Home તાજા સમાચાર gujrati બાંગ્લાદેશના યુવાનો શું ભારતવિરોધી થઈ રહ્યા છે, ચૂંટણી પહેલાંનો માહોલ શું કહે...

બાંગ્લાદેશના યુવાનો શું ભારતવિરોધી થઈ રહ્યા છે, ચૂંટણી પહેલાંનો માહોલ શું કહે છે?

14
0

Source : BBC NEWS

બાંગ્લાદેશ, ભારત, બાંગ્લાદેશ ચૂંટણી, પાકિસ્તાન, ઇસ્લામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઢાકા યુનિવર્સિટીની દીવાલો ફરી એક વાર ભારત-વિરોધી લખાણો અને ભીંતચિત્રોથી ભરાઈ ગઈ છે.

દીવાલો પર ક્રોધથી ભરેલાં, વ્યંગાત્મક અને કેટલીક વખત કાવ્યાત્મક ભીંતચિત્રો તથા લખાણો જોવાં મળે છે, જે શેખ હસીનાની સરકારનાં 15 વર્ષના શાસનને ઉથલાવી દેનારા જેન-ઝીની આગેવાની હેઠળના જુલાઈ 2024ના વિદ્રોહની યાદો તાજી કરે છે.

એક સમયે બાંગ્લાદેશમાં લોકશાહી સમર્થનનું પ્રતીક રહેલાં શેખ હસીના વિશે આલોચકો કહે છે કે, તેઓ ઝડપથી ‘નિરંકુશ’ થઈ રહ્યાં હતાં. રાજીનામું આપ્યાં બાદ તેઓ નાસીને ભારત આવી ગયાં હતાં.

વિદ્યાર્થીઓ જૂથ બનાવીને રાજકારણ પર ચર્ચા કરી રહ્યાં છે. છૂટાછવાયા ઘાસની લોન પર ચાઇનિઝ નવા વર્ષ નિમિત્તે થઈ રહેલી સામાન્ય ઊજવણીમાં લાલ ફાનસ ઝૂલી રહ્યાં છે – ચીન અને ભારત, બંને દેશો જ્યાં પોતાનો પ્રભાવ વધારવા માટે હોડમાં ઊતર્યાં છે, તેવા દેશમાં આ એક નાની, પણ સૂચક વિગત છે. અહીં ઘણા લોકો માટે 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીમાં ઘણા લોકો પ્રથમ વખત વાસ્તવિક રીતે બેલટ બૉક્સ સામે ઊભા રહેશે.

શેખ હસીનાની સરકારના પતન બાદ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં સત્તાની ધુરા સંભાળી હતી. શેખ હસીના હાલ દિલ્હીમાં છે.

2024માં સુરક્ષા દળોએ ક્રૂર દમન આચર્યું હતું. તે હિંસામાં સુરક્ષા દળોના હાથે લગભગ 1,400 લોકો માર્યા ગયા હોવાનો સંયુક્ત રાષ્ટ્રોએ દાવો કર્યો હતો. આ કાર્યવાહી બદલ હસીનાની ગેરહાજરીમાં તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ ભારતે શેખ હસીનાને બાંગ્લાદેશ પરત સોંપવાનો ઇન્કાર કરી દીધો છે.

તેમની આવામી લીગ દેશની સૌથી જૂની પાર્ટી છે, જેને આશરે 30 ટકા મતો મળ્યા હતા. આવામી લીગને હવે ચૂંટણી લડવાની મનાઈ ફરમાવી દેવાઈ છે.

વિશ્લેષકો કહે છે કે, મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) હવે અવામી લીગની ગેરહાજરીમાં ખાલી પડેલા ઉદાર-મધ્યમાર્ગી સ્થાનને ભરવાનો પ્રયત્ન કરી રહી છે.

મુખ્ય ઇસ્લામી પક્ષ – જમાત-એ-ઇસ્લામીએ વિદ્યાર્થીઓના બળવામાંથી જન્મેલા એક પક્ષ સાથે જોડાણ કરી દીધું છે.

પરંતુ કૅમ્પસમાં અને તેની બહાર ગૂંજતા નારા કેવળ દેશમાં લોકશાહી વિશે નથી. તે નારા સરહદ પાર તરફ ઇશારો કરી રહ્યા છે.

દીવાલો પર “ઢાકા, દિલ્હી નહીં” લખ્યું છે અને દક્ષિણ એશિયામાં સ્ત્રીઓના પરંપરાગત પોષાક એવી સાડીઓ પર પણ એવાં જ લખાણો લખ્યાં છે. યુવાનોમાં “આધિપત્ય” રોજબરોજની બોલચાલનો શબ્દ બની ગયો છે, જે બાંગ્લાદેશ ઉપરના ભારતના ઘેરા પ્રભાવનું પ્રતીક છે.

‘ભારત ઘણાં વર્ષોથી અમારા દેશમાં હસ્તક્ષેપ કરે છે’

બાંગ્લાદેશ, ભારત, બાંગ્લાદેશ ચૂંટણી, પાકિસ્તાન, ઇસ્લામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Anahita Sachdev/BBC

સમાજશાસ્ત્રના 24 વર્ષના વિદ્યાર્થી મોશર્રફ હુસૈન કહે છે, “યુવા પેઢીનું માનવું છે કે, ભારત ઘણાં વર્ષોથી અમારા દેશમાં હસ્તક્ષેપ કરતું આવ્યું છે. અને ખાસ કરીને 2014ની ચૂંટણી બાદ આ સ્થિતિ જ પ્રવર્તતી હતી. તે મુખ્યત્વે એકપક્ષીય ચૂંટણી હતી.”

બાંગ્લાદેશની લોકશાહી વ્યવસ્થા ધ્વસ્ત થઈ, તેમાં ભારતની ભૂમિકા રહી હોવાની ફરિયાદ ભારત-વિરોધી વલણ પાછળનું મુખ્ય કારણ છે. તેનું પરિણામ એ આવ્યું છે કે, એક સમયે પાડોશી દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોનો આદર્શ ગણાતા ભારત-બાંગ્લાદેશના સંબંધ હવે દાયકાઓના સૌથી નિમ્ન સ્તરે પહોંચી ગયા છે.

લંડન સ્થિત એસઓએએસ યુનિવર્સિટીમાં રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય અભ્યાસો ભણાવતા અવિનાશ પાલીવાલ કહે છે, “બાંગ્લાદેશમાં પ્રવર્તી રહેલાં ભારતવિરોધી પ્રબળ વલણોને કારણે તથા ભારતના પોતાના રાજકીય વિચાર-વિમર્શમાં પાડોશી દેશ પ્રત્યેની કઠોરતા અને ઘણી વખત શત્રુતાભર્યા ઝોકના કારણે ઢાકામાં દિલ્હી સંઘર્ષની સ્થિતિ અનુભવી રહ્યું છે.”

ઘણા લોકો ભારત પર એવો આરોપ લગાવે છે કે, શેખ હસીના તેમના શાસનનાં અંતિમ વર્ષોમાં ‘નિરંકુશ’ બન્યાં હતાં, તેમ છતાં ભારતે તેમને ટેકો આપ્યો હતો. વળી, ઘણા લોકો ભારતને વર્ચસ્વ જમાવનારા પાડોશી તરીકે જુએ છે. તેઓ હજુયે 2014, 2018 અને 2023ની સામાન્ય ચૂંટણીઓ અને ભારત દ્વારા તેને અપાયેલા સમર્થનને યાદ કરે છે.

હુસૈન કહે છે, “ભારતે કોઈપણ પ્રકારના દબાણ વિના, કોઈપણ પ્રશ્ન વિના હસીનાના શાસનનું સમર્થન કર્યું હતું. લોકો માને છે કે, બાંગ્લાદેશમાં લોકશાહીના વિનાશ પાછળ ભારતનો હાથ હતો.”

વિશ્વાસઘાતની તે ભાવના સરહદ પર થતી હત્યાઓ, જળ વહેંચણીના વિવાદો, વેપાર પરનાં નિયંત્રણો તથા ભારતીય રાજકારણીઓ અને ટીવી સ્ટુડિયોઝ દ્વારા આપવામાં આવતાં ઉશ્કેરણીજનક નિવેદનોને લઈને લાંબા સમયથી ચાલી આવતી નારાજગી સાથે જોડાઈને એક વિનાશક ધારણામાં પરિણમી છે. આ ધારણા એ છે કે, ભારત બાંગ્લાદેશને એક સમકક્ષ દેશને બદલે આજ્ઞાકારી દેશ તરીકે જુએ છે.

સ્થાનિક માધ્યમોમાં એવા અહેવાલો આવી રહ્યા છે કે, બાંગ્લાદેશને વીજ પુરવઠો પૂરો પાડી રહેલું એક ભારતીય ઉદ્યોગ જૂથ દેશ સાથે દગો કરી રહ્યું છે. તે ઉદ્યોગ જૂથે તેની સામેના આરોપો નકારી દીધા છે. ફેસબુક પર એક અગ્રણી અખબારને ભારતીય એજન્ટ ગણાવીને તેના પર પ્રતિબંધ લાદવાની ઝુંબેશ ચાલી રહી છે. બંને દેશોએ મોટાભાગની વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે.

બાંગ્લાદેશના એક ક્રિકેટર પર ઇન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)માં રમવા પર પ્રતિબંધ મૂકવાના તેમજ બાંગ્લાદેશની ટી20 વર્લ્ડકપની મૅચો ભારતમાંથી શ્રીલંકા ખસેડવાનો ઇન્કાર કરવાના ભારતના નિર્ણય સામે સીમા પાર અસંતોષ વ્યાપી ગયો છે.

પાલીવાલ કહે છે, “ભારત નિઃશંકપણે બાંગ્લાદેશમાં તમામ હિતધારકો સાથે સંપર્ક ધરાવે છે. પરંતુ, વર્તમાન રાજકીય સ્થિતિમાં આ પ્રકારની ભાગીદારીને સકારાત્મક રાજકીય પરિણામોમાં બદલવી પડકારજનક છે.”

ભારતે ઇસ્લામી તાકાતોનો માર્ગ ખોલી આપ્યો?

બાંગ્લાદેશ, ભારત, બાંગ્લાદેશ ચૂંટણી, પાકિસ્તાન, ઇસ્લામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, REUTERS

દિલ્હીએ વાસ્તવમાં તેની પહોંચ વિસ્તારવાનું શરૂ કરી દીધું છે.

ગયા મહિને વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભૂતપૂર્વ વડાં પ્રધાન તથા બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)નાં નેતા ખાલિદા ઝિયાની અંતિમવિધિમાં હાજરી આપવા માટે ઢાકાની મુલાકાત લીધી હતી. સાથે જ આ પ્રવાસ દરમિયાન તેમણે પક્ષના કાર્યકારી પ્રમુખ તારિક રહમાનની પણ મુલાકાત લીધી હતી. ઝિયા વંશના 60 વર્ષીય વારસદાર રહમાન લંડનમાં 17 વર્ષનો દેશનિકાલ ભોગવ્યા બાદ તાજેતરમાં જ પરત ફર્યા છે અને હવે તેઓ આ ઐતિહાસિક ચૂંટણીના સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઊભરી આવ્યા છે.

ભારતે ઇસ્લામી તાકાતો માટેના માર્ગો પણ ખોલી નાખ્યા છે.

જમાત-એ-ઇસ્લામીના એક વરિષ્ઠ નેતાએ મને જણાવ્યું હતું કે, ભારતીય અધિકારીઓએ છેલ્લા એક વર્ષમાં પક્ષના નેતૃત્વનો ચાર વખત સંપર્ક સાધ્યો છે, જેમાં તાજેતરમાં જ ઢાકાની હોટેલમાં ભારતીય હાઇ કમિશનના પ્રજાસત્તાક દિવસના સમારોહમાં મળેલા આમંત્રણનો પણ સમાવેશ થાય છે.

પણ, આ વ્યૂહાત્મક ફેરફારોથી સંબંધોમાં આવી રહેલી ઓટને અટકાવવામાં ખાસ મદદ મળી નથી. ‘ડેઇલી સ્ટાર’ અખબારના સલાહકાર સંપાદક કમાલ અહમદના જણાવ્યા પ્રમાણે, હાલની તંગદિલી અગાઉની કટોકટીની સ્થિતિઓમાં પણ ન જોવા મળેલું નિમ્ન સ્તર દર્શાવે છે. તેમણે બીબીસીને જણાવ્યું હતું, “તેમાં કોઈ શંકા નથી કે, દ્વિપક્ષી સંબંધો તળિયે જઈ પહોંચ્યા છે.”

17 વર્ષો કરતાં વધુ સમયથી ઢાકાએ “ભારત માટે લગભગ તમામ દ્વાર ખોલી નાંખ્યાં હતાં” – સુરક્ષા સહયોગ, પરિવહન, વેપાર, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સામાન્ય નાગરિકો વચ્ચેના સાંસ્કૃતિક, સામાજિક સંબંધો. અહમદ કહે છે, “આજે કશું આગળ વધી રહ્યું નથી – ન તો લોકો વચ્ચેનો સંબંધ કે ન તો સદ્ભાવના.”

ઉશ્કેરણીજનક નિવેદનોથી મામલો કથળ્યો

બાંગ્લાદેશ, ભારત, બાંગ્લાદેશ ચૂંટણી, પાકિસ્તાન, ઇસ્લામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Anahita Sachdev/BBC

અહમદ કહે છે કે, જ્યારે ભારતીય રાજકારણીઓ બાંગ્લાદેશી સ્થળાંતરિતોને “ઉધઈ” કહે છે કે પછી બાંગ્લાદેશને “ઇઝરાયેલે ગાઝાને આપ્યો, એવો” બોધપાઠ આપવાની વાત કરે છે, તે જોતાં “તમે બાંગ્લાદેશની પ્રજા પાસેથી કેવી પ્રતિક્રિયાની અપેક્ષા રાખો છો?”

તે પછી સાંસ્કૃતિક પ્રતિશોધની શરૂઆત થઈ. રોષથી પ્રેરાઈને ભારતીય ચીજોનો બહિષ્કાર કરવાની હાકલ કરાઈ અને આઇપીએલનું પ્રસારણ અટકાવી દેવાયું. “સંસ્કૃતિ, વ્યાપાર, સન્માન – આ બધું એકતરફી નથી હોતું. દુર્ભાગ્યે વર્તમાન ભારતીય નેતાગીરી આ પ્રકારનો જ વ્યવહાર કરી રહી છે,” એમ અહમદ કહે છે.

તેમ છતાં ઢાકાના અધિકારીઓ જણાવે છે કે, આ સંબંધને માત્ર કટોકટીની દૃષ્ટિએ ન જોવો જોઈએ.

યુનુસના પ્રેસ સચિવ શફીકુલ આલમ ભારત સાથેનાં જોડાણોને “બહુ-પરિમાણીય” ગણાવે છે, જે રાજકારણ અને ભૂગોળ, બંને પર આધારિત છે. તેઓ કહે છે, “અમે 54 સહિયારી નદીઓ ધરાવીએ છીએ… અમારી ભાષા સહિયારી છે, અમારો ઈતિહાસ સહિયારો છે,” એમ તેઓ 4,096 કિલોમીટર (2,545 માઇલ) લાંબી સરહદ પર થતા વ્યાપારી પ્રવાહો અને દૈનિક ગતિવિધિઓને ટાંકીને કહે છે.

અને તેમ છતાં આલમ સ્વીકારે છે કે, જનતાનાં વલણો ઉગ્ર બન્યાં છે.

તેઓ કહે છે, “બાંગ્લાદેશીઓને પૂછો કે તેઓ શા માટે 15 વર્ષ કરતાં વધુ સમય સુધી સ્વતંત્ર રીતે મતદાન ન કરી શક્યા? ઘણા લોકો એક જ જવાબ આપશેઃ શેખ હસીનાની આપખુદશાહી અને તેમને મળેલું ભારતનું પીઠબળ. તેઓ એમ પણ કહે છે કે, હસીનાને હંમેશાથી ભારતનું સમર્થન મળતું રહ્યું છે.”

શેખ હસીના ભારતમાં છે તેનો કેવો પ્રભાવ?

બાંગ્લાદેશ, ભારત, બાંગ્લાદેશ ચૂંટણી, પાકિસ્તાન, ઇસ્લામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

2024ની હિંસા બાદ શેખ હસીના ભારત નાસી ગયાં, તે સંવેદનશીલ મુદ્દો બન્યો છે.

આલમ કહે છે, “સેંકડો યુવાનો માર્યા ગયા… અને તે પછી શેખ હસીના ભારત નાસી ગયાં.” તેમને એક અપમાનિત થયેલાં નેતાના બદલે “સરકારનાં વડાં” ગણવામાં આવતાં લોકોનો રોષ વધુ ભભૂકી ઊઠ્યો.

સાથે જ આલમ ભારતીય મીડિયા કવરેજને પણ સનસનાટીપૂર્ણ ગણાવીને તેની ઝાટકણી કાઢે છે તથા લઘુમતી હિંદુઓ પરના આયોજનબદ્ધ અત્યાચારના દાવાઓને “વ્યાપક દુષ્પ્રચાર અભિયાન” ગણાવે છે. તેમના મતે, છૂટાછવાયા બનાવો જરૂર બને છે, પણ તેને ઘણી વખત ધાર્મિક હિંસા તરીકે રજૂ કરવામાં આવે છે. તેઓ ભારતીય પત્રકારોને અનુરોધ કરે છે, “અહીં આવો, લોકોને મળો અને વાસ્તવમાં શું થયું હતું, તે જુઓ.”

આ દરમિયાન ભારતના જણાવ્યા પ્રમાણે, સ્વતંત્ર સ્રોતોએ વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની 2,900 કરતાં વધુ ઘટનાઓ નોંધી છે – જેમાં હત્યા કરવી, આગ ચાંપવી અને જમીન આંચકી લેવાની ઘટનાઓનો સમાવેશ થાય છે. સાથે જ ભારતે કહ્યું કે, આ તમામ હકીકતો માધ્યમોની અતિશયોક્તિ ન હોઈ શકે કે પછી તેને રાજકીય હિંસા ગણાવીને ફગાવી દઈ ન શકાય.”

હાલમાં યુનુસના વિશેષ સહાયક તરીકે સેવા બજાવતા શિક્ષણવિદ અલી રિયાઝનું માનવું છે કે, સંબંધોમાં પડેલી આ તિરાડ માત્ર ગેરસમજ કરતાં ઘણી વધુ ઊંડી છે.

તેઓ કહે છે, “બંને દેશો વચ્ચેના સંબંધો તળિયે પહોંચ્યા છે.” તેમના મતે, સમય વીતવા સાથે આ સંબંધ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધને બદલે સંકોચાઈને એક પક્ષ અને ભારતીય તંત્ર વચ્ચેના સંબંધો બનીને રહી ગયા હતા.”

લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદોને કારણે સ્થિતિ વધુ કથળી. રિયાઝ કહે છે કે, પાણીની વહેંચણીને કારણે કોટિક્રમ સર્જાય છે. “તમે પાણીને નિયંત્રિત કરો, તે સાથે જ સંબંધો અસમાન બની જાય છે.”

સરહદ પર થતી હત્યાઓ પણ કારમા ઘા કરે છે. “આ હત્યાઓને ભારતીય તંત્રના બાંગ્લાદેશીઓ પ્રત્યેના દૃષ્ટિકોણ સ્વરૂપે જોવામાં આવે છે.” ભારતે સરહદ પર નીપજેલાં અમુક મોતમાં તેના સૈન્ય દ્વારા ગેરકાયદેસર હત્યા કરવામાં આવી હોવાનો ઇન્કાર કર્યો છે.

‘ભારત સાથેના સંબંધો સુધારવા આવશ્યક’

બાંગ્લાદેશ, ભારત, બાંગ્લાદેશ ચૂંટણી, પાકિસ્તાન, ઇસ્લામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANAHITA SACHDEV/BBC

વિશ્લેષકોના મતાનુસાર, આ સમસ્યાઓ આકસ્મિક મુદ્દા નથી, બલ્કે અસંતુલનનું પ્રતીક છે.

આલોચકો એવી દલીલ કરે છે કે, તે અસંતુલન ઘણું વધી ગયું હતું. યુનુસના વિદેશ બાબતોના સલાહકાર મહમ્મદ તૌહિદ હુસૈન જણાવે છે કે, ભારત વચગાળાની સરકાર સાથે સંબંધો પુનઃ પ્રસ્થાપિત કરવાની તક ગુમાવીને સ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહ્યું છે.

તેમણે કહ્યું હતું, “અમે એક કરતાં વધુ વખત આગળ વધવાનો પ્રયત્ન કર્યો, પણ ભારતની પ્રતિક્રિયા અમુક વખત સકારાત્મક, અમુક વખત નકારાત્મક રહી હતી.”

ભારતે બાંગ્લાદેશમાં સુરક્ષાની કથળી રહેલી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને શાંતિપૂર્ણ રીતે, “સ્વતંત્ર, તટસ્થ, સમાવેશક અને ભરોસાપાત્ર ચૂંટણી” હાથ ધરવાની તરફેણ કરી છે.

રાજકીય તંગદિલી હવે આર્થિક જોડાણોમાં પણ જોવા મળી રહી છે. થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર પૉલિસી ડાયલોગ (સીપીડી)નાં ફહમીદા ખાતૂન જણાવે છે કે, જો ટેરિફ અને બિન-ટેરિફ અવરોધો હળવા કરવામાં આવે અને રાજદ્વારી સંબંધો સુધારવામાં આવે, તો 13.5 અબજ ડૉલરનો દ્વિપક્ષી વેપાર હજુ ઘણો વધી શકે છે. “રાજકીય તંગદિલીના કારણે આર્થિક તણાવ ઊભો થયો છે.”

પરંતુ, દેશના સ્તર પર જોવા મળતી આ કઠોરતા સામાન્ય જનતા પર સમાન રીતે લાગુ નથી પડતી.

“જ્યારે પણ હું ભારત વિશે સાંભળું છું, ત્યારે મને લાગે છે કે, તે દુશ્મન છે,” એમ રાષ્ટ્રવાદી ભારત-વિરોધી સંદેશાઓ માટે જાણીતા સાંસ્કૃતિક મંચ – ઇન્કિલાબ મંચનાં ફાતિમા તસનીમ જુમા કહે છે.

“પણ ત્યાંના લોકોની વાત આવે, ત્યારે મારું વલણ બદલાઈ જાય છે.” જુમા કહે છે કે, તેમનો જન્મ હિંદુઓની બહુમતી ધરાવતા વિસ્તારમાં થયો હતો, સંબંધીઓ સહેલાઈથી સીમા પાર આવ-જા કરતાં હતાં. “અમારી લડાઈ ભારતીય સરકાર કે તેની વ્યવસ્થા સાથે છે, તેનાં લોકો સાથે નહીં.”

ચૂંટણી પ્રચાર દરમિયાન ભારત-વિરોધી વલણ ઘણું ઓછું થઈ ગયું છે, જોકે, તેનો અર્થ એ નથી કે, તે વલણ ભૂંસાઈ ગયું છે. પણ, વાસ્તવમાં દરેક રાજકીય ઉમેદવાર સારીપેઠે સમજે છે કે, ભારત સાથેના સંબંધો નવેસરથી શરૂ કરવા આવશ્યક છે.

તેમ છતાં, ભારત-બાંગ્લાદેશનાં સંબંધો ઝડપથી સુધારવાની કોઈ શક્યતા જણાતી નથી.

આલમ કહે છે, “ચૂંટણી થયા પછી કે પછી નવી સરકાર રચાયા પછી નવેસરથી શરૂઆત કરવી સરળ નહીં રહે. મૂળ મુદ્દા યથાતથ્ રહેશે.”

બાંગ્લાદેશ, ભારત, બાંગ્લાદેશ ચૂંટણી, પાકિસ્તાન, ઇસ્લામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images

રિયાઝ કહે છે, “છતાં આ તિરાડ એવી નથી કે, જેને સુધારી ન શકાય. દેશો વચ્ચેના સંબંધો પણ સુધારી શકાય છે. પણ, આ સંબંધ સુધારવાનું ભારણ મહદ્અંશે દિલ્હી પર રહેલું છે અને તે માટે તેણે પસંદગીના મધ્યસ્થો થકી ઢાકાને અંકુશમાં લેવાની તેની આદતમાંથી બહાર નીકળવું પડશે.”

અહમદ કહે છે કે, બાંગ્લાદેશ જોડાણો સામાન્ય કરવા માટે તૈયાર છે, પણ ભારતે ઢાકામાં જેની સત્તા હોય, તેની સાથે કામ કરવાની નવેસરથી શરૂઆત કરવાની જરૂર છે.

રાજકીય હસ્તીઓ આ પરિવર્તનને વ્યૂહાત્મકની સાથે-સાથે નૈતિક દૃષ્ટિકોણથી પણ જુએ છે.

બીએનપી નેતા રહમાનના ચાવીરૂપ સલાહકાર મહદી અમીન સાફ શબ્દોમાં કહે છે, “જેટલો મોટો દેશ, તેટલી મોટી જવાબદારી.”

તેઓ કહે છે, લોકો વચ્ચેના સંબંધો ત્યારે જ વિકસી શકે, જ્યારે ભારત તેની નીતિને બાંગ્લાદેશીઓની આકાંક્ષાઓને અનુરૂપ બનાવે.

જમાત-એ-ઇસ્લામીના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી અહસાનુલ મહબૂબ ઝુબૈર આ વાતનો પડઘો પાડે છેઃ “જો બંને દેશના શાસકો પ્રામાણિકતાથી કામ કરે, હાલની વાસ્તવિકતાઓનો સ્વીકાર કરે અને એકમેક સાથે ગૌરવપ્રદ વ્યવહાર કરે, તો રચનાત્મક સંબંધ સ્થપાવો શક્ય છે.”

સુધારા માટેની તે તક હજુયે મોજૂદ છે – અને નવી સરકાર પરિવર્તન લાવી શકે છે.

પાલીવાલ કહે છે, “ભૂગોળ, ઈતિહાસ અને સહિયારો સાંસ્કૃતિક વારસા પરથી એટલું તો સ્પષ્ટ છે કે, ભારત અને બાંગ્લાદેશ એકમેકના અસ્તિત્વને નકારી ન શકે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS