Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 20 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 2 મિનિટ
ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપમાં ભારતની થયેલી જીતને લઈને ખેલાડીઓની પ્રશંસા કરી હતી.
એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, વિરાટ કોહલીએ કહ્યું, “આપણે ફરીથી ચૅમ્પિયન બન્યા છીએ. અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં આપણો શાનદાર વિજય થયો છે. સમગ્ર ટુર્નામૅન્ટ દરમિયાન ખેલાડીઓએ પ્રેશર હોવા છતાં શાનદાર જુસ્સો દર્શાવ્યો, અને કોઈ આ પ્રતિભાશાળી ટીમની આસપાસ પણ પહોંચી શક્યું નથી.”
કોહલીએ વિજય માટે સમગ્ર મૅનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફને પણ અભિનંદન પાઠવ્યા હતા.
ત્યારે, રોહિત શર્માએ પણ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભારતીય ટીમની પ્રશંસા કરતા લખ્યું હતું, “આખી ટીમે ખૂબ જ સારી મહેનત કરી. અભિનંદન.”
રવિવારે રમાયેલી ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં ભારતે ન્યુઝીલૅન્ડને હરાવતાંની સાથે જ, ભારતીય ટીમ ત્રણ વખત ટી20 વર્લ્ડકપ જીતનારી એકમાત્ર ટીમ બની ગઈ છે.
આ પહેલાં, ભારતે 2024માં રોહિત શર્માની કૅપ્ટનશીપ હેઠળ અને 2007માં મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટનશીપમાં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો.
ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ ધોનીએ ગંભીર વિશે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમના ટી20 વિશ્વકપ જીત્યા બાદ પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ, સપોર્ટ સ્ટાફ અને ફૅન્સને અભિનંદન પાઠવ્યા છે. તેમણે મુખ્ય કોચ ગૌતમ ગંભીરને લઈને પણ નિવેદન આપ્યું છે.
ધોનીએ ટ્રૉફી સાથે ટીમ ઇન્ડિયાની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરતાં કહ્યું, “અમદાવાદમાં ઇતિહાસ રચાયો. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને દુનિયાભરના ભારતીય ક્રિકેટ ટીમના તમામ ફૅન્સને ખૂબ અભિનંદન.”
તેમણે કહ્યું, “તમને રમતા જોવા ખુશીની વાત છે.”
ધોનીએ ગૌતમ ગંભીરની સ્માઇલ પર કહ્યું, “કોચ સાહેબ, તમારા ચહેરા પર મુસ્કાન બહુ સારી લાગી રહી છે. ઇન્ટેસિટી સાથે મુસ્કાન એક કિલર કૉમ્બિનેશન છે. બહોત ખૂબ.”
પૂર્વ કૅપ્ટને બૉલર જસપ્રીત બુમરાહના પણ વખાણ કર્યા છે. તેમણે કહ્યું, “બુમરાહ માટે હું કંઈ ન લખું તો જ સારું છે, ચૅમ્પિયન બૉલર.”
ટી20 વિશ્વ ચૅમ્પિયન બન્યા બાદ ગોતમ ગંભીરે કોચિંગ અને સોશિયલ મીડિયામાં ચાલતી અટકળો પર શું કહ્યું?
ઇમેજ સ્રોત, Punit PARANJPE / AFP via Getty
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટી20 વિશ્વકપ જીત્યા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં તેમની કોચિંગ રીત અને સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચાઓ જવાબ આપ્યો છે.
ગૌતમ ગંભીરને સવાલ કરવામાં આવ્યો કે ‘જ્યારે ટીમ સારું પ્રદર્શન નથી કરતી, તો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થાય છે. પરંતુ પડદા પાછળ ખેલાડીઓ સાથે તમારો જે પ્રયાસ છે, તેને હૅન્ડલ કરવાની તમારી જે વ્યક્તિગત પ્રક્રિયા છે, તે જો તમને સમજાવી શકો કે, તમે તેના પર કેટલું કામ કર્યું છે?’
ગૌતમ ગંભીરે તેના પર કહ્યું, “સૌથી પહેલી વાત તો એ છે કે મારી જવાબદારી સોશિયલ મીડિયા પ્રત્યેની નથી. મારી જવાબદારી એ 30 લોકો માટે છે, જે ડ્રેસિંગ રૂમમાં બેઠા છે, ઉપરાંત મારી જવાબદારી ન કોઈ હતી, ન છે, ન રહેશે.”
તેમણે કહ્યું, “ભલે મેં કોચ તરીકે બે આઈસીસી ટ્રૉફી જીતી હોય. તે અગત્યનું નથી પણ આવનારા સમયમાં મને લાગે છે કે મારા કોચિંગના કાર્યકાળમાં એ 30 લોકો સૌથી વધુ મહત્ત્વના છે. બાકી કશું જ નહીં.”
ભારતીય ટીમ ટી20 વિશ્વકપના ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડને હરાવીને ત્રીજી વખત વિશ્વ ચૅમ્પિયન બની ગઈ છે.
આ પહેલાં ભારતે 2007 અને 2024માં ટી20 વિશ્વકપ જીત્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



