Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 54 મિનિટ પહેલા
આ વર્ષે આઈપીએલની જ્યારે હરાજી થઈ ત્યારે એક નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું.
વૈભવ સૂર્યવંશી નામના આ ખેલાડીને રાજસ્થાન રૉયલ્સે 1.10 કરોડમાં ખરીદ્યા એ મોટા સમાચાર તો હતા જ પરંતુ વૈભવ સૂર્યવંશીની ઉંમર એ સમયે માત્ર 13 વર્ષની હતી.
હવે વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે આઈપીએલમાં ડૅબ્યૂ કરીને સૌથી ઓછી ઉંમરે આઈપીએલ ક્રિકેટમાં ડૅબ્યૂ કરવાનો રેકૉર્ડ સર્જ્યો છે.
લખનઉ સુપર જાયન્ટ્સ સામે તેઓ રાજસ્થાનના ઇમ્પેક્ટ પ્લૅયર તરીકે બેટિંગ કરવા માટે ઉતર્યા હતા.
આટલા રેકૉર્ડ્સ ઓછા હોય એમ તેમણે પોતાની ઇનિંગના પહેલા જ બૉલે સિક્સ ફટકારીને નવો રેકૉર્ડ પણ સ્થાપિત કર્યો હતો.
વૈભવ સૂર્યવંશીએ પોતાની પ્રથમ મૅચમાં જ 20 બૉલમાં 34 રનની ઇનિંગ રમી હતી.
જ્યારે પહેલા જ બૉલે ફટકારી સિક્સ

ઇમેજ સ્રોત, Getty Images
સંજુ સેમસનની ઇજાને કારણે વૈભવ સૂર્યવંશીને આ મોકો મળ્યો હતો.
ઇનિંગની પહેલી ઑવર શાર્દૂલ ઠાકુર ફેંકી રહ્યા હતા. ચોથા બૉલે વૈભવ સૂર્યવંશીને સ્ટ્રાઇક મળી અને તેમણે છગ્ગો ફટકારી દીધો.
ત્યારપછીની બીજી ઑવરમાં તરત જ આવેશ ખાનની બૉલિંગમાં પણ છગ્ગો ફટકારીને તેમણે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા.
તેમની બેટિંગમાં નિર્ભયતા અને બૉલર્સ પર ઍટેક કરવાનો ઇરાદો સ્પષ્ટ દેખાતો હતો.
અંતે માર્કરમની બૉલિંગમાં ઋષભ પંતે વૈભવનું સ્ટમ્પિંગ કર્યું અને આ રીતે તેમની ઇનિંગનો અંત આવ્યો હતો.
જોકે, વૈભવે ત્યાં સુધીમાં 20 બૉલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 34 રન બનાવી દીધા હતા.
વૈભવ અને જયસ્વાલની જોડીએ 8.4 ઑવરમાં 85 રન ફટકારીને રાજસ્થાનને સારી શરૂઆત અપાવી હતી તથા જીત માટેનું પ્લૅટફૉર્મ તૈયાર કરી દીધું હતું. જોકે, રાજસ્થાનની ટીમ 180 રનના જવાબમાં 178 રન જ બનાવી શકી હતી અને અંતે ટીમની બે રને હાર થઈ હતી.
વૈભવ સૂર્યવંશી કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમામ ભારતીય ક્રિકેટ ચાહકોને 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહેન્દ્રસિંહ ધોનીની સિક્સર યાદ હશે.
ધોનીએ ભારતીય ટીમને વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકા સામે ઐતિહાસિક જીત અપાવી હતી. આ જીતના પાંચ દિવસ પહેલાં 27 માર્ચ, 2011ના રોજ વૈભવ સૂર્યવંશીનો જન્મ થયો હતો.
વૈભવે 12 વર્ષની ઉંમરે બિહારથી ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
વૈભવે અંડર-19 ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે 58 બૉલમાં સદી ફટકારી હતી. યુવા ટેસ્ટમાં ભારત તરફથી રમતા વૈભવે ઓછા બૉલમાં સદી ફટકારી હતી.
વૈભવ અત્યાર સુધીમાં પાંચ રણજી મૅચ રમી ચૂક્યા છે. જોકે, તેણે રણજીમાં હજુ સુધી કોઈ શાનદાર પ્રદર્શન કર્યું નથી.
પાંચ મૅચોમાં તેણે ફક્ત 100 રન બનાવ્યા છે. જેમાં મધ્ય પ્રદેશ સામે બનાવેલા 41 રન સામેલ છે.
તેણે 23 નવેમ્બર, 2024ના રોજ રાજકોટમાં સૈયદ મુશ્તાક અલી સિરીઝમાં પદાર્પણ કર્યું હતું, તેણે રાજસ્થાનના ડાબોડી ઝડપી બૉલર અનિકેત ચેલાત્રીની ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા હતા અને છ બૉલમાં 13 રન બનાવીને આઉટ થયા હતા.
વૈભવે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે “જ્યારે હું 9 વર્ષનો હતો, ત્યારે હું બિહારના સમસ્તીપુરમાં એક ક્રિકેટ ક્લબમાં જોડાયો હતો અને ત્યાં અઢી વર્ષ સુધી તાલીમ લીધા પછી, મેં વિજય મર્ચન્ટ સિરીઝમાં અંડર-16 ટેસ્ટમૅચમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું.”
સમસ્તીપુરના રહેવાસી વૈભવે બિહારમાં રણધીર વર્મા અન્ડર 19 ટુર્નામેન્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. વૈભવ વેસ્ટ ઇન્ડિઝના દમદાર ભૂતપૂર્વ બૅટ્સમૅન બ્રાયન લારાને અનુસરે છે. ભારતના ભૂતપૂર્વ ખેલાડી અને ક્રિકેટ કોચ વસીમ જાફર જરૂર પડ્યે વૈભવને માર્ગદર્શન આપે છે.
નાઇટ ક્લબમાં બાઉન્સર હતા વૈભવના પિતા

ઇમેજ સ્રોત, Getty Images
વૈભવના પિતા સંજીવ પણ ક્રિકેટર હતા. ક્રિકઇન્ફો વેબસાઇટ અનુસાર, તે તેની આર્થિક સ્થિતિને કારણે તેઓ આગળ ક્રિકેટ રમી શક્યા નહીં.
જ્યારે વૈભવની હરાજીમાં પસંદગી થઈ એ સમયે તેના પિતા સંજીવે કહ્યું હતું કે, “હું અવાક છું. મને ખબર નથી પડતી કે શું બોલવું. અમારા પરિવાર માટે આ બહુ મોટી વાત છે. મેં વિચાર્યું હતું કે તે પસંદ થઈ જશે, પણ આટલી હરીફાઈ હશે એવી મને ખબર નહોતી.”
તેમણે કહ્યું હતું કે, “મને ક્રિકેટમાં ખૂબ રસ હતો. મને આજે પણ એ બધું યાદ છે કે 19 વર્ષની વયે મારે મુંબઈ આવવું પડ્યું હતું. ત્યાં મેં ભાત-ભાતનાં કામો કર્યાં હતાં. મેં એક નાઇટ ક્લબમાં બાઉન્સર તરીકે પણ કામ કર્યું હતું.”
સંજીવ સૂર્યવંશીએ કહ્યું હતું કે, “હું ઘણી વખત એવું વિચારતો કે મારું નસીબ ક્યારે બદલાશે, પણ હું જે કરવા ઇચ્છતો હતો તે હવે મારા દીકરાએ કરી દેખાડ્યું છે. મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે પણ કમસે કમ હવે મારે તેના ક્રિકેટ વિશે કોઈને પૂછવાની જરૂર નથી.”
આઈપીએલના ઇતિહાસમાં સૌથી યુવા પ્લૅયર
14 વર્ષ 23 દિવસ: વૈભવ સૂર્યવંશી, રાજસ્થાન રૉયલ્સ, 2025
16 વર્ષ 157 દિવસ: પ્રયાસ રે બર્મન, રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ, 2019
17 વર્ષ 11 દિવસ: મુજીબ ઉર રહમાન, પંજાબ કિંગ્સ, 2018
17 વર્ષ 152 દિવસ: રિયાન પરાગ, રાજસ્થાન રૉયલ્સ, 2019
17 વર્ષ 179 દિવસ: પ્રદીપ સાંગવાન, દિલ્હી કૅપિટલ્સ, 2008
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS