Source : BBC NEWS

આપણે રોજેરોજ જે જિન્સ પહેરીએ છીએ તેના માટે કેટલા પૈસા ખર્ચ્યા છે તે લગભગ દરેક વ્યક્તિ કહી શકે, પરંતુ જિન્સના એક પૅન્ટ માટે પર્યાવરણે કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે, એ તમે જાણો છો?
સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણ કાર્યક્રમના જણાવ્યા અનુસાર, કપાસનું ઉત્પાદન કરીને તેને શોરૂમમાં લાવવા સુધીની પ્રક્રિયામાં 3,781 લિટર પાણીની જરૂર પડે છે.
આટલું પાણી એક જિન્સ પૅન્ટ બનાવવા માટે જ વપરાતું હોય તો સમગ્ર કાપડ ઉદ્યોગમાં કેટલું પાણી વપરાતું હશે તેનો ક્યાસ કાઢવો મુશ્કેલ છે.
આ ઉદ્યોગમાં કપડાને ચોક્કસ રંગ આપવા માટે પાણીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અમેરિકાના એક નૉન-પ્રોફિટ રિસર્ચ સેન્ટર વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટના મતાનુસાર, ટૅક્સટાઇલ ઉદ્યોગ કાપડને રંગવા માટે દર વર્ષે આશરે પાંચ ટ્રિલિયન લિટર પાણીનો ઉપયોગ કરે છે.
વિશ્વના કુલ ઔદ્યોગિક જળ પ્રદૂષણ પૈકીના 20 ટકા માટે કાપડ ઉદ્યોગ જવાબદાર છે. વિશ્વના કુલ કાર્બન ઉત્સર્જન પૈકીનું 10 ટકા ઉત્સર્જન આ ઉદ્યોગ કરે છે.
કાપડ ઉદ્યોગમાંના આ પ્રદૂષણ ઘટાડવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. નાગપુરસ્થિત કૉટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં મુખ્ય વિજ્ઞાની ડૉ. વિનીતા ગોતમારે આવા પ્રયાસ કરી રહ્યાં છે.
ડૉ. વિનીતાએ જંગલી જાતોનો ઉપયોગ કરીને તપખીરિયા (બ્રાઉન) રંગનો કપાસ શોધી કાઢ્યો છે. તેમણે માટીમાં કુદરતી રીતે બ્રાઉન કપાસ ઉગાડ્યો છે.
રંગીન કપાસની શોધ કેવી રીતે કરી?

કપાસ વિશેના સંશોધનની વાત કરતાં ડૉ. વિનીતાએ કહ્યું હતું, “હું શરૂઆતથી જ જંગલી જાતો પર કામ કરી રહી છું. આ જંગલી જાતિનો ઉપયોગ હું ખેડૂતોને ઉપયોગી થાય તેવી જાતો માટે કરું છું.”
“ખેડૂતો જે જાતો ઉગાડે છે તેની સાથે જંગલી જાતોનું ક્રૉસ બ્રીડિંગ કરીને નવીન જાતો બનાવવાનું કામ કરતી વખતે મને રંગીન કપાસના કેટલાક ડેરિવેટિવ્ઝ મળ્યા હતા. એ પછી આ રંગીન કપાસનું વ્યાપારી મહત્ત્વ જાણીને મને સમજાયું હતું કે તેને સ્થાયિત્વ આપવું જરૂરી છે.”
“એ પછી તેનો રંગ ઝાંખો પડતો અટકાવવા માટેના પ્રયાસ શરૂ કર્યા હતા. આ કામ માટે ભરપૂર મહેનત કરવી પડે છે અને સમય ખર્ચવો પડે છે.”
“જંગલી જાતોનું ક્રૉસ બ્રીડિંગ કરવાથી અનેક જાતો મળે છે, પરંતુ તેમાંથી એક જાત પસંદ કરવી અને તેને સ્થાયી કરવી એ ખરેખર મોટું કામ છે.”
ડૉ. વિનીતાએ હિરુસુટમ, થર્બેરી, બારબેડન્સ અને રાયમોંડી જેવી જંગલી જાતોનું ક્રૉસ બ્રીડિંગ કરીને તેમાંથી પ્રોજિન્સ મેળવ્યાં હતાં.
2013માં તેમણે વૈદેહી-95ને જેનેટિક સ્ટોક તરીકે રજિસ્ટર કરાવી હતી. એ પછી 2021માં પ્રથમ જાત બહાર પાડવામાં આવી હતી.

ડૉ. વિનીતા અને કપાસ સંશોધન સંસ્થાની ટીમે આ કામ માટે લગભગ 25 વર્ષ મહેનત કરી છે. તેમણે 2021માં વૈદેહી-1 નામની રંગીન કપાસની પ્રથમ જાત બહાર પાડી હતી. આ જાત ઘેરા ભૂરા રંગની છે. તે દક્ષિણનાં રાજ્યો માટે બહાર પાડવામાં આવી હતી.
એ પછી અત્યાર સુધીમાં તેમણે રંગીન કપાસની ચાર જાત શોધી કાઢી છે. એ જાત મધ્ય અને દક્ષિણ ઝોન માટે રિલીઝ કરવામાં આવી છે. તે ઘેરા ભૂરા અને આછા બૂરા રંગના શૅડમાં હોય છે. તાજેતરમાં CNH 18529 નામની જાત પણ બહાર પાડવામાં આવી છે.
વિશ્વના કેટલાક દેશોમાં આવા રંગીન કપાસની શોધ થઈ છે, પરંતુ ડૉ. વિનીતાના જણાવ્યા મુજબ, રંગીન કપાસની આ ભારતીય જાતોની વિશેષતા એ છે કે તે જંગલી જાતોમાંથી મેળવવામાં આવે છે.
આ જાત કપાસ સંશોધન સંસ્થાની જમીન પર ઉગાડવામાં આવે છે. તેનાં બીજ ઑર્ગેનિક ખેતી કરતા સાતથી આઠ ખેડૂતોને આપવામાં આવ્યાં છે. તેનું કારણ એ છે કે આ કપાસ પર રાસાયણિક દવાનો છંટકાવ કરવાની જરૂર નથી. આ બ્રાઉન કપાસનું ઉત્પાદન મહારાષ્ટ્રના વર્ધાના ખાદી ગ્રામ ઉદ્યોગમાં પણ કરવામાં આવે છે.
આ કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતો પૈકીના એક હરિભાઉ કુંભારેએ કહ્યું હતું, “અમે છેલ્લાં બે વર્ષથી અડધા એકરમાં આ કપાસ ઉગાડી રહ્યા છીએ. તેનું ઉત્પાદન સફેદ કપાસ કરતાં ઓછું હોય છે, પરંતુ તેના પર રાસાયણિક દવાનો છંટકાવ કરવો પડતો નથી. તેનું ઉત્પાદન ઑર્ગેનિક છંટકાવથી જ થાય છે.”
રસાયણોના ઉપયોગ વિના કાપડનું ઉત્પાદન

કપાસ સંશોધન કેન્દ્ર અને ભૂરા કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતો બન્ને પાસેથી વર્ધાના ગોપપુરી ખાતેનું ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્ર કપાસ ખરીદે છે.
સફેદ કપાસ કરતાં તેની વધારે કિંમત ચૂકવવામાં આવે છે. બ્રાઉન કપાસમાંથી યાર્ન કાંતવાનું, કાપડ બનાવવાનું અને તેમાંથી ફૅશનેબલ કપડા બનાવવાનું કામ અહીં કરવામાં આવે છે.
ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્ર વસંત ફૂટાણેના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. તેમના કહેવા મુજબ, “બ્રાઉન કપાસ અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. અગાઉ અમે આવો કપાસ કર્ણાટકમાંથી ખરીદતા હતા, પરંતુ હવે એવું નથી.”
“હવે નાગપુરના કપાસ સંશોધન કેન્દ્રમાંથી અમારા માટે આ કપાસ ઉપલબ્ધ છે. અમે કેટલાક ખેડૂતો પાસેથી પણ બ્રાઉન કપાસ ખરીદીએ છીએ. આ કાપડથી ઓછામાં ઓછું પ્રદૂષણ થાય છે.”
“તેના ઉત્પાદનમાં ઓછા પાણીની જરૂર પડે છે. બ્લીચિંગ માટે ડિટર્જન્ટની જરૂર પડતી નથી. હાઇડ્રોજન પેરોક્સઇડ જેવાં રસાયણોની જરૂર પણ પડતી નથી. માણસો દ્વારા પર્યાવરણને થતા નુકસાનને ઘટાડવા માટે આ કપાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, એમ કહી શકાય. આ પ્રકારના રંગીન કપાસનો ઉપયોગ વધશે તો કાપડ ઉદ્યોગમાં પ્રદૂષણ ઓછું થશે,” એમ તેમણે ઉમેર્યું હતું.
કાપડને રંગવા માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. એ રસાયણ મિશ્રિત પાણી ઉપયોગ બાદ જ્યાં છોડવામાં આવે છે તે જમીન અથવા જળસ્રોતને પણ પ્રદૂષિત કરે છે.
ઇમેજ સ્રોત, Getty Images
એ પ્રદૂષણને રોકવા માટે રંગીન કપાસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આવા કપાસના ઉત્પાદન માટે ફક્ત વરસાદી પાણી જરૂરી હોય છે. એ પછી આવા કપાસમાંથી કાપડ બનાવવા સુધીની પ્રક્રિયામાં કોઈ રસાયણો કે પાણીની જરૂર પડતી નથી. આ કાપડ ગરમ પાણીમાં ધોઈને તેનો સીધો ઉપયોગ કરી શકાય છે.
આ કપાસ નૈસર્ગિક રીતે જ રંગીન હોવાથી તેને રંગવાની જરૂર પડતી નથી. ધોવા માટે બ્લીચિંગ કરવું પડતું નથી. તેથી એ ત્વચા માટે પણ વધારે સારું છે, એવું વર્ધાના અનિલ ફરસોલેએ જણાવ્યું હતું. અનિલ આવા કપાસમાંથી બનાવેલા કાપડનાં વસ્ત્રો જ પહેરે છે.
તેમણે કહ્યું હતું, “અમે છેલ્લા આખા વર્ષથી બ્રાઉન રંગનું સુતરાઉ કાપડ વાપરીએ છીએ. ખાદીનું કાપડ થોડું સંકોચાતું હોય છે, પરંતુ આ કાપડ સંકોચાતું નથી. ઉપરાંત બન્ને રંગ પણ એકમેકમાં ભળી જાય છે, પરંતુ તેનો ઉપયોગ ખાદી સાથે કરવામાં આવે તો રંગ ભળતો નથી. એ જોઈને મને ખૂબ આનંદ થાય છે.”
તેમણે ઉમેર્યું હતું, “આપણે નૈસર્ગિક રંગે રંગાયેલું કાપડ વાપરીએ છીએ ત્યારે પણ કોઈને કોઈ સમસ્યા થાય છે, પરંતુ કુદરતી રીતે ઉગાડવામાં આવેલા આ રંગીન કપાસમાંથી બનાવેલું કાપડ મને ખરેખર ખૂબ ગમે છે.”
અનિલ ફરસોલેનાં પુત્ર અને પુત્રવધૂ આ રંગીન કપાસનાં કપડાં તેમની સાથે નેધરલૅન્ડ્સ લઈ ગયાં છે. ઉપરાંત દેશભરમાં ખાદી ગ્રામોદ્યોગમાંથી આ રંગીન સુતરાઉ કાપડની મોટી માંગ છે, પરંતુ એ માગ સંતોષવા જેટલું કપાસનું ઉત્પાદન થઈ શકતું નથી, એમ વસંત ફુટાણેએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, “પુરવઠો ઓછો છે અને માગ વધુ છે. બહુ થોડા ખેડૂતો આ રંગીન કપાસનું ઉત્પાદન કરે છે.”
“આ કપાસ પર્યાવરણને અનુકૂળ હોવાથી તેનો પ્રસાર-પ્રચાર વધારવો જોઈએ. આ માટે એક નીતિ ઘડવી જોઈએ, જેથી ખેડૂતો આવા કપાસનું ઉત્પાદન કરવા આગળ આવે.”
આ કપાસની મર્યાદા શું છે?
હાલ આ કપાસ માત્ર તપખીરિયા રંગમાં જ ઉપલબ્ધ છે. તેના વિવિધ શૅડ છે, પરંતુ આ કપાસ અન્ય રંગોમાં ઉપલબ્ધ કેમ નથી?
તેનો જવાબ એ છે કે હાલ આ કપાસમાં તપખીરિયો રંગ સ્ટેબલ કરવામાં સફળતા મળી છે. એટલે કે આ કપાસનો રંગ સૂર્યપ્રકાશથી ઝાંખો પડતો નથી, પણ ઘટ્ટ થાય છે, એમ ડૉ. વિનીતાએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે આ પ્રયોગ દરમિયાન અન્ય રંગો ભેળવવામાં આવ્યા હતા, પરંતુ માત્ર તપખીરિયો રંગ સ્ટેબલ કરવામાં જ સફળતા મળી હતી. હવે અન્ય રંગોને સ્ટેબલ કરવાની દિશામાં સંશોધન ચાલી રહ્યું છે.
આ બ્રાઉન કપાસનો ઉપયોગ હાલ ફક્ત હાથવણાટ માટે જ કરવામાં આવે છે, કારણ કે તેની લંબાઈ અને પહોળાઈની મર્યાદા છે.
અલબત્ત, આ કપાસનો ઉપયોગ હાઈ-સ્પીડ મશીનમાં કેવી રીતે કરી શકાય તેના પ્રયાસો ડૉ. વિનીતા કરી રહ્યાં છે.
તેમાંથી ભવિષ્યમાં વધુ સુધારેલી જાતો તૈયાર થશે તો પર્યાવરણના દૃષ્ટિકોણથી તેમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



