Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ANI
અપડેટેડ એક કલાક પહેલા
પહલગામ હુમલા પછી ભારતે જે કાર્યવાહી કરી તેના વિશે માહિતી આપવા માટે કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં સંસદસભ્યોનું સર્વદળીય પ્રતિનિધિમંડળ ગુયાના જવા માટે રવાના થયું છે.
પ્રવાસ પર રવાના થતાં પહેલાં નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર પત્રકારો સાથે વાત કરતા શશિ થરૂરે કહ્યું, “સરકારે તેનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારતના વિદેશ સચિવ તથા પ્રવક્તાઓએ શું થયું અને શા માટે થયું તેના વિશે સ્પષ્ટપણે માહિતી આપી છે.”
થરૂરે કહ્યું, ‘અમે ત્યાં લોકોને જણાવીશું કે આ ઘટના અંગે અમારો અનુભવ કેવો રહ્યો તથા અમે જે કંઈ કર્યું, તે શા માટે કર્યું તથા ભવિષ્યમાં અમારું વલણ કેવું રહેશે?’
થરૂરે કહ્યું, “અમે ચર્ચા નથી કરવાના, પરંતુ તેમને જણાવવા અને લોકોને મળવા જઈ રહ્યા છીએ, જેથી કરીને આ અંગે વાત કરીને અમારી પર શું વીત્યું છે, તેના વિશે જણાવી શકીએ.”
આ પ્રતિનિધિ મંડળ યુ.એસ.એ., પનામા, ગુયાના, બ્રાઝિલ તથા કોલંબિયા જશે. બીજી બાજુ, ભાજપના સાંસદ બિજયંત જય પાંડાના નેતૃત્વમાં એક સર્વદળીય પ્રતિનિધિમંડળ બહરીન જવાના માટે રવાના થયું.
અહીંથી આ પ્રતિનિધિઓ કુવૈત, સાઉદી અરેબિયા તથા અલ્જેરિયા જશે. તેમાં એ.આઈ.એમ.આઈ.એમ.ના અસદુદ્દીન ઓવૈસી પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 59 સાંસદોના સાત પ્રતિનિધિમંડળનું ગઠન કર્યું છે, જે દુનિયાભરના 33 દેશમાં જઈને પહલગામ હુમલા તથા એના પછી થયેલી કાર્યવાહી અંગે આ દેશો સમક્ષ પોતાની વાત રજૂ કરશે.
જર્મનીમાં મહિલાનો ચાકુથી હુમલો, 17 લોકો ઘાયલ

ઇમેજ સ્રોત, Reuters
ઉત્તર જર્મનીના હૅમ્બર્ગ સેન્ટ્રલ સ્ટેશન ખાતે એક મહિલાએ ચાકુથી લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા છે.
મહિલાએ સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ છ વાગ્યે હુમલો કર્યો હતો.
હૅમ્બર્ગ અગ્નિશમન દળે સમાચાર સંસ્થા એ.એફ.પી.ને જણાવ્યું કે, આ હુમલામાં 17 લોકો ઘાયલ થયા છે, જેમાંથી અમુકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
જોકે, હૅમ્બર્ગ પોલીસનું કહેવું છે કે તેની પાસે હુમલામાં ઘાયલ લોકોની સંખ્યા અંગે નક્કર આંકડો નથી.
હૅમ્બર્ગ પોલીસે ઘટનાસ્થળેથી 39 વર્ષીય જર્મન મહિલાની ધરપકડ કરી છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે સંદિગ્ધે એકલે હાથે સમગ્ર ઘટનાક્રમને અંજામ આપ્યો હતો, તેમાં કોઈ ‘રાજકીય હેતુ’ ન હતો.
પોલીસ પ્રવક્તા ફ્લોરિયન અબેંસેથે કહ્યું, ‘કદાચ તેઓ (હુમલાખોર મહિલા) માનસિક રીતે અસ્વસ્થ હતાં.’
પંજાબ : આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ

ઇમેજ સ્રોત, Pradeep Sharma
પંજાબના વિજિલન્સ ડિપાર્ટમેન્ટે જાલંધરમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમન અરોડાની ધરપકડ કરી છે.
વિજિલન્સ ડિપાર્ટમેન્ટની ટીમ શુક્રવારે દસેક વાગ્યે રમન અરોડાના અશોકનગરસ્થિત ઘરે પહોંચી હતી. દરોડા દરમિયાન પોલીસે રમન અરોડાના વિસ્તારને જોડતી તમામ ગલીઓના ગેટ બંધ કરી દીધા હતા અને કોઈ પણ બહારની વ્યક્તિને અંદર આવવાની મંજૂરી ન હતી.
આમ આદમી પાર્ટીએ તેના સત્તાવાર ફેસબુક પેજ પર પોસ્ટર મૂકીને આ અંગે માહિતી આપી હતી. પોસ્ટરમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભ્રષ્ટાચાર મુદ્દે રમન અરોડાના ઘરે વિજિલન્સ વિભાગે દરોડા પાડ્યા છે.
પોસ્ટમાં જણાવ્યા મુજબ, જાલંધર નગરનિગમના અધિકારીઓ મારફત અમુક લોકોને ખોટી નોટિસો મોકલીને કેસને અભેરાઈએ ચઢાવવાની સાટે રમન અરોડા દ્વારા મોટી રકમ પડાવવામાં આવતી હતી.
પંજાબના મંત્રી હરપાલસિંહ ચીમાએ કહ્યું હતું કે પુરાવાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
તાજેતરમાં રમન અરોડાને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રમન અરોડાએ વર્ષ 2022માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર જાલંધર સેન્ટ્રલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમણે કૉંગ્રેસના રાજિંદર બેરી તથા ભાજપના મનોરંજન કાલિયાને હરાવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS