Home તાજા સમાચાર gujrati ભારત પાસે ‘કટોકટીના ક્રૂડઑઇલ ભંડારમાં માત્ર પાંચ દિવસ ચાલે એટલું જ ઈંધણ’,...

ભારત પાસે ‘કટોકટીના ક્રૂડઑઇલ ભંડારમાં માત્ર પાંચ દિવસ ચાલે એટલું જ ઈંધણ’, કૅગના રિપોર્ટમાં શું કહેવાયું હતું?

10
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલિયમ પેદાશ, ઈંધણ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ભારતના વ્યૂહાત્મક ક્રૂડઑઇલ ભંડારમાં પાંચ દિવસ ચાલે એટલું ઈંધણ છે, કારણ કે દેશની સંગ્રહક્ષમતાના ત્રીજા ભાગ કરતાં વધુ ભંડાર ખાલી છે.

કમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ (કૅગ)ના ઑડિટના 2025ના રિપોર્ટ પ્રમાણે દેશમાં સંગ્રહક્ષમતાનો વર્ષોથી ઓછો ઉપયોગ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે તાજેતરમાં ગુજરાત સહિત ભારતનાં ઘણાં શહેરોમાં ઈંધણની અછતની બીકને કારણે લોકો ગભરાટમાં ઈંધણની વધુ ખરીદી કરવા લાગ્યા હતા. જોકે, કેન્દ્ર સરકારે આ દરમિયાન કહ્યું હતું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો છે.

તેમણે કહ્યું કે ભારતે ક્રૂડઑઇલની પોતાની આયાત વિવિધતાસભર બનાવી છે અને આવા સંકટનો સારી રીતે સામનો કરવા માટે ક્રૂડઑઇલના સંગ્રહને પ્રાથમિકતા આપી છે.

જોકે, આ અઠવાડિયાની શરૂઆતમાં, પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી સુરેશ ગોપીએ રાજ્યસભાને કહ્યું હતું કે ભારત પાસે તેની કુલ સંગ્રહક્ષમતાના 64 ટકા જેટલો ક્રૂડઑઇલનો સ્ટૉક છે.

રાજ્યસભામાં તેમણે આપેલા જવાબને આધારે ભારત પાસે આંધ્રપ્રદેશ અને કર્ણાટક ખાતે ત્રણ સ્થળોએ 5.33 મિલિયન મૅટ્રિક ટન (એમએમટી) ક્રૂડઑઇલનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર જાળવવાની ક્ષમતા છે.

જે પૈકી હાલ, 3.372 એમએમટી ભરેલો છે, જેનો અર્થ એ છે કે કુલ ક્ષમતાનો ત્રીજો ભાગ ઉપયોગમાં નથી લેવાયો.

આ ભંડાર સરકાર દ્વારા આ ખાસ હેતુ માટે સ્થાપિત ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (આઇએસપીઆરએલ) દ્વારા સંચાલિત છે.

વર્તમાન સ્તરે, આ વ્યૂહાત્મક ભંડારમાં પાંચ દિવસ ચાલે એટલું ઈંધણ છે.

ઑઇલ સંગ્રહ મામલે સરકારે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલિયમ પેદાશ, ઈંધણ

ઇમેજ સ્રોત, Reuters

સરકારે ગત વર્ષે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઑઇલ માર્કેટિંગ કંપનીઓ આ વ્યૂહાત્મક ભંડારથી અલગ 64.5 દિવસ ચાલે એટલો જથ્થો ધરાવે છે. આમ, આઇએસપીઆરએલની 9.5 દિવસ ચાલે તેટલી કુલ ક્ષમતાની સાથે ભારતની કુલ સંગ્રહક્ષમતા 74 દિવસની છે.

નોંધનીય છે કે ભારત ક્રૂડઑઇલના વપરાશમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને પોતાની જરૂરિયાતના 88 ટકા ભાગ માટે આયાત પર નિર્ભર છે.

વાણિજ્ય મંત્રાલયના ડેટાનું વિશ્લેષણ જણાવે છે કે વર્ષ 2025માં ભારતની કુલ ક્રૂડઑઇલ આયાતના 50 ટકા મધ્ય પૂર્વમાંથી થઈ હતી, જે પૈકી મોટા ભાગની ઇરાક, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત પાસેથી થઈ હતી. આ નિર્ભરતા 2019 અને 2022 વચ્ચે 60 ટકાને પાર કરી ગઈ હતી.

આ નિર્ભરતાને પગલે, ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની અડચણ પુરવઠા પર અસર કરી શકે છે. વ્યૂહાત્મક ભંડાર આ પ્રકારની અડચણો સમયે કે અચાનક ભાવવધારા સમયે બફર તરીકે કાર્ય કરે એ માટે હોય છે.

રેટિંગ એજન્સી આઇસીઆરએના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત વશિષ્ટે બીબીસીને જણાવ્યું, “આપણો વ્યૂહાત્મક ભંડાર ઘણો ઓછો છે, અને ઊર્જામંત્રીએ જણાવ્યા પ્રમાણે વ્યૂહાત્મક અને સંચાલકીય ભંડાર 74 દિવસ ચાલે એટલો છે.”

“આ એક નબળાઈ છે, કારણ કે આપણે આયાત પર ઘણા નિર્ભર છીએ. સમય સાથે, મને લાગે છે કે સરકારે (ક્ષમતા) વધારી છે અને વધારવા માટે યોજના ધરાવે છે.”

આગળ જતાં ભારતની વ્યૂહરચના અંગે વશિષ્ટે કહ્યું, “એક છે વધુ વ્યૂહાત્મક અને સંચાલકીય ભંડાર. બીજું છે પુન:પ્રાપ્ય ઊર્જાસ્રોતો પર નિર્ભરતા વધારવી.”

“ત્રીજું છે, આપણા ક્ષેત્રીય ઑઇલ અને ગૅસ સેક્ટરને પુનર્જીવિત કરવું જેથી આપણું ઉત્પાદન વધી શકે.”

ઇન્ટિગ્રેટેડ રિસર્ચ ઍન્ડ ઍક્શન ડેવલપમેન્ટ (આઇઆરએડીઇ)ના ચૅરમૅન અને આયોજનપંચના પૂર્વ સભ્ય કિરીટ પરીખે પણ બીબીસીને જણાવ્યું કે, “ક્રૂડઑઇલની માગ ઝડપથી અને વધુ તીવ્રતાથી ઘટાડવા માટે ખર્ચ કરવો એ સારી વ્યૂહરચના હશે…”

“મને લાગે છે કે માગમાં ઘટાડો કરવા માટેના વિકલ્પો ઉપલબ્ધ છે, અને તેનો ઉપયોગ થવો જોઈએ. આપણે પહેલાંથી જ તેની પાછળ છીએ. આપણે વધુ ઝડપ બતાવવાની જરૂર છે.”

કૅગના રિપોર્ટમાં શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલિયમ પેદાશ, ઈંધણ

ઇમેજ સ્રોત, Firdous Nazir/NurPhoto via Getty Images

કૅગ રિપોર્ટમાં નોંધાયું છે કે સંગ્રહક્ષમતાનો ઓછો ઉપયોગ થઈ રહ્યો છે.

નાણાકીય વર્ષ 2024માં 3.98 એમએમટી ક્ષમતાના અંડરગ્રાઉન્ડ ભંડારમાં 2.91 એમએમટી જ ક્રૂડઑઇલ હતું, જેનો અર્થ છે કે 27 ટકા ક્ષમતા ખાલી હતી.

ભારતમાં, ક્રૂડઑઇલ અંડરગ્રાઉન્ડ ભંડારમાં રાખવામાં આવે છે. જે પથ્થરમાં બનેલી વિશાળ માનવસર્જિત ગુફાઓ છે. આ ગુફામાં રખાયેલું ક્રૂડઑઇલ બાદમાં પાઇપલાઇન થકી ભારતીય રિફાઇનરીઓમાં પહોંચાડવામાં આવે છે.

રિપોર્ટ જણાવે છે કે, “સરકાર/આઇએસપીઆરએલે 5.33 એમએમટી સંગ્રહક્ષમતા વિકસાવી છે, ફેઝ-1માં 19 દિવસના આયાત રક્ષણની કલ્પના સામે 7.88 દિવસ સુધીનું રક્ષણ (માર્ચ 2024) પૂરું પાડે છે.”

બીબીસીએ આ મામલે આઇએસપીઆરએલ પાસેથી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જવાબ મળતાં જ આ અહેવાલ અપડેટ કરવામાં આવશે.

વૈશ્વિક સ્તરે, ઇન્ટરનૅશનલ ઍનર્જી એજન્સીએ દેશોને તેમની કુલ આયાતના 90 દિવસ સુધીનો ભંડાર જાળવી રાખવાની ભલામણ કરાઈ છે.

ડિસેમ્બર 2025 સુધી, જાપાન પાસે તેની આયાતના 208 દિવસ જેટલો અને દક્ષિણ કોરિયા પાસે 200 દિવસ જેટલો ભંડાર હતો. અંદાજ છે કે ચીન પાસે 120 દિવસ સુધી ચાલે તેટલો ભંડાર છે.

તેની સરખામણીમાં, ભારતની વ્યૂહાત્મક અને સંચાલનલક્ષી કુલ સંગ્રહક્ષમતા આ દેશોની સરખામણીએ સારું એવું ઓછું એટલે કે 74 દિવસનું રક્ષણ પૂરું પાડી શકે છે.

જોકે, પરીખનું કહેવું છે કે મોટા ભંડાર જાળવવાની વાત ખર્ચાળ પણ ખરી.

પરીખે ઉમેર્યું, “આ તબક્કે, જ્યારે આપણે સંકટની વચ્ચોવચ છીએ, ત્યારે ભંડાર મજબૂત કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે આ તબક્કે આવું કરવું ખર્ચાળ સાબિત થશે.”

“જો તમે 110 કે 120 ડૉલર પ્રતિ બૅરલ ક્રૂડઑઇલ ખરીદો છો, તો આવી સ્થિતિમાં તેને ભંડારમાં મૂકવાનો કોઈ તર્ક બનતો નથી.”

“આપણે આવું કિંમતો ઓછી હતી ત્યારે કરી લેવું જોઈતું હતું, જેમ કે, પ્રતિ બૅરલ 60 ડૉલર.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS