Source : BBC NEWS
ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
અપડેટેડ 10 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 4 મિનિટ
આજથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 455 મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.
રવિવારે લગભગ એક હજાર સુરક્ષાકર્મીઓએ જંગલેશ્વર વિસ્તારમાં પગપાળા ફ્લૅગમાર્ચ કર્યું હતું. એ પહેલાં સ્વૈચ્છાએ ઘર ખાલી કરી દેવા તથા સામાન બહાર કાઢી લેવા તંત્ર દ્વારા રહીશોને સમજાવવામાં આવ્યા હતા.
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, એક હજાર 489 ગેરકાયદેસર ઇમારતોને તોડી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવનાર હતી.
જોકે, રવિવાર સાંજ સુધીમાં લગભગ એક હજાર 250 લોકોએ સ્વૈચ્છાએ ઘર ખાલી કરી દીધાં છે અને સામાન ખાલી કરી આપ્યો છે.
સ્થાનિક મીડિયામાં આ ડિમોલિશનની કામગીરીને ‘સૌરાષ્ટ્રની સૌથી મોટી’ ડિમોલિશન કામગીરી જણાવાય રહી છે.
પોલીસ દ્વારા સુરક્ષાવ્યવસ્થા
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
શનિવાર બાદ રવિવારે પણ સુરક્ષાબળોએ જંગલેશ્વર વિસ્તારમાં ફ્લૅગમાર્ચ કર્યું હતું અને લોકોને તેમના મકાનો ખાલી કરી દેવા માટે કહેવામાં આવ્યું હતું.
રાજકોટ ઝોન-1ના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) હેતલ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું, “આ ડિમોલિશનની કામગીરીમાં રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન (આરએમસી), ફાયર બ્રિગેડ, પોલીસ અને મેડિકલની ટીમો સામેલ થશે. મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારના સાત ઝોન પાડવામાં આવ્યા છે અને સાતેય ઝોનમાં એકસાથે કામગીરી શરૂ થશે.”
“એમના જેસીબી અને હિટાચી મશીનની સાથે અમારી ટુકડીઓ તહેનાત રહેશે, જે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરશે. સાથે જ ડ્રૉનની મદદથી સર્વેલન્સની કામગીરી કરવામાં આવશે. ડ્રૉન માટે આ વિસ્તારને ‘નૉ ફ્લાય ઝોન’ પણ જાહેર કરવામાં આવ્યો છે.”
ડીસીપી હેતલ પટેલે ઉમેર્યું હતું કે ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં, તેના માટે વિશેષ કાળજી રાખવામાં આવશે.
રાજકોટ પોલીસની ક્વિક રિસ્પૉન્સ ટીમ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ, એસએએફ, એસઆરપી, આરએએફ તથા આજુબાજુના જિલ્લામાંથી (સુરેન્દ્રનગર, જામનગર અને મોરબી) પણ પોલીસકર્મીઓને આ કામગીરી માટે બોલાવવામાં આવ્યા છે.
જેમાં કુલ લગભગ ત્રણ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ આ કામગીરી સાથે જોડાશે. સોમવારથી જંગલેશ્વર તથા આસપાસના અઢી કિલોમીટરના વિસ્તારમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, “વૃદ્ધો અને મહિલાઓને જોતાં તથા કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં તે માટે મહિલા પોલીસ કંપનીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એસઆરપીએફ, અને બે એસએફ કંપનીઓ છે, સ્થાનિક પોલીસ સાથે આસપાસના જિલ્લાઓના અધિકારીઓ પણ ડિમોલિશનની કામગીરીમાં સામેલ થઈ રહ્યા છે.”
તેમણે કહ્યું કે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ પર નજર રાખવા માટે એક વિશેષ ટીમ રાખવામાં આવી છે ડ્રોન સર્વેલાન્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને ડ્રોન સર્વેલાન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
જંગલેશ્વરના લોકોને ‘શાંતિ જાળવી રાખવાની વિનંતી’

જંગલેશ્વરમાં હિંદુ મુસ્લિમ એકતા સમિતિએ સ્થાનિક લોકોને શાંતિ જાળવી રાખવાની વિનંતી કરી છે.
જંગલેશ્વર હિંદુ મુસ્લિમ એકતા સમિતિના આમદ નાઈએ જણાવ્યું કે, “સરકારી અધિકારીઓને વિનંતી કરી છે કે લોકો હાથે જ મકાન તોડતા હોય તો તોડવા દેજો.”
તેમણે જણાવ્યું કે, “50 ટકાથી ઉપર મકાનો ત્યાંના રહેવાસીઓએ તોડી પાડ્યાં છે અને લોકોને શાંતિપૂર્વક પોતાની ઘરવખરી અને સામાન કાઢવાનો સમય આપે.”
કેટલી મોટી ડિમોલિશન કામગીરી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS



