Home તાજા સમાચાર gujrati ‘મેં મારું સ્ત્રી બીજ મેટ્રોમાં મળેલી એક મહિલાને દાન કર્યું’

‘મેં મારું સ્ત્રી બીજ મેટ્રોમાં મળેલી એક મહિલાને દાન કર્યું’

8
0

Source : BBC NEWS

ગિન્ની (ડાબે) 1990 ના દાયકાની શરૂઆતમાં પિકાડિલી લાઇન (મેટ્રો) પર અનિતાને મળી હતી અને અનિતાને ગર્ભધારણ કરવામાં મદદ કરવાનું નક્કી કર્યું.

ઇમેજ સ્રોત, Ginni Bhogal

ગિન્ની ભોગલ લંડન અન્ડરગ્રાઉન્ડ (મેટ્રો)ની એ સફરને યાદ કરતી વખતે સ્મિત કરે છે. એ સફરે તેમનું જીવન બદલી નાખ્યું હતું.

90ના દાયકાની શરૂઆત હતી. ગિન્ની તેમના દોસ્તો સાથે વ્યસ્ત પિકાડિલી લાઈન પર મુસાફરી કરી રહ્યાં હતાં.

એક બાળક બધાને હસાવી રહ્યું હતું. તેને પગલે ગિન્ની અને તેમની બાજુમાં ઊભેલી એક મહિલા વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. એ મહિલાનું નામ અનિતા હતું.

થોડી મિનિટોમાં જ તેઓ બાળકો વિશે વાત કરવા લાગ્યાં. અનિતાએ ગિન્નીના એ વખતે બે વર્ષના પુત્ર વિશે ચર્ચા કરી.

અનિતાએ ગિન્નીને જણાવ્યું હતું કે સ્ત્રી પ્રજનન પ્રણાલીમાં સમસ્યા હોવાને કારણે તેઓ સંતાનને જન્મ આપી શકે તેમ નથી. અનિતાએ ઉમેર્યું હતું કે તેઓ સ્ત્રી બીજનું દાન કરી શકે તેવી મહિલાને શોધી રહ્યાં છે. અનિતાને મદદ કરવી જોઈએ, એવી તીવ્ર લાગણી ગિન્નીએ અનુભવી.

ગિન્ની કહે છે, “મારે કોઈને, ઓછામાં ઓછી એક વ્યક્તિને મદદ કરવી જોઈએ, એવું મને કાયમ લાગે છે.”

‘કોઈ શંકા નહોતી’

અનિતા અને ક્રિસ્ટોફર

ઇમેજ સ્રોત, Christopher Wadif

આગળના સ્ટેશને બંને મેટ્રોમાંથી ઊતર્યાં. એકમેકના ફોનનંબર્સની આપ-લે કરી.

ગિન્નીને યાદ છે કે એ વખતે અનિતા તેમને જોઈ રહ્યાં હતાં અને પૂછતાં હતાં કે “તમે મને ખરેખર મદદ કરશો?”

પોતે સ્ત્રી બીજનું દાન કરવા જઈ રહ્યાં છે એ વાત પર વિશ્વાસ કરવાનું લગભગ મુશ્કેલ થઈ ગયું હતું.

ગિન્નીના જણાવ્યા મુજબ, બીજાને મદદ કરવાની ઈચ્છા એટલી તીવ્ર હતી કે તેઓ એ કામ ન કરે ત્યાં સુધી ચેન પડે તેમ ન હતું.

તેઓ કહે છે, “મારા માટે એ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. અનિતાને બદલે બીજી કોઈ સ્ત્રી હોત તો પણ મેં તેને અવશ્ય મદદ કરી જ હોત”

ગિન્નીના પતિને શરૂઆતમાં આ બાબતે શંકા હતી.

ગિન્ની કહે છે, “મારા પતિને એવું લાગતું હતુ કે હું પાગલ છું. તેમણે સવાલ કર્યો હતો કે એ બાળક 13 વર્ષ પછી અમારા દરવાજે આવશે તો શું થશે? ત્યારે તું શું કરીશ? તારાં બાળકો એ બાબતે કેવી પ્રતિક્રિયા આપશે?”

પતિ ચિંતિત હતા, પરંતુ ગિન્ની કહે છે, “મને એ બાબતે ક્યારેય કોઈ શંકા ન હતી.”

આખરે ગિન્નીના પતિ ધીમે ધીમે એ માટે તૈયાર થયા હતા.

આઈવીએફ પ્રક્રિયાનો પ્રવાસ

લગભગ ૩૦ વર્ષ પછી ગિની (ડાબે), ક્રિસ્ટોફર અને અનિતા

ઇમેજ સ્રોત, Ginni Bhogal

એ નિર્ણયથી માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ અનિતા માટે પણ એક ખાસ સફર કેવી રીતે શરૂ થઈ તેની વાત ગિન્નીએ કરી હતી.

ગિન્નીની સારવાર શરૂ થઈ. આખરે તેઓ 17 સ્ત્રી બીજનું દાન કરવામાં સફળ થયાં હતાં. તેમાંથી 10 ગર્ભ સ્વરૂપે આકાર પામ્યાં હતાં. જોકે, અનિતાના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવેલા પહેલા નવ ભ્રુણને બચાવી શકાયાં ન હતાં. દસમો અને અંતિમ પ્રયાસ સફળ થયો હતો અને અનિતા ગર્ભવતી થયાં હતાં.

નવ મહિના પછી અનિતા અને તેમના પતિએ તેમના બાળક, ક્રિસ્ટોફરનું સ્વાગત કર્યું હતું.

ગિન્ની કહે છે, “અમારી વચ્ચે કોઈ કરાર થયો ન હતો. તેથી બધું થઈ ગયા પછી અનિતા તેના માર્ગે આગળ વધી શકી હોત.”

એવું થયું નહીં. એ પછી બંને એકમેકના સંપર્કમાં રહ્યાં ને ગિન્ની બની ગયાં ‘ગિન્ની આન્ટી.’ ક્રિસ્ટોફરનો પરિવાર કામ માટે દુનિયાભરમાં ફરતો હતો ત્યારે પણ તેઓ એકમેકના સંપર્કમાં હતા.

ગિન્ની કહે છે, “અનિતા મને કાયમ ફોટોગ્રાફ્સ સાથે ઈમેઈલ અથવા પત્રો મોકલતી.”

ગિન્ની ઉમેરે છે કે અનિતા અને તેનો પરિવાર જ્યારે પણ લંડન આવતાં હતાં ત્યારે “કાયમ મને મળતાં હતાં. અન્યત્ર જતી વખતે ઍરપૉર્ટ પર એક રાત માટે રોકાયાં હોય તો પણ તેઓ મને મળતાં હતાં.”

આનાથી તેમની વચ્ચેનો “સંબંધ જળવાઈ રહ્યો,” એમ ગિન્ની જણાવે છે.

પછી, ત્રણ વર્ષ પહેલાં ગિન્નીનો ફોન રણક્યો હતો. સામે છેડે અનિતા હતાં. તેમણે ગિન્નીને જણાવ્યું હતું કે તેઓ ક્રિસ્ટોફરને તેના જન્મ પાછળનું સત્ય જણાવવાનાં છે.

‘આ એક ચમત્કાર છે’

ક્રિસ્ટોફરને નાનો થતો આ સત્ય ખબર નહોતી, પણ તે કહે છે કે તેના મૂળ વિશે જાણવું 'અદ્ભુત' હતું.

ઇમેજ સ્રોત, Christopher Wadif

ક્રિસ્ટોફરને તે સત્ય સમજાયું એ ક્ષણની સ્મૃતિથી આજે પણ ક્રિસ્ટોફરના ચહેરા પર સ્મિત આવી જાય છે.

ક્રિસ્ટોફરનું ઘર એલ સાલ્વાડોરમાં છે, પરંતુ હાલ મિયામીમાં કામ કરે છે. ઓફિસની બારીમાંથી તેના ચહેરા પર પડતો સૂર્યનો પ્રકાશ ચમકે છે.

ક્રિસ્ટોફરે કહ્યું હતું, “નાનો હતો ત્યારે મને કોઈ પણ બાબતમાં રસ ન હતો કે કંઈ કરવાની ઈચ્છા પણ ન હતી.”

ક્રિસ્ટોફરના કહેવા મુજબ, સત્ય સરળતાથી છુપાવી શકાયું હોત, કારણ કે અનિતા અને ગિન્ની બંને ભારતીય મૂળની મહિલાઓ છે. “અનિતા ગોવાનાં છે, જ્યારે ગિન્ની પંજાબનાં. તેથી તેમની ત્વચાનો રંગ સમાન છે.”

જે દિવસે ક્રિસ્ટોફરને તેમનાં માતાપિતાએ તેમના જન્મનું સત્ય જણાવ્યું ત્યારે તેઓ ગિન્ની આન્ટી સાથે વીડિયો કોલ પર હતા.

ક્રિસ્ટોફરના જણાવ્યા મુજબ, એ વખતે કોરોનાકાળ હતો અને માતાપિતા ક્રિસ્ટોફરની મેડિકલ હિસ્ટરી શૅર કરવી પડે તેમ હતી. તેથી માતાપિતાએ આ સત્ય જણાવવું પડ્યું.

ક્રિસ્ટોફર કહે છે, “એ ખરેખર અદભૂત અનુભવ હતો. અમે આ સત્ય સાથે સંમત થયા અથવા તે સમજાયું ત્યારે મારા તથા મારાં માતા માટે અને ગિન્ની માટે પ્રચૂર લાગણીસભર ક્ષણ હતી.”

ક્રિસ્ટોફરનું નવા પરિવારમાં સ્વાગત

ગિની અને ક્રિસ્ટોફર હવે નિયમિત સંપર્કમાં છે, ભલે તેઓ ગમે તેટલા દૂર હોય.

ઇમેજ સ્રોત, Christopher Wadif

આ મોટો પરિવાર અને ‘બીજી માતા’ ક્રિસ્ટોફર માટે નવા જીવનની શરૂઆત હતી.

ક્રિસ્ટોફર કહે છે, “તેઓ મને ચમત્કારિક બાળક માને છે, કારણ કે આ પ્રક્રિયા મૂળભૂત રીતે જ ખૂબ મુશ્કેલ અને જટિલ છે. ખાસ કરીને 90ના દાયકામાં તે એવી જ હતી.”

“તેથી એ ખરેખર એક ચમત્કાર હતો. તમે જાણો છો કે એક બાળકના જન્મ માટે ત્રણ જણની જરૂર પડી હતી?”

એ પછી ક્રિસ્ટોફર નવા પરિવાર સાથે સમય વિતાવવા માટે યુનાઈટેડ કિંગ્ડમ ગયા હતા. તેમની સાથે રજાઓ ગાળવા પણ ગયા હતા.

ગિન્ની સાથેની પ્રથમ મુલાકાત તેમને બરાબર યાદ છે. બંનેમાં સામ્યતા જોઈને તેઓ પ્રભાવિત થયો હતો.

ક્રિસ્ટોફર કહે છે, “અમને ગમતા સંગીતકાર એક જ હતા. અમે એક જ પ્રકારની કૉફી પીતાં હતાં. કાયમ બ્લૅક કોફી પીતાં હતાં. અમારી સેન્સ ઓફ હ્યુમર, થોડી ડાર્ક હ્યુમર પણ સમાન.”

ક્રિસ્ટોફર ઉમેરે છે, “મને લાગે છે કે મારું જીવન અને મારો ઉછેર વિરોધાભાસી છે. મારો ઉછેર અને પાલનપોષણ મારાં માતા અનિતાએ કર્યું છે, પરંતુ મારું વ્યક્તિત્વ ગિન્ની જેવું છે.”

ક્રિસ્ટોફર માટે તે અનુભવ સકારાત્મક હતો. બંને પરિવારોએ અત્યંત ગુપ્ત રાખેલું સત્ય જાણ્યા પછી તેણે તેનું સ્વાગત ખુલ્લા દિલથી કર્યું હતું.

ક્રિસ્ટોફર કહે છે, “તેમના પરિવાર પાસેથી શું અપેક્ષા રાખવી એ મને ખબર ન હતી, પરંતુ મેં કોઈ ખચકાટ વિના મોકળાશનો અનુભવ કર્યો.”

ગિન્નીને તેમનાં માતાપિતાને સત્ય કેવી રીતે કહ્યું?

ગિન્ની માટે સૌથી મોટો પડકાર તેમનાં માતાપિતાને સત્ય જણાવવાનો હતો. ગિન્ની એક રૂઢિચુસ્ત શીખ પરિવારનું સંતાન છે.

ગિન્નીએ શરૂઆતમાં તેમનાં માતાપિતાને ક્રિસ્ટોફરનો પરિચય પરિવાર સાથે ગાઢ સંબંધ ધરાવતી સખીના પુત્ર તરીકે કરાવ્યો હતો. બાદમાં પોતાનાં છ ભાઈ-બહેનોની મદદથી ગિન્નીએ માતાપિતા સાથે બેસીને આખી કથા જણાવી હતી.

ગિન્ની કહે છે, “મારા પિતાએ મારી કથા સાંભળી. પછી તેમણે ક્રિસ્ટોફર તરફ જોયું અને કહ્યું કે દીકરા, હું તારો દાદા છું. મારાં માતાએ ક્રિસ્ટોફરને ગળે વળગાડીને કહ્યુઃ મેરા બચ્ચા.”

પછી તરત જ તેમણે ક્રિસ્ટોફરને પરિવારમાં આવકાર્યા હતા.

ગિન્ની અને ક્રિસ્ટોફરનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. ક્રિસ્ટોફર તેમને “બોનસમાં મળેલો પરિવાર” કહે છે.

પછી અનિતા અને તેમના પરિવારના આશીર્વાદથી, આ કથા શૅર કરવાનો સમય આવી ગયો હોવાનું તેમણે નક્કી કર્યું હતું.

ગિન્નીના જણાવ્યા મુજબ, આ કથા શૅર કર્યા પછી ઘણા લોકો તેમનો સંપર્ક કરી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ એશિયન મહિલાઓ ગિન્નીને કહે છે કે તમારા કારણે અમને અમારા જીવન વિશે બોલવાની છૂટ મળી છે.

ગિન્ની કહે છે, “વ્યંધ્યત્વ વિશે કોઈ વાત કરતું નથી. સ્ત્રી બીજના દાન વિશે કોઈ ચર્ચા કરતું નથી, કારણ કે તેના વડે જન્મતું બાળક આનુવંશિક રીતે પરિવારનું હોતું નથી. તેથી તેઓ એ વિશે વાત કરવાનું ટાળે છે.”

ક્રિસ્ટોફરનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ

ક્રિસ્ટોફરે પિકાડિલી લાઈન પર મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. લંડનની અન્ડરગ્રાઉન્ડ ટ્રેનમાં બે મહિલાઓ વચ્ચે અકસ્માતે થયેલી વાતચીત પોતાના જન્મમાં કેવી રીતે મદદરૂપ થઈ, એ ક્રિસ્ટોફરને આજે પણ સમજાતું નથી.

ક્રિસ્ટોફર કહે છે, “જે ક્ષણે મારા જીવનનો પ્રારંભ થયો હતો એ ક્ષણ વિશે વિચારવું ખૂબ જ રસપ્રદ છે.”

“એ પછી હું અનેક લોકોને તેમના જીવનમાં મદદ કરી શક્યો છું. મારે ત્યાં ટૂંક સમયમાં બાળકનો જન્મ થવાનો છે. તેથી જીવનનું ચક્ર ચાલુ જ છે.”

ક્રિસ્ટોફર ઉમેરે છે, “આપણામાંની દરેક વ્યક્તિને કશુંક સારું કરવા, એકમેકને મદદ કરવા, પ્રેમ તથા સંબંધો શૅર કરવા અને દુનિયામાં વાસ્તવિક પરિવર્તન લાવવા માટે આ ગ્રહ પર લાવવામાં આવી છે, એવું મને લાગે છે.”

“મને લાગે છે કે તે મારા જીવનના ઉદ્દેશો પૈકીનો એક છે.”

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

SOURCE : BBC NEWS