Home તાજા સમાચાર gujrati ભારતમાં પહેલી વાર સુપ્રીમ કોર્ટે ‘ઇચ્છામૃત્યુ’ને મંજૂરી આપી, દર્દી કઈ બીમારીથી પીડાતા...

ભારતમાં પહેલી વાર સુપ્રીમ કોર્ટે ‘ઇચ્છામૃત્યુ’ને મંજૂરી આપી, દર્દી કઈ બીમારીથી પીડાતા હતા?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સુપ્રીમ કોર્ટ ઇચ્છામૃત્યુ યુથેનેશિયા દર્દી લાઇફ સપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

12 માર્ચ 2026, 10:59 IST

અપડેટેડ 9 કલાક પહેલા

વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતના ઇતિહાસમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટે બુધવારે ઇચ્છામૃત્યુને મંજૂરી આપી છે.

કોર્ટે 13 વર્ષ કરતાં વધુ સમયથી કોમામાં રહેલા 32 વર્ષીય હરીશ રાણાનો લાઇફ સપોર્ટ (જીવનરક્ષક મશીનો) ખસેડી લેવા પરવાનગી આપી છે.

જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પેસિવ યુથેનેશિયા (ઇચ્છામૃત્યુ) માટે એક વ્યાપક કાયદો બનાવવાનું વિચારવા પણ કહ્યું છે.

કોર્ટે એઇમ્સ-દિલ્હીને પણ નિર્દેશ આપ્યો છે કે લાઇફ સપોર્ટ હઠાવવા માટે એક ખાસ યોજના ઘડવામાં આવે, જેથી સમગ્ર પ્રક્રિયા દરમિયાન દર્દીની ગરિમા અને સન્માન જળવાઈ રહે.

હરીશ રાણાના પિતા અશોક રાણાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે.

તેમણે કહ્યું કે માનવીય નિર્દેશ બદલ તેઓ સુપ્રીમ કોર્ટના આભારી છે.

ઇચ્છામૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

બીબીસી ગુજરાતી સુપ્રીમ કોર્ટ ઇચ્છામૃત્યુ યુથેનેશિયા દર્દી લાઇફ સપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઑગસ્ટ 2013માં હરીશ રાણા ચંડીગઢની એક ઇમારતના ચોથા માળેથી પડી ગયા હતા, ત્યારથી તેઓ લાઇફ સપોર્ટ પર હતા.

હરીશ રાણાના પરિવારે એક અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટ સમક્ષ 2018ના પાંચ જજની બેન્ચના ચુકાદાના આધારે તબીબી સુવિધાઓ હઠાવવાની માગણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે 2018ના ચુકાદામાં અસાધ્ય બીમારી ધરાવતા દર્દીઓ માટે ઇચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપી હતી.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસ મુજબ સુપ્રીમ કોર્ટે આ મામલામાં પેસિવ યુથેનેશિયા માટે વિસ્તૃત માર્ગદર્શિકા પણ નક્કી કરી હતી.

આ માર્ગદર્શિકા બંને પરિસ્થિતિમાં લાગુ થાય છે, જ્યારે દર્દીએ પહેલેથી કોઈ આગોતરા નિર્દેશ અથવા લિવિંગ વિલ તૈયાર કરેલું હોય, જેમાં લખ્યું હોય કે તેઓ અસાધ્ય બીમારીની અવસ્થામાં પહોંચી જાય તો તેમના લાઇફ સપોર્ટ હઠાવી લેવામાં આવે. આ ઉપરાંત જે મામલામાં કોઈ લેખિત ઈચ્છા દર્શાવાઈ ન હોય તે પણ સામેલ હતા.

જાન્યુઆરી 2023માં સુપ્રીમ કોર્ટની વધુ એક પાંચ જજની બેન્ચે 2018ના ચુકાદામાં કેટલાક ફેરફારો કર્યા, જેથી અસાધ્ય બીમારી ધરાવતા દર્દીઓની સારવાર બંધ કરવાની પ્રક્રિયાને ઓછી જટિલ અને વધુ વ્યવહારુ બનાવી શકાય.

આ ફેરફારોમાં દરેક મેડિકલ બોર્ડના નિર્ણય માટે સમયમર્યાદા નક્કી કરવાનો અને પ્રક્રિયામાં ન્યાયિક મૅજિસ્ટ્રેટની ભૂમિકાને સીમિત રાખવાનું પણ સામેલ હતું.

બીબીસી ગુજરાતી સુપ્રીમ કોર્ટ ઇચ્છામૃત્યુ યુથેનેશિયા દર્દી લાઇફ સપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, દિલ્હી હાઇકોર્ટે હરીશ રાણા સાથે સંકળાયેલી અરજી નકારી કાઢી હતી. અદાલતે કહ્યું હતું કે રાણા મિકેનિકલ લાઇફ સપોર્ટ પર નથી અને બાહ્ય સહાયતા વગર પણ જીવિત રહી શકે છે.

ત્યાર પછી 2024માં પરિવાર સુપ્રીમ કોર્ટમાં ગયો, પરંતુ ત્યાં પણ કોઈ રાહત ન મળી. જોકે, અદાલતે એ છૂટ આપી કે જરૂર પડે તો તેઓ ફરી કોર્ટમાં આવી શકે છે. ત્યાર બાદ પરિવારે ગયા વર્ષે ફરી એક વખત સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

સુપ્રીમ કોર્ટે એઇમ્સ-દિલ્હીને દર્દીને ઘરથી હૉસ્પિટલમાં શિફ્ટ કરવા માટે પણ તમામ સુવિધાઓ આપવા નિર્દેશ આપ્યા છે.

સાથે સાથે એઇમ્સને કહ્યું છે કે, “સારવાર બંધ કરવાની પ્રક્રિયા એક મજબૂત યોજના હેઠળ થાય તે સુનિશ્ચિત કરે, તેને એવી રીતે તૈયાર કરવામાં આવે, જેથી દર્દીને કોઈ પ્રકારની તકલીફ ન થાય અને તેની ગરિમાને સર્વોચ્ચ સ્તર સુધી જાળવી રખાય.”

સાથે સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે એવી ટિપ્પણી પણ કરી કે દેશમાં ઍન્ડ-ઑફ લાઇફ કેર માટે કોઈ વ્યાપક કાયદો નથી. આ મામલે કેન્દ્ર સરકારને કાયદો ઘડવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો છે.

હરીશ રાણાના પરિવારે શું કહ્યું?

હરીશ રાણાના પિતા અશોક રાણાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા મીડિયાને કહ્યું કે “અમને ખબર પડી કે અમારા દીકરાની સ્થિતિ અસાધ્ય છે અને તેનો ઇલાજ થઈ શકે તેમ નથી તેવી ખબર પડી, ત્યાર પછી અમે કોર્ટમાં ગયા. આનાથી અગાઉ કૉમન કોઝ વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયાના મામલામાં કોર્ટે ચિકિત્સા ઉપચાર, ખાસ કરીને જીવનરક્ષક ઉપચાર બંધ કરવાના દિશાનિર્દેશ અને શરતો નક્કી કરી હતી.”

“અમે માત્ર એટલું ઇચ્છતા હતા કે આ માર્ગદર્શિકા અમારા દીકરાના કેસમાં પણ લાગુ થાય. આજે સુપ્રીમ કોર્ટે બિલકુલ એવું જ કર્યું છે.”

“કોર્ટે એ વાત પર પણ ભાર મૂક્યો કે આને કોઈ પણ રીતે ‘સક્રિય ઇચ્છામૃત્યુ’ ગણવું ન જોઈએ. કોઈ વ્યક્તિના જીવનને સમાપ્ત કરવા માટે ઇન્જેક્શન આપવામાં આવે ત્યારે તેને સક્રિય ઇચ્છામૃત્યુ કહેવામાં આવે.”

“હરીશના મામલામાં અત્યારે તેમને પીઇજી ટ્યૂબ મારફત જીવનરક્ષક ઉપચાર મળે છે, જેને બંધ કરવામાં આવશે અને યોગ્ય પેઇનકિલર્સ તથા રાહત આપતી સારસંભાળ આપવામાં આવશે, જેથી કુદરત પોતાનું કામ કરી શકે.”

હરીશના પિતાએ કહ્યું કે, “તમે કલ્પના કરી શકો છો કે અમારા પરિવાર માટે આ બહુ કઠિન નિર્ણય છે, પરંતુ અમે હંમેશાં હરીશના સર્વોત્તમ હિતમાં કામ કરવા માગીએ છીએ.”

“અમને એવી પણ આશા છે કે કોર્ટના આ ચુકાદા અને દિશાનિર્દેશથી હરીશ અને તેના પરિવાર જેવા બીજા લોકો માટે પણ માનવીય વ્યવહારનો માર્ગ મોકળો થશે.”

પેસિવ યુથેનેશિયા શું હોય છે?

બીબીસી ગુજરાતી સુપ્રીમ કોર્ટ ઇચ્છામૃત્યુ યુથેનેશિયા દર્દી લાઇફ સપોર્ટ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

પેસિવ યુથેનેશિયા એટલે કોઈ દર્દી વર્ષોથી પથારીવશ હોય, કોમામાં હોય અને તેઓ સાજા થવાની સંભાવના બિલકુલ ખતમ થઈ ગઈ હોય તથા તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર જીવિત હોય તો, તેમની લાઇફ સપોર્ટ સિસ્ટમ હઠાવી શકાય છે.

વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે ‘પેસિવ યુથેનેશિયા’ની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

મુંબઈના કેઇએમ હૉસ્પિટલના ભૂતપૂર્વ નર્સ અરુણા શાનબાગના મામલે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. 1973માં સોહનલાલ નામના વૉર્ડ બૉયે અરુણા પર રેપ કર્યો હતો, જેમાં તેણે અરુણાનું ગળું દબાવી દીધું હતું.

ત્યાર પછી અરુણા 42 વર્ષ સુધી કોમામાં રહ્યાં. વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી કે અરુણાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને ઇચ્છામૃત્યુ આપવામાં આવે.

કોર્ટે આવી મંજૂરી ન આપી, પરંતુ ‘પેસિવ યુથેનેશિયા’ની તરફેણમાં ચુકાદો આપ્યો.

2011માં આપેલા ચુકાદા પ્રમાણે જો કોઈ વ્યક્તિ અરુણાની જેમ ‘વેજિટેટિવ સ્ટેટ’માં હોય અથવા વૅન્ટિલેટર પર હોય અને તેમની દેખરેખ રાખતા લોકો, પરિવારજનો અને ડૉક્ટરોને લાગતું હોય કે તેમની સ્થિતિ સુધરવાની કોઈ આશા નથી, તો તેઓ ‘પેસિવ યુથેનેશિયા’ની મદદ લઈ શકે છે.

પેસિવ યુથેનેશિયામાં દર્દીને ધીમે ધીમે લાઇફ સપોર્ટ પરથી હઠાવી લેવાય છે.

જોકે, મે 2015માં ન્યુમોનિયાના કારણે અરુણા શાનબાગનું 68 વર્ષની વયે અવસાન થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS