Home તાજા સમાચાર gujrati બ્રિટનની ટોચની કઈ યુનિવર્સિટીઓએ ભારતમાં કૅમ્પસ ખોલ્યાં, વિદેશી કૉલેજનો લાભ દેશમાં રહીને...

બ્રિટનની ટોચની કઈ યુનિવર્સિટીઓએ ભારતમાં કૅમ્પસ ખોલ્યાં, વિદેશી કૉલેજનો લાભ દેશમાં રહીને કેવી રીતે લઈ શકાય?

35
0

Source : BBC NEWS

દિલ્હી નજીક યુનિવર્સિટી ઑફ સાઉધમ્પટનનું નવું કૅમ્પસ

ઇમેજ સ્રોત, Reuters

બે કરોડથી વધુ લોકોની વસ્તી ધરાવતા ધમધમતા મહાનગર મુંબઈમાં અત્યંત શાંત એવા પવઈ લેક વિસ્તારમાં યુનિવર્સિટી ઑફ યૉર્કના ચમકદાર કૅમ્પસને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ સંસ્થાએ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું શરૂ કરી દીધું છે અને આગામી થોડા મહિનાઓમાં તેની કામગીરી શરૂ થશે.

મુંબઈમાં યુનિવર્સિટી ઑફ યૉર્કના પ્રોવોસ્ટ લિન્ડસે ઓડેસે બીબીસીને કહ્યું હતું, “પ્રથમ વર્ષમાં લગભગ 270 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની અમારી યોજના છે અને આગામી વર્ષોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 3,000-4,000 સુધી પહોંચશે.”

ગયા વર્ષે બ્રિટનના વડા પ્રધાન કીઅર સ્ટાર્મરની ભારત મુલાકાત દરમિયાન થયેલી જાહેરાત પછી બ્રિટનની નવ યુનિવર્સિટીઓ ભારતમાં કૅમ્પસ સ્થાપી રહી છે. તેમાં એક યુનિવર્સિટી ઑફ યૉર્ક છે, જ્યારે યુનિવર્સિટી ઑફ એબરડીન, યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટલ, યુનિવર્સિટી ઑફ લિવરપૂલ, ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ અને કૉવેન્ટ્રી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

રાજધાની નવી દિલ્હીમાં સાઉધમ્પ્ટન યુનિવર્સિટીનું કૅમ્પસ શરૂ થઈ ગયું છે. તે યૉર્ક યુનિવર્સિટીની જેમ જ મુખ્યત્વે બિઝનેસ, મૅનેજમેન્ટ અને એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓને મંજૂરી આપવાની જાહેરાત 2020માં દેશની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી હતી. તેના નિયમો 2023માં નોટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ સંસ્થાઓ દેશમાં કામકાજ શરૂ કરી શકે તે માટેની કાયદાકીય વ્યવસ્થા રચવામાં આવી હતી.

ગુણવત્તાયુક્ત શિક્ષણ ઝંખતા ભારતીયો માટે તક

યુનિવર્સિટી ઑફ યૉર્ક

ઇમેજ સ્રોત, University of York

યુનાઇટેડ કિંગ્ડમ (યુકે)ની યુનિવર્સિટીઓ ઘરઆંગણે ગંભીર નાણાકીય દબાણનો સામનો કરી રહી છે ત્યારે આ દરખાસ્ત તેમના માટે તેમજ સ્થાનિક સ્તરે ગુણવત્તાયુક્ત શિક્ષણ ઝંખતા ભારતીય વિદ્યાર્થીઓ બન્ને માટે લાભદાયક લાગે છે. અલબત, તેનું વાસ્તવિક વિસ્તરણ કરવાનું કહેવું જેટલું આસાન છે, એટલું જ મુશ્કેલ હશે.

યુકે સરકારના આંકડા મુજબ, ભારતમાં યુનિવર્સિટી સ્તરે ચાર કરોડ જેટલા વિદ્યાર્થીઓ છે અને 2035ના દાયકા સુધીમાં ઓછામાં ઓછા સાત કરોડ થઈ જશે, જે બ્રિટિશ યુનિવર્સિટીઓ માટે અંદાજે અઢી-ત્રણ કરોડ જેટલી બેઠકોનું માર્કેટ ખોલશે.

એ ઉપરાંત ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની માગ સામે પૂરવઠો બહુ ઓછો છે.

વિદેશી યુનિવર્સિટીઓને ભારતીય માર્કેટમાં પ્રવેશ માટે મદદ કરતી વનસ્ટેપ ગ્લોબલના અરિત્રા ઘોષાલે બીબીસીને કહ્યું હતું, “ભારતમાં દર વર્ષે 1.1 કરોડ વિદ્યાર્થીઓ બારમા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે છે. એ પૈકીના આશરે 15થી 17 લાખ વિદ્યાર્થીઓ ટૉપ ઍકેડેમિક બ્રેકેટમાં હોય છે. ટોચની ભારતીય સંસ્થાઓ એ પૈકીના ફક્ત બે લાખને જ પ્રવેશ આપે છે.”

અરિત્રા ઘોષાલે ઉમેર્યું હતું, “પરવડે તેવી દૃષ્ટિએ જોઈએ તો અંદાજે 40થી 50 લાખ વિદ્યાર્થીઓ હકીકતમાં વાર્ષિક સરેરાશ 11-12 લાખની કિંમતના ડિગ્રી પ્રોગ્રામ્સ વિશે વિચાર કરી શકે છે.”

તે મોટા માર્કેટ માટે નહીં, પરંતુ મૂળભૂત રીતે મહત્ત્વાકાંક્ષી ઉચ્ચ મધ્યમ વર્ગ માટે છે. બ્રિટિશ યુનિવર્સિટીઓ એ તફાવતનો લાભ લઈ શકે છે.

લિન્ડસે ઓડેસેના મતાનુસાર, યુનિવર્સિટી ઑફ યૉર્કના કેમ્પસમાં ફી યુકેમાં યુનિવર્સિટી કૅમ્પસમાં અભ્યાસ કરવાના ખર્ચ કરતાં લગભગ અડધી હશે.

ભારતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સરખામણીએ તે ફી ઘણી મોંઘી હોવા છતાં, પ્રીમિયમ માટે ‘ગુણવત્તાયુક્ત વાજબીપણું’ છે. યૉર્ક જેવી યુનિવર્સિટીઓ વૈશ્વિક ધોરણોનું પાલન કરે છે અને રોજગાર કૌશલ્ય તથા ઔદ્યોગિક ભાગીદારીની માંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ મુંબઈ અને યૉર્ક કૅમ્પસ વચ્ચે હાઇબ્રિડ શિક્ષણ પણ પસંદ કરી શકશે. અન્ય બ્રિટિશ યુનિવર્સિટીઓ પણ આ મૉડલને અનુસરે છે.

આ યુનિવર્સિટીઓને સફળતા મળશે?

કીર સ્ટાર્મરની ગત ભારત મુલાકાત વખતે ભારતમાં યુનિવર્સિટીઓના કૅમ્પસ ખોલવાની જાહેરાત થઈ હતી

ઇમેજ સ્રોત, WPA Pool/Getty Images

લાખો ભારતીય વિદ્યાર્થીઓ લોન લઈને, કૌટુંબિક બચતનો ઉપયોગ કરીને, મુખ્યત્વે કામની સારી તકો માટે સ્થળાંતર કરવા વિદેશમાં અભ્યાસ કરવાનું પસંદ કરતા રહ્યા છે.

મુંબઈ સ્થિત અંકિતા કેજરીવાલનો પુત્ર વિવાન ફાઇનાન્સ અને ઇકૉનૉમિક્સનો અભ્યાસ કરવા આગામી વર્ષે અમેરિકા જવા વિચારી રહ્યો છે. અંકિતા કેજરીવાલે જણાવ્યુ હતું કે વિવાનના મોટાભાગના દોસ્તો અને પિતરાઈઓ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય કાર્ય અનુભવ માટે વિદેશ જવાનું પસંદ કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું, “એ મુખ્ય આકર્ષણ છે. તેઓ થોડાં વર્ષો પછી પાછા આવી શકે છે, પરંતુ તેમણે થોડા સમય માટે ત્યાં કામ તો કરવું જરૂરી છે.”

આ વિદ્યાર્થીઓ માટે ભારતમાં આપવામાં આવતી યુકેની ડિગ્રી વિકલ્પ નહીં હોય. અલબત, ઇમિગ્રેશનના આકરા નિયમોને લીધે કેટલાક વિદ્યાર્થીઓ ભારતમાં વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું પસંદ કરી શકે છે.

અરિત્રા ઘોષાલે કહ્યું હતું, “ઓછાં નાણાં અને વિઝા ઍક્સપોઝર સાથે બ્રાન્ડ વૅલ્યૂ મેળવવા ઇચ્છતા લોકો માટે તે એક કાર્યક્ષમ વિકલ્પ હોઈ શકે છે.”

આ સ્થાનિક કૅમ્પસની સફળતાનો આધાર અનેક પરિબળો પર રહેશે.

અરિત્રા ઘોષાલના કહેવા મુજબ, ભારતીય પ્રાઇસ પૉઇન્ટ પર કાર્યરત યુકેની યુનિવર્સિટીઓ માટે શૈક્ષણિક ધોરણ જાળવવા ‘કૉસ્ટ ડિસિપ્લિન’ અને ‘પ્રોગ્રામ સિલેક્ટિવિટીની’ જરૂરી બનશે.

યુનિવર્સિટીઓએ શરૂઆતથી જ ઉચ્ચ-રોજગાર ક્ષેત્રો માટેના અભ્યાસક્રમો કાળજીપૂર્વક પસંદ કરવા પડશે અને ભારતીય ઉદ્યોગો સાથે સહયોગ કરવો પડશે.

શરૂઆતમાં ઓછા વિદ્યાર્થીઓ આવવાની અપેક્ષા છે. અરિત્રા ઘોષાલના મતાનુસાર, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં પરિણામ દૃશ્યમાન થયાં પછી અને આવા વિદ્યાર્થીઓની નોકરીદાતાઓ માટેની સ્વીકૃતિ સ્થિર થયા બાદ સામાન્ય રીતે પાંચથી સાત વર્ષના સમયગાળામાં વૃદ્ધિ થશે, કારણ કે ભારતમાં ઍનરોલમેન્ટના નિયમો વધારેને વધારે પરિણામ આધારિત થઈ રહ્યા છે.

ભારતમાં નિયમનકારી માળખું મુશ્કેલ હોઈ શકે છે અને યુનિવર્સિટીઓએ ઘણાં સ્તરે વિવિધ સત્તાવાળાઓ તેમજ વ્યવસ્થા સાથે કામ પાર પાડવું પડશે.

મોટા કૅમ્પસ વિકસાવવાની જરૂર પડશે

યૉર્ક સહિતની યુકેની મોટાભાગની યુનિવર્સિટીઓ નિયમનકારી જટિલતાના વ્યવસ્થાપન, કૅમ્પસ સ્થાપના-સંચાલન અને વિદ્યાર્થીઓની નોંધણી માટે દેખીતી રીતે સ્થાનિક શિક્ષણ કંપનીઓ સાથે ભાગીદારી કરી રહી છે.

જોકે, માળખાગત સુવિધાઓની ઉપલબ્ધતા જેવા મહત્ત્વના મુદ્દાઓ પણ આ ક્ષેત્રે પ્રવેશવા ઇચ્છતા લોકો માટે અવરોધ બની શકે છે.

રિયલ ઍસ્ટેટ કન્સલ્ટન્સી એનારોકના જણાવ્યા મુજબ, નવી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓની વધતી માગને પહોંચી વળવા માટે, નવાં કૅમ્પસ માટે લગભગ 30,000 એકર જમીન અને આશરે 2.7 અબજ ચોરસ ફૂટ શૈક્ષણિક માળખાગત સુવિધાઓ વિકસાવવી પડશે.

એનારોકેના તાજેતરના અહેવાલમાં જણાવાયું હતું, “હાલની માળખાગત સુવિધાઓ નીતિગત મહત્ત્વાકાંક્ષાઓ અને વસ્તી વિષયક ગતિ બંને માટે અપૂરતી છે.”

આ શૈક્ષણિક સુવિધાઓના નિર્માણ માટે 100 અબજ ડૉલરની જરૂર પડશે. આ સ્તરનું રોકાણ શક્ય ન હોવાને કારણે “ઘણા નવા પ્રવેશકર્તાઓ, ખાસ કરીને ખાનગી ખેલાડીઓ તથા વિદેશી યુનિવર્સિટીઓ શરૂઆતમાં અસ્કામતો માટે હળવી વ્યૂહરચના અપનાવી શકે છે. પોતાની માલિકીના કૅમ્પસમાં રોકાણ કરતાં પહેલાં હાલની અથવા ખાસ હેતુસર બનાવવામાં આવેલી સંસ્થાકીય ઇમારતોમાં જગ્યા ભાડે લઈ શકે છે,” એમ એનારોકના આશિષ અગરવાલે કહ્યું હતું.

તેમાં કૅમ્પસનો આદર્શ અનુભવ મળશે કે કેમ, તે જોવાનું બાકી છે, પરંતુ વ્યવસાયિક અંદાજોમાં ગણતરીપૂર્વકનું વિસ્તરણ મહત્ત્વનું પરિબળ જણાય છે.

ગયા વર્ષે બ્રિટિશ યુનિવર્સિટીઓએ ઍક્સપૉર્ટમાંથી થનારી કુલ 43 અબજ ડૉલરની કમાણીમાંથી તેમનાં આંતરરાષ્ટ્રીય કૅમ્પસમાંથી માત્ર 1.34 અબજ ડૉલરની કમાણી કરી હતી. ભારતમાં તેમના વિસ્તારથી યુકેના અર્થતંત્રને એક નિર્ધારિત સમયમર્યાદામાં 67 મિલિયન ડૉલરનો ફાયદો થવાની આશા છે. આ રકમ, ભારતીય વિદ્યાર્થીઓએ યુકેનાં કૅમ્પસમાં અભ્યાસ કરવા માટે 2024માં ખર્ચેલા 5.3 અબજ ડૉલરની સરખામણીએ બહુ ઓછી છે. 2024માં ઍડમિશનની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS