Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Samir Khan
- લેેખક, સમીર ખાન
- પદ, બીબીસી હિંદી માટે
-
6 મે 2025, 14:59 IST
અપડેટેડ 4 કલાક પહેલા
મધ્ય પ્રદેશના ઇંદૌરમાં બ્રેઇન ટ્યૂમરથી પીડિત સાડા ત્રણ વર્ષની બાળકીનો ‘સંથારો’ કરાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું.
‘ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ’એ વિયાના જૈનને સૌથી ઉંમરે સંથારાનો સંકલ્પ લેવાના વર્લ્ડ રેકૉર્ડનું પ્રમાણપત્ર આપ્યું છે.
જૈન ધર્મની માન્યતા પ્રમાણે, જ્યારે કોઈ વ્યક્તિ કે મુનિ પોતાનું જીવન પૂર્ણપણે જીવી લે એટલે શરીર સાથ છોડી દે છે. આવા સમયે તેઓ સંથારો લઈ શકે છે.
જોકે, સવાલ એ ઊઠી રહ્યો છે કે શું સાડા ત્રણ વર્ષની બાળકીએ તેની મરજીથી સંથારો લીધો હતો?
મધ્ય પ્રદેશના બાળઅધિકાર સંરક્ષણપંચે આ મુદ્દે ઇંદૌરના કલેક્ટરને નોટિસ કાઢી છે.
બાળકીનાં માતાએ શું કહ્યું ?

ઇમેજ સ્રોત, Samir Khan
બાળકીના પિતા પીયૂષ જૈનના કહેવા પ્રમાણે, સારવાર કરાવવા છતાં બાળકીની તબિયતમાં કોઈ સુધાર નહોતો થઈ રહ્યો, એટલે જૈન મુનિશ્રીના સૂચનથી બાળકીને સંથારો પસંદ કર્યો હતો.
સાડા ત્રણ વર્ષીય વિયાના જૈનનાં માતા વર્ષા જૈન તેમનાં દીકરીને સંથારો અપાવવાની વાતને ખરી ઠેરવે છે.
વર્ષા જૈનના કહેવા પ્રમાણે, 20 નવેમ્બર, 2021ના રોજ વિયાનાનો જન્મ થયો હતો. જાન્યુઆરી-2025થી તેનાં માથામાં શૂળ ઊપડ્યું હતું અને તેને ઊલટીઓ થવા લાગી હતી.
તબીબી તપાસમાં તેને બ્રેઇન ટ્યૂમર હોવાનું બહાર આવ્યું હતું. એ પછી મુંબઈમાં વિયાનાનું ઑપરેશન કરવામાં આવ્યું, એ પછી તે સાજી પણ થઈ ગઈ હતી.
જોકે, 15મી માર્ચથી ફરીથી વિયાનાના માથામાં દુખાવો થવા લાગ્યો હતો. ઇંદૌરમાં તપાસ કરતા તેને ફરી ટ્યૂમર થયું હોવાનું નિદાન થયું હતું.
વર્ષા જૈનના કહેવા પ્રમાણે, તબીબોનું કહેવું હતું કે આટલા ટૂંકા ગાળામાં બાળકીની ફરીથી સર્જરી કરી ન શકાય, એટલે તેમણે વિયાનાને કેટલીક દવાઓ આપી હતી.
વર્ષા જૈનના કહેવા પ્રમાણે, એ પછી બાળકીની તબિયત વધુ કથળી ગઈ અને તેણે ખાવાપીવાનું પણ લગભગ મૂકી દીધું હતું.
વિયાનાને ખોરાક મળી રહે તે માટે 21મી માર્ચે તેને ફૂડ પાઇપ લગાવી દેવામાં આવી.
વર્ષા જૈન કહે છે, “21 માર્ચના રોજ અમે વિયાનાને ગુરુદેવ અભિગ્રહધારી ડૉ. રાજેશ મુનિ મહારાજ પાસે લઈ ગયાં. તેમણે કહ્યું હતું કે બાળકીનો અંત સમય નજીક છે એટલે એને સંથારો અપાવવો જોઈએ.”
“એ પછી રાત્રે નવ વાગ્યા અને 55 મિનિટે સંથારાની વિધિ શરૂ કરવામાં આવી. એ જ રાત્રે 10 વાગ્યા અને પાંચ મિનિટે બાળકીનું મૃત્યુ થઈ ગયું.”
બાળકને સંથારાની સલાહ આપનારા મુનિ શું કહે છે?

ઇમેજ સ્રોત, Samir Khan
અત્યાર સુધી 108 સંથારા કરાવનારા તથા આ વિષયમાં પીએચ.ડી. કર્યું હોવાનો દાવો કરનારા ડૉ. રાજેશ મુનિ મહારાજે વિયાના જૈન વિશે બીબીસી હિંદી સાથે વાત કરતા કહ્યું :
“જ્યારે ત્રણ વર્ષ અને ચાર મહિનાની વિયાનાને તેનાં માતાપિતા મારી પાસે લઈ આવ્યાં, ત્યારે તેને જોઈને જ હું સમજી ગયો હતો કે બાળકી પાસે વધારે સમય નથી. એટલે મેં તેનાં માતાપિતાને કહ્યું હતું કે વિયાનાને સંથારો અપાવવો જોઈએ.”
“વિયાનાનાં માતા-પિતાએ મને બાળકીને ભોજન આપવા સંબંધે પૂછ્યું હતું. ત્યારે મેં તેમને કહ્યું હતું કે જો વિયાના કંઈક માગે કે દવા આપવાની હોય, તો તે આપજો. આ અંગે બાળકીનાં માતાપિતા સહમત થઈ ગયાં હતાં.”
પીયૂષ જૈન કહે છે કે જો અમે વિયાનાને હૉસ્પિટલે લઈ ગયાં હોત અને ત્યાં તેનું મૃત્યુ થયું હોત, એના કરતાં સારું છે કે જૈન ધર્મ પ્રમાણે, તેનો સંથારો થયો અને તેનું મૃત્યુ ધાર્મિકવિધિ મુજબ થયું.
ઑલ ઇન્ડિયા જૈન સમાજના વડા રમેશ ભંડારીના કહેવા પ્રમાણે, ‘સંથારો લેવા માટે કોઈની ઉપર દબાણ કરવામાં નથી આવતું. જ્યારે બધી બાજુથી દરવાજા બંધ થઈ જાય અને તબીબો પાસે પણ તેનો કોઈ ઈલાજ ન હોય, ત્યારે વ્યક્તિ આ વિકલ્પ લે છે.’
રમેશ ભંડારીના કહેવા પ્રમાણે, આ મામલે તેમણે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડી છે.
જૈન ધર્મના સંથારા વિશે અગાઉ પણ વિવાદ

ઇમેજ સ્રોત, Kunal Chhajer/BBC
જૈન ધર્મમાં સંથારો એ આસ્થાનો વિષય છે, જ્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરે છે. કેટલાક લોકોનું માનવું છે કે માનવતાવાદી દૃષ્ટિકોણથી જોઈએ તો આ પ્રથા આત્મહત્યાનું એક સ્વરૂપ છે.
વર્ષ 2006માં સંથારાની પ્રથા સામે જાહેર હિતની અરજી દાખલ થઈ હતી. અરજદારનું કહેવું હતું કે સંથારો લેવોએ આત્મહત્યા કરવા જેવું છે, એટલે આધુનિક સમયમાં તેને માન્યતા ન આપવી જોઈએ.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સંથારો લેનાર વ્યક્તિના પરિવારનું સ્થાન સમાજમાં વધી જતું હોય છે, એટલે પરિવારજનો પણ આ પ્રથાને પ્રોત્સાહન આપે છે.
વર્ષ 2015માં રાજસ્થાન હાઇકોર્ટે આ અરજી પર ચુકાદો આપ્યો હતો અને આ પ્રથાને તત્કાલીન ભારતીય દંડ સંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવી) તથા 309 (આત્મહત્યાનો પ્રયાસ) હેઠળ દંડપાત્ર ગુનો ગણાવ્યો હતો.
જોકે જૈન ધર્મના અલગ-અલગ એકમોની અરજીઓ પર સુનાવણી કરતી વેળાએ દેશની સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના વકીલ તનુજ દીક્ષિતના મતે, “જૈનો માટે સંથારો પવિત્ર બાબત છે. જેમાં અન્નો ત્યાગ કરી દેવામાં આવે છે. અગાઉ પણ આ મુદ્દો અદાલત સુધી પહોંચ્યો છે. લાંબી કાયદાકીય લડાઈ બાદ વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે સંથારાની પ્રક્રિયાને ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.”
“સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે આ ધાર્મિક વિકલ્પ છે અને તેને કાયદેસર રીતે પ્રતિબંધિત ન કરી શકાય.”
તનુજ દીક્ષિત ઉમેરે છે, “આ કેસમાં બાળકી બ્રેઇન ટ્યૂમરથી પીડિત હતી. તેની પાસે વધુ સમય ન હતો. સંથારા લેવાની 10 મિનિટમાં જ તેનું મૃત્યુ થઈ ગયું. બાળકીને ન તો ત્રાસ આપવામાં આવ્યો હતો કે ન તો તેને ભૂખી-તરસી રાખવામાં આવી હતી.”
ઇંદૌર પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Samir Khan
ઇંદૌર પોલીસ કમિશનરેટના ઍડિશનલ ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) રાજેશ દંડોતિયાના કહેવા પ્રમાણે, ગાંધીનગર, એડોરમ તથા ધોની પોલીસ સ્ટેશન પાસેથી માહિતી માગવામાં આવી છે. ત્યાં હજુ સુધી કોઈ કેસ દાખલ નથી થયો.
મધ્ય પ્રદેશ બાળઅધિકાર સંરક્ષણપંચના સભ્ય ઓમકારસિંહે આ અંગે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે લગભગ સાડા ત્રણ વર્ષની બાળકીએ સંથારો લેવાની ઘટના તેમના ધ્યાને આવી છે.
સંથારામાં સ્વૈચ્છાએ અન્ન-જળનો ત્યાગ કરવામાં આવે છે, પરંતુ આ બાળકી માત્ર ત્રણ વર્ષ અને ચાર મહિનાની હતી, ત્યારે તેની પોતાની મરજી કેવી રીતે હોઈ શકે? એવો સવાલ ઊઠી રહ્યો છે.
ઓમકારસિંહે જણાવ્યું હતું કે પંચે આ ઘટનાની નોંધ લીધી છે અને ઇંદૌરના કલેક્ટરને નોટિસ કાઢી છે. કલેક્ટરની રિપોર્ટના આધારે આ કેસમાં શું થયું છે અને શું કાર્યવાહી કરવી જોઈએ તે અંગે નિર્ણય લઈશું.
સંથારો એટલે શું?

ઇમેજ સ્રોત, Surendra jain/BBC
જૈન ધર્મમાં માન્યતા છે કે જ્યારે કોઈ વ્યક્તિ કે જે જૈન મુનિ તેનું જીવન સંપૂર્ણપણે જીવી લે અને શરીર સાથ ન આપતું હોય, તો તે સંથારો લઈ શકે છે.
સંથારાને ‘સંલેખના’ પણ કહેવાય છે, જે એક પ્રકારે ધાર્મિક સંકલ્પ છે. આ નિશ્ચય કર્યા બાદ વ્યક્તિ અન્નત્યાગ કરે છે અને મૃત્યુનો સામનો કરે છે.
જૈન ધર્મમાં માનતા જસ્ટિસ ટીકે તુકોલે ‘સંલેખના ઇઝ નૉટ સ્યુસાઇડ’ નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ લખે છે કે સંથારાનો હેતુ આત્મશુદ્ધિના સંકલ્પનો છે. માનવજન્મનો હેતુ કર્મનાં બંધનોમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરવાનો હોય છે. સંથારો આ હેતુને સાધવામાં મદદ કરે છે.
બીજી સદીમાં આચાર્ય સામંતભદ્ર લિખિત ‘રત્નકરંડ શ્રાવકાચાર’ ગ્રંથમાં સંથારાનો ઉલ્લેખ મળે છે. આ ગ્રંથમાં શ્રાવક કે સાધકનું આચરણ કેવું હોવું જોઈએ, તેના વિશે જણાવવામાં આવ્યું છે. તેને જૈન ધર્મના મહત્ત્વપૂર્ણ ગ્રંથોમાંથી એક માનવામાં આવે છે.
આ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે, કપરી પરિસ્થિતિમાં, દુકાળમાં, વૃદ્ધાવસ્થામાં કે લાંબા સમયથી બીમાર વ્યક્તિ સંથારો લઈ શકે છે.
જે વ્યક્તિ આ સંકલ્પ લે, તેણે પવિત્ર મનથી, ખરાબ વિચારો ત્યજીને, અન્યોની ભૂલોને માફ કરીને પોતાની ભૂલો સ્વીકારવી જોઈએ.
જૈન ધર્મ મુજબ, કોઈ ધર્મગુરુ જ વ્યક્તિને સંથારાની મંજૂરી આપી શકે છે, એ પછી જ જે-તે વ્યક્તિ અન્નો ત્યાગ કરી શકે છે. તેની આસપાસ ધાર્મિક પાઠ-પ્રવચન થાય છે.
સંથારો લેનારી વ્યક્તિને અનેક લોકો મળવા આવે છે અને આશીર્વાદ લે છે. જે વ્યક્તિનું સંથારા દરમિયાન મૃત્યુ થાય, તેને ‘સમાધિ મૃત્યુ’ કહેવામાં આવે છે. મૃતકના પાર્થિવદેહને પદ્માસનમાં બેસાડીને તેનું સરઘસ કાઢવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS