Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Sajjad HUSSAIN / AFP via Getty Images
ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની આર્થિક અસર હવે સ્પષ્ટ વર્તાવા લાગી છે. હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાથી અને ખાડીના દેશોની રિફાઇનરીઓ પર હુમલાના કારણે ક્રૂડઑઇલનો પુરવઠો ખોરવાયો છે.
શનિવારે રાતે ઈરાનની રાજધાની તહેરાનમાં એક મોટા ઑઇલ ડેપો પર હુમલા પછી ઑઇલનો ભાવ ઉછળ્યો હતો. સોમવારે એક જ ટ્રેડિંગ સત્રમાં ક્રૂડઑઇલનો ભાવ બૅરલ દીઠ 23 ડૉલર જેટલો વધ્યો અને અંતે 103 ડૉલર પર પ્રતિ બૅરલ પર સ્થિર થયો હતો.
વધતી અનિશ્ચિતતા વચ્ચે સમાચાર આવ્યા કે જી-7 દેશો પોતાના સ્ટ્રેટેજિક ઑઇલ રિઝર્વમાંથી 300થી 400 મિલિયન બૅરલ ઑઇલ રિલીઝ કરી શકે છે.
સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ જાપાનના નાણામંત્રી સતસુકી કતાયામાએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઇઆઇએ)એ જી-7 રાષ્ટ્રોનો પોતાના રિઝર્વમાંથી તબક્કા વાર રીતે ઑઇલ રિલીઝ કરવા કહ્યું છે.
આઇઆઇએમાં 30 સભ્ય સભ્ય છે, જેમણે 90 દિવસનો ઑઇલનો ભંડાર રાખવો જરૂરી છે.
રૉયટર્સના અહેવાલ પ્રમાણે જાપાન પોતાની કુલ ખપતમાંથી 90 ટકા ઑઇલ માટે આયાત પર આધારિત છે અને તેની પાસે સૌથી વધુ ઑઇલ રિઝર્વ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બહુ ઓછા સમય માટે ઑઇલનો ભાવ વધ્યો એ વૈશ્વિક શાંતિ માટે બહુ ઓછી કિંમત છે.
ઑઇલના ભાવ પર નજર રાખતા ધ સ્પેક્ટેટર ઇન્ડેક્સ મુજબ ક્રૂડઑઇલના ભાવમાં 30 ટકા, બ્રેન્ટ ક્રૂડઑઇલના ભાવમાં 26 ટકા, હીટિંગ ઑઇલમાં 22 ટકા અને પેટ્રોલમાં 14 ટકાનો ઉછાળો આવ્યો હતો.
એશિયાના શૅરબજારોમાં પણ મોટો ઘટાડો થયો. દિવસ દરમિયાન દક્ષિણ કોરિયા, જાપાન, વિયેતનામ, ભારત અને ચીનનાં શૅરબજારો એકથી છ ટકા સુધી તૂટ્યાં હતાં.
આ બધી ઊથલપાથલની અસર ભારતની ઊર્જા સુરક્ષા પર પણ પડી છે.
ટ્રમ્પ સરકારે તાજેતરમાં ભારતને રશિયા પાસેથી 30 દિવસ સુધી ઑઇલ ખરીદવાની છૂટ આપી છે. તેનાથી ઑઇલના ભાવને નિયંત્રિત રાખવામાં મદદ મળશે તેમ અમેરિકાએ કહ્યું છે.
અમેરિકાના ઊર્જામંત્રી ક્રિસ રાઈટે સ્પષ્ટતા કરી હતી કે આ એક કામચલાઉ પગલું હતું, જેનો હેતુ ઈરાન સાથે વધતા સંઘર્ષને કારણે ક્રૂડઑઇલના બજાર પર દબાણ ઘટાડવાનો હતો.
પરંતુ વધતા સંઘર્ષે ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશોને સાવચેતીનાં પગલાં લેવાની ફરજ પાડી છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પુત્રી અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાં મુખ્ય મંત્રી મરિયમ નવાઝે જાહેરાત કરી છે કે સરકારી અધિકારીઓનો ઈંધણ પુરવઠો કાપવામાં આવશે.
તેમણે ઍક્સ પર લખ્યું કે,”પેટ્રોલિયમ કટોકટીનો ઉકેલ ન આવે ત્યાં સુધી, પ્રાંતીય મંત્રીઓ માટે સત્તાવાર ઈંધણ પુરવઠો સ્થગિત રહેશે. મેં સરકારી અધિકારીઓનાં વાહનો માટે પેટ્રોલ અને ડીઝલ ભથ્થામાં તાત્કાલિક 50 ટકા ઘટાડો કરવાનો પણ આદેશ આપ્યો છે.”
અનિશ્ચિતતા વચ્ચે ભારત પર અસર
ઇમેજ સ્રોત, AFP via Getty Images
વિદેશ નીતિના નિષ્ણાત હર્ષ વી. પંતે બીબીસી હિન્દીના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “વર્તમાન પરિસ્થિતિને જોતાં ઑઇલના ભાવમાં વધારો થવાનો નક્કી છે, અને આ વૈશ્વિક ફુગાવાને પણ અસર કરશે. આઇએમએફએ વારંવાર કહ્યું છે કે હવે કંઈ પણ થઈ શકે છે અને દેશોએ તેના માટે તૈયાર રહેવું જોઈએ.”
તેમણે કહ્યું કે, “હાલની પરિસ્થિતિમાં વિશ્વનાં સૌથી મોટાં અર્થતંત્રો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે, જ્યારે નબળાં અર્થતંત્રો તૂટી રહ્યાં છે. ટ્રમ્પનું નિવેદન સૂચવે છે કે તેમને કાં તો લાંબા ગાળાની અસરની પરવા નથી અથવા તેમને સમજ નથી.”
આવામાં ભારતની રણનીતિ કેવી હશે તેના અંગે તેઓ કહે છે, “ભારત તેની ઑઇલ આયાતમાં વૈવિધ્યીકરણ કરી રહ્યું છે. યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું, ત્યારે ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઑઇલ આયાત કરવાનું શરૂ કર્યું હતું. તેનાથી પહેલાં રશિયાથી માત્ર બે ટકા ઑઇલની જ આયાત કરતું હતું.
તેઓ કહે છે, “ભારતે તે સમયે આ પાઠ શીખ્યો હતો, પરંતુ હવે મજબૂરી એ છે કે આખું પશ્ચિમ એશિયા યુદ્ધના પ્રભાવ હેઠળ આવી ગયું છે અને તે વૈશ્વિક ઑઇલ માર્કેટનું કેન્દ્ર છે, તેથી તેની અસર થવાની જ છે.”
તેમના કહેવા મુજબ “એક સમયે એવું કહેવાતું હતું કે લેટિન અમેરિકન દેશ વેનેઝુએલાથી ઑઇલની આયાત કરવામાં આવશે, પરંતુ આ કેટલું શક્ય બનશે તે ભવિષ્યમાં જ ખબર પડશે.”
ભારત ઑઇલ માટે શું કરી રહ્યું છે?
ઇમેજ સ્રોત, AFP via Getty Images
રશિયા પાસેથી ઑઇલ ખરીદવા માટે હવે અમેરિકા પણ કહી રહ્યું છે, ત્યારે કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે રશિયાના ઑઇલ સાથે સમુદ્રમાં ફસાયેલાં ટૅન્કરો પહેલેથી ભારત તરફ આગળ વધતાં હતાં, પરંતુ ઇન્ટરનૅશનલ બજારમાં ઑઇલના ભાવમાં ઉછાળા પછી હવે તેના પર પ્રીમિયમ આપવું પડી શકે છે.
આ દરમિયાન સમાચાર આવ્યા છે કે કેટલાંક ઑઇલ ટૅન્કરો બીજા સાઉથ ઈસ્ટના એશિયન દેશો તરફ જઈ રહ્યાં છે.
આવામાં ભારતની ઊર્જા સુરક્ષાને લઈને ચિંતા પેદા થઈ છે. આંતરરાષ્ટ્રીય મામલાના જાણકારો કહે છે કે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની અસર સમગ્ર વિશ્વ પર પડશે.
ભારત પર અનિશ્ચિતતાની અસર અત્યારથી દેખાવા લાગી છે. ગયા શનિવારે ઇન્ડિયન ઑઇલે રાંધણગૅસના સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયા અને કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો કર્યો છે.
સોમવારે ભારત સરકારના પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને ઈંધણના પુરવઠા પર નજર રાખવાની વાત કરી છે.
મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે હાલની ભૂરાજકીય સ્થિતિના કારણે ઈંધણના પુરવઠામાં અવરોધ તથા એલપીજીના પુરવઠા પર દબાણને ધ્યાનમાં રાખીને મંત્રાલયે ઑઇલ રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાના નિર્દેશ આપ્યા છે. વધારાના ઉત્પાદનથી ઘરેલુ એલપીજીનો પુરવઠો જાળવવામાં આવશે.
મંત્રાલયે ઘરેલુ એલપીજીના પુરવઠાને પ્રાથમિકતા આપી છે અને સંગ્રહખોરી તથા કાળાબજારી રોકવા માટે બે બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો લાગુ કર્યો છે.
“હૉસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ જેવાં બિનઘરેલુ ક્ષેત્રોને આયાતી એલપીજી માટે પ્રાથમિકતા અપાઈ રહી છે. રેસ્ટોરાં, હોટલો જેવાં અન્ય બિનઘરેલુ ક્ષેત્રોને એલપીજી વિતરણ કરવા માટે ઑઇલ વિતરણ કંપનીઓના ત્રણ ડાયરેક્ટરોની એક સમિતિ બનાવાઈ છે.”
ભારત પાસે હવે કેટલો ક્રૂડઑઇલનો ભંડાર બચ્યો છે?
ઇમેજ સ્રોત, AFP via Getty Images
અમેરિકાના દબાણને કારણે ભારતે રશિયન ઑઇલમાં ઘટાડો અનુભવ્યો છે, જોકે ભારત સરકારનું કહેવું છે કે તે તેની ઊર્જા સુરક્ષા જરૂરિયાતો અને બજારની સ્થિતિના આધારે નિર્ણયો લેશે.
દરમિયાન, ઊર્જા નિષ્ણાતોએ ભારતના ઑઇલના ભંડાર અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ઊર્જા મામલાના નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ બીબીસીના એક કાર્યક્રમમાં કહ્યું કે “હોર્મુઝ સામુદ્રધુનીમાંથી થઈને દૈનિક 137 જહાજ નીકળતાં હતાં, પરંતુ છેલ્લા કેટલાક દિવસમાં માત્ર બે ટૅન્કર જ નીકળી શક્યાં. આ ક્ષેત્રમાં આવતા ઑઇલ પર ભારત, ચીન, જાપાન અને એશિયાન દેશો ઘણા નિર્ભર છે. હવે ત્યાં મુશ્કેલ સ્થિતિ છે.”
મહત્ત્વની વાત એ છે કે ભારતમાં ઑઇલની જે ઘરેલુ ખપત છે, તેમાં 90 ટકા હિસ્સાની આયાત થાય છે. તેથી ભારત પર દબાણ છે. જોકે, ટ્રમ્પના દાવા છતાં ભારતે એ નથી કહ્યું કે તે રશિયા પાસેથી ઑઇલ ખરીદશે.
નરેન્દ્ર તનેજા કહે છે કે, ચીને છેલ્લા એક વર્ષમાં ઈરાન પાસેથી દૈનિક 10 લાખ બૅરલ ઑઇલની ખરીદી કરી છે અને તેને સ્ટ્રેટેજિક રિઝર્વ અને કૉમર્શિયલ રિઝર્વમાં જમા કર્યું છે. તેમણે છેલ્લા 365 દિવસમાં એટલા ઑઇલનો જથ્થો એકત્ર કર્યો છે કે આગામી પાંચ મહિના સુધી તેને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
“ભારતના ઑઇલ રિઝર્વની વાત કરીએ તો તે દુનિયાના 41 દેશો પાસેથી આયાત કરે છે, જેમાં અમેરિકા સામેલ છે. આજે આપણી પાસે જે સ્ટ્રેટેજિક રિઝર્વ છે, જે જમીનની અંદર હોય છે, તે લગભગ 25 દિવસ ચાલે તેટલું છે. આ ઉપરાંત ટેન્ક ફૉર્મમાં રિફાઇનરીઓમાં ઑઇલ છે. બધું મળીને આજે આપણી પાસે 50 દિવસ જેટલું ઑઇલ છે, પરંતુ તમામ ટૅન્કને સંપૂર્ણપણે ખાલી કરી ન શકાય, જેથી હકીકતમાં આપણી પાસે 40 દિવસ ચાલે તેટલું જ ઑઇલ છે.”
ઈરાન સામેના યુદ્ધની સામાન્ય લોકોને શું માઠી અસર થશે?
ઇમેજ સ્રોત, AFP via Getty Images
ટ્રમ્પે ભલે કહ્યું હોય કે ઑઇલના ભાવમાં વધારોઘટાડો થોડા દિવસો પૂરતો જ છે, પરંતુ યુદ્ધ લાંબું ચાલશે તેમ સામાન્ય લોકો પર તેની વધારે અસર પડશે.
નરેન્દ્ર તનેજાએ કહ્યું કે હજુ આપણે ગભરાવાની જરૂર નથી. વાસ્તવમાં ઑઇલ ઉપલબ્ધ છે કે નહીં તે ચિંતાની વાત નથી, પરંતુ તેનો ભાવ કેટલો છે તે ચિંતાનો વિષય છે. ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારે ઑઇલનો ભાવ 65 ડૉલર પ્રતિ બૅરલની આસપાસ હતો, જે હવે વધી ગયો છે.
“સરકારે હજુ સુધી ભાવ બાંધી રાખ્યા છે, પરંતુ યુદ્ધ ચાલશે તો સરકારની પણ એક મર્યાદા હશે. સરકાર અને કંપનીઓ હાથ અધ્ધર કરી દેશે ત્યારે સવાલ ઊઠશે કે સરકાર પાસે કયા વિકલ્પ છે અને ગ્રાહકો માટે કયા સમાચાર છે.”
તનેજાને આશંકા છે કે, “આ યુદ્ધ હજુ 10 દિવસથી વધારે ચાલશે તો આખી દુનિયા માટે ગંભીર સ્થિતિ પેદા થઈ શકે છે.”
આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર બ્રહ્મચેલાણી કહે છે કે શક્ય છે કે બૉમ્બ પડવાનું અટકી જાય, પરંતુ રિફાઇનરીઓ અને ઑઇલ ફિલ્ડને જે નુકસાન થયું છે, તેની ભરપાઈ કરવામાં મહિનાઓ લાગી જશે.
બ્રહ્મચેલાણીએ ઍક્સ પર લખ્યું કે, ઈંધણ ડેપો અને ઈરાનની બીજી નાગરિક સુવિધાઓ પર બૉમ્બમારો કરીને અમેરિકા અને ઇઝરાયલ આવી જ જવાબી કાર્યવાહીને આમંત્રણ આપી રહ્યા છે. સાથે સાથે એક વૈશ્વિક ઉર્જા સંકટનું જોખમ પણ વધી રહ્યું છે.
“ખાડી ક્ષેત્રના ઊર્જા માળખાને પહેલેથી ઘણું નુકસાન થયું છે. તેમાં મિસાઇલોનો રોકવાના પ્રયાસ દરમિયાન થયેલું નુકસાન પણ સામેલ છે. ઉત્પાદન અને પ્રોસેસિંગમાં અવરોધ, ફેસિલિટીને નુકસાન અને વિતરણ વ્યવસ્થા પર દબાણના કારણે કેટલાય મહિના સુધી ઑઇલ અને એલએનજીનો ભાવ ઊંચો જળવાઈ શકે છે. બૉમ્બમારો અટકી જશે તો પણ ભાવ ઊંચા રહેશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



