Home તાજા સમાચાર gujrati ભારત 24થી 36 કલાકમાં હુમલો કરશે એવું પાકિસ્તાનને કેમ લાગે છે?

ભારત 24થી 36 કલાકમાં હુમલો કરશે એવું પાકિસ્તાનને કેમ લાગે છે?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર ખ્વાજા આસિફ નરેન્દ્ર મોદી પહલગામ હુમલો પર્યટક

ઇમેજ સ્રોત, Getty/x.com/TararAttaullah

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ પેદા થયો છે. બંને દેશો વચ્ચે ટક્કરની શક્યતા વચ્ચે દુનિયાના ઘણા દેશોએ સંયમ જાળવવા અપીલ કરી છે.

સોમવારે ચીન, અમેરિકા, તુર્કી અને કતારે આશા વ્યક્ત કરી હતી કે ભારત અને પાકિસ્તાન તણાવ ઘટાડશે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશોની સેના વચ્ચે નિયંત્રણ રેખા (એલઓસી) પર ફાયરિંગ થયું છે.

આ દરમિયાન એવો સવાલ પેદા થાય છે કે શું ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર છે? શું ભારત આગામી કેટલાક દિવસોમાં પાકિસ્તાન સામે કોઈ કાર્યવાહી કરશે?

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પોતાના તાજેતરનાં નિવેદનોમાં આ વાતના સંકેત આપ્યા છે.

બુધવારે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે એક નિવેદનમાં કહ્યું કે ભારત પાકિસ્તાન પર આગામી 24થી 36 કલાકમાં હુમલો કરી શકે છે.

ભારતીય સમય પ્રમાણે સવારે 3.30 વાગ્યે તરારે પોતાના ઍક્સ એકાઉન્ટ પર એક વીડિયો મૂક્યો અને ઉર્દૂમાં પણ એક પોસ્ટ મૂકી હતી.

ખ્વાજા આસિફે શું કહ્યું હતું?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર ખ્વાજા આસિફ નરેન્દ્ર મોદી પહલગામ હુમલો પર્યટક

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે ભારત તરફથી ‘તાત્કાલિક કાર્યવાહી’ થઈ શકે છે.

સોમવારે સમાચાર સંસ્થા રૉયટર્સને આપેલી મુલાકાતમાં ખ્વાજા આસિફે કહ્યું કે, “અમે અમારી સેનાની તહેનાતી વધારી દીધી છે. કંઈક એવું છે જે તાત્કાલિક થઈ શકે છે. આવી સ્થિતિમાં અમુક રાજકીય નિર્ણયો લેવાના હોય છે તે નિર્ણય લેવાઈ ગયા છે.”

ખ્વાજા આસિફે એ પણ કહ્યું કે પાકિસ્તાનની સેનાએ ભારત તરફથી હુમલા અંગે સરકારને સાવચેત કરી છે.

આ ઇન્ટરવ્યૂમાં ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાનના અસ્તિત્વ પર સીધો ખતરો પેદા થશે તો આવી સ્થિતિમાં પાકિસ્તાન પરમાણુ બૉમ્બનો ઉપયોગ કરી શકે છે.

ખ્વાજા આસિફે પોતાના નિવેદનમાં વ્યૂહાત્મક નિર્ણય લેવાની વાત કરી હતી. તેના પરથી એવો સંકેત મળે છે કે પાકિસ્તાન લાઇન ઑફ કન્ટ્રોલ પર સૈન્ય હાજરી વધારે છે.

જોકે, આ ઇન્ટરવ્યૂ પછી ઍક્સપ્રેસ ટ્રિબ્યુન સાથે વાત કરતા ખ્વાજા આસિફે કહ્યુંકે આગામી બે-ચાર દિવસમાં સંભવિત યુદ્ધ અંગે તેમનાં નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે.

ખ્વાજા આસિફે પાકિસ્તાની ટીવી ચૅનલ સમા ટીવી સાથે વાત કરતા કહ્યું કે, “આપણે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. યુદ્ધનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે.”

તેમણે એક જવાબમાં કહ્યું કે, “આગામી બે-ત્રણ કે ચાર દિવસમાં યુદ્ધ થવાની શક્યતા છે.”

જોકે, ત્યાર પછી તેમણે જિયો ન્યૂઝને કહ્યું કે, “મને પૂછવામાં આવ્યું કે યુદ્ધની શક્યતા કેટલી છે, તેથી મેં કહ્યું કે આગામી બે-ત્રણ દિવસ મહત્ત્વના છે. કંઈ થવાનું હશે તો બે-ત્રણ દિવસમાં થઈ જશે.”

ખ્વાજા આસિફે કહ્યું કે તેમનાં આ નિવેદનને યુદ્ધની ભવિષ્યવાણી સમજવું ન જોઈએ, પરંતુ તેમનો અર્થ એવો છે કે આગામી બે-ત્રણ દિવસ મહત્ત્વના છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ એ પણ જણાવ્યું કે પાકિસ્તાને યુદ્ધની સ્થિતિ ટાળવા મિત્ર દેશો સાથે વાત કરી છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાને ખાડીના દેશો અને ચીન સાથે વાત કરી છે, સાથે સાથે બ્રિટન અને અમેરિકા સહિત અન્ય દેશોને પણ સ્થિતિથી વાકેફ કર્યા છે.

ખ્વાજા આસિફ પછી બુધવારે સવારે ત્રણ વાગ્યે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે ઍક્સ પર પોસ્ટ મૂકી હતી.

તરારે પોતાનાં નિવેદનમાં કહ્યું કે “પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત પહલગામની ઘટનાને બહાનું બનાવીને આગામી 24થી 36 કલાકમાં સૈન્ય કાર્યવાહી કરવાનો ઇરાદો ધરાવે છે. કોઈ પણ પ્રકારના હુમલાનો નિર્ણાયક જવાબ અપાશે. ક્ષેત્રમાં સંભવિત વિનાશક પરિણામોની જવાબદારી ભારતની રહેશે.”

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવમાં વધારો

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર ખ્વાજા આસિફ નરેન્દ્ર મોદી પહલગામ હુમલો પર્યટક

ઇમેજ સ્રોત, ANI

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરમાં પહલગામની બૈસરન ખીણમાં પર્યટકો પર થયેલા હુમલામાં એક સ્થાનિક કાશ્મીરી સહિત કુલ 26 લોકોનાં મોત થયાં છે.

ભારતે આ હુમલા પછી પાકિસ્તાન વિરુદ્ધ ઘણાં કડક પગલાં ઉઠાવ્યા હોવાની ઘોષણા કરી હતી.

તેમાં સિંધુ જળસંધિ સસ્પેન્ડ કરવી તથા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો સમાવેશ થાય છે. તેની પ્રતિક્રિયા તરીકે પાકિસ્તાને પણ ભારતીય નાગરિકોના વિઝા રદ કરી દીધા અને શિમલા સમજૂતી સસ્પેન્ડ કરી દીધી છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફના કાર્યાલય તરફથી નિવેદનમાં જણાવાયું હતું કે ભારત સિંધુ નદીનું પાણી રોકશે તો પાકિસ્તાન તેને ‘યુદ્ધની કાર્યવાહી’ માનશે.

આ હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ જાહેર નિવેદનમાં કહ્યું હતું કે ‘દોષિતોને સખત સજા આપવામાં આવશે.’

જોકે, પાકિસ્તાન પહલગામ હુમલામાં પોતાની ભૂમિકાનો ઇન્કાર કર્યો છે.

પહલગામ હુમલાથી સ્થિતિ બદલાઈ ગઈ?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર ખ્વાજા આસિફ નરેન્દ્ર મોદી પહલગામ હુમલો પર્યટક

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે તાજેતરનાં વર્ષોમાં કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાની વાત પર ભાર મૂક્યો છે. આ વર્ષે અહીં વિધાનસભાની ચૂંટણી પણ થઈ છે. સરકારનું કહેવું છે કે અહીં પર્યટકોની સંખ્યા સતત વધી છે.

નિષ્ણાતોના મતે પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ બદલાઈ ગઈ છે.

દક્ષિણ એશિયા બાબતોના નિષ્ણાત માઇકલ કુગલમેને ન્યૂઝવીકમાં એક લેખમાં કહ્યું કે “પહલગામ હુમલો રમતના નિયમો બદલી નાખશે.”

તેમણે લખ્યું કે, “2008ના મુંબઈ હુમલા પછી ભારતીય નાગરિકો પર આ સૌથી મોટો હુમલો છે. હુમલાનાં નિશાન અને પ્રમાણને જોતાં એ નક્કી છે કે ભારત તેનો તાકાતપૂર્વક જવાબ આપશે.”

માઇકલ કુગલમેને ‘ધ ગાર્ડિયન’ સાથે વાત કરતા જણાવ્યું કે, “દિલ્હીના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો જનતાનાં દબાણ અને હુમલાની ભયાનકતાને ધ્યાનમાં રાખતા કોઈ પણ સૈન્ય કાર્યવાહીની સંભાવના ઘણી વધારે છે. આવું થશે તો પાકિસ્તાન નહીં ઈચ્છે કે તે નબળું દેખાય. તેથી પાકિસ્તાન પણ જવાબ આપશે તે નક્કી છે.”

વિશ્લેષકો માને છે કે આવી સ્થિતિમાં ભારત કે પાકિસ્તાન કોઈ પણ તરફથી કરવામાં આવેલું ખોટું આકલન સમસ્યા પેદા કરી શકે છે.

સૈન્ય બાબતોના નિષ્ણાત શ્રીનાથ રાઘવને બીબીસીને જણાવ્યું કે “આપણે એક સખત પ્રતિક્રિયાની અપેક્ષા રાખી શકીએ છીએ. એવી પ્રતિક્રિયા જે માત્ર ભારત નહીં પણ પાકિસ્તાની તત્ત્વોને પણ ભારતના સંકલ્પનો સંદેશ આપી શકે છે.”

ભારતે સપ્ટેમ્બર 2016માં ઉરીમાં સેનાના કેમ્પર પર થયેલા હુમલામાં 19 સૈનિકોનાં મોત પછી પાકિસ્તાનની અંદર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો દાવો કર્યો હતો.

ત્યાર પછી 2019માં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા પછી ભારતે ફેબ્રુઆરી 2019માં એલઓસીથી લગભગ 50 કિમી દૂર બાલાકોટમાં હવાઈ હુમલો કરવાનો દાવો કર્યો હતો.

શ્રીનાથ રાઘવને કહ્યું કે, “2016 અને ખાસ કરીને 2019 પછી જવાબી કાર્યવાહીનો સ્તર સીમાપાર અથવા હવાઈ હુમલા સુધી પહોંચી ગયો છે. તેવામાં કોઈ પણ બાજુએથી ખોટું આકલન થવાનું જોખમ રહે છે.”

પાકિસ્તાનમાં બેચેની?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર ખ્વાજા આસિફ નરેન્દ્ર મોદી પહલગામ હુમલો પર્યટક

ઇમેજ સ્રોત, YouTube/@ISPR

યુદ્ધની આશંકા વચ્ચે પાકિસ્તાન તરફથી આવતાં નિવેદનો શું પાકિસ્તાનમાં ડર કે બેચેની દર્શાવે છે ?

સૈન્ય વિશ્લેષકો માને છે કે આ નિવેદનોનો અર્થ એવો છે કે પાકિસ્તાન એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે ભારત તરફથી કોઈપણ કાર્યવાહી માટે તૈયાર છે.

સૈન્ય નિષ્ણાત અજય શુક્લા કહે છે, “આ પ્રકારનાં નિવેદનો દ્વારા પાકિસ્તાન એ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તેની સરકાર અને સેનાના સ્તરે તૈયારીનો કોઈ અભાવ નથી અને ભારતે જાણવું જોઈએ કે જો પાકિસ્તાન પર હુમલો થશે તો પાકિસ્તાન ચૂપ રહેશે નહીં, તે જવાબ આપશે અને જવાબ આપવા માટે તૈયાર છે.”

અજય શુક્લા કહે છે કે પાકિસ્તાન એવું પણ દર્શાવવા માંગે છે કે તે ભારત સાથે સૈન્ય ટક્કર લેવાની ક્ષમતા ધરાવે છે.

તેમણે કહ્યું કે, “બાલાકોટ વખતે પાકિસ્તાને ભારતીય વાયુસેનાનું એક વિમાન પાડી દીધું હતું. પાકિસ્તાન એ દર્શાવે છે કે ભારત એવું ન સમજે કે તેની ક્ષમતા ઓછી છે.”

તાજેતરના દિવસોમાં એલઓસી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબારની ઘટનાઓ વિશે તેણે કહ્યું કે “ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. નિયંત્રણ રેખા પર જે સેના છે તેના હાથ બંધાયેલા નથી. ગોળીબારની ઘટના દર્શાવે છે કે બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધારે છે.”

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના નિવેદન વિશે અજય શુક્લાએ કહ્યું કે, “પાકિસ્તાનની સેના અને સરકારનાં નિવેદનોને લોકોએ ‘ફેસ વૅલ્યૂ’ પર લેવા જોઈએ. જો તેઓ કહેતા હોય કે અમે ભારત તરફથી થનારી કાર્યવાહી માટે તૈયાર છીએ, તો તેનો અર્થ એ થયો કે અમે પીછેહઠ કરીશું એવું વિચારતા નહીં.”

અજય શુક્લાના માનવા પ્રમાણે ભારત પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી કરશે એવી શક્યતા ઘણી વધારે છે.

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર ખ્વાજા આસિફ નરેન્દ્ર મોદી પહલગામ હુમલો પર્યટક

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ કહે છે, “એ વાતમાં કોઈ શંકા નથી કે જ્યારથી આ હુમલો થયો છે ત્યારથી ભારત અને પાકિસ્તાનનાં નિવેદનો આવ્યાં છે. તેના પરથી સ્પષ્ટ છે કે ભારત કાર્યવાહી કરશે અને આ મોતનો બદલો લેવામાં આવશે. બંને દેશો વચ્ચે ટક્કરની આશંકા વધી ગઈ છે. બાલાકોટની ઘટના પછી બંને દેશો વચ્ચે આટલો તણાવ અગાઉ ક્યારેય ન હતો.”

અજય શુક્લાના કહેવા પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય ટકરાવ થશે તેવા સંકેત પણ મળી રહ્યા છે.

બીજી તરફ પાકિસ્તાનની કાયદ-એ-આઝમ યુનિવર્સિટીના પ્રોફેસર અને સૈન્ય બાબતોનાં જાણકાર ડૉ. સલમા મલિક કહે છે કે “પાકિસ્તાનમાં નથી કોઈ પ્રકારનો ડર, નથી બેચેની કે પૅનિક. પાકિસ્તાન આગામી સ્થિતિ માટે તૈયાર છે અને સંરક્ષણ મંત્રીનાં નિવેદનનો આ જ અર્થ થાય છે.”

તેઓ કહે છે, “સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પાકિસ્તાનના લોકોને કહી રહ્યા છે કે અમે દરેક સ્થિતિ માટે તૈયાર છીએ. ભારત દોસ્તીનો હાથ લંબાવશે તો દોસ્તી માટે, અને હુમલો કરશે તો તેના માટે પણ તૈયાર છે.”

સલમા મલિક કહે છે, “પાકિસ્તાન વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે, પરંતુ જો યુદ્ધ થાય, તો તે તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. પાકિસ્તાન ડરી ગયું છે એવું સમજવું ન જોઈએ. પાકિસ્તાન યુદ્ધની વાત નથી કરી રહ્યું, પાકિસ્તાન કહી રહ્યું છે કે જો ભારત તરફથી કોઈ કાર્યવાહી થાય છે, તો પાકિસ્તાન તેનો જવાબ આપવા તૈયાર છે.”

તેઓ કહે છે, “બાલાકોટ થયું ત્યારે પણ પાકિસ્તાન પાછળ નહોતું હટ્યું. ભારત જેવી કાર્યવાહી કરશે એવો પાકિસ્તાન જવાબ આપશે.”

આગામી થોડા દિવસોમાં સરહદ પર કંઈ થઈ શકે છે કે કેમ, તે અંગેના જવાબમાં, ડૉ. સલમા મલિક કહે છે, “દિલ્હી તરફથી જે કંઈ પણ થઈ રહ્યું છે, અમને લાગે છે કે ભવિષ્યમાં કંઈ પણ થઈ શકે છે. જો કંઈ થવાનું ન હોત, તો આ બધું ન બન્યું હોત.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS