Source : BBC NEWS
રાજકોટ : ‘હું નથુરામ ગોડસે’ નાટકનો વિરોધ, હૉલમાં તોડફોડનો મામલો શું છે?
ઇમેજ સ્રોત, Facebook
6 કલાક પહેલા
રાજકોટમાં આયોજિત નાટક ‘હું, નથુરામ ગોડસે’ નાટકનો શહેર કૉંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો.
ઘટના અંગેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે, જેમાં વિરોધ કરનારા લોકો સૂત્રોચ્ચાર કરતા અને નાટકના હૉલ તરફ વસ્તુઓ ફેંકતા દેખાયા હતા.
શનિવારે રાત્રે રાજકોટના હેમુ ગઢવી હૉલ ખાતે કૉંગ્રેસ કાર્યકરોએ પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા.
કેટલાક કાર્યકરોએ નાટકમાં જે ચરખાનો ઉપયોગ થવાનો હતો, તે છીનવવાનો પ્રયાસ કરતાં માહોલ ઉગ્ર બન્યો હતો.
ઘટનાના વાઇરલ વીડિયોમાં કૉંગ્રેસી કાર્યકરો અને પોલીસનું ઘર્ષણ જોવા મળી રહ્યું છે.
કૉંગ્રેસના કાર્યકરોનો આરોપ હતો કે, “ગાંધીજીના હત્યારાઓને હીરો ચીતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.”
રાજકોટ શહેર કૉંગ્રેસના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ આ મામલે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યું, “ગાંધીજી બબ્બે ગોળી મારી હત્યા કરનાર ગોડસેને હીરો બતાડવાનું કામ આ નાટક કંપની કરી રહી છે. નવી પેઢીને શો સંદેશ દેવા માગો છો? ગોડસે મહાન હતા કે ગાંધીજી મહાન હતા?”
પૂર્વી મહેતા નામનાં આર્ટિસ્ટે આયોજકોનો પક્ષ મૂકતા કહ્યું હતું કે, “આ નાટક સમાન સ્તરે છે. કોઈને નીચા દેખાડવાની વાત નથી. ગાંધીજીના સિદ્ધાંતોને વધુ બહાર લાવવાની વાત છે.”
આ ઘટના અંગે પોલીસે 16 લોકોની અટકાયત કરી હતી, જેમાં કૉંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાના કાર્યકર્તા સામેલ હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



