Source : BBC NEWS
ઇમેજ સ્રોત, EPA/Shutterstock
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના પૂર્વ ક્ષેત્રમાં આવેલી એક વસાહતમાં અચાનક લોકો સોનું શોધવા લાગી ગયા હતા. થોડા દિવસો પહેલાં જ અહીં એવા અહેવાલો ફેલાયા હતા કે જ્યાં સોનાના કણ મળી આવ્યા છે.
સ્પ્રિંગ્સ નામનું આ સ્થળ એ પહેલાં ખનન વિસ્તાર હતો અને આ અત્યંત ગરીબ વિસ્તાર છે. ત્યાંના એક રહેવાસીએ દાવો કર્યો હતો કે ઢોર બાંધવા માટે રાખવામાં આવેલી જગ્યામાં સોનાના કણો મળી આવ્યા છે.
ધનિક બની જવાની આશા સાથે ડઝનબંધ લોકો એ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને આ જગ્યામાં ખોદકામ કરવા લાગ્યા હતા.
કોદાળી અને પાવડા સાથે ખોદકામ કરી રહેલા લોકો એ વાતની યાદ અપાવે છે, જ્યારે સોનું શોધવા માટેના પ્રયાસોએ દક્ષિણ આફ્રિકાની આર્થિક રાજધાનીને ઘડવામાં મદદ કરી હતી.
ઇમેજ સ્રોત, AFP/Getty Images
સ્પ્રિંગ્સ એક સમયે ‘સોનાના શહેર’ તરીકે જાણીતું હતું, પરંતુ આ ખાણો ઘણાં વર્ષો પહેલાં બંધ કરી દેવામાં આવી હતી, કારણ કે શાફ્ટની વધુ ઊંડાઈને કારણે આ ખાણ ચલાવવી નફાકારક રહી નહોતી.
હાલમાં આ વસાહતોમાં ઘણા લોકો પાડોશી દેશોના સ્થળાંતરિત લોકો તરીકે પણ રહે છે.
દક્ષિણ આફ્રિકાના ડિપાર્ટમેન્ટ ઑફ મિનરલ રિસોર્સિઝે આ સ્પ્રિંગમાં આવેલી ગુગુલેથુ વસાહતમાં થઈ રહેલી ખોદકામની પ્રક્રિયાની નિંદા કરી છે અને તેને ગેરકાયદેસર ગણાવી છે અને કહ્યું છે કે પર્યાવરણને નુકસાનકારક છે.
આ સ્થળે ખોદકામ કરનારા કેટલાક લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ સોનું શોધી શક્યા છે અને તેને કાળા બજારમાં વેચી દીધું છે.
સોનાને કાચી ધાતુમાંથી અલગ પાડવા માટે પારો અને સોડિયમ સાયનાઇડ જેવા ખતરનાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.
ઇમેજ સ્રોત, AFP/Getty Images
એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે આ ગેરકાયદેસર છે. અમારી ઇચ્છા છે કે સરકાર અમને અહીં ખાણકામ કરવાની કાયદેસરની પરમિટ આપે, જેથી કરીને અમે ટૅક્સ પણ ભરીએ અને કામ પણ મળે.”
તેમણે સમજાવ્યું હતું કે બે બાળકોના પિતા તરીકે તેમને શાળાએ મોકલવા અને ખાવાનું પૂરું પાડવા માટે પૈસા કમાવવાની જરૂર હતી.
ઇમેજ સ્રોત, AFP/Getty Images
બીજા એક માણસે બીબીસીને કહ્યું: “આ એકમાત્ર એવી વસ્તુ છે જે આપણે જાણીએ છીએ. તેણે આપણામાંથી ઘણાને ગંભીર અને હિંસક ગુનાઓ કરવા બદલ ધરપકડ થવાથી બચાવ્યા છે.”
એક ગ્રામ સોનાની કિંમત લગભગ 100 ડૉલર છે અને તેનાથી વિપરીત દક્ષિણ આફ્રિકામાં માસિક લઘુતમ વેતન માત્ર 368 ડૉલર છે.
બીબીસીની મુલાકાત દરમિયાન ખોદકામમાં વ્યસ્ત ઘણા લોકોએ કહ્યું કે તેઓ મૂળ પડોશી દેશ લેસોથોના વતની હતા.
ઇમેજ સ્રોત, EPA/Shutterstock
શાળાનો દિવસ પૂરો થયા પછી સ્થાનિક સમય મુજબ બપોરે બે વાગ્યે બાળકો પણ સ્થળ પર આવવાં લાગ્યાં.
તેઓ પહેલાં પોતાનો ગણવેશ બદલવા ઘરે ગયાં હતાં અને પછી તેમનાં માતાપિતાને સોનું ખોદવામાં મદદ કરવા માટે ઢોરવાડામાં દોડી આવ્યાં હતાં.
સ્થળની મુલાકાત લેતી વખતે, બીબીસીને જાણવા મળ્યું કે કેટલીક જમીન પોચી પડી ગઈ હતી.
માઇનિંગ મંત્રાલયે મંગળવારે પોતાના નિવેદનમાં ચેતવણી આપી હતી કે, “અનિયમિત ખોદકામ જમીનની અસ્થિરતામાં પરિણમી શકે છે, જેના કારણે નજીકના સમુદાયો અને ખાસ કરીને બાળકોને ઈજા અથવા જીવ ગુમાવવાનું જોખમ રહેલું છે.”
ઇમેજ સ્રોત, Thuthuka Zondi/BBC
દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદેસર ખાણકામ સામાન્ય છે, અને વર્ષોથી અસુરક્ષિત પરિસ્થિતિઓમાં કામ કરતી વખતે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે.
ગત અઠવાડિયે જ રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું હતું કે તેઓ દેશમાં ગુનાહિત ગેંગ અને ગેરકાયદેસર ખાણકામ સામે લડવા માટે પોલીસને મદદ કરવા માટે સૈન્ય તહેનાત કરશે.
સત્તાવાળાઓ આના માટે ગેરકાયદેસર ખાણિયા તરીકે ઓળખાતા “ઝામા ઝમાસ”ને દોષી ઠેરવે છે.
તેઓ સામાન્ય રીતે સશસ્ત્ર, બિનદસ્તાવેજીકૃત વિદેશી નાગરિકો હોય છે. તેમની સંગઠિત ગુનાઓની સિન્ડિકેટમાં સંડોવણી હોવાનો દાવો કરાય છે.જોકે, સ્પ્રિંગ્સમાં આવું ચાલી રહ્યું હોવાનો કોઈ અધિકૃત સંકેત મળતો નથી.
ઍડિશનલ રિપોર્ટિંગ: થુથુકા ઝોન્ડી અને વિલક્લિફ મુઇઆ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



