Source : BBC NEWS

“જિંદગી અમારા માટે બહુ મુશ્કેલ બની ગઈ છે. લોકો કહે છે કે ‘તમે કેમ રડો છો?’, પણ જેણે ભોગવી હોય એ જ આ પીડાને જાણે છે. સાહેબ, અમારી આંખો સામે આજીવિકા નાશ પામી છે. અમે કોઈક રીતે તે સહન કર્યું, પણ જમીન ધોવાઈ ગયા પછી અમારાં બાળકો ટકી શકશે? હું હવે 55-60 વર્ષનો થયો છું.”
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના કેવડ ગામના દત્તાત્રેય ધર્મે સીના નદીમાં આવેલા પૂર પછીની તેમના ખેતરની સ્થિતિનું વર્ણન કરી રહ્યા હતા. પૂરને યાદ કરતાં ધર્મેની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી.
અમે તેમના ખેતરમાં બેઠા હતા, પરંતુ માટીનું ધોવાણ થયું હોવાથી જમીન ઉજ્જડ દેખાતી હતી અને વાતાવરણ ખૂબ જ ઉદાસ લાગતું હતું.
સપ્ટેમ્બર 2025ના છેલ્લા સપ્તાહમાં ટૂંકા ગાળામાં ભારે વરસાદ પડ્યો હતો. પરિણામે સીના નદીમાં એક વખત નહીં, ત્રણ-ત્રણ વખત પૂર આવ્યું હતું.
પાણીનું સ્તર એટલું વધી ગયું હતું કે સીના નદીના વહેણનો સમૂળગો માર્ગ બદલાઈ ગયો અને નદીના પૂરનું પાણી સીધું ધર્મેના તથા અન્ય ખેડૂતોનાં ખેતરોમાં પ્રવેશ્યું હતું.
ખેતરમાંથી બે સપ્તાહ સુધી પાણી ઓસર્યું ન હતું, પૂરનું પાણી ઓસર્યું ત્યારે, દત્તાત્રેય ધર્મે, તેમનાં પત્નીએ કહ્યું તેમ, નાના બાળકની જેમ ભાંગી પડ્યા હતા. તેનું કારણ એ હતું કે તેમના ખેતરની ફળદ્રુપ જમીનનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું હતું.
ખેતરોમાં 10 ફૂટથી વધારે ઊંડા ખાડા પડી ગયા હતા. ધર્મેના ખેતરમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમના પાંચ એકરના ખેતરમાં ઊગેલી શેરડી આગામી બે મહિનામાં ફેક્ટરીમાં મોકલવામાં આવી હોત તો તેઓ પાંચ લાખ રૂપિયા કમાઈ શક્યા હોત.

માટીને સગી માતા જેવો પ્રેમ કરતા આ ખેડૂતને પૂરે વેરેલા વિનાશને કારણે જબરો માનસિક આઘાત લાગ્યો છે.
કુદરતી આફતમાં તમારું ઘર, તમારી ખેતીની જમીન, જંગલો અને ટેકરીઓ તમારી નજર સામે નાશ પામે છે ત્યારે આસપાસના વાતાવરણમાં ભારે પરિવર્તન આવે છે.
તમે જ્યાં મોટા થયા હો એ સ્થળ હવે પરિચિત લાગતું નથી. એ ફેરફારો એટલા ઊંડાણપૂર્વક અસર કરે છે કે લોકો પોતાના ઘરમાં પણ ભય, પીડા અને એકલતાની લાગણી અનુભવે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને સોલાસ્ટેલ્જિયા કહેવામાં આવે છે.
ઑસ્ટ્રેલિયન પર્યાવરણીય ફિલસૂફ ગ્લેન આલ્બ્રેકેટે આ કન્સેપ્ટ સૌપ્રથમવાર 2003માં મોન્ટ્રીયલમાં રજૂ કર્યો હતો.
“ઘરમાં રહેવા છતાં તે ઘર ન હોવાની અને આસપાસનો વિસ્તાર ખોવાઈ ગયાની લાગણી,” એવો તેનો અર્થ એવો થાય છે.
બીબીસી મરાઠીએ આ વિષય પર ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. પોતાના ઘર અથવા વાતાવરણમાં થતા ફેરફારોને કારણે સર્જાતી એકલતા, આધારવિહોણાપણું અને માનસિક તકલીફ સોલાસ્ટાલ્જિયાના સ્વરૂપો છે.
ભારત સરકારે તેના 2024ના અહેવાલમાં ભારપૂર્વક જણાવ્યું છે કે દેશમાં આબોહવા પરિવર્તનથી પ્રભાવિત લગભગ 50 ટકા લોકો પોસ્ટ-ટ્રોમેટિક ડિસોર્ડર(પીટીએસડી)થી પીડાય છે.
2015થી 2020 વચ્ચેના પાંચ વર્ષમાં માત્ર પૂરને લીધે સમગ્ર ભારતમાં લગભગ 21.8 કરોડ લોકોને માઠી અસર થઈ હતી.
તેમ છતાં, પ્રસ્તુત આંકડા અત્યંત ગાઢ, ઘણીવાર અવગણવામાં આવતા સંકટનો, સોલાસ્ટાલ્જિયા વ્યાપક અનુભવનો તાગ પામવામાં નિષ્ફળ રહે છે. સોલાસ્ટાલ્જિયાને રોગ તરીકે વર્ગીકૃત કરવામાં આવતો નથી, પરંતુ તે પર્યાવરણીય પરિવર્તનને લીધે આકાર પામતી માનસિક સ્થિતિ છે.
પોતાના ઘરમાં ખોવાયેલા હોવાનો અનુભૂતિ કેમ?

સોલાસ્ટાલ્જિયા જેવી ઘટનાઓ ફક્ત સોલાપુરના કેવડ ગામ સુધી મર્યાદિત નથી. ગ્રામીણ ભારતમાં દર વર્ષે સર્જાતી પૂર, દુષ્કાળ, ભૂસ્ખલન અને અન્ય કુદરતી આફતોને લીધે લોકોમાં, ખુદના જ આવાસમાં એકલતાની લાગણી વધી રહી છે.
પંજાબ, હિમાચલ પ્રદેશ, આસામ અને તમિલનાડુમાં 2025માં અભૂતપૂર્વ પૂર આવ્યું હતું. આખેઆખાં ગામડાં ડૂબી ગયાં, ઘરો અને ખેતરો નાશ પામ્યાં. સેંકડો લોકો વિસ્થાપિત થયા.
કેટલીક જગ્યાએ નદીઓએ વહેણનો માર્ગ બદલી નાખ્યો અને તેનો પ્રવાહ પાડોશી ખેતરોમાં ફરી વળ્યો.
દક્ષિણ એશિયામાં અને ખાસ કરીને ભારતમાં ચોમાસું અણધાર્યું તથા અનિયમિત બન્યું છે. અહીં ખેતીને સાતત્યસભર ગણવામાં આવતી નથી. તેને લીધે ખેડૂતો સતત ચિંતામાં રહે છે. આબોહવા પરિવર્તને કૃષિ કટોકટીને વધારે તીવ્ર બનાવી દીધી છે.
ભૌતિક નુકસાન ઉપરાંત માનસિક આઘાતની એક ગંભીર કટોકટી ચૂપચાપ આકાર લઈ રહી છે.
શું થઈ રહ્યું છે તે સમજવાનું ખાસ કરીને વૃદ્ધ લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે તેમણે તેમના જીવનમાં અગાઉ ક્યારેય આવી આફતો જોઈ નથી. હવે તેઓ અભૂતપૂર્વ વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે.
નિષ્ણાતો જણાવે છે કે આપત્તિમાંથી બચી ગયેલા ઘણા લોકોમાં સોલાસ્ટાલ્જિયાનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. તેને પર્યાવરણીય સંતુલન તૂટી જવાથી સર્જાતી પીડા, પર્યાવરણીય આઘાત પણ કહેવામાં આવે છે.
તાજેતરનાં વર્ષોમાં વારંવાર આવેલાં પૂર તેમજ અતિશય વરસાદને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો મુશ્કેલીમાં ધકેલાઈ ગયા છે. આ ઘટનાઓથી માત્ર નાણાકીય નુકસાન જ નથી થતું. તે દીર્ધકાલીન આઘાતનું કારણ પણ બને છે.
‘મારું ખેતર સ્મશાન જેવું લાગે છે’

કેવડ ગામનાં અમૃતા લટકેને સફળ અને પ્રગતિશીલ ખેડૂત માનવામાં આવે છે. તેઓ કેળા અને શેરડીની ખેતી કરે છે.
સીના નદી તેમના ખેતર પાસેથી વળાંક લે છે. અમૃતાનો કેળાનો બાગ એક સમયે નદીના કિનારે હતો. આજે નદીનો પ્રવાહ જે રેતી લાવ્યો હતો એ તેમના ખેતરમાં પથરાયેલી છે.
અમે તેમના ખેતરની મુલાકાત લીધી હતી, પરંતુ અમૃતા તેની નજીક આવવાની હિંમત કરી શક્યાં ન હતાં.
તેમના ઘરે તેમણે કહ્યું હતું, “ખેતરમાં જવું એ સ્મશાને જવા જેવું લાગે છે. ખેતર એટલી હદે બરબાદ થઈ ગયું છે કે તેને જોવાનું મન પણ થતું નથી.”
અમે તેમના ખેતરની મુલાકાત લીધી ત્યારે એવું માનવું મુશ્કેલ હતું કે એ જ જમીનમાં એક વખતે ખેતી શક્ય હતી. એ હવે સંપૂર્ણપણે ઉજ્જડ અને વેરાન લાગે છે.
બીજી તરફ, દત્તાત્રેય ધર્મે તેમના ખેતરની નાશ પામેલી જમીનનું વર્ણન બીબીસી સમક્ષ કરતાં રડવાનું રોકી શક્યા ન હતા.

તેમણે કહ્યું હતું, “મારા ખેતરની સીમા ક્યાં છે એ પણ હું હવે કહી શકું તેમ નથી. પહેલાં જેવું કશું નથી. મને ક્યાંક જઈને મરી જવાનું મન થાય છે. હું ખૂબ જ હતાશા અનુભવું છું. અમારો ઋણાનુબંધ ખતમ થઈ ગયો છે. આમલીનું ઝાડ પણ ગયું. બધું પૂર્વવત્ હોત તો અમે મજબૂત રહી શક્યાં હોત.”
ગ્લેન આલ્બ્રેક્ટે લગભગ 25 વર્ષ પહેલાં સોલાસ્ટાલ્જિયાનો ખ્યાલ રજૂ કર્યો હતો. તેમના કહેવા મુજબ, “આ વિષય પરના મોટા ભાગનાં ઊંડાણપૂર્વકનાં સંશોધનો વિકસિત દેશોમાં કરવામાં આવ્યાં છે. અલબત, આબોહવા પરિવર્તન વિકાસશીલ દેશોને સૌથી વધુ અસર કરે છે. એ કારણે વિકાસશીલ દેશોમાં આવાં સંશોધન વધુ જરૂરી છે.”
ઘર્મેનો ઈન્ટરવ્યૂ દેખાડવામાં આવ્યો ત્યારે આલ્બ્રેક્ટે કહ્યું હતું, “તમે મને જે દેખાડ્યું તે દર્શાવે છે કે ખેડૂતે ટકી રહેવા માટે જરૂરી મૂળભૂત તત્ત્વો ગુમાવી દીધાં છે. તેમની ખેતી જે સાધનો પર નિર્ભર હતી તેનો નાશ થયો છે. આ અત્યંત પીડાદાયક છે. મારું માનવું છે કે આ પરિસ્થિતિ સોલાસ્ટાલ્જિયાની પારની છે.”
“સોલાસ્ટાલ્જિયામાં ક્ષતિગ્રસ્ત વસ્તુઓનું પુનર્સ્થાપન કરી શકાય છે, પરંતુ અહીં પૂર વ્યક્તિના અસ્તિત્વ પર જ ત્રાટક્યું છે. જીવનાવશ્યક વસ્તુઓનો પૂરના પાણીમાં નાશ થયો છે. આ ખૂબ જ દુખઃદાયક છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
કેવડ ગામમાં પૂરનું પાણી ઓસરી ગયું છે, પરંતુ માનસિક આઘાત ઓસર્યો નથી.
નુકસાનની અનુભૂતિ સ્ત્રીને વધુ તીવ્રતાથી થાય છે?

નદીના કિનારે આવેલાં ખેતરોની મુલાકાત લીધી પછી અમે ધર્મે પરિવારના બે ઓરડાના ઘરમાં ગયા હતા.
દત્તાત્રેયનાં પત્ની ગંગા ધર્મેએ સાડીથી પોતાની આંખો લૂછતાં કહ્યું હતું, “મને ઊંઘ નથી આવતી. ખાવાનું મન નથી થતું. પેટમાં સતત ભાર લાગે છે.”
બાજુમાં બેઠેલા દત્તાત્રેય ધર્મેએ ઉમેર્યું હતું, “મારું માથું અનેક વિચારોથી ભરેલું છે. તેમાં પીડા થાય છે. હું ઊંઘી શકતો નથી. બધાં પ્રકારનાં સપનાં આવે છે. અગાઉ આવું ન હતું. હવે મને ફક્ત નકારાત્મક વિચારો આવે છે. મને વાત કરવાનું કે હલનચલન કરવાનું મન થતું નથી. મારાં સંતાનો અને પત્નીને શું કહું? ઊંઘમાં એવું લાગે છે કે બધું પૂર્વવત થઈ ગયું છે. જાનવરો સલામત છે, પરંતુ જાગીને જોઉં છું ત્યારે વાસ્તવિકતાથી આંચકો લાગે છે. લાગે છે કે મને વિચારવાયુ થયો છે.”
ભારતમાં ઘણી ધાર્મિક પ્રથાઓ નદીઓ, જંગલો અને વૃક્ષો સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. તેની સાથે મહિલાઓ પણ ગાઢ રીતે સંકળાયેલી છે. નિષ્ણાતોના કહેવા મુજબ, કુદરતી સંસાધનોને અસર કરતું આબોહવા પરિવર્તન સ્ત્રીઓને સૌથી વધારે માઠી અસર કરે છે.
અલાહાબાદ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર નરસિંહ કુમારે બીબીસીને કહ્યું હતું, “ગામડાંમાં સ્ત્રીઓની ધાર્મિક પ્રથાઓ નદીઓ, વૃક્ષો અને પવિત્ર સ્થળો સાથે સીધી સંકળાયેલી છે. આ કુદરતી વાતાવરણમાં થતા ફેરફારો સોલાસ્ટાલ્જિયાના તેમના અનુભવને વધારે તીવ્ર બનાવી શકે છે. એ તેમની ઓળખ અને ભાવનાત્મક જોડાણને નકારાત્મક અસર કરે છે.”
ગંગા ધર્મેના જણાવ્યા મુજબ, પૂર પછી તેમનું સમગ્ર જીવન ભાંગી પડ્યું છે. તેમના બે દીકરા અપરિણીત છે. ખેડૂતના દીકરાઓ માટે કન્યા શોધવામાં આમ પણ મુશ્કેલી થતી હોય છે. હવે ધર્મે પરિવારની ખેતીની જમીન ધોવાઈ ગઈ છે ત્યારે તેમના પુત્રો આજીવિકા કેવી રીતે રળશે તેની તેમને સતત ચિંતા થાય છે. એ કારણે તેઓ રાતભર જાગતા રહે છે.
ગંગા ધર્મેના કહેવા મુજબ, અનિચ્છનીય સપનાં, જૂની યાદો, ભય અને નકારાત્મક વિચારો તેમના મનમાં સતત ફરતા રહે છે.
અગાઉ તેઓ નોર્મલ હતાં, પરંતુ હવે તેમને કોઈ સાથે વાત કરવાનું કે ઊઠવાનું મન થતું નથી. બાળકોને શું કહેવું, કેવી રીતે ધરપત આપવી એ તેમને સમજાતું નથી.
ક્યારેક ઊંઘ આવી જાય તો સપનું આવે છે કે બધું પૂર્વવત્ થઈ ગયું છે. જમીન, જાનવરો બધું સલામત છે. જોકે, જાગ્યા પછી વાસ્તવિકતા વધુ ભયાનક બની જાય છે. તેથી તેઓ વધારે ભાંગી પડે છે.
આબોહવા પરિવર્તન અને માનસિક સ્વાસ્થ્ય

પૂરનું પાણી ઓસરી ગયાના ત્રણ મહિના પછી, જમીન અને પશુધન ગુમાવ્યા પછી પણ કેવડ ગામના ખેડૂતો જીવનને ફરી પાટે કેમ ચડાવવું તે બાબતે ચિંતિત છે.
પાણી તો ઓસરી ગયું, પરંતુ ભય, અસલામતી અને હતાશા યથાવત્ છે. ઊંઘનો અભાવ, ફ્લેશબેકનું પુનરાવર્તન અને ભાવિ આફતોનો ભય ઘણા લોકોને સતાવી રહ્યો છે.
આવા અનુભવ માત્ર કેવડ ગામ પૂરતા મર્યાદિત નથી, એમ ખેડૂતોના માનસિક સ્વાસ્થ્ય વિષે કામ કરતાં શિવર હેલ્પલાઈનના સ્થાપક વિનાયક હેગના જણાવે છે.
તેમના કહેવા મુજબ, મરાઠવાડા અને નજીકના પ્રદેશોમાંથી આ પ્રકારની ચિંતા દર્શાવતા ફોન કૉલ્સ આવતા રહે છે.
લાંબા સમયથી દુષ્કાળનો સામનો કરી રહેલા પ્રદેશો આવા વિનાશક પૂર માટે માનસિક રીતે તૈયાર ન હતા. ખેડૂતોને આવી ઘટનાઓની પેઢીગત સ્મૃતિ પણ ન હતી.

વિનાયક હેગનાના જણાવ્યા અનુસાર, પૂર દરમિયાન અને એ પછી કૉલ્સથી પ્રસ્તુત આઘાત પ્રગટ થયો છે.
તેમણે કહ્યું હતું, “કેટલાક લોકો ફક્ત રડતા હતા. કેટલાક મૌન હતા. અન્ય કેટલાક ધ્રૂજતા અવાજે બોલતા હતા. નુકસાન કરતાં તેમને વધારે ચિંતા હવે શું થશે તેની છે.”
વળતર અને સહાય પછી પણ ભય અને અસ્થિરતા યથાવત્ છે.
નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે આવી આફતો પછી ફક્ત નાણાકીય સહાય પૂરતી નથી. માનસિક સધિયારો અને પરામર્શ પણ એટલા જ જરૂરી હોય છે.
સોલાસ્ટાલ્જિયાના નિરાકરણ બાબતે ગ્લેન આલ્બ્રેક્ટે કહ્યું હતું, “માનવજાત મૂળ કારણોનું નિરાકરણ નહીં કરે ત્યાં સુધી આ પીડા વિસ્તરતી રહેશે. આજે તેમની જે પીડા છે તે કાલે મારી અને પરમ દિવસે દરેકની હોઈ શકે છે.”
“આ સમસ્યા હવે એક પ્રદેશ પૂરતી મર્યાદિત નથી. તે માનવ જીવનનો એક હિસ્સો બની ગઈ છે. તે કોઈ પણને, ગમે ત્યાં અસર કરી શકે છે. તેનો પ્રતિભાવ કેવી રીતે આપવો એ નક્કી કરવા માનવજાતે એક થવું પડશે,” એમ તેમણે ઉમેર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત
SOURCE : BBC NEWS



