Source : BBC NEWS

અપડેટેડ 20 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને ‘કમલા માનકેકર ઍવૉર્ડ ફૉર જર્નાલિઝમ ઑન જેન્ડર’ માં સ્પેશિયલ મેન્શન મળ્યું છે.
નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનૅશનલ સેન્ટર ખાતે વરિષ્ઠ પત્રકાર પી. સાઇનાથ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમને જેન્ડર આધારિત સ્ટિરિયોટાઇપ્સને તોડતા અહેવાલો માટે આ સન્માન મળ્યું છે. અમદાવાદમાં રોટલીઓ બનાવીને ગુજારો કરતી મહિલાઓ, ગુજરાતનાં ગામડાંમાં હૉકી રમતી મહિલા ખેલાડીઓ વિશેનો અહેવાલ તથા જળવાયુ પરિવર્તન મહિલાઓને કેવી રીતે અસર કરી રહ્યું છે તેવા અહેવાલો માટે તેમને આ સન્માન મળ્યું છે.
આ પુરસ્કાર ‘ધ મીડિયા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા આપવામાં આવે છે.

તેમને ગત અઠવાડિયે નવી દિલ્હીમાં પત્રકારિતા ક્ષેત્રમાં ‘કાકા કાલેલકર સન્માન’ પણ આપવામાં આવ્યું હતું. આ સન્માન તેમને ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા અને વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન, નોઇડા દ્વારા આપવામાં આવ્યું હતું.
તેજસ વૈદ્યને આ અગાઉ બે વખત પ્રતિષ્ઠિત રામનાથ ગોયન્કા પુરસ્કાર મળી ચૂક્યો છે.
તેમને વર્ષ 2023માં પ્રાદેશિક ભાષા શ્રેણી તથા વર્ષ 2024માં ગુજરાતી વૅબ ફિચર વીડિયો શ્રેણીમાં લાડલી પુરસ્કાર પણ મળ્યો હતો.
ઇરાકમાં ઇસ્લામિક રેજિસ્ટન્સે અમેરિકાનાં ઠેકાણાં પર હુમલાનો દાવો કર્યો
ઇમેજ સ્રોત, Getty Images
ઇરાકમાં ઇસ્લામિક રેજિસ્ટન્સે કહ્યું છે કે “છેલ્લા 24 કલાકમાં 25 ઑપરેશન્સ કર્યાં છે. જેમાં ઇરાક અને તેના ક્ષેત્રમાં દુશ્મનનાં ઠેકાણાંની સામે ડઝનો ડ્રૉન અને મિસાઇલથી હુમલા કરવામાં આવ્યા.”
આ એવા સમયે થયું છે જ્યારે બગદાદમાં ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટની પાસે અમેરિકાના રાજનાયિકની સુવિધા પર ફરીથી ડ્રૉન વડે હુમલાની ખબર મળી રહી છે.
સૂત્રોએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું, રાજનાયિક અને લૉજિસ્ટિક્સ હબ પર ઓછામાં ઓછા ત્રણ હુમલા થયા. મનાય છે કે તે અમેરિકાના સૈનિકોનું રહેઠાણ છે.
એક અધિકારીએ એએફપીને પુષ્ટિ કરી છે કે ત્રીજા હુમલા બાદ એ ઠેકાણાની પાસે આગ લાગી ગઈ હતી.
કેટલાક દિવસો પહેલા બગદાદમાં અમેરિકાના દૂતાવાસ પર કેટલાંક ડ્રૉન અને રૉકેટથી હુમલા થયા હતા. જ્યારે કે ગત સપ્તાહે પણ બગદાદમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો થયો હતો.
અમેરિકાએ ઈરાનના ઑઇલ પર લાગેલો પ્રતિબંધ ઉઠાવી લીધો
ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના નાણા મંત્રાલયે ઈરાની ઑઇલ પર લાગેલાં પ્રતિબંધોને અસ્થાયી રીતે હઠાવી દીધાં છે. આ ઑઇલ સમુદ્રમાં છે અને તેને અન્ય દેશોને વેચવાની અનુમતિ આપવામાં આવી રહી છે.
અમેરિકાના આ નિર્ણયનો ઉદ્દેશ વૈશ્વિક બજારમાં ઑઇલની કિંમતોને ઓછી કરવાનો છે.
અમેરિકાના નાણા મંત્રી સ્કૉટ બેસેન્ટે ઍક્સ પર એક નિવેદનમાં કહ્યું, “આ અલ્પકાલિક અનુમતિથી લગભગ 14 કરોડ બેરલ ઑઇલ વૈશ્વિક બજારોમાં આવી શકશે.”
બેસેન્ટે કહ્યું કે ઈરાનના આ વેચાણ થકી તેને કોઈ ‘નાણાકીય લાભ’ પહોંચી શકે તે મુશ્કેલ છે.
બેસેન્ટે કહ્યું, “આ પરવાનગી કડકથી માત્ર એ જ ઑઇલ સુધી મર્યાદિત છે, જે પહેલેથી જ રસ્તામાં અટવાઈ ગયું છે. નવી ખરીદારીને પરવાનગી નથી. અમે ઑઇલની કિંમત ઓછી કરવા માટે ઈરાનનાં ઑઇલનો ઉપયોગ તેની સામે જ કરીશું.”
યુદ્ધ શરૂ થયું ત્યાર પછી મધ્યપૂર્વમાં ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઈરાની હુમલા બાદ ઑઇલ અને ગૅસની કિંમત વધી ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



