણ કે નૅવિગેશનની સ્વતંત્રતા એ અમેરિકા અને તેના સાથી દેશો માટે એક મૂળભૂત સિદ્ધાંત છે અને કોઈ પણ ટૅક્સ સિસ્ટમને એક ખતરનાક ઉદાહરણ તરીકે જોવાશે.

જો ઈરાન સફળ થાય, તો તે એક મહત્ત્વપૂર્ણ રાજકીય અને પ્રતીકાત્મક વિજય હશે, જે દર્શાવશે કે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક પર તે નિયંત્રણ રાખી શકે છે.

જોકે, જોખમ એ છે કે તેની વિપરીત અસર થઈ શકે છે અને ઈરાન સામે અમેરિકન સહયોગીઓ, નાટોના સભ્યો અને પ્રાદેશિક શક્તિઓને એક કરી શકે છે, જેનાથી તાલમેલ સાથે રાજદ્વારી, આર્થિક અથવા તો લશ્કરી પ્રતિક્રિયાઓ આવી શકે છે.

આ અહેવાલમાં સારા બેલે પણ સહયોગ આપ્યો છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS