Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
-
- લેેખક, સંદીપ રાય
- પદ, બીબીસી સંવાદદાતા
-
9 ફેબ્રુઆરી 2026, 10:05 IST
અપડેટેડ એક મિનિટ પહેલા
ભારત અને અમેરિકાએ વચગાળાની ટ્રેડ ડીલ સાઇન કરી છે. જેમાં ભારત દ્વારા અનેક ખાદ્યપદાર્થો તથા કૃષિઉત્પાદનો ઉપરથી ટેરિફ હઠાવવામાં આવ્યો હોવાના અહેવાલ છે, જેનો કેટલાંક ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યાં છે.
સંયુક્ત કિસાન મોરચાએ (એસકેએમ) આ ટ્રેડ ડીલને ભારત સરકાર દ્વારા ‘સંપૂર્ણ આત્મસમર્પણ’ કહી છે અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના ‘તત્કાળ રાજીનામા’ની માંગ કરી છે.
બીજી બાજુ, ગોયલે ટ્રેડ ડીલ વિશે સહમતિ અંગેનું સંયુક્ત નિવેદન સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર મૂક્યું હતું. સાથે જ ગોયલે લખ્યું હતું કે ‘સંવેદનશીલ એવા કૃષિ અને ડેરી ઉત્પાદનો’માં ભારતના ખેડૂતોનાં હિતોની સુરક્ષા કરવામાં આવી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે કહ્યું હતું કે ‘અમારા માટે ખેડૂતો સર્વોપરી છે. આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત-અમેરિકા વેપારકરારમાં ખેડૂતોનાં હિતોને સુરક્ષિત રાખવામાં આવ્યાં છે.’
વિપક્ષ કૉંગ્રેસનું કહેવું છે કે સરકારે આ ટ્રેડ ડીલ દ્વારા લોકો સાથે ‘વિશ્વાસઘાત’ કર્યો છે.
કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાનું કહેવું છે કે ‘ટ્રમ્પની આ ટ્રેડ ડીલને કારણે અમેરિકા માટે ભારત ડમ્પિંગ ગ્રાઉન્ડ (સામાન નાખવાની જગ્યા) બની ગયું છે.’
પવન ખેડાનું કહેવું છે, “આ ટ્રેડ ડીલ મુજબ પાંચ વર્ષ દરમિયાન ભારતે અમેરિકામાંથી 500 અબજ ડૉલરના સામાનની આયાત કરવાની છે. મતલબ કે ભારતે તેની આયાત ત્રણગણી વધારવી પડશે. આપણે દરવર્ષે 40-42 અબજ ડૉલરના બદલે 100 અબજ ડૉલરની આયાત કરવી પડશે. આપણે અમેરિકા પાસેથી કયો સામાન ખરીદીશું, તેનો જવાબ પીયૂષ ગોયલ પાસે નથી.”
વિપક્ષના આરોપો અંગે સરકારનું શું કહેવું છે?
ઇમેજ સ્રોત, Getty Images
પીયૂષ ગોયલે ઍક્સ ઉપર નિવેદન મૂકીને સ્પષ્ટ કર્યું છે, “મકાઈ, ઘઉં, ચોખા, સોયાબીન, મરઘી પાલન, દૂધ, પનીર, ઇથેનૉલ, તમાકુ, કેટલાંક શાકભાજી, માંસ વગેરે સહિતનાં સંવેદનશીલ કૃષિ અને ડેરી ઉત્પાદનોને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવ્યાં છે.”
ચૌહાણે પણ ડેરી તથા કૃષિઉત્પાદનોની લાંબી યાદી ગણાવી હતી, જેને આ ડીલમાં સુરક્ષા આપવામાં આવી છે.
ચૌહાણે કહ્યું, “પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ દેશને ઝૂકવા નહીં દે તથા ખેડૂતોનાં હિતોનું કોઈ નુકસાન નહીં થવા દે. આ વેપારકરારમાં એ બંને વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.”
ચૌહાણે કહ્યું હતું, “આપણે કૃષિ તથા કૃષિઉત્પાદનોની યાદી જોઈએ તો ભારતીય ખેડૂતોને નુકસાન કરે તેવાં તમામ ઉત્પાદનોને વેપારકરારમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.”
ચૌહાણે કહ્યું, “સોયાબીન, મકાઈ, ચોખા, ઘઉં, અનાજ, પૉલ્ટ્રી, ડેરી, કેળા,સ્ટ્રૉબરી, ચૅરી, સિટરસ ફ્રૂટ્સ, લીલા વટાણા, કાબૂલી ચણા, મગ, ઇથેનૉલ અને તમાકુ જેવાં ઉત્પાદનો ઉપર કોઈ છૂટ આપવામાં નથી આવી.”
“ભારતમાં કોઈપણ લિક્વિડ પાઉડર, ક્રીમ, દહીં, છાશ, માખણ, ઘી, બટર-ઑઇલ, પનીર કે ચીઝની આયાત કરવામાં નહીં આવે. આપણાં તેજાના સલામત છે. ભારતનાં અનેક કૃષિઉત્પાદનોને શૂન્ય ટકાના દરે અમેરિકામાં નિકાસ કરી શકાશે, પરંતુ અમેરિકાનાં કૃષિ ઉત્પાદનો માટે ભારતનાં બજારોમાં છૂટ આપવામાં નથી આવી.”
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના કહેવા પ્રમાણે, ‘અમેરિકાએ અનેક કૃષિઉત્પાદનો ઉપરનો ટેરિફ 50 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દીધો છે, જેમાં મસાલા, ચા, કૉફી, નાળિયેર, સોપારી, કાજૂ, અવાકાડો, કેળા, કેરી, પપૈયા અને અનાનસ જેવાં ઉત્પાદનો સામેલ છે.’
નિષ્ણાતોનું શું કહેવું છે?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલની શરતો અંગે કૃષિ વિશેષજ્ઞ દેવેન્દ્ર શર્માનું માનવું છે કે આને કારણે અમેરિકાનાં કૃષિઉત્પાદનોને પહેલી વખત ભારતની બજારોમાં સ્થાન મળશે, જે અત્યારસુધી નહોતું મળતું.
બીબીસી સાથે વાત કરતી વેળાએ દેવેન્દ્ર શર્માએ કહ્યું, ‘જ્યારે જગજીવનરામ કૃષિમંત્રી હતા, ત્યારે અને ડબલ્યૂટીઓ (વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન) હેઠળ અમેરિકાની કૃષિ લૉબીનું ભારત ઉપર દબાણ રહ્યું છે કે તે ખેતીક્ષેત્રને ખોલે.’
દેવેન્દ્ર શર્મા કહે છે, “અત્યાર સુધી ભારતે ખેડૂતોનાં હિતોની સુરક્ષા કરી છે, તે વાત ખરી, પરંતુ અમેરિકાનાં કૃષિ મંત્રીએ એવું કેમ કહ્યું કે આ કરારથી વિશ્વનું સૌથી મોટુ બજાર અમેરિકાના ખેડૂતો માટે ખુલ્લી જશે અને અમેરિકાનાં ગ્રામીણ અર્થતંત્રમાં રોકડપ્રવાહ વધશે.”
જોકે, પહેલાંથી એવું માનવામાં આવતું હતું કે આ ટ્રેડ ડિલમાં ભારતે કેટલીક છૂટછાટો આપવી પડશે. છેલ્લા કેટલાક મહિના દરમિયાન ભારત સરકારે કપાસ ઉપરની આયાતજકાત ઘટાડવા જેવાં કેટલાંક પગલાં લીધાં છે.
જોકે, દેવેન્દ્ર શર્માનું કહેવું છે, “વચગાળાના કરારના જે માળખા ઉપર સહમતિ સધાઈ છે, તે મુજબ આગામી પાંચ વર્ષ દરમિયાન ભારત 500 અબજ ડૉલરની આયાત કરશે. કારણ કે ભારત સાથેના વેપારમાં અમેરિકાને એટલી વેપાર ખાધ થઈ રહી છે, તો એમાં ભારતનો શું વાંક?”
ભારત અને અમેરિકા વચ્ચે આઠ અબજ ડૉલરનો વેપાર થાય છે. જેમાં ભારત ચોખા, ઝિંગા તથા મસાલાની નિકાસ કરે છે. જ્યારે અમેરિકા સફરજન, દાળ તથા મેવા વેચે છે.
અમેરિકાનાં કૃષિમંત્રી બ્રૂક રોલિંસનું કહેવું છે કે ભારત સાથેના કૃષિ વેપારમાં અમેરિકાને 1.3 અબજ ડૉલરની ખાધ પડે છે. જે આ ડીલ પછી ઘટશે એવી આશા છે.
અમેરિકાની માંગણી છે કે ભારત સાથેના વેપારમાં 45 અબજ ડૉલરની વેપારખાધ છે, જેને ઘટાડવા માટે મકાઈ, સોયાબીન તથા કપાસ માટે મોટાપાયે કૃષિનિકાસના દરવાજા ખોલવામાં આવે.
દેવેન્દ્ર શર્મા આ ડીલ અંગે વિરોધ વ્યક્ત કરતા કહે છે, “આ રેસિપ્રૉકલ ટેરિફ જેવું છે. એક તરફ શૂન્ય ટકા છે, બીજી તરફ 18 ટકા છે.”
દેવેન્દ્ર શર્મા કહે છે, “અમેરિકાની સરકાર પોતાના દરેક ખેડૂતને વાર્ષિક સરેરાશ 64 હજાર ડૉલરની (લગભગ રૂ. 60 લાખ) સબસિડી આપે છે. જ્યારે ભારતમાં ખેડૂતદીઠ સબસીડી લગભગ 64 ડૉલર (રૂ. છ હજાર) આસપાસ છે.”
કપાસનો દાખલો
ઇમેજ સ્રોત, Getty Images
દેવેન્દ્ર શર્મા કપાસના ઉદાહરણ દ્વારા કહે છે કે ભારત તથા અમેરિકાના ખેડૂતો વચ્ચે સ્પર્ધા થાય, તો તે બરાબરીની નથી.
દેવેન્દ્ર શર્મા કહે છે, “અમેરિકામાં આઠ હજાર ખેડૂત કપાસ ઉગાડે છે, જ્યારે ભારતમાં આ સંખ્યા 98 લાખની છે. અમેરિકામાં કપાસનાં ખેતર સરેરાશ 600 હેક્ટરનાં છે, જ્યારે આપણે ત્યાં સરેરાશ ત્રણ એકરનાં છે.”
“અમેરિકા પોતાના કપાસના ખેડૂતોને દરવર્ષે એક લાખ ડૉલરની (લગભગ 90 લાખ રૂપિયા) સબસિડી આપે છે, જ્યારે આપણાં ખેડૂતોને માત્ર 27 ડૉલર જેટલી સબસિડી મળે છે.”
દેવેન્દ્ર શર્માએ કહ્યું હતું, “ગતવર્ષે ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન ભારતમાં કપાસની આયાત ઉપરની જકાતને 11 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવી હતી. આ ત્રણ મહિના દરમિયાન કપાસની 30 લાખ ગાંસડીની આયાત કરવામાં આવી, જેની ભારતને જરૂર નથી.”
દેવેન્દ્ર શર્માનું કહેવું છે, “પુરવઠો વધુ હોવાથી ભારતના કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને એક હજારથી રૂ. 1500 ઓછા મળ્યા હતા. આ ત્રણ મહિનાની વાત છે. આગળ શું થશે, તેનો અંદાજ મૂકવો અઘરો નથી.”
ખેડૂત સંગઠનોની દલીલ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS



